બાલ-દાઢી કરાવવાની આવી તે કેવી અટપટી-ખટપટી શરત…?
વ્યંગ -ભરત વૈષ્ણવ
‘મારો વારો ક્યારે આવશે?’ રાજુએ મોબાઇલમાં માથું ખોંસી રાખીને વાળંદને પૂછ્યું. ‘શેઠ, હજી થોડીવાર લાગશે. બે ઘરાકની દાઢી અને એક ઘરાકને મુંડવાનો છે. પછી તમારો વારો. ત્યાં સુધી તમે ક્યાંક જઇને તમારું નાનું-મોટું કામ પતાવી આવો.’ કેશકર્તનાલયના માલિક આવો જવાબ આપે છે. માણસ આદિમ જંગલી છે તેના બે-ત્રણ પુરાવા છે. એક તો નખ વધે છે. નખને વધારવા પાણી કે ખાતર કે જંતુનાશક છાંટવા પડતાં નથી. બીજું વાળ વધે છે. વાળ વધારવા તેલ કે મોંઘા ભાવનું શેમ્પુ સો વ્યક્તિમાંથી ચાર વ્યક્તિ વાપરતી હશે. બાકીનાના વાળ મંદિરની ધજાની જેમ કોરાકટ હોય છે. દાઢી-મૂંછ પણ વગર પ્રયત્ને વધે છે.
મહાત્મા ગાંધી જેવા રડ્યા ખડ્યા લોકો વાળ કાપવાની બાબતમાં સ્વનિર્ભર હતા. બાપુ એમના વાળ જાતે જ કાપતા હતા. જો કે, બહારના ઓર્ડર સ્વીકારતા હતા કે નહીં તે વિશે એમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’ પુસ્તકમાં ફોડ પાડ્યો નથી. પૈસાદાર લોકોને ફેમિલી ડોકટર હોય છે. ધનવાનો ફેમિલી ગુરુ, ફેમિલી જ્યોતિષી , ફેમિલી બાબરચી રાખતા હોય છે. એમનો હજામ પણ ફેમિલી હોય છે. વરસો પહેલાં ગામડાંમાં વાળંદ લોકો હજામતના શસ્ત્ર-સરંજામ-આયુધો લઇને ઘરે ઘરે કેશમુંડન કાર્ય કરતા હતા. એ લોકો ઘરે ઘરે વાળ કાપે તે બદલ રોકડ રકમ મળવાના બદલે ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર થતા હતા.એમને વરસના દાણોપાણી, વાસણકુસણ મળી જતાં. વાળંદ સમુદાય લગ્નનાં નોતરા પહોંચાડવા, ગામમાં લગ્નની જાન આવી હોય તેની ચરણચંપી કે ખાતરબરદાસ્તની કામગીરી કરતા હતા. વાળંદ સમુદાયની ગામની આઘીપાછી કરતા હોય તેવી એમની છાપ હતી.
દરેક ગામમાં કરિયાણાની દુકાન હોય કે ન હોય. પરંતુ વાળ કાપવાની દુકાન કે કેબિન જરૂર હોય. શહેરોમાં તો ઝાડના થડે અરીસો ટીંગાડી સલૂન ચાલુ કરે. એક ખુરશીનું મહામૂલું ઇન્ટિરિયર હોય એટલે ભયોભયો. ઓપન એર હેર કટિંગ સલૂન ચાલવા માંડે. ચલા અમિતાભ જેવાના હજામ હકીમ તો ચાર્ટડ હેલિકોપ્ટરમાં હીરો-હીરોઇનના વાળ સેટ કરવા મુંબઈથી અપ-ડાઉન કરતા. હવે તો હજામત શબ્દ એક બ્રાંડ બની ગયો છે. હજામત બ્રાંડના રેઝર પણ બજારમાં મળે છે.
હજામતના વ્યવસાયમાં અત્યાર સુધી પુરુષોનું આધિપત્ય હતું. હવે ધીરે ધીરે મહિલા આ ક્ષેત્રમાં ધરાર પ્રવેશી ગઈ છે. ઉત્તર પ્રદેશના કુશીનગરમાં સોળ વર્ષીય નેહા શર્મા છેલ્લાં ચાર વર્ષથી વાળ કાપવા, દાઢી કરવા અને મસાજ જેવાં કામો બખૂબી કરી રહી છે. મીણબત્તીથી વાળ કાપવાનાં સલૂનો આજકાલ લોકપ્રિય છે. વિશ્ર્વમાં એવાં અનેક સ્થળ છે, જ્યાં સલૂન સ્કાયસ્ક્રૅપરમાં છે અથવા પર્વત પર પણ છે. એક સલૂન તો બીજાં કરતાં તદ્દન અલગ છે. કેમ કે, અહીં સલૂનમાં ચારે કોર પાણી છે. સલૂનના કર્મચારી ઘૂટણ સમા પાણીમાં ઊભા રહીને હેર કટ કરી રહ્યા છે. આ સલૂન જે ફ્લોર પર આવેલું છે એ સ્વિમિંગ-પૂલ છે, જેમાં ‘વૉટર બાર્બર.’ ફિશિંગ નેટનો ઉપયોગ કરીને વાળ કટ કરે છે. વિશ્વમાં આ પ્રકારનું સૌપ્રથમ સલૂન છે.
કર્ણાટક રાજ્યમાં એક કેશ કર્તનકાર અંદાજે 1200 કરોડનો માલિક હોવા છતાં દરરોજ લોકોના વાળ કાપે છે, દાઢી કરી આપે છે. ભારતના સૌથી મોંઘા આ વાળંદ પાસે મર્સિડીઝથી માંડીને રોલ્સ રોયસ જેવી બ્રાંડેડ કાર્સ છે. આ વાળંદ પાસે બે-પાંચ નહીં, પણ આવી બ્રાંડેડ ગણાતી 400 જેટલી કાર છે. એક હેરકટિંગ સલૂનમાં તો ખેલા થઇ ગયો. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માઢા તાલુકાના મોડનિંબ ગામે કૈલાશ કાટકર નોખું અનોખું હેર કટિંગ સલૂન ચલાવે છે.
‘કનુભાઇ, એક કલાકથી લાઇનમાં બેઠો છું. મારો વારો ક્યારે આવશે?’ રાજુ રદીએ એક સલૂનમાં જઇ હેરકટિંગ સલૂનના માલિકને સવાલ કર્યો. જ્યારે કોઇ ભૂખ્યો આદમી હોટલ કે રેસ્ટોરેન્ટમાં જમવા માટે જાય. ત્યાં વેઇટિંગ હોય. ભૂખ્યા આદમીની નજર સામે ટેબલ ખુરશી પર બેસેલા અકરાંતિયા વાનગી પેટમાં ઠુંસતા હોય અને પેલી વ્યક્તિ ટેબલ ખાલી થાય અને પોતાનો વારો આવે તેની રાહ જોતો છટપટાતો હોય. એ વ્યક્તિની મનોસ્થિતિ જેવી સ્થિતિ હેર કટિંગ સલૂનમાં ‘મેરા નંબર કબ આયેંગા’નો સવાલ મનમાં ધુમાડાની જેમ ઊઠતો હોય.
Also read: મગજ મંથન : દેશની પ્રગતિની સાથે વ્યસનીઓ પણ ‘પ્રગતિ’ના પંથે!
‘તમારો નંબર ક્યાંથી આવશે? તમે અહીંનો પ્રોટોકોલ કયાં કમ્પલિટ કર્યો છે?’ કનુભાઇએ કહ્યું. ‘અરે ભાઇ શેનો પ્રોટોકોલ? આ કાંઇ ચીફ મિનિસ્ટરની ઓફિસ છે કે પ્રોટોકોલનું પાલન કરવું પડે?’ રાજુએ અકળાઈને પૂછયું. ‘આ દુકાનનો એક નિયમ છે.’ કનુભાઇએ નિયમ બતાવ્યો. આ સાંભળીને રાજુ બરાબર અકળાયો. ‘સર, રુલ્સ ઇઝ રુલ્સ. અમારા રુલ્સનો કોઇ અપવાદ નથી. બધાએ ફરજિયાત રુલ્સ પાળવા પડે.’ કનુએ નિયમનો હવાલો ટાંક્યો. ‘સર જયાં સુધી તમે લાઇબ્રેરીનું એક પુસ્તકનું વાંચન નહીં કરો ત્યાં સુધી તમારી દાઢી કે વાળ કટ થશે નહીં. પછી ભલે તમે અહીં ચોવીસ કલાક બેસી રહો કે પાળિયો થઇ જાવ. રુલ ઇઝ રુલ.’ કનુભાઇએ રાજુને અલ્ટિમેટમ આપ્યું. એ હેર કટિંગ શોપમાં ચારસો જેટલાં પુસ્તક વ્યવસ્થિત વિષયવાર ગોઠવેલાં હતાં. જેમ શ્રી અને સરસ્વતીનો મેળ થાય નહીં- સૌંદર્ય અને પ્રજ્ઞાને બાપે માર્યા વેર હોય એમ વાળ કાપવા અને વાંચનનો કદી સંયોગ જોવા ન મળે. પછી શું થાય? રાજુએ જખ મારીને પુસ્તક વાંચવુ પડ્યું અને પછી જ રાજુના હેર કટ થયા !