શિવજીના પરિવારે હજારો વર્ષથી ભારતને એક તાંતણે જોડી રાખ્યું છે
ભવિષ્યમાં સનાતન ધર્મ જાળવવો હોય તો કમસેકમ આ કથાઓની જાણકારી આપવાની આપણી ફરજ છે. હા, નવદંપતીઓ અને યુવાનો માટે પણ ભગવાને આ કથા થકી સંદેશો આપ્યો છે કે નાની નાની વાતોનું મોટું સ્વરૂપ આપવાનું ટાળો, ક્યારેક ઘાતક પરિણામ આવી શકે છે. વડીલોએ દેવતા સમાન કાર્ય કરવા જોઈએ, પરિસ્થિતિ શાંત પાડવા સાથે સમસ્યાનું સમાધાન શોધવાથી ઓમકારના દર્શન થશે. મેનેજમેન્ટ સ્ટોરી કરીને બોધપાઠ અઢળક લખી શકાય પણ આ મૌલિક કથા આપણા માટે છે, એમાં જે પસંદ પડે એ બોધ જાતે શીખવાનો છે.
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
અત્યંત જાણીતી કથા છે, માતા પાર્વતી સ્નાન કરી રહ્યા હતા અને ભગવાન શિવ ત્યાં પધાર્યા. અચાનક શિવજી આવી ચડતાં પાર્વતીને સંકોચ થયો. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના થાય નહીં તે માટે તેમની જયા અને વિજયા નામની દાસીઓએ સલાહ આપી કે દરવાજા પર સક્ષમ સેવક હોવો જોઈએ. માતા પાર્વતીને વાતમાં તથ્ય લાગ્યું, પોતાના પુત્ર કાર્તિકેય તો લડાઇઓમાં વ્યસ્ત હોવાથી માતાને મદદ કરી શકે તેમ હતો નહીં.
પાર્વતીએ હળદર અને કેસરનો લેપ તૈયાર કર્યો અને પોતાના શરીર પર લગાડ્યો. આ લેપને શરીર પરથી કાઢીને એક બાળકની પ્રતિમા બનાવી, પોતાની યોગશક્તિ થકી પ્રતિમાને જીવંત કરી. અત્યંત સુંદર બાળકનું વિનાયક નામ આપવામાં આવ્યું. વિનાયકનો પાર્વતીજીએ પુત્રવત્ સ્વીકાર કર્યો અને પોતાના રક્ષણની જવાબદારી સોંપી. માતા પાસે પુત્રએ કામ માટે માર્ગદર્શન માગ્યું, તો પાર્વતીએ કહ્યું કે હું સ્નાન કરતી હોય અથવા મારે એકાંત જોઇએ તે સમયે દ્વારપાળ તરીકે સેવા આપવી પડશે. દ્વારપાળ માટે જરૂરી લાકડી આપવામાં આવી અને બાળ ગણેશ પોતાના કામમાં લાગી ગયા. પાર્વતીજી સ્નાન માટે ગયા અને અચાનક શિવજી પધાર્યા. બાળ ગણેશે અંદર જવા માટે પરવાનગી આપી નહીં અને દંડો દેખાડતા શિવજીને ગુસ્સો આવ્યો. શિવજીએ પૂછ્યું કે તું કોણ છે અને તને રોકવાનો અધિકાર કોણે આપ્યો? તો બાળ ગણેશે જણાવ્યું કે મારી માતા પાર્વતી સ્નાન કરી રહ્યા છે, આપ દ્વારની બહાર રાહ જુઓ. શિવજીને વધારે ગુસ્સો આવ્યો અને બાળ ગણેશને કહ્યું કે પાર્વતી મારા પત્ની છે, મને અંદર જવા દે પણ બાળહઠ… ગણેશજી એ રોક્યા તો શિવજીએ પોતાના ગણોને આદેશ આપ્યો કે આ બાળકને ઉઠાવીને દૂર કરો.
જગતજનની માતા પાર્વતીજીનું સંતાન હાર માને? શિવજીના ગણોએ ગણેશના દર્શન કરતાં વેંત તેમના પ્રેમમાં પડ્યા અને સમજાવટથી સમસ્યા દૂર થાય એવો પ્રયાસ કરવા લાગ્યા. શિવજીના ગણો પરત આવીને મહાદેવને જણાવ્યું કે બાળક હટવા તૈયાર નથી.
સ્વાભાવિક છે કે શોરબકોર થતાં પાર્વતીએ દાસીઓ પાસેથી માહિતી મેળવી, ગણેશનું મનોબળ વધારવા આદેશ આપ્યો. ગણેશજીને માતાના આદેશ અંગે ખબર પડતાં ઉત્સાહમાં વધારો થયો, વાત આગળ વધી ગઇ. શિવજીએ પોતાના ગણોને લડવાનો આદેશ આપ્યો, પાર્વતીના ગણ એવા વિનાયક પણ તૈયાર થઇ ગયા અને લડાઈ થઇ. શિવજીના ગણોની હાર થતાં તેમને ગુસ્સો આવ્યો અને ત્રિશૂલને ગણપતિ પર ફેંકતા તેમનું ડોકું ધડથી અલગ થયું.
માતા પાર્વતીને પુત્ર હત્યા ખબર પડતાં પોતાની શક્તિ થકી અસંખ્ય ગણો ઉત્પન્ન કર્યા અને શિવના ગણો સામે લડવા મોકલ્યા. એક નાની વાત મોટી લડાઇમાં ફેરવાવવા લાગી, દેવોએ પણ પોતાના અસ્તિત્વ માટે શિવજીના ગણોને સાથ આપ્યો. ભયાનક યુદ્ધ વચ્ચે દેવોએ માતા પાર્વતીને શાંત થવા પ્રાર્થના કરી, માતાજીએ વિનંતીનો સ્વીકાર કરતાં કહ્યું કે મારા પુત્રને પુન:જીવિત કરો. દેવતાઓ પાસે કોઈ માર્ગ હતો નહીં, ભગવાન શિવ પાસે પહોંચ્યા અને વિનાયકને જીવંત કરવા પ્રાર્થના કરી. ભગવાન શિવે જણાવ્યું કે ઉત્તર દિશા તરફ પ્રયાણ કરો અને જે પ્રાણી મળે એનું માથું વિનાયકના ધડ પર લગાવી દેજો. દેવતાઓ ઉત્તર દિશા તરફ ગયા, હાથી મળ્યો તેનું માથું લાવ્યા અને વિનાયકના ધડ પર લગાડતા હાથીના મસ્તક ધરાવતા દેવનું સર્જન થયું. તેઓ જીવિત થતાં માતા પાર્વતી ખુશ થયા દેવોને ગણેશજીની દેહાકૃતિમાં ઓમકારના દર્શન થયા. માનવધર્મમાં ઓમકારનું અનેરું મહત્વ છે.
પ્રશ્ર્ન એ થાય કે આ અત્યંત જાણીતી કથા લખવાનો શું મતલબ? આપણા ઘરોમાં, આસપાસના ઘરોમાં, સોસાયટી, ખડકી અથવા નજીકમાં ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હશે. આપ આ વાતો નાના બાળકોને કહેજો, ભવિષ્યમાં સનાતન ધર્મ જાળવવો હોય તો કમસેકમ આ કથાઓની જાણકારી આપવાની આપણી ફરજ છે. હા, નવદંપતીઓ અને યુવાનો માટે પણ ભગવાને આ કથા થકી સંદેશો આપ્યો છે કે નાની નાની વાતોનું મોટું સ્વરૂપ આપવાનું ટાળો, ક્યારેક ઘાતક પરિણામ આવી શકે છે. વડીલોએ દેવતા સમાન કાર્ય કરવા જોઈએ, પરિસ્થિતિ શાંત પાડવા સાથે સમસ્યાનું સમાધાન શોધવાથી ઓમકારના દર્શન થશે. મેનેજમેન્ટ સ્ટોરી કરીને બોધપાઠ અઢળક લખી શકાય પણ આ મૌલિક કથા આપણા માટે છે, એમાં જે પસંદ પડે એ બોધ જાતે શીખવાનો છે. ઇવન માતા પાર્વતીએ ગણેશજીને શક્તિ આપીને લડવા પ્રેરણા આપી એવું દર વખતે નથી. એકવાર ગણેશજી બિલાડી સાથે રમતાં હતાં અને બિલાડીની પૂંછડી ખેંચીને ખૂબ પરેશાન કરી. ગણેશજી થાકીને પોતાની માતા પાસે આવ્યા ત્યારે માતા પાર્વતીએ પ્રશ્ર્ન પૂછ્યો કે તું મને પૂંછડી ખેંચીને શા માટે પરેશાન કરતો હતો? તને શક્તિશાળી બનાવ્યો એનો અર્થ એ નથી કે નાના પ્રાણીઓને પરેશાન કરે. ગણેશજીએ પ્રશ્ર્ન કર્યો કે એ બિલાડીના સ્વરૂપમાં તમે હતાં? માતાજી સમજાવ્યું કે બધા પ્રાણીઓમાં હું જ વાસ કરું છું, જ્યારે જ્યારે શક્તિશાળી જીવ નિર્દોષને હેરાન કરે છે તો એનું દર્દ મને થાય છે. કુછ સમજે?
હા, પેલી કથા તો યાદ છે ને? બ્રહ્માંડની ત્રણ પ્રદક્ષિણા લગાવવાની વાત નીકળી તો કા ર્તિકેય પોતાના વાહન મોરને લઇને નીકળી પડ્યા અને ગણેશજીએ પોતાની દુનિયા માતાપિતા છે એવું માનીને શિવપાર્વતીની પ્રદક્ષિણા કરી. માતાપિતાએ આશીર્વાદ આપતા જ્યારે કાર્તિકેય પરત આવ્યા તો નારાજ થયા. કા ર્તિકેયે ગૃહત્યાગ કરવાનો નિર્ણય લઇને કૈલાશ પર્વતથી દૂર દક્ષિણમાં નિવાસ કરવાનું નક્કી કર્યું. ભગવાન શિવ પાસે વિદાય વેળા આશીર્વાદ માગતા શિવજીએ કહ્યું, પલમની જે તમિલ ભાષામાં છે જેનો અર્થ ઉપનિષદના સાર સમાન તું એ જ છે… કા ર્તિકેય પલનિ પર્વત ગયા અને સત્યની શોધ માટે તપશ્ર્ચર્યા કરી. જો કે અન્ય કથા મુજબ કા ર્તિકેયને પ્રદક્ષિણા કરતાં મોડું થયું તો ભગવાન શિવપાર્વતીએ ગણપતિના લગ્ન સફળતા અને એશ્ર્વર્યના પ્રતીક સમાન રિદ્ધિ અને સિદ્ધિ સાથે ગોઠવી દીધાં. બંને પત્ની થકી ક્ષેમ અને લાભ નામના સંતાનો થયા, સરવાળે બધું શુભ અને સામર્થ્ય ગણેશજીના પરિવારમાં છે. ઘણા વિદ્વાનો માને છે કે કળિયુગમાં ભગવાન ગણપતિનું પૂજન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે.
આપણી કથાઓ મુજબ ગણેશજીના લગ્ન થકી કા ર્તિકેય નારાજ
થયા અને દક્ષિણમાં પલનિ પર્વત પર વસવાટ માટે ચાલ્યા ગયા. પલનિ આસપાસ ભ્રમણ દરમિયાન વલ્લી નામની ક્ધયા સાથે પ્રેમ થતાં લગ્ન કર્યું અને દેવોના રાજા ઇન્દ્રને અવારનવાર લડાઇઓમાં મદદ કરતાં તેની પુત્રી દેવયાની સાથે લગ્ન થયાં. જો કે કા ર્તિકેયના દક્ષિણ વસવાટ હોવાથી પાર્વતીએ શિવજીને પુત્ર પાસે રહેવાની વિનંતી કરતાં મલ્લિકાર્જુન જ્યોતિર્લીંગ પર વસવાટ કરીને પુત્રની નજીક નિવાસ કરતાં. વાતનું તાત્પર્ય એટલું જ કે પોતાના બાળકો ભગવાનને પણ પ્યારા હોય છે. બાળકોએ પણ ખ્યાલ રાખવો કે માતાપિતાથી દૂર રહો છો છતાં તેમનું હૈયું આસપાસ જ હોય છે.
ભગવાન ગણેશજી ઉત્તર અને દક્ષિણ ભારતમાં પૂજાય છે, કા ર્તિકેયના ભક્તો દક્ષિણ ભારતમાં વધારે છે. એસી રૂમમાં બેસીને સનાતન ધર્મ વિશે અજ્ઞાન પીરસતા હોય છે એમને ભારતની ધરતી પર દેવોના વિવિધ પ્રદેશો પરના પ્રભાવ અંગે ખબર પણ પડતી નથી, દક્ષિણ ભારત સમજવું હોય તો ત્યાંની પરંપરાઓ જાણવી જોઈએ. ઉત્તર ભારતમાં કાર્તિકેયને શિવપાર્વતીના મોટા દીકરા માનવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં ગણેશજીને મોટા દિકરા માનવામાં આવે છે. ઉત્તર ભારતમાં કા ર્તિકેયને બ્રહ્મચારી તપસ્વી સ્વરૂપ માનવામાં આવે છે જ્યારે દક્ષિણ ભારતમાં ગણેશજી માટે માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં મુરુગ દેવનું પૂજન વ્યાપક છે, કા ર્તિકેયને સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે ગણપતિને શુભ અને લાભ માટે સમગ્ર ભારતીય ઉપખંડમાં પૂજન કરવામાં આવે છે. આમ એક રીતે જોઈએ તો શિવ અને શક્તિની અર્ચના સાથે તેમના પુત્રો, પૂત્રવધૂઓ સહિત સમગ્ર પરિવારને એક વાત માટે શ્રેય આપવો પડે કે હજારો વર્ષથી દેશને શ્રદ્ધાના મજબૂત તાંતણા થકી બાંધી રાખ્યો છે. ભારતીય ઉપખંડમાં શિવજીના જ્યોતિર્લિંગ, માતાજીના શક્તિપીઠ સહિત મંદિરો, ગણેશજીના કલાત્મક મંદિરો તથા દક્ષિણમાં કા ર્તિકેય પરત્વેની શ્રદ્ધા થકી સનાતન પેઢીઓ સુધી મજબૂત રહેશે પણ શરત એક જ છે, જાણવું પડશે અને ભવિષ્યની પેઢીઓને જણાવવું પડશે.
ધ એન્ડ : હું શિવપુત્ર અને દેવતાઓના સેનાપતિ ભગવાન કા ર્તિકેયને પ્રણામ કરું છું, જેઓ મોર પર બીરાજમાન છે તથા છ મુખ ધરાવે છે અને ચંદનના લેપથી સુશોભિત છે.
પંચરત્ન
લેખક : દેવલ શાસ્ત્રી