ઈન્ટરવલ

એસટીટીના ખંજરથી આખલાનો શિકાર…

વિદેશી ફંડો પહેલેથી જ ધોધમાર ધોવાણ કરીને ડૉલર છાપી રહ્યા છે, તેમાં આ બજેટે ધોળિયાઓને દોડવા માટે ઢાળ આપ્યો છે! અલબત્ત, ટ્રમ્પે અડધી રાતે ભારત સાથે કરેલી સંધિને કારણે સમીકરણો બદલાતાં એફઆઇઆઇનો ફ્લો ફરી શરૂ થવાની આશા જાગી છે, પરંતુ આપણે અહીં બજેટને અનુલક્ષીને હિસાબ માંડ્યો છે

કવર સ્ટોરી – નિલેશ વાઘેલા

આ વખતના બજેટમાં એક જ શબ્દને સૌથી વધુ મહત્ત્વ મળ્યું છે અને તે શબ્દ છે એસટીટી! આ શબ્દથી લાખો રોકાણકારો ઘાયલ થયા છે અને શેરબજારના ઇતિહાસમાં પહેલી વાર રવિવારે રોકાણકારોની સંપત્તિમાં ધોવાણ નોંધાયું, અને એ પણ લગભગ દસ લાખ કરોડ રૂપિયાનું! બજેટ માટે ખાસ રવિવારે યોજાયેલું વિશેષ સત્ર શેરધારકોને ભારે પડ્યું. અલબત્ત ત્યારપછીથી બજારમાં તોતિંગ ઉછાળા શરૂ થયા છે. ટ્રમ્પે મંગળવારે મોડી રાતે ભારત સાથે કરેલી સંધિને કારણે સમીકરણો બદલાતા એફઆઇઆઇનો ફ્લો ફરી શરૂ થવાની આશા જાગી છે, પરંતુ આપણે અહીં બજેટને અનુલક્ષીને હિસાબ માંડ્યો છે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફઆઇઆઇ)એ વર્ષ 2025માં અધધધધ રૂ. 1.66 લાખ કરોડ એટલે કે 18.9 અબજ ડોલરની વેચવાલી નોંધાવી છે અને નેટ સેલિંગ સતત ચાલુ રાખ્યું છે. એનએસડીએલના આંકડા મુજબ જાન્યુઆરી મહિનામાં એફઆઇઆઇએ ભારતીય શેરબજારમાંથી આશરે રૂ. 36,000 કરોડની વેચવાલી કરી છે.

આવા સંજોગોમાં રોકાણકારોનો એવો તર્ક હતો, કે સરકાર એફઆઇઆઇની વેચવાલી અટકે અથવા લેવાલી વધે એવા કોઇ પગલાં જાહેર કરશે. એનાથી વિપરીત વૈશ્ર્વિક સ્તરે વધતી અનિશ્ર્ચિતતા વચ્ચે હવે યુનિયન બજેટ 2026-27માં સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી)માં કરાયેલા વધારાએ બજાર સેન્ટિમેન્ટને વધુ નબળું બનાવ્યું છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ફ્યુચર્સ પર એસટીટી 0.02 ટકાથી વધારી 0.05 ટકા અને ઓપ્શન પ્રીમિયમ તથા એક્સરસાઈઝ પર એસટીટી 0.10 અને 0.125 ટકાથી વધારી 0.15 ટકા કરવાની જાહેરાત કરી છે. સરકારનો હેતુ કર વસૂલાત વધારવાનો છે, પરંતુ આ નિર્ણય ખાસ કરીને ડેરિવેટિવ સેગમેન્ટમાં સક્રિય વૈશ્ર્વિક ફંડ માટે ખર્ચ વધારનાર બની શકે છે.

એ પણ જાણવું રહ્યું કે, ભારત વિશ્ર્વના સૌથી સક્રિય ડેરિવેટિવ બજારોમાંનું એક છે, અને અહીંના વોલ્યુમનો મોટો હિસ્સો વિદેશી રોકાણકારો દ્વારા સંચાલિત થાય છે. આવી સ્થિતિમાં એસટીટીનો વધારેલો દર સીધો જ તેમની ટ્રેડિંગ કોસ્ટમાં વધારો કરશે. આતો એવું લાગે છે કે જાણે સરકારે એસટીટીનું ખંજર ભોંકીને શેરબજારની તેજીનો શિકાર કરી નાંખ્યો છે.

હાઈ-ફ્રીક્વન્સી ટ્રેડિંગ અને આલ્ગોરિધમિક સ્ટ્રેટેજી અપનાવતા વૈશ્ર્વિક ફંડ માટે નાનો દર વધારો પણ નફાકારકતા પર મોટી અસર કરે છે. ટ્રેડ દીઠ વધેલો ખર્ચ લાંબા ગાળે કુલ વળતરમાં ઘટાડો કરી શકે છે. પરિણામે, કેટલાક ફંડ ટૂંકાગાળામાં પોતાની એક્સપોઝર ઘટાડે અથવા અન્ય બજારોમાં વિકલ્પો શોધે તેવી શક્યતા છે.

વિશ્લેષકોનું માનવું છે કે ખાસ કરીને એવા સમયે જ્યારે પહેલેથી જ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અનુકૂળ નથી, ત્યારે એસટીટીમાં વધારો નકારાત્મક સાબિત થઈ શકે છે. વિવિધ પ્રતિકૂળ વેશ્ર્વિક પરિબળો પહેલેથી જ એફઆઇઆઇ એક્ઝિટ પાછળ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ અમેરિકી ડોલર મજબૂત બન્યો છે, વિકસિત દેશોમાં વ્યાજદર ઊંચા સ્તરે સ્થિર છે અને બોન્ડ યીલ્ડ આકર્ષક બની છે. આવી સ્થિતિમાં જોખમવાળા ઉભરતા બજારોમાંથી મૂડી બહાર નીકળી સુરક્ષિત ગણાતાં સાધનોમાં પ્રવેશી રહી છે.

અમેરિકાના સંભવિત ટેરિફ્સ, યુરોપ સાથેના વેપાર તણાવ અને ભૂરાજકીય અસંતુલનના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ‘રિસ્ક-ઓફ’ વલણ મજબૂત બન્યું છે. ભારતીય સંદર્ભમાં રૂપિયો 90થી 92ના સ્તર સુધી નબળો બનતા ડોલર ટર્મમાં એફઆઇઆઇને વધારાનું નુકસાન સહન કરવું પડે છે.

જ્યારે મૂડી બહાર જાય છે, ત્યારે નબળો રૂપિયા નિકાસના આંકડાને વધુ મોટો બનાવે છે. સાથે જ, બજારમાં ઊંચા વેલ્યુએશન અને મિશ્ર કોર્પોરેટ પરિણામો પણ વિદેશી રોકાણકારોને રાહ જોવાની સ્થિતિમાં રાખે છે. 2025 દરમિયાન નોંધાયેલ રૂ. 1.66 લાખ કરોડની ઐતિહાસિક નિકાસ બાદ વિશ્ર્વાસ પુન:સ્થાપિત કરવો સરળ નથી.

એસટીટીનો વધારો માત્ર આવક વધારવાનો ઉપાય નથી, પરંતુ તે બજારની સ્પર્ધાત્મકતા પર પણ અસર કરે છે. જો ટ્રેડિંગ ખર્ચ અન્ય એશિયાઈ અથવા મધ્ય પૂર્વનાં બજારોની સરખામણીએ વધુ બનશે, તો ગ્લોબલ ફંડો પોતાની સ્ટ્રેટેજી બદલે એવી સંભાવના છે. સિંગાપુર, હોંગકોંગ અથવા દુબઈ જેવાં કેન્દ્રો સ્પર્ધાત્મક કર માળખું અને સરળ નિયમન પદ્ધતિ ઓફર કરે છે. આવી સ્પર્ધામાં ભારતે સંતુલન જાળવવું જરૂરી છે.

અહીં સવાલ એ થાય છે કે શું એસટીટીનો વધારો ટૂંકાગાળાની આવક માટે લાંબા ગાળાના મૂડીપ્રવાહને જોખમમાં મૂકે છે? આ સંદર્ભે નિષ્ણાતો સૂચવે છે કે એફઆઇઆઇ માટે સૌથી મહત્ત્વપૂર્ણ મુદ્દા, મેક્રો સ્તરે આર્થિક સ્થિરતા, નીતિમાં સ્પષ્ટતા અને કરવેરાના માળખામાં સ્થિરતા છે. કરવેરામાં વારંવારના પરિવર્તન રોકાણકાર વિશ્વાસને અસર કરે છે. માત્ર વૃદ્ધિના આંકડા કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચની જાહેરાતો પૂરતી નથી; નીતિમાં સ્થિરતા અને અનુમાન કે ધારણાં બાંધી શકાય, એ વધુ મહત્ત્વ ધરાવે છે.

અલબત્ત, આગામી મહિનાઓમાં જો વૈશ્ર્વિક પરિસ્થિતિ સ્થિર બને અને રૂપિયો મજબૂત રહે, તો વિદેશી ફંડોનો રોકાણ પ્રવાહ ફરી શરૂ થઈ શકે છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં એસટીટીનો વધારો સેન્ટિમેન્ટને નબળું કરનાર તત્ત્વ બની રહે છે. સરકાર માટે પડકાર એ રહેશે કે તે આવક વધારતાં પગલાં અને બજાર આકર્ષણ વચ્ચે સંતુલન સાધે. જો વિદેશીઓ ભારતીય બજારનું આકર્ષણ ગુમાવી દે તે આવક પણ ક્યાંથી વધશે?

ફ્યુચર્સ પર એસટીટી વધારીને 0.05 ટકા કરવાની નાણાં પ્રધાનની દરખાસ્ત મૂડી બજારની ઇકોસિસ્ટમ માટે માળખાકીય રીતે નકારાત્મક છે, ખાસ કરીને એફએન્ડઓ સંચાલિત ટ્રેડમાં ઊંચી ટ્રાન્ઝેકશન કોસ્ટથી ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થવાની સંભાવના છે, ટૂંકા ગાળાના વેગમાં ઘટાડો થશે અને એફઆઇઆઇ સહભાગિતા પણ ઘટી શકે છે.

આ પગલું બ્રોકિંગ કંપનીઓ, એક્સચેન્જો, એસેટ મેનેજમેન્ટ કંપનીઓ અને ડિપોઝિટરીઝની આવકના પ્રવાહો પર નકારાત્મક અસર ઊભી કરી શકે છે, જે બજારના ટર્નઓવર સાથે ગાઢ રીતે સંકળાયેલી છે. તાજેતરના મહિનાઓમાં ડેરિવેટિવ્ઝ વોલ્યુમ પહેલેથી જ સંકોચાઈ રહ્યા હોવાથી, એસટીટીનો વધારો નજીકના ગાળાની કમાણી પર વધુ દબાણ લાવી શકે છે.

સારાંશરૂપે, જાન્યુઆરીની જોરદાર વેચવાલી અને એસટીટીના દરનો વધારો બંને સંકેત આપે છે કે એફઆઇઆઇ વિશ્ર્વાસ હજી સંપૂર્ણ રીતે પરત ફર્યો નથી એવા સમયે લીધેલો ઉક્ત નિર્ણય અતાર્કિક છે. જો નીતિમાં સ્થિરતા, મેક્રો મજબૂતી અને સ્પર્ધાત્મક કર માળખું સુનિશ્ર્ચિત કરવામાં આવશે, તો જ ભારત ગ્લોબલ કેપિટલ ફ્લો માટે ફરીથી પ્રાથમિક પસંદગી બની શકશે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button