ઈન્ટરવલ

સેબીનો સપાટો ફોરેનર્સમાં ફફડાટ

શેરબજારમાં તાજેતરમાં પડેલા ભયાનક કડાકા પાછળ એફઆઇઆઇની વેચવાલી છે કે અન્ય પરિબળો?

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

કેપિટલ માર્કેટ નિયામક ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)એ કંપનીઓને લઘુતમ પબ્લિક શેરહોલ્ડિંગ અંગેના નિયમોમાં ગડબડ કરતા અટકાવવા માટે, તેમજ વિદેશી કંપનીઓને શેલ કંપનીઓની શૃંખલા અથવા વેબ દ્વારા પરોક્ષ રીતે ભારતીય કંપનીઓને નિયંત્રિત કરતા અટકાવવા માટે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) પાસેથી વધારાના ડિસ્ક્લોઝરની જ્યારથી માગણી કરી છે, ત્યારથી ભારતીય શેરબજાર પર આફત આવી પડી છે.

પાછલા કેટલાક સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સમાં જે રીતે અચાનક અને ભયાનક કડાકા જોવા મળ્યાં તેને કારણે બજારમાં એવો સવાલ ચર્ચાતો થઇ ગયો છે કે કરેક્શન પાછળના સંભવિત કારણો શું હોઈ શકે છે. આ સવાલના જે જવાબ ચર્ચાઇ રહ્યાં છે, તેમાં સૌથી લોકપ્રિય અને લોકોને સાચું લાગે એવું કારણ એટલે, ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) દ્વારા સેબીના વધારાના ડિસ્ક્લોઝર ધોરણોનું પાલન કરવા થઇ રહેલી તીવ્ર વેચવાલીને કારણે બજાર ધોવાઇ રહ્યું છે.

હવે આપણે એ જોઇએ કે આ ધોરણો શું છે અને નિયમનકારે તેને શા માટે મૂક્યા છે? સેબી વિદેશી ફંડો પાસેથી શું ઈચ્છે છે? વાસ્તવમાં સેબી એફપીઆઇ પાસેથી વધારાની સ્પષ્ટતા ઇચ્છેે છે, જેથી કંપનીઓને લઘુતમ પબ્લિક શેરહોલ્ડિંગ પરના નિયમોમાં છેડછાડ કરતા અટકાવી શકાય અને વિદેશી કંપનીઓને શેલ ફર્મ્સની સાંકળ અથવા વેબ દ્વારા આડકતરી રીતે ભારતીય કંપનીઓને નિયંત્રિત કરતા અટકાવી શકાય.

એફપીઆઇએે માલિકી ધરાવતા, આર્થિક અને નિયંત્રણ અધિકારો ધરાવતા તમામ હિતધારકોની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે. આ પ્રક્રિયાથી અંતિમ લાભદાયી માલિકી (અલ્ટીમેટ બેનિફિશિયલ ઓનરશીપ)ની ઓળખ કરવામાં મદદ મળશે.

હવે બીજો સવાલ એ છે કે, શું તમામ એફપીઆઇએ આ વધારાનું ડિસ્કલોઝર કરવુ પડશે? આનો એકાક્ષરી જવાબ છે, ના. આ ડિસક્લોઝર એવા વિદેશી ફંડો દ્વારા કરવાની રહેશે, જેમના સંચાલન હેઠળની ૫ચાસ ટકા ઇક્વિટી અસ્કયામતોનું રોકાણ એક જ (સિંગલ) ભારતીય કોર્પોરેટ જૂથમાં હોય અથવા એવા એફપીઆઇ કે જેમણે ભારતીય શેરબજારમાં રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
હવે એ જોઇએ કે વધારાના ડિસ્કલોઝરની શરતમાંથી કોને મુક્તિ મળે છે? સોવરિન વેલ્થ ફંડ્સ, ચોક્કસ વૈશ્ર્વિક એક્સચેન્જો પર લિસ્ટેડ કંપનીઓ, પબ્લિક રિટેલ ફંડ અને વૈવિધ્યસભર ગ્લોબલ હોલ્ડિંગ સાથેના અન્ય નિયમન કરાયેલ પૂલ્ડ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલ્સને અતિરિક્ત ડિસ્કલોઝરની આવશ્યકતા નથી.

કેન્દ્રિત એફપીઆઇ રોકાણમાં બજાર નિયામકને જોખમ જણાય છે, કારણ કે આવી શેરહોલ્િંડગ પેટર્ન હોય તો કોર્પોરેટ જૂથોના પ્રમોટરો એફપીઆઇ સાથે મિલીભગત કરીને ગોલમાલ કરી શકે છે. એ નોંધવું રહ્યું કે, એક અભ્યાસ અનુસાર કેન્દ્રિત એફપીઆઇ હોલ્ડિંગ ધરાવતા જૂથોમાં ટાટા, હિન્દુજા સહિતના ચાલીસ જૂથોનો સમાવેશ છે.

સેબીના નિરીક્ષણમાં એ બાબત સામે આવી છે કે, કેટલાક કિસ્સામાં, પ્રમોટરોએ તેમના માટે અનુકૂળ વિદેશી ફંડો પાસે તેમના શેર પાર્ક કરીને ૭૫ ટકાની નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હિસ્સો જાળવી રાખ્યો છે. સેબીએ જણાવ્યું હતું કે, આ પ્રકારના કિસ્સામાં લિસ્ટેડ કંપનીમાં દેખીતો ફ્રી ફ્લોટ સ્ટેક, વાસ્તવમાં સાચો હોતો ના હોવાથી આવી સ્ક્રીપ્સમાં ભાવમાં મેન્યુપ્યુલેશનનું જોખમ વધી જાય છે.
સેબીએ ઑક્ટોબર ૨૦૨૩માં કસ્ટોડિયન માટે વિસ્તૃત જાહેરાતો માટે અનુસરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. હાલના એફપીઆઇ, જેઓ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સુધી રોકાણ મર્યાદાનો ભંગ કરતા જણાયા હતા, તેમણે ૯૦ કેલેન્ડર દિવસોમાં એટલે કે ૨૯ જાન્યુઆરી, ૨૦૨૪ની અંદર આવા એક્સપોઝરને ઘટાડવાની આવશ્યકતા હતી.

જે વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ નિર્ધારિત સમયરેખામાં ઇક્વિટી એયુએમ થ્રેશોલ્ડથી નીચે લાવવામાં અસમર્થ હોય, તો તેમણે ૨૯મી જાન્યુઆરી ૨૦૨૪થી કામકાજના ત્રીસ દિવસોમાં એટલે કે ૧૧મી માર્ચ, ૨૦૨૪ સુધીમાં એડિશનલ ડિસ્કલોઝર કરવાનું રહેશે. આ પછી પણ, જો તેઓ કોઈ વિગતો આપવામાં નિષ્ફળ જાય, તો તેમની પાસે તેમના હોલ્ડિંગ ઘટાડવા માટે વધુ છ મહિનાનો સમય હશે.
હવે એ જોઇએ કે બજારના ઘટાડા સાથે તેનો શું સંબંધ છે? બજારનો અમુક વર્ગ માને છે કે સેબીની શરત પૂર્ણ કરવા માટે એફપીઆઇએ જોરદાર વેચવાલી કરી હોવાથી શેરબજારમાં એકાએક મોટા કડાકા જોવા મળ્યા છે. જોકે, અમુક નિષ્ણાતો એમ પણ માને છે કે, વિદેશી ફંડો પોતાના પોર્ટફોલિયોને સમાયોજિત કરવા માટે છેલ્લી ઘડી સુધી રાહ જોઈ રહ્યાંં હોય તેવી શક્યતા નથી. વિદેશી રોકાણકારોએ તે દરમિયાન એક સપ્તાહમાં રૂ. ૨૭,૮૩૦.૩૪ કરોડની કરેલી વેચવાલી, સેબીના પ્રારંભિક અંદાજ કરતાં ઘણી ઓછી છે.

આ નિષ્ણાતો માને છે કે, વાસ્તવિક એફપીઆઇને વધારાની વિગતો જાહેર કરવામાં કોઈ સમસ્યા નહીં હોય અને તેઓ માત્ર થ્રેશોલ્ડ ધોરણોનું પાલન કરવાને બદલે શેરલક્ષી કારણોસર હિસ્સો વેચશે.

સેબી હાઈ-રિસ્ક એફપીઆઇને નવાં ધોરણોના પાલન માટે વધુ સમય અપાશે?

બેનિફિશિયર ઓનર્સ એટલે કે અંતિમ લાભકર્તા અથવા તો લિક્વિડેટ હોલ્ડિંગ્સ સંબંધિત નવા ડિસ્કલોઝર ધોરણોના પાલન માટે ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈઝ)ને મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ વધુ સમય આપવાનું નક્કી કર્યાનું આ મામલા સાથે સંબંધિત સૂત્રોએ જણાવ્યું છે.

આ સંબંધિત થઈ રહેલી હલચલમાં સેબીએ ઔપચારિક રીતે જાણ કરી એફપીઆઈઝને જાન્યુઆરીના અંત સુધીમાં પાલનની સલાહ આપી હોવાનું અને આ મુદ્દત પૂરી થયા બાદ જરૂરી ડિસ્કલોઝર કરવા માટેની મુદ્દત ૧૦થી ૩૦ દિવસ લંબાવી આપવામાં આવશે એવું જાણવા મળે છે.

જો આ મુદ્દતમાં પણ પાલન કરવામાં નિષ્ફળ રહેવાના સંજોગોમાં તેમના હોલ્ડિંગ્સ ઘટાડવા માટે વધુ છ મહિનાનો સમય આપવામાં આવે એવી શકયતા સૂત્રો બતાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સેબીએ ઓગસ્ટ ૨૦૨૩માં કોઈપણ એક કોર્પોરેટ ગુ્રપમાં તેમના ભારતીય ઈક્વિટી એયુએમના ૫ચાસ ટકાથી વધુ અને રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધુ મૂલ્યના ભારતીય શેરો ધરાવતા એફપીઆઈ માટે તેના અંતિમ લાભાર્થી-બેનિફિશિયલ ઓનર્સ સંબંધિત વધારાના ડિસ્કલોઝર કરવા માર્ગરેખા જારી કરી હતી.

વધારાના ડિસ્કલોઝર્સ અને છુટછાટ માટે કસ્ટોડિયન દ્વારા અનુસરવાની રહેતી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પ્રથમ ઓકટોબર ૨૦૨૩માં મૂકવામાં આવી હતી. જે એફપીઆઈઝ ૩૧,ઓકટોબર ૨૦૨૩ મુજબ આ વધારાના ડિસ્કલોઝર્સ માટેના માપદંડનું પાલન કરે એમના માટે તેમના હોલ્ડિંગ્સને રીબેલન્સ કરવા ઈચ્છે તો એ માટે જાન્યુઆરી ૨૦૨૪ સુધીનો સમય અપાયો હતો.

આ મામલે સંકળાયેલ એક વ્યક્તિના કહેવા મુજબ જો એફપીઆઈઝ જાન્યુઆરીના અંત સુધીમાં આ વધારાના ડિસ્કલોઝર્સ માટેના માપદંડનું સતત પાલન કરે તો તેમને વધારાની જરૂરી વિગતો પૂરી પાડવા માટે વધારાનો ૧૦થી ૩૦ દિવસનો સમય આપવામાં આવશે, ત્યારબાદ વિગતો આપવામાં નિષ્ફળ રહે તો તેમને તેમનું હોલ્ડિંગ ઘટાડવા માટે વધુ છ મહિનાનો સમય મળી શકે છે એવું સૂત્રોનું કહેવું છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળે છે કે એફપીઆઈઝે તેમના બેનિફિશિયલ ઓનરશીપની ઝીણામાં ઝીણી વિગત આપવી જરૂરી બની શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button