ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… સ્મશાન વૈરાગ્ય: ક્ષણિક આવીને ભાગી કેમ જાય છે?

-દેવલ શાસ્ત્રી

સ્મશાન નામનો સિલેબસ હોય તો એકમાત્ર લેસન યાદ રાખવાની જરૂર છે કે જીવન ક્ષણભંગુર છે
યુધિષ્ઠિરના ભાઇઓ ઝેરી પાણી પીને મૃતપ્રાય થઈ ગયા હતા ત્યારે યુધિષ્ઠિરે એમને બચાવવા યક્ષ સાથે થયેલી પ્રશ્નોત્તરી વખતે જે રીતે યુધિષ્ઠિર સચોટ જવાબ આપ્યા હતાં, એ જોતાં તો ક્યારેક માની જ ન શકાય કે આ માણસ જુગાર રમીને પરિવારને જોખમમાં મૂકી શકે.

યક્ષે એક સવાલ પૂછ્યો હતો કે, ‘જગતનું સૌથી મોટું આશ્ર્ચર્ય ક્યું છે?’

યુધિષ્ઠિર જવાબ આપ્યો હતો કે, ‘નિકટના સંબંધીને મરતાં જોવા છતાં પોતે ક્યારેય મરવાનો નથી તેવો મોહ રાખવો એ મનુષ્ય જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે.’

આ આશ્ર્ચર્યનો અનુભવ જયારે આપણા કોઈ સંબંધીનું નિધન થાય ત્યારે સમજાય છે. સ્મશાન એ એવી જગ્યા છે જ્યાં મૃત્યુનું સીધું અને કઠોર સ્વરૂપ નજર સામે આવે છે. ચિતાને અગ્નિદાહ આપવામાં આવે ત્યારે વ્યક્તિમાં વૈરાગ્યભાવ જાગ્રત થઇ જાય છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : રાજનીતિની ચર્ચા જરૂર કરો, પણ સાથે થોડી જાણકારી પણ રાખો!

માણસ સ્મશાનમાં જાય ત્યારે વૈરાગ્યભાવ આવવાનું કારણ એ છે કે સ્મશાનનું વાતાવરણ અને મૃત્યુની નિકટતા જીવનની નશ્વરતાનું ભાન કરાવે છે. સ્મશાનમાં મૃતદેહ સાથે સંબંધીઓ, અંતિમસંસ્કારની પ્રક્રિયા, વિચિત્ર વાસ ધરાવતા ધુમાડા વચ્ચે માણસનું મન થોડું ધીમું પડતું હોય છે. એ અલગ વાતાવરણ માણસને યાદ અપાવે છે કે જીવન ક્ષણિક છે. સ્મશાનમાં મૃતદેહો, અંતિમ સંસ્કાર અને અલગ શાંતિ જોવા મળે છે, જે માણસને દુન્યવી સુખો, સંપત્તિ અને ઈચ્છાઓની ક્ષણભંગુરતા યાદ અપાવે છે. આ અનુભવ માણસને જગતથી વિમુખ કરીને આત્મચિંતન કરવા માટે પ્રેરે છે.

સમૃદ્ધ, શક્તિશાળી કે દેખાવડી વ્યક્તિનું શરીર નજર સામે અગ્નિમાં બળીને રાખ બની જાય છે ત્યારે આપણને અહેસાસ થાય છે કે શારીરિક અને ભૌતિક બાબતોનું કોઈ કાયમી મૂલ્ય નથી. આ અહેસાસ વૈરાગ્યનું કામચલાઉ પહેલું પગથિયું બને છે. ભારતીય દર્શનમાં, ખાસ કરીને વેદાંત અને બૌદ્ધ દર્શનમાં કશું કાયમી નથીનો વિચાર કેન્દ્રમાં રહ્યો છે. સ્મશાનમાં દરેક વસ્તુ ક્ષણભંગુર હોવાના આ વિચારનો અનુભવ થાય છે. આ અનુભવ માણસના મનને દુન્યવી સુખો, સંપત્તિ, સંબંધો અને મહત્ત્વાકાંક્ષાઓની દુનિયામાંથી અલગ દિશામાં લઇ જાય છે અને આપણા મનમાં વૈરાગ્યનો ભાવ જાગે છે.

સ્મશાનમાં રોજિંદા જીવનનો ઘોંઘાટ, દોડધામ અને ભૌતિક ચમક-દમક ગેરહાજર હોય છે. આ શાંતિ મનને ખાલીપણાનો અનુભવ કરાવે છે. આ સંજોગોમાં મનમાં જીવન પરત્વે પ્રશ્નો ઊભા થાય છે. ‘જીવનનો હેતુ શું છે?’ અથવા ‘આ બધું પ્રાપ્ત કર્યા પછી શું?’ જેવા વિચારો એને ઘેરી વળે છે. આ પ્રશ્નોના તત્કાળ કોઈ જવાબ હોતા નથી અને તે વૈરાગ્યની ભાવનાને વધુ તીવ્ર બનાવે છે. જ્યારે વ્યક્તિ ભૌતિક દુનિયામાં પાછો આવે છે, ત્યારે વૈરાગ્યભાવ નબળો પડી જાય છે. આધ્યાત્મિક ગ્રંથોમાં આવા વૈરાગ્યને સ્મશાન વૈરાગ્ય કહેવામાં આવે છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : સ્થાપત્ય ફક્ત ઇમારત નથી, એ જિંદગીની કવિતા પણ છે!

મૃત્યુનું ચિંતન ઘણા લોકો માટે ભય અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે. સ્મશાનમાં આ ભય વૈરાગ્યના રૂપમાં પ્રગટ થાય છે, પરંતુ સ્મશાનમાંથી બહાર નીકળતાં જ આ ભયને ટાળવા માટે વ્યક્તિ રૂટિન જિંદગીમાં જાણી જોઈને ડૂબી જાય છે. મન અસ્વસ્થ કરનારા વિચારોને દબાવીને ગમતા વિષય પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વ્યક્તિ ડરનો માર્યો સ્મશાનનો ગહન અનુભવ ઝડપથી ભૂલાવા પ્રયત્ન કરે છે.

આપણે અનુભવ્યું છે કે માણસ સ્મશાનમાંથી બહાર નીકળે છે, તે શ્રદ્ધાંજલિ આપવાના બહાને મોબાઈલ ખોલે છે અને વૈરાગ્ય ગાયબ થવા લાગે છે. ભારતીય દર્શનમાં માયાની ભ્રમજાળ પર ઘણું બધું સાહિત્ય લખવામાં આવ્યું છે.

સ્મશાનમાં સંસારની માયા થોડા સમય માટે નિરર્થક લાગે છે, પરંતુ બહાર નીકળતાં જ રોજિંદા જીવનમાં પરિવાર, મિત્રો, કામ, મનોરંજન, સોશિયલ મીડિયામાં મનને પરોવતાં વૈરાગ્યની ભાવનાથી દૂર થઇ જાય છે. માયાની દુનિયામાં સુખ અને વ્યસ્તતા મળતાં જ વ્યક્તિ સ્મશાનના ગંભીર ચિંતનને ભૂલી જાય છે.

સ્મશાનમાં આવેલા વૈરાગ્ય ભાવને સ્થાયી કરવાની ઈચ્છા દરેક વ્યક્તિને હોય છે. ઊંચી ઇમારત ઊભી કરવા પાયો મજબૂત હોવો જરૂરી છે. વૈરાગ્યનો ભાવ સ્થાયી બનાવવા માટે કેટલાક પાયા મજબૂત કરવા પડે. વૈરાગ્ય ભાવને કાયમી કરવા આધ્યાત્મિક સાધના, ધ્યાન, સારા પુસ્તકોનું વાંચન અથવા ગુરુનું માર્ગદર્શન જરૂરી છે. સ્મશાનમાં ઉદ્ભવેલો વૈરાગ્ય એક એવા બીજ જેવો છે, જેને ખીલવા માટે નિયમિત પોષણની જરૂર હોય છે. મોટાભાગના લોકો આ ભાવને આગળ લઈ જવા માટે કોઈ નિશ્ર્ચિત પ્રયાસ કરતા નથી અને પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : બાળકોને લોકકથા કહેતા રહો, કારણ કે…

વ્યક્તિ સ્મશાનમાં હોય ત્યારે દુ:ખી પરિવારો અને મૃત્યુનું દૃશ્ય જોવાથી મનમાં સહાનુભૂતિ અને ક્ષમાની લાગણી જાગે છે. એ સમયે એને યાદ આવે છે કે નાનકડા જીવનમાં અભિમાન કે નારાજગી રાખ્યા વગર સહુ સાથે પ્રેમથી રહેવું જોઈએ. નાની- મોટી ભૂલ માટે માફી આપતા અને માફી માંગતા શીખવાની જરૂર છે. સ્મશાનમાંથી બહાર નીકળતા માણસ પ્રતિજ્ઞા લેતો હોય છે કે પરિવાર સાથે શક્ય એટલો વધુ સમય કાઢવો જોઈએ.

સ્મશાનમાં માણસ પોતાના મનને પ્રશ્ન પૂછે છે કે ‘જીવનનો હેતુ શું છે’ એનો જવાબ શોધવા પ્રયત્ન કરવો જોઈએ. આ પ્રશ્નનો વિચાર કરે તો તેને સમજાશે કે જીવન ફક્ત ભૌતિક સફળતા કે સુખોની પાછળ દોડવા માટે નથી. જિંદગી તો સત્યની શોધ અને પ્રેમ તથા સંવેદના વ્યક્ત કરવા માટે બની છે.

ઓશો કહેતા કે સ્મશાન ગામની બહાર રાખવું જોઈએ નહિ, સ્મશાન ગામની બરોબર વચ્ચે રાખવું જોઈએ. સ્મશાનની આસપાસ દરેક વ્યક્તિએ પસાર થવું પડે એ પ્રકારનું આયોજન કરવું જોઈએ. જો ગામની વચ્ચે સ્મશાન હશે તો કેટલાય પ્રકારની ગુનાખોરી ઘટી શકે છે અને સમાજમાં પ્રેમ અને લાગણી વધી શકે છે. સ્મશાન નામનો સિલેબસ હોય તો એકમાત્ર લેશન યાદ રાખવાની જરૂર છે કે જીવન ક્ષણભંગુર છે. મૃતદેહ, અંતિમ સંસ્કાર અને રાખનું જોઈને શીખવાની જરૂર છે કે શરીર, સંપત્તિ, સંબંધો અને દુન્યવી સિદ્ધિઓમાં કશું જ કાયમી નથી.. દરેકના જીવનનો અંત નિશ્ર્ચિત છે. આ સત્ય સામે કોઈ શક્તિ ટકી શકતી નથી. ઈશ્વરના અવતાર પણ ધરતી પર પ્રગટ થયા છે ત્યારે એમણે પણ આ જ નિયમનું પાલન કર્યું છે- કરવું પડ્યું છે.

આ પણ વાંચો: ઔર યે મૌસમ હંસીં… : તુમ્હારી અમૃતા: મરતાં સુધી શીખતાં જ રહેવાનું?

આજથી આપણે ધ્યાન રાખીએ કે સ્મશાનમાં ઉદ્ભવતો વૈરાગ્ય ભાવ ક્ષણિક હોય છે, કારણ કે માણસનું મન રોજિંદા જીવનના સુખ અને આકર્ષણોમાં ખોવાઈ જાય છે. હકીકતે આ કોઈ વૈરાગ્ય નથી પણ ક્ષણ માટે થતી ભાવના છે. આ ભાવને સાધના, ચિંતન, વાંચન કે યોગ્ય ગુરુના માર્ગદર્શન દ્વારા આગળ વધારવામાં આવે તો માણસજાત જીવનનો માર્ગ બદલી શકે છે.

ધ એન્ડ
મૃત્યુની ઊંઘમાં કેવાં કેવાં સ્વપ્ન આવતા હશે?

(શેક્સપિયર)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button