ઈન્ટરવલ

સિમ સિમ લૂંટ જાનાનું કાર્ડ, મોટું જોખમ

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

મોબાઈલ ફોન અને સિમકાર્ડ એટલે સાયબર છેતરપિંડીની મોટામાં મોટી શક્યતાની ફેક્ટરી. હા, આ બન્ને વગર સયબર ફ્રોડની સંભાવના ઘણી ઓછી થઈ જાય.

આ વધુ સારી રીતે સમજવા માટે સાયબર ઠગોની મોડસ ઓપરેન્ડીમાં ઊંડા ઊતરવું પડે. પોતાના સાચા નામે નોંધાયેલ સિમકાર્ડની મદદથી છેતરપિંડી કરવામાં જેલના સળિયા જલદી અને વારંવાર ગણવાનો વારો આવે. એટલે આ ઠગ મંડળી જાતનવા ગતકડાં અજમાવીને વધુને વધુ સિમકાર્ડ મેળવી લે. પણ ફોટા અને આધારકાર્ડ વગર સિમકાર્ડ ન મળે તો એ કેવી રીતે શક્ય બને?
સાયબર ઠગી કરનારી ગેંગમાં કોણ-કોણ અને ક્યાં રોલમાં સામેલ હોય એ સમજવું કે જાણવું ખૂબ મુશ્કેલ છે. કાયદેસર તો અમુક વ્યક્તિની જાણ બહાર એના નામ, ફોટાનો દુરુપયોગ પણ થઈ જાય છે. ૨૦૨૩ના મે માં એક ભયંકર કૌભાંડ પર્દાફાશ થયું એના થકી અંદાજ આવે કે એના છેડા ક્યાં-ક્યાં સુધી પ્રસરેલા છે.

દૂરસંચાર વિભાગે હાથ ધરેલી તપાસમાં બહાર આવ્યું હતું કે દેશભરમાં ત્રીસ લાખથી વધુ બોગસ સિમકાર્ડ અપાયા હતા. આમાં સિમકાર્ડ અસલી હોય પણ એ બનાવટી ઓળખને આધારે અપાયા હોય. અમુક કેસમાં તો મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર કંપનીના ડિલર અને સબ-ડિલર જ આ ગોરખધંધામાં સામેલ હતા. એ વળી કેવી રીતે!

આ ભાઈલોગ અલગ-અલગ ગેટઅપ અને એંગલમાં પોતાના ફોટા પડાવી લે છે ત્યાર બાદ પોતાની પાસે સાચુકલા ગ્રાહકોના અસલી આધારકાર્ડની કોપી હોય એમાં આ ફોટા ચોંટાડી દે. પછી આ અસલી-નકલી મિક્સ ઓળખપત્ર પર સિમકાર્ડ આપીને પોતાની પાસે રાખી લે. ત્યાર બાદ સિમકાર્ડ કઢાવીને ઠગ ટોળકીને ઊંચા ભાવે વેચી દે. ઠગોને તો આ કાર્ડ થકી તોતિંગ બેનંબરી કમાણી થવાની હોય એટલે એમને પાંચસો-હજાર રૂપિયા આપવાનું ભારે ન પડે.

આવા વધુને વધુ બોગસ સિમકાર્ડનો ઉપયોગ સાયબર ક્રાઈમ ઉપરાંત અપરાધિક પ્રવૃત્તિ, આર્થિક ગુનાખોરી અને ગોરખધંધા કરતા કોલ સેન્ટરમાં ઉપયોગ થાય તો કહેવાની જરૂર નથી.
મુંબઈમાં એ સમયે સાડા આઠ હજાર બોગસ સિમકાર્ડ ગજવા ભેગા કરાયાનું બહાર આવ્યું હતું, પણ આ તો મૂળ સંખ્યાના બે-પાંચ ટકાય ન હોવાનો અંદાજ છે. દેશભરમાં ત્રીસેક લાખ બોગસ કાર્ડ હોવાનું બહાર આવ્યું હતું પણ એ આંકડોય ધારણાથી ઘણો મોટા હોવાનું મનાય છે.

આ બધા વચ્ચે આપ છો, કાનૂન-પ્રિય અને દરેક વેરો ચૂકવતા નાગરીકોએ જ્યાં ત્યાં આધારકાર્ડની કોપી આપવી પડતી હોય છે. એનો પણ ભયંકર દુરુપયોગ થવાની ભીતિ રહે છે. આ માટે ‘માસ્કડ’ આધારકાર્ડ તાકીદે મેળવી લેવું જરૂરી છે, પ્રમાણમાં ઘણું સલામત ગણાય છે.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
ખુદ કેન્દ્ર સરકારના પ્રધાનશ્રીએ સંસદમાં ૨૦૨૦ના ડિસેમ્બરમાં આપેલી માહિતી મુજબ ૨૦૧૯માં શરૂ કરાયેલ સિટીઝન ફાયનાન્સિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ પાસે સાયબર ગુનાની છ લાખ ફરિયાદ આવી હતી. આને પગલે ૧.૧૧ લાખ ફરિયાદોમાં રૂા.૧૮૮ કરોડની રકમ બચાવી શકાઈ હતી. ન થયેલ ફરિયાદ, ડૂબેલી રકમ કેટલી? અને ૨૦૨૩ માં શું થયું હશે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button