ઈન્ટરવલ

ઔર યે મૌસમ હંસીં… માણસ આટલું બધું શું કામ બોલે છે?

-દેવલ શાસ્ત્રી

થોડા દિવસ પહેલા એક બહેને મજાની વાત કરી હતી. એ બહેનનાં દાદીને ખૂબ વાતો કરવા જોઈએ. ઘરના બધા દાદીની વાતોથી થાકી જાય. એક દિવસ દાદીએ ફરિયાદ કરી કે ઘરે વીમાનું કામ કરવા માટે આવતાં ભાઈ ખૂબ બોલબોલ કરે છે… ઘરના સહુને આશ્ર્ચર્ય છે કે આ હિસાબે એ ભાઈ કેટલું બોલતા હશે?!

આપણી આસપાસ અસંખ્ય લોકો હશે જે એવા વાતોડિયા હશે કે ‘આવજો’ કહ્યા પછી ઘરના ઉંબરે ઊભા રહીને પણ બીજો અડધો કલાક વાતોમાં કાઢી નાખે…

વધુ બોલવાની આદત ગુજરાતી નાટકોમાં ખાસ જોવા મળે છે. એમના લેખક કલાકારો પાસે બિનજરૂરી લાગણીવેડાનો ધોધ વરસાવે છે. તાજેતરમાં એક જાણીતી અભિનેત્રીનું નાટક જોયું હતું, અઢી કલાકના નાટકમાં પોણાત્રણ કલાક બોલ્યાં હશે. બાકીનાં પાત્રો લગભગ એટલું જ બોલ્યાં હશે. વિચારો કે પ્રેક્ષકોની શું હાલત થતી હશે આવાં નાટક જોવાં કરતાં સાંભળતા થાકી જવાય છે.

સોશિયલ મીડિયાના આગમન પછી દરેક વ્યક્તિને બોલવું છે, આધુનિક યુગની સૌથી મોટી સમસ્યા એ છે કે સાંભળનાર કોઈ નથી. કેટલાક મહાનુભવો તો રાહ જોતા હોય કે રાજનીતિની ચર્ચા શરૂ થાય એટલે એમની બેટિંગ શરૂ કરી શકે. ખાસ કરીને ટીવી પરની ડિબેટ જોઈને લોકો સંવાદ સાધવાનું ભૂલી ગયા છે. કોઈ પણ વિષયમાં દરેકને પોતાનો અભિપ્રાય આપવો છે.

આપણા સહુનો પ્રશ્ર્ન એટલો જ છે કે માણસને આટલું બધું બોલવું શું કામ છે? એ બિનજરૂરી શા માટે બોલે છે? બોલચાલનો સામાન્ય અભ્યાસ એવું માને છે કે વ્યક્તિ વાતચીત દરમિયાન પોતાના વિષે અથવા પોતાના જ્ઞાન વિષે ચાલીસ ટકા બોલતો હોય છે.

આ જ સમસ્યા સાંભળનારને પણ હોય છે, એને પણ પોતાના વિષે બોલવું હોય છે અને કોઈ સાંભળતું નથી. આ વાતનો અર્થ એટલો કરવો કે જો થોડું સાંભળવાની ટેવ પાડશો તો તમને લોકપ્રિય થતાં કોઈ અટકાવી શકશે નહિ.

એ વાત ચોક્કસ છે કે બિનજરૂરી બોલવાથી ક્યારેક સંબંધોમાં ઓટ આવી શકે છે. આપણી નિકટની વધારે બોલતી વ્યક્તિની વાતોનો અભ્યાસ કરવો જોઈએ. એની વાતોમાં નિરાશા, ડર અથવા સતત નકારાત્મકતા આવે તો આપણે એના તરફ સહાનુભૂતિપૂર્વક વર્તન કરવું જોઈએ.

એમની સાથેની વાતચીત દરમિયાનનાં અમુક લક્ષણ પર ધ્યાન આપવાથી ઘણી સમસ્યા સમજી શકાશે. વ્યક્તિ માનસિક સમસ્યાથી ગ્રસ્ત હોય તો એણે યોગ્ય ચિકિત્સા કરાવવી જોઈએ.

આપણે ત્યાં દરેક વાતને બોલીને જ સમજાવવી પડે એ માન્યતા લોકોના દિલમાં પ્રવેશી ગઈ છે. મૌન વિશે સમજાવવા ત્રણ કલાકનું વક્તવ્ય આપવામાં આવે છે. ઓફિસ ક્લાર્કને અત્યંત લાંબી સૂચનાઓ આપવામાં આવતી હોય છે. બાળક ભૂલ કરે એટલે માતા-પિતા લાંબી -પહોળી સલાહ આપવા તૈયાર જ બેઠા હોય છે. મહદઅંશે બાળપણથી લાંબું લાંબું સાંભળવાની આદત લાંબું બોલવા માટે મજબૂર કરે છે.

પ્રશ્ર્ન સાથે મુદ્દાસર ચર્ચાનો અભાવ વ્યક્તિને દરેક વાતને લંબાણપૂર્વક શીખવે છે. ફ્રોઈડ એવું માનતો હતો કે બાળપણની નિષ્ફળતાઓ તથા કેટલીક ઘટનાની અસર થકી વધુ બોલવાથી માંડીને વધુ ભોજન કરવા સુધીની આદત પડે છે. જો કે વધુ બોલવાની આદત મહદઅંશે વારસાગત હોવા અંગે ઘણાં સંશોધન થયાં છે.

બોલવાની વાતમાં એક અભ્યાસ રસપ્રદ છે કે દિવસ દરમિયાન મહિલાઓ અંદાજે વીસ હજાર શબ્દો બોલે છે તેની સાપેક્ષે પુરુષ સાત આઠ હજાર શબ્દ બોલતો હોય છે. છેલ્લા દાયકાઓમાં થયેલા અભ્યાસ મુજબ ઘણા વિચારકો માને છે કે સ્ત્રી અને પુરુષ લગભગ સરખી માત્રામાં જ બોલે છે.

કેટલાક કિસ્સામાં પુરુષ અધિક બોલતો હોય એવું જોવા મળ્યું છે. મનોવિજ્ઞાનના કેટલાક સંશોધકો વધુ બોલવું એટલે શું તેનો અર્થ સમજાવતા કહે છે કે વાતચીત દરમિયાન સામી વ્યક્તિને તક આપ્યા વગર સતત ચાલીસ સેક્ધડ સુધી સતત બોલ્યા કરવું…. ઘણા લોકો તો સામાન્ય વાતચીત દરમિયાન બે ત્રણ મિનિટ સુધી તો મુદ્દા પર આવતાં હોતાં નથી.

જો આપણને જ વધુ બોલવાની ટેવ હોય તો ટૂંકમાં કહેવાની ટેવ સાથે પ્રશ્ર્ન પૂછીને સામાને બોલવાની તક આપવી જોઈએ. પ્રશ્ર્ન પૂછયા પછી જાતે જ જવાબ આપવાને બદલે અથવા અસહમતી દર્શાવવાને બદલે બીજાઓની વાતને ધ્યાનપૂર્વક સાંભળતા શીખવું જોઈએ. એક વિષય પરથી બીજા વિષય પર ઝડપભેર કૂદકો મારવાને બદલે થોડી જાણકારી મેળવતાં શીખવું જોઈએ.

સૌથી અગત્યની વાત, ચર્ચામાં વધારે બોલવાની સાથે સામી વ્યક્તિને દુ:ખ થાય એવા શબ્દપ્રયોગથી દૂર રહેવું જોઈએ. રાજનીતિની ચર્ચા હંમેશાં સંવાદ સ્વરૂપે થવી જોઈએ. જયારે સામી વ્યક્તિ તર્કબદ્ધ અને રેફરન્સ સાથે વાત કરતી હોય ત્યારે ખોટું લગાડવાને બદલે શીખવાની ટેવ પાડવી જોઈએ.

કેટલાક વાતોડિયા અંગ્રેજી કે અન્ય ભાષામાં જોરશોરથી દલીલ કરવા બેસી જાય છે એ આપણી અણઆવડત છતી કરે છે. બીજાના મતને આદર આપવાને બદલે ચર્ચા ઉગ્ર બનવામાં નુકસાન આપણું જ છે. ક્યારેક આવી ચર્ચાઓમાં ઓછું બોલવાની કળા શીખવાની જરૂર છે. દરેક વાતમાં લંબાણપૂર્વક તૂટી પડવાની આદત બદલવા એક ટેવ પાડવી જોઈએ કે સપ્તાહમાં એક દિવસ સંપૂર્ણ મૌન રાખવું જોઈએ.

શિયાળો એટલે લગ્ન અને એકબીજાને મળવાની ઋતુ કહી શકાય. આ ઋતુમાં વધારે બોલવાની ટેવ હોય તો એનો સકારાત્મક ઉપયોગ કરી શકાય. લગ્નની વ્યવસ્થાના વખાણ કરવા જોઈએ, સંબંધીઓના વસ્ત્રોથી માંડીને બાળકોના વખાણ કરી શકાય. વખાણ તો સહુને વહાલા હોય, દર વખતે જ્ઞાન બતાવવાને બદલે સામાની ગમતી વાતો કરીને એને ખુશ કરવાનો પ્રયોગ કરી શકાય ક્યારેક અપ્રિય સત્યને બદલે પ્રિય અસત્યનો પ્રયોગ કરવો જોઈએ!

ધ એન્ડ:
માણસની ત્રણ અવસ્થા હોય છે, એને સાન્તા ક્લોજ઼ ગમે છે અથવા નથી ગમતો. ત્રીજી અવસ્થામાં એ પોતે સાન્તા ક્લોજ઼ બની જાય છે. (બોબ ફિલિપ્સ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button