શરદ જોશી સ્પીકિંગ : (દોઢ) ડાહ્યા બુદ્ધિજીવીઓ ને દેશની સમસ્યાઓ…

- સંજય છેલ
બુદ્ધિજીવીઓની જન્મજાત ફરજ છે કે દેશની કોઇપણ સમસ્યાઓને ઉકેલવામાં મદદ કરે જ કરે. નેતાઓ પોતે તો સમસ્યાઓનો ઉકેલ લાવતા નથી ને આપણે માથે જવાબદારી મૂકી દે છે. સવાલ એ છે કે દેશમાં ખરા બુદ્ધિજીવી છે કોણ?
જવાબ એ છે કે હું છું, તમે છો, આપણે બધાં છીએ. જ્યારે નેતાઓ બુદ્ધિજીવી હોય શકે તો આપણે પણ કેમ નહીં? જ્યારે એ લોકો પોતાને નેતા કહેવામાં શરમાતા નથી તો આપણે પોતાને બુદ્ધિજીવી કહેવામાં શાને શરમાવાનું?
જોકે, આ દેશમાં સમસ્યાઓ ઘણી છે ને સરખામણીમાં બુદ્ધિજીવીઓ બહુ ઓછા છે અથવા એમ પણ હોય કે જેને આપણે સમસ્યા માનીએ છીએ, નેતાઓ એને સમસ્યા જ ન માનતા હોય!
-તો મેં વિચાર્યું કે ચાલો, નેતાને જ પૂછીએ કે દેશની સમસ્યાઓ છે શું વળી?
મેં એક નેતાને પૂછ્યું, ‘સાહેબ, તમારા મતે સૌથી મોટી સમસ્યા શું છે?’
‘સૌથી મોટી સમસ્યા એ કે તમે જ્યાંથી એકવાર ચૂંટણી જીતો ત્યાંથી ફરીથી ચૂંટણી કઇ રીતે જીતવી?’ એમણે કહ્યું,
‘એક બુદ્ધિજીવી તરીકે, હું તમને કેવી રીતે મદદ કરી શકું?’ મેં પૂછ્યું.
‘એક બુદ્ધિજીવી તરીકે નહીં, પણ હા, એક ગુંડા તરીકે ચોક્કસ મદદ કરી શકો. નેતા હસ્યા
‘ગુંડા બનવા માટે તો મારે નવો જન્મ લેવો પડશે.’
‘તો પછી આવતા જન્મે જ આવજો. લોકશાહી અમર છે. ચૂંટણીઓ થતી જ રહેશે.’
અને આમ મારું પત્તું ત્યાં જ કપાઈ ગયું. આ નેતાઓની જે મુખ્ય સમસ્યા છે એમાં હું કોઈ મદદ કરી શકું એમ નથી.
મેં વિચાર્યું : ચાલો, કોઈ ઓફિસર સાથે વાત કરીએ. એક પોલીસવાળો હતો, પણ તમે નહીં માનો, તોયે એ ભરોસાપાત્ર હતો. નવાઈ ત્યારે લાગી જ્યારે એણે અક્કલની વાત કરી.
મેં એ ઓફિસરને પૂછ્યું, ‘સાહેબ, પોલીસની વર્દીમાં તમે બુદ્ધિશાળી તો નથીને?’
એણે હસીને કહ્યું, ‘જો હું બુદ્ધિશાળી હોત, તો આ નોકરી મને કોણે આપે? તમારી જેમ ચંપલ ઘસતો ફરતો હોત.’
મેં પૂછ્યું : ‘તમારા મતે, અત્યારે રાષ્ટ્રની મુખ્ય સમસ્યા શું છે? અને એમાં અમે બુદ્ધિજીવીઓ શું મદદ કરી શકીએ?’
પોલીસે કહ્યું કે દેશની મુખ્ય સમસ્યા છે ‘કાયદો ને વ્યવસ્થા’. બેશક, દેશમાં ગુનાઓ વધી ગયા છે. ગુનેગારોને સમજાતું નથી કે શું કરવું? હત્યા કરે, બેંક લૂંટે, અપહરણ કરે કે દુકાનમાં ઘૂસીને રોકડ લૂંટે? જુઓ, પોલીસ પાસે સમય નથી તો ગુનેગારો પાસે પણ સમય નથી. તમે જીવતા છો એનું એક કારણ એ છે કે હજી તમારી હત્યા નથી થઈ! હત્યા એટલા માટે નથી થઈ કારણ કે ખૂનીઓને બીજાને મારવામાંથી સમય નથી મળ્યો નહીં તો, આજે ખૂન થવામાં બહુ વાર નથી લાગતી!’
‘તો તમે હત્યાઓ રોકવા માગો છો કે ખૂનીઓને પકડવા માગો છો?’
જે કારણોથી હત્યા થાય છે એનો પોલીસ ડિપાર્ટમેંટ સાથે કોઈ સંબંધ નથી. એ આર્થિક કારણોસર થાય છે એટલે આ નાણાં વિભાગનો મામલો છે. જો ખૂન માનસિક કારણોસર થાય છે તો મનોવિજ્ઞાનના શિક્ષણનો વિષય છે. જો રાજકીય કારણોસર થાય છે, તો તમે જાણો છો કે આપણે પોલીસકર્મીઓ રાજકીય બાબતોમાં પડતા જ નથી. હત્યા પછી ખાલી ખૂનીને પકડવાનું કામ અમારું. હવે મને કહો, બુદ્ધિજીવી તરીકે તમે આમાં શું ઉકાળી શકશો?
આમાં તો ખૂની, જેણે પોતે હત્યા કરી છે, એ ખુદ તમને મદદ કરી શકતો નથી, તો હું શું કરી શકું? મેં શરમાઇને કહ્યું.
આમ છતાં હાર્યા વિના એક બુદ્ધિજીવી તરીકે, રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારવું મારી ફરજ છે એટલે મેં વિચારવાનું શરૂ કર્યું. જોકે મને આ ક્ષેત્રમાં બિલકુલ અનુભવ નથી. ના તો મારી હત્યા થઈ છે કે ના તો મેં હત્યા કરી છે. ખૂનીને શોધવાનો તો પ્રશ્ન જ ઊભો થતો નથી. આઠ દિશાઓ છે. ખૂની કોઈપણ દિશામાં દોડી શકે.
જો ખૂનીને પકડવા માટે દરેક દિશામાં બે પોલીસકર્મીઓ મોકલવામાં આવે, તો એક ખૂન માટે સોળ પોલીસકર્મીઓની જરૂર પડે છે ને એવું ફરજિયાત કરવાની જરૂર છે કે પોલીસવાળા કંટાળીને પોતાના ઘરે પાછા ન દોડે. આ દોડાદોડ ટાળવા માટે, પોલીસ ઘણીવાર હત્યાને આત્મહત્યા ગણાવે છે. આપણા દેશમાં, એક ધનિક માણસની હત્યા કરવામાં આવે છે. ગરીબોએ આત્મહત્યા કરવી પડે છે, કારણ કે એમને મારી નાખવા માટે નવરું નથી.
એમનું શોષણ થાય છે, હત્યા કરવામાં આવતી નથી. જો કોઈ ગરીબની હત્યા થઈ છે, તો સાબિત કરવું પડે છે કે તે આત્મહત્યા નથી. પોલીસ માનતી નથી. ગરીબને કોણ મારશે, એનામાં શું દાટ્યું છે? પૈસા વિના, આ દેશમાં તમારી હત્યા પણ થઈ શકતી નથી.
ખૂનીને પકડવા પોલીસ જઈને પૂછપરછ કરે: ‘કેમ સાહેબ, આ હત્યા તમે કરી છે?’
‘કોની હત્યા?’
‘રામપ્રસાદ, જે પરમ દિવસે મરી ગયો.’
‘ના.’
પોલીસ બીજાને પૂછે છે ‘ભાઈ, શું તમે હત્યા કરી? રામપ્રસાદની?’
‘ના સાહેબ. મેં તો સરજુપ્રસાદની કરી છે.’
‘અરે, અમે રામપ્રસાદ વિશે પૂછી રહ્યા છીએ, તું સરજુપ્રસાદ વિશે જવાબ આપી રહ્યો છે! બેશરમ.’
ત્રીજા શકમંદને પૂછ્યું, એ કહે : ‘હત્યા? હું હત્યા નથી કરતો જ નથી. મારી પાસે આમાં પડવાનો સમય નથી. જો મારે કોઈને મારવો હોય તો હું બીજાને સુપારી આપીને કરાવી લઉં. મહોલ્લામાં મારી ઇજ્જત છે! સાહેબ.’
એવામાં એકે સામેથી કહ્યું ‘સાહેબ, મેં રામપ્રસાદને માર્યો છે.’
‘એય, તું વચ્ચે નહીં બોલ. હું પેલાને પૂછું છું. બોલ, તેં રામપ્રસાદને માર્યો?’
‘ના સાહેબ. હું વિદેશી છું. બહારથી મર્ડર કરીને આવ્યો છું, પણ આ શહેરમાં કોઈ ખૂન કર્યું નથી.’
હવે જો કોઈ સ્કૂલની નજીક હત્યા થાય, એક શિક્ષકને પકડીને પૂછવામાં આવે- ‘સર, તમે હત્યા કરી છે.’
‘તમે શું બકો છો?’
‘હત્યા સ્કૂલની પાસે થઈ માટે જો તમે નથી કરી, તો બીજું કોણ કરે?’
અને ના પાડનાર પાસેથી કબૂલાત કરાવવી એ પોલીસ માટે ડાબા હાથનું કામ છે. પોલીસ સ્ટેશનમાં માર ખાઈને અધમરી હાલતમાં પડેલો ગુનેગાર વિચારે છે કે મારી હત્યા થઈ રહી છે એના કરતાં સારું હું બીજાને મારી નાખું. એ પોલીસને હાથ જોડીને કહે છે, ‘સાહેબ, મને ખબર નથી કે રામપ્રસાદ કોણ છે? પણ ચલો, મેં જ કરી છે…મારો નહીં.’
એક બુદ્ધિજીવી તરીકે, મેં ખૂનીનું મનોવિજ્ઞાન, મરેલાની આર્થિક સ્થિતિ, એનો ઈતિહાસ, ઘરનો ભૂગોળ વગેરે તમામ પાસાઓનો અભ્યાસ કરીને એક રિપોર્ટ પોલીસને આપ્યો. એ જોઇને ઘણીવાર સુધી એ ઓફિસર મૌન રહ્યા ને આંખો મીંચીને વિચારતા કહ્યું,
‘મને લાગે છે કે તમે હત્યા કરી છે?’
‘સાહેબ, હું એક બુદ્ધિજીવી છું, હું તો વિશ્ર્લેષણ રજૂ કરી રહ્યો છું.’
‘જાતે હત્યા કર્યા વિના આટલું વિગતવાર વર્ણન કેમ અપાય?’ પછી ગુસ્સેથી કહ્યું, ‘હવાલદાર, નાખો આને અંદર.’
એ પછી જે બન્યું એ લેખનો નહીં, કવિતાનો વિષય છે. ઇન શોર્ટ, રાષ્ટ્રની સમસ્યાઓ વિશે વિચારવામાં મારાથી જે થયું એ મેં કર્યું. હવે સમજ્યા કે નેતાઓ બુદ્ધિજીવીઓને કેમ વિનંતી કરે છે? એટલે કે સમસ્યા ઉકેલવામાં પોતે ફસાઈને ઉકલી ન જાય!