ઝૂલતા મિનારાવાળી સીદી બશીરની કલાત્મક મસ્જિદ-અમદાવાદ
તસવીરની આરપાર -ભાટી એન.
“તમે કદી ઝૂલતા મિનારા જોયા છે…!? એક મિનારાને હલાવો તો બીજો મિનારો હલે છે…!! વચ્ચેના ભાગે કોઈ ટેક્નિક નથી તોય આવી કંપન થાય તે તો ગજબ કેવાય કે નહીં…!!? તો આજે તમને કલાત્મક ભવ્યતાતિભવ્ય ઝૂલતા મિનારા બતાવું ને તેના ઈતિહાસ પર દૃષ્ટિગૌચર કરીએ, અમદાવાદ ગુજરાતનું પાટનગર અગાઉ પણ હતું અને આજે પણ ગાંધીનગર અમદાવાદ સાથે કનેકટ હોય તેવો વિકાસ થતા અમદાવાદ પાટનગર જેવું લાગે છે. અમદાવાદ પર અગાઉ મુસ્લિમ રાજાઓનું શાસન હતું એટલે અમદાવાદમાં કલાત્મક મુસ્લિમ સ્થાપત્યો ઘણા છે. તેમાં સિદી સૈયદની ઝાળી, જુમા મસ્જિદ, સરખેજના રોજા, વાવ અને મસ્જિદો અસંખ્ય છે. તેમાં આપણે અમદાવાદ (કાલુપુર) રેલવે સ્ટેશનની બન્ને બાજુ મિનારાઓ આવેલ છે, તેમાં સારંગપુર, ગોમતીપુર પાસે આવેલ ઝૂલતા મિનારા સીદી બશીરની મસ્જિદ એક અજાયબીથી કંઈ કમ નથી. આ બન્ને મિનારાઓમાં શરૂઆતમાં જ અદ્ભુત કલા કોતરણ ભરપૂર છે. ઉપર જતા મિનારાઓ ત્રણ માળાના છે. આ સ્થાપત્ય ઈ.સ. ૧૫૧૦માં બનાવેલા મિનારા મસ્જિદ અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ દર્શનવાળી મિનારા મસ્જિદ મોગલશૈલીમાં બનાવેલ છે.
ગોમતીપુરમાં ૪૫૯૮.૭ ચોરસ મીટરમાં પ્રસરેલી બીબીની મસ્જિદના ત્રણ કમાનદારવાળા મુખ્ય મુખ ભાગ પર વચ્ચેની કમાનની બન્ને તરફ એક એક એમ બે મિનાર આવેલા છે. તેમાંથી એક કોઈ કારણોથી ખંડિત થયો છે. આથી છતની ઊંચાઈ જેટલો જ હયાત છે. એક લોકવાયકા પ્રમાણે અંગ્રેજોએ ઝૂલતા મિનારાની તક્નિકી રહસ્ય જાણવા આ ખંડિત થયેલો મિનાર તોડાવ્યો હતો.
અમદાવાદની મોટાભાગની મસ્જિદોમાં જેમ મિનારમાં સર્પાકાર નિસરણી નીચેથી જ શરૂ થાય છે. તેમ આ મિનારમાં નથી…! મિનાર પર પહોંચવા માટે મસ્જિદની છત સુધી દીવાલની જાડાઈમાં બનાવાયેલ નિસરણીનો ઉપયોગ જરૂરી બને છે અને ત્યાર બાદ સર્પાકાર નિસરણીથી ઉપર ચઢાય છે. આ મસ્જિદમાં પાંચ સુદર મહેરાબમાં હિંદુ સ્થાપત્યની ભાત ધ્યાનાકર્ષક છે….! તે ઉપરાંત મસ્જિદની ઉત્તર દિશામાં પ્રવેશ મંડપ છે, જેના પરના ઘૂમટની કોતરણી ઉલ્લેખનીય છે. આ મિનારના ઉપરના ઝરૂખે ઊભા રહી હાથથી ધક્કા આપી કંપન પેદા કરી શકાય છે…! અને તેમ કરવાથી બીજા ઝરૂખામાં પણ કંપન ઉદ્ભવે છે. વિવિધ નિષ્ણાતોએ આ કંપન માટેનાં વિવિધ કારણોની છણાવટ કરી છે, જેમાં પ્રમાણમાં પોચા તથા સ્થિતિ સ્થાપક પથ્થરોથી બનાવવામાં આવતો પાયો મિનાર વચ્ચે આવેલ સર્પાકાર નિસરણીથી ઉત્પન્ન થતી સ્પ્રિંગ જેવી અસર મિનારની ઊંચાઈ તથા તેના તળ-આધારનો ગુણોત્તર બંને મિનારાને જોડતા પુલની બાંધણી તથા બાંધકામમાં પથ્થરના સ્થિતિ સ્થાપક સાંધા બનાવવાની વિશિષ્ટ રીતનો સમાવેશ થાય છે.