ટૂંકી વાર્તા: જખમ
-જયેશ સુથાર
એ કાગળ વિનયે આપ્યો ત્યારથી જ નીતાનાં મનમાં જબરી જિજ્ઞાસા અને અનેરો રોમાંચ પણ થતો હતો: ‘મારા લેટરના જવાબમાં વિનયે શું લખ્યું હશે?’ પણ અત્યારે નથી જોવું. ઘેર જમીને પછી બેડરૂમમાં જઈને નિરાંતે વાંચીશ.’
આજે લાઇબ્રેરીમાં બેસી વિનયની રાહ જોઈને નીતા કંટાળી ગઈ. વિનય પિરિયડ છોડીને લાઇબ્રેરી નથી આવ્યો કે તેણે કોઈ મેસેજ પણ નથી કર્યો એટલે એનું ધ્યાન પણ વાંચવામાં પરોવાતું નથી. લાઈબ્રેરીના ઘડિયાળમાં જોયું તો બાર થવા આવ્યા છે. પાંચ મિનિટ પછી પિરિયડ પૂરો થતાંજ કોલેજ છૂટી જશે. સાડાબાર સુધીમાં ગામ જવાની બસ પણ
આવી જશે.
બારના ટકોરે તો કોલેજની લોબી વિદ્યાર્થીઓથી ઊભરાઇ ગઈ. બે ત્રણ મિનિટમાં તો લોબી ખાલી પણ થઈ ગઈ. પછી નીતા ઊભી થઈ. ખભે બેગ ભરાવી લાઈબ્રેરીની બહાર આવી. ધીરે ધીરે લોબી પસાર કરીને ત્રીજા માળથી પગથિયાં ઊતરવા લાગી.
નીતાને બે દિવસ પહેલાં વિનય સાથે કોલેજની આ જ સીડીના પગથિયાં ઊતરતી વખતની પળ યાદ આવી ગઈ:
…એ વખતે પાછળ પાછળ ઝડપથી પગથિયાં ઊતરીને વિનય તેની સાથે થઈ ગયો હતો. એક માળ ઊતર્યા પછી વિનય તેની એકદમ નજીક ચાલવા લાગ્યો હતો અને ધીરે રહીને વિનયે ખિસ્સામાંથી એક ગડી કરેલ કાગળ કાઢીને એના હાથમાં પકડાવી દીધો હતો. બીજી જ પળે પાછળ વાતચીત કરતું કોઈ આવી રહ્યું હોય એવું નીતાને લાગ્યું, ડોક ફેરવીને જોયું તો એના જ ગામના એક જ બસમાં સાથે અપ-ડાઉન કરતા મહેશ અને રમેશ તેની પાછળ પાછળ પગથિયાં ઊતરી રહ્યા હતા. નીતા એક પળ માટે તો ગભરાઈ ગઈ પણ તરત જ તેણે સ્વસ્થતા મેળવી લઈ વાતો કરતા વિનય સાથે છેક બસસ્ટેન્ડ સુધી ચાલતી રહી હતી. વિનય શહેરમાં રહેતો હતો. બસસ્ટેન્ડ જઈને તે તુરતજ શહેરમાં જતી રિક્ષામાં બેસીને જતો રહ્યો હતો. એના ગયા પછી નીતા બસસ્ટેન્ડના બાંકડે બેઠી હતી. પછી વિનયે આપેલ કાગળને ચીવટથી બેગના ખાનામાં મૂકી દીધો હતો. એ કાગળ વિનયે આપ્યો ત્યારથી જ મનમાં જબરી જિજ્ઞાસા અને અનેરો રોમાંચ પણ થતો હતો :
‘મારા લેટરના જવાબમાં વિનયે શું લખ્યું હશે?’ પણ અત્યારે નથી જોવું. ઘેર જમીને પછી બેડરૂમમાં જઈને નિરાંતે વાંચીશ.’
ગામની બસ આવતાં નીતા બેસી ગઈ હતી. નીતા દરરોજ સવારે સાત વાગે ગામમાંથી ઊપડતી બસમાં દશ કિલોમીટર દૂર શહેરમાં આવેલી કોલેજમાં બીએ. નો અભ્યાસ કરવા જતી હતી. ગામમાંથી બીજાં દશ-બાર છોકરા-છોકરીઓ પણ કોલેજ જવા આ બસમાં જ અપ-ડાઉન કરતાં હતાં. નીતાના પપ્પા ગામના સરપંચ હોવાથી એમની સારી પ્રતિષ્ઠા હતી. એમની ધાકને લીધે સુંદર દેખાતી નીતા સામે આંખ ઊંચી કરીને જોવાની ગામના કોઈ છોકરાની હિંમત ન થતી. ગામના છોકરાઓ નીતાને બહેન માનતા. ગામના છોકરાઓ કોલેજમાં નીતાનું ધ્યાન રાખતા, જોકે નીતા એનાથી અજાણ હતી.
નીતાએ કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લીધું હતું. એક દિવસ નીતા કોલેજની કેન્ટિનમાં જઈ રહી હતી. નીતાનું ડ્રેસિંગ જોઈને કોઈ છોકરાએ વલ્ગર કોમેન્ટ કરીને મશ્કરી કરી. બીજી જ મિનિટે ગામના છોકરાઓએ ભેગા થઈને પેલા મજનૂને સારો એવો મેથીપાક ચખાડ્યો હતો. એ બનાવ પછી આજદિન સુધી કોલેજમાં પણ નીતાનું નામ લેવાની કોઈએ હિંમત કરી નથી.
નીતા હવે કોલેજના ત્રીજા માળથી ઊતરીને નીચે આવી ગઈ હતી. ગામની બસ આવવાની ખાસ્સી વાર હતી. એટલે એની ચાલવાની ઝડપ પણ ધીમી થઈ ગઈ હતી. આજે એને ઊંડે ઊંડે વિનયની ચિંતા થતી હતી, ‘આજે પણ વિનય કેમ લાઇબ્રેરી ન આવ્યો? તેણે લેટર આપ્યાને બે દિવસ થયા. તેણે મારા લેટરનો જવાબ તો આપી દીધો. પણ…પછી મને મળવાનું જ કેમ બંધ કરી દીધું? મને એકવાર તો રૂબરૂ મળવું જોઈએ ને? એ મળે તો કંઈ સમજાય ને. આમ પત્રનો જવાબ આપીને દૂર થઈ જવાનું?
Also read: અલૌકિક દર્શન : અંતરાત્માને અહંકારનો પડદો છે ને અવિદ્યાનું બંધન છે
કોલેજ કેમ્પસથી મેઇનરોડ
સુધી લગભગ પાંચસો મીટર જેટલું અંતર હતું. મેઇનરોડ પર આવેલા બસસ્ટેન્ડથી ગામમાં જવા માટે
બસ મળતી. કોલેજ છૂટ્યા પછી
સાડા બાર વાગતા સુધીમાં ગામની બસ આવતી. એ બસ ગામમાંથી શહેરમાં ભણવા આવતા
શાળા કોલેજના વિદ્યાર્થીઓથી ભરાઈ જતી.
નીતા કોલેજ કેમ્પસથી મેઇનરોડ તરફ પંદર વીસ ડગલાં માંડ ચાલી હશે. અનાયાસે જ તેની નજર સામે દેખાતા મેઇન રોડ પર ગઈ. મેઇન રોડ નજીક કોલેજના વિદ્યાર્થીઓની ભીડ એકઠી થઈ હતી. એ ભીડમાં શોરબકોર થઈ રહ્યો હતો. કોઈ મદારીનો ખેલ ચાલી રહ્યો હોય એમ વારે ઘડીએ ચિચિયારીઓ થઈ રહી હતી. જોકે આ ટોળું મદારીનો રસપૂર્વક ખેલ જોઈ રહેલા ટોળાં જેવું મગ્ન જણાતું ન હતું. અહીં પવન આવતાં ફાનસની ફકફકતી ઝોળની જેમ વારેઘડીએ ટોળું આઘું પાછું થતું હતું.
એ જોઈ નીતાની ચાલવાની ઝડપ અચાનક વધી ગઈ. લગભગ દોડતી જ એ ટોળાની નજદીક પહોંચી ગઈ. સંકોચાતા અને ફેલાઈ જતા ટોળાને વીંધતી નીતાની ચકોર નજર ટોળાના કેન્દ્રસ્થાને જઈ પહોંચી. બીજી જ મિનિટે નીતાથી જોસથી ત્રાડ નંખાઈ ગઈ:
‘બંધ કરો … બંધ કરો. એને મારવાનું બંધ કરો.’ કોઈ છોકરીની અચાનક આવી પડેલી ત્રાડથી વિદ્યાર્થીઓ સ્તબ્ધ થઈ ગયા. ટોળામાં ઊભેલા બધા છોકરાઓની નજર હવે નીતા પર મંડાઇ.
‘તમે આ શું કરી રહ્યા છો? કશું જાણ્યા વગર બસ હાથ ઉપાડવા લાગ્યા છો? બંધ કરો…’
નીતાએ પોતાના ખભેથી બેગ ઉતારી. બેગના એક ખાનામાંથી
ગડી વાળેલો કાગળ બાંયો ચડાવીને ઊભેલા રમેશ અને મહેશ સામે
ધર્યો:
‘લ્યો. આ કાગળ. …આ લેટરથી જ તમને બધા ભાઈઓને તકલીફ હતી ને? એક વાર વાંચી લો. એટલે તમને બધાને શાંતિ થઈ જાય.’ નીતા બોલતા બોલતા હાંફી રહી હતી.
રમેશે કાગળની ગડી ઉઘાડી. તેની સાથે મહેશની પણ કાગળ પર નજર ફરવા લાગી:
પ્રિય બહેન નીતા,
નમસ્તે. પ્રણામ સ્વીકારશો.
તમે લખેલો પત્ર વાંચી ગયો છું. તમારી લાગણી માટે આભારી છું.
કોલેજનાં અમૂલ્ય વર્ષોને વેડફી ન દેશો અને તમારી કરિયરમાં ધ્યાન આપશોજી.
બેસ્ટ ઑફ લક.
લિ. આપનો હિતેચ્છુ મિત્ર વિનય
વિનયનો લખેલા પત્રને વાંચ્યા પછી બીજી જ મિનિટે ટોળું વિખરાઈને પોતાની મંજિલ જવા બસસ્ટેન્ડ પર વહેંચાઈ ગયું. રમેશ અને મહેશ પણ એ લેટર નીતાને હાથમાં આપીને ‘સોરી’ કહીને નતમસ્તકે ચાલતા થયા.
હવે ટોળાના સ્થળે જખમી વિનય અને વ્યગ્ર નીતા જ રહી ગયાં હતાં….x