બોલો, દુબઈની ફ્લાઇટ, દિલ્હીમાં રેપ, પાકિસ્તાની નંબર ને આસામમાં પેમેન્ટ!
સાયબર સાવધાની – પ્રફુલ શાહ
મહત્ત્વ સ્થળનું નથી. મુંબઈ, અમદાવાદ, બેંગલુરુ કે ચેન્નાઈમાં પણ બની શકે છે
દિલ્હી જેવો ભયંકર કિસ્સો. શું થયું દિલ્હીમાં?
એક વયસ્ક દંપતીનો જુવાન દીકરો દુબઈની ફ્લાઇટ પકડવા માટે સવારે
એરપોર્ટ જવા નીકળ્યો. પુત્રને છાશવારે વિદેશ અવરજવર રહે એટલે બધું સામાન્યવત હતું, પરંતુ અચાનક અકલ્પ્ય બની ગયું.
ફ્લાઇટ ઊપડવાના સમયથી દોઢેક કલાક બાદ વ્હોટસએપ પર વીડિયો કોલ
આવ્યો. સામે પોલીસ ઑફિસર દેખાયો. તેણે રોબદાર અવાજમાં ધડાકો કર્યો: બળાત્કાર કેસમાં કેટલાક યુવાનો સાથે તમારા દીકરાને અટકાયતમાં લેવામાં આવ્યો છે. મા-બાપને પોતાનાં કાન પર વિશ્ર્વાસ જ ન બેઠો: સંભવ જ નથી કે અમારો લાલ આવું કરે.
પપ્પાએ તરત કોલ કટ કરી નાખ્યો.્ દિકરાનો મોબાઈલ ફોન નંબર ડાયલ કર્યો તો બેલ જ વાગતી રહી. એમાં ય પાછી ભારતવાળો ઓરીજીનલ રિંગ ટોન સંભળાતો હતો. ફફડાટ થયો કે ખરેખર એ દુબઈની ફ્લાઇટમાં બેઠો જ નથી?
ધર્મસંકટ ઊભું થયું કે હવે કરવું શું? કોની મદદ માગવી? કોઈ ઉપાય સુઝે એ પહેલાં ફરી પેલા પોલીસ ઑફિસરનો ફોન આવ્યો. આસપાસના આવાજ ફોનમાં સંભળાયા: અરે, મીડિયાને દૂર જ રાખજો. એમને જરાક અમથી ય ગંધ આવી તો ગામ ગજાવતા જરાય વાર નહિ લાગે. પપ્પાએ ગભરાયા વગર સંભળાવી દીધું કે હું આ માની શકતો નથી, પહેલા મને દીકરા સાથે વાત કરાવો.
એ જ સમયે દીકરાનો અવાજ સંભળાયો, જે રીતસર કરગરતો હતો: ‘મ..મને બચાવી લો, પોલીસ ખૂબ મારપીટ કરે છે’. મા-બાપ આવાજ ઓળખી ગયા.
ત્યાં જ પોલીસ ઑફિસરે મોઢું ફાડ્યું: ‘હવે તમારા દીકરાને કોર્ટમાં જજ
સમક્ષ હાજર કરવા લઈ જઈશું. એમ થતું રોકવા માટે અમે મોકલેલા નંબર પર તાત્કાલિક દોઢ લાખ રૂપિયા પેટીએમ
કરી દો’.
હજી મમ્મી કે પપ્પાનું મન માનતું નહોતું. પપ્પા પોલીસ ઑફિસર સાથે અલગ અલગ વાતોમાં સમય વિતાવતા રહ્યા. મમ્મી સતત પુત્રનો નંબર ડાયલ કરતાં રહ્યાં. બેલ વાગતી રહી. આમ ને આમ બે કલાક નીકળી ગયા. દરમિયાન, દિલ્હીના બધા પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી પણ ક્યાંય બળાત્કારનો કેસ નોંધાયો નહોતો. બે કલાક બાદ સામેથી દીકરાએ ફોન કરીને કીધું કે હું હેમખેમ દુબઈ પહોંચી ગયો છું.
પછી હકીકત સામે આવતી ગઈ. દીકરો પ્લેનમાં હોવાથી ફોન ઉપાડી શકવાનો નહોતો. એ અગાઉ એનું સિમ કાર્ડ હેક કરાયું હતું એટલે રિંગ સંભળાતી હતી. કોઈક જાણતું હતું કે વિમાનમાં ઉડતાં દીકરા સાથે વાત નહિ થઇ શકે. આને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના (દુર+)ઉપયોગથી દીકરાએ ન બોલેલા સંવાદો મા-બાપને સંભળાવાયા.
તપાસમાં બહાર આવ્યું કે વીડિયો કોલ પાકિસ્તાનના નંબર પરથી આવ્યો હતો, પેટીએમ માટે અપાયેલો નંબર સામનો હતો. સો-સો સલામ આ મમ્મી-પપ્પાની ધીરજ, સ્વસ્થતા અને તેજ બુદ્ધિમતાને. અણીના સમયે આ બધું જ કામ લાગ્યું ને?
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ફોન કોલને જરાય સિરિયસલી ન લેવા. ગભરાવું નહિ, ને ઉતાવળ ક્યારેય ન કરવી.