પ્રાસંગિક: સાઉદી અરેબિયા સાથેની ડિફેન્સ ડીલ પછી પાકિસ્તાનને લાગ્યો આફટરશોક | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

પ્રાસંગિક: સાઉદી અરેબિયા સાથેની ડિફેન્સ ડીલ પછી પાકિસ્તાનને લાગ્યો આફટરશોક

– અમૂલ દવે

સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચેની દોસ્તી અનોખી છે. આ એક તવંગર મિત્ર અને ગરીબ દોસ્તની મિત્રતા છે. આને લીધે એક ઉક્તિ યાદ આવે છે કે

‘ધનવાન મિત્ર દ્વાર ખોલે, પણ ગરીબ મિત્રની વફાદારી ઘર બનાવે…’

સાઉદી અને પાકિસ્તાને ડિફેન્સ ડીલ કરતાં ભારતમાં ખળભળાટ મચી ગયો છે. આવી ડિલ ગુપ્ત રખાય છે, પરંતુ આમાં એક દેશ પરના હુમલાને બીજા દેશ પરના હુમલો ગણાવાની જોગવાઈ છે. આમાં સહિયારા સંરક્ષણનો સિદ્ધાંત છે. જોકે આ સંરક્ષણ કરાર કર્યા બાદ પાકિસ્તાનને માટે ડબલ ટ્રબલ શરૂ થઈ ગઈ છે. બધા જ મુસ્લિમ દેશોને ભારે પડનાર ઈઝરાયલ અને ઈરાન બન્ને પાકિસ્તાનના શત્રુ બની ગયા છે.

તાજેતરમાં યમન તટ પર ઈઝરાયલે ડ્રોન વડે પાકિસ્તાનના જહાજ પર હુમલો કર્યો હતો. આ જહાજ લાલ સાગરમાં હતું ત્યારે હુમલો થયો હતો. ઈઝરાયલે એલપીજી ટેન્કર પર હુમલો કર્યો હોવાની વાતને પાકિસ્તાને સમર્થન આપ્યું છે. આના પહેલાં હુથીએ આ જહાજને કેદ કરી રાખ્યું હતું. હુથીને ઈરાનનું સમથર્ન મળતું હોવાથી આમાં ઈરાનનો હાથ હતો. આ જહાજ રાસ અલ-ઈશા બંદર પર હતું ત્યારે ઈઝરાયલે ડ્રોન વડે ટેન્કર પર હુમલો કર્યોર હતો. ટેન્કરમાં સ્ફોટ થયો હતો, પરંતુ પાકિસ્તાની ચાલક દળે આગ કાબૂમાં લાવી હતી. જહાજના ક્રૂને અનેક દિવસો સુધી હુથીએ બંધક બનાવી દીધા હતા. જોકે પછીથી એમને છોડી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ જનઆંદોલન સામે વિવશ સત્તાધીશો… હજી તો ઘણાનાં સિંહાસન ડોલશે!

પાકિસ્તાને સાઉદીને અણુ હથિયારો આપવાની વાત કરીને ઈઝરાયલે તેનું દુશ્મન બનાવી દીધું છે. ઈરાને પાકિસ્તાન અને સાઉદી વચ્ચેની ડિફેન્સ ડિલનું જાહેરમાં સ્વાગત કર્યુુ છે, પરંતુ ચાન્સ મળે તો પાકિસ્તાનને પાઠ ભણાવવાનું ઈરાને મનોમન નક્કી કર્યુુ છે. આમેય ઈરાન અને પાકિસ્તાનની સરહદે હંમેશાં તંગદિલી રહે છે.

ઈઝરાયલે અમેરિકાના મિત્ર કતાર પર બોમ્બમારો કરતા ગલ્ફના દેશોને અમેરિકા પર વિશ્વાસ રહ્યો નથી. સઉદીની રાજાશાહીને પણ ઈઝરાયલ, યમન અને ઈરાનનો ડર લાગી રહ્યો છે. તાજેતરમાં કતારની રાજધાની દોહામાં 80 મુસ્લિમ દેશો પ્રતિનિધિઓનું એક શિખર સંમેલન યોજાયું હતું, જેમાં ‘નાટો’ જેવી સેના બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. બેઠકમાં પાકિસ્તાન અને ઈજિપ્તે ‘ઈસ્લામિક ટાસ્ક ફોર્સ’ અને ‘સંયુક્ત અરબ સૈન્ય કમાન્ડ’
બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, પરંતુ અમેરિકાના દબાણને લીધે કતારને સંયુક્ત આરબ અમીરાત ફસકી ગયા છે. આથી કંટાળીને સાઉદીએ પાકિસ્તાન સાથેની ગુપ્ત સમજૂતીને જાહેર કરવાનો નિણર્ય લીધો હતો.

કતાર પર ઇઝરાયલી હવાઈ હુમલાથી સમગ્ર મુસ્લિમ વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પાકિસ્તાન સહિત લગભગ 57 ઇસ્લામિક દેશ કતારના સમર્થનમાં ઉભા હતા, પરંતુ કતાર પોતે અમેરિકાના દબાણમાં પાણીમાં બેસી ગયું.. મુસ્લિમ દેશોમાં શિયા અને સુન્ની બે ફાંટા પણ છે.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ પાકિસ્તાન માટે આ બે હોડીની સવારી આત્મઘાતી છે

કોઈપણ દેશ ઇઝરાયલ પર હુમલો કરે તે પહેલાં, તેની લશ્કરી તાકાતને સમજવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઇરાન સાથેના તાજેતરના યુદ્ધ દરમિયાન, ઇઝરાયલે ઇરાનને ભારે નુકસાન પહોંચાડ્યું. ઇઝરાયલ પાસે તેના કદ કરતાં ઘણી વધારે લશ્કરી ક્ષમતા છે. તેની સેના એક શક્તિશાળી હવાઈ દળ, અત્યાધુનિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલી, આયર્ન ડોમ, સાયબર યુદ્ધ અને યુએસ સપોર્ટથી સજ્જ છે. પરમાણુ શસ્ત્રોની શક્યતા તેની શક્તિને વધુ વધારે છે…ઈઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ તો સિંહાસન પર ટકી રહેવા નીતનવા મોરચા ખોલે છે. ઈઝરાયલનો નવો ટાર્ગેટ તુર્કી હશે એવી અટકળો થઈ રહી છે.

જો બધા 57 મુસ્લિમ દેશો ખરેખર એક થાય અને લશ્કરી જોડાણ બનાવે, તો તે માનવશક્તિ, સંસાધનો અને ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનો સૌથી મોટો બ્લોક બની શકે, પરંતુ અમેરિકા એવું કદી નહીં થવા દે.

સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે અને તુર્કી અને આરબ દેશો વચ્ચે અવિશ્વાસની દીવાલ પણ છે. વધુમાં, વિવિધ દેશોની સેનાઓની ભાષા, તાલીમ, શસ્ત્રો પ્રણાલીઓ અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓ અલગ અલગ છે. આના કારણે હાલમાં ‘નાટો’ જેવી એકતા સ્થાપિત કરવી અત્યંત મુશ્કેલ બને છે.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ ભારતના બન્કર બસ્ટર મિસાઈલ ચીન-પાકિસ્તાન માટે કેવી રીતે ખોફનાક?

આ ડિફેન્સ ડિલથી ભારતને સાવધાન રહેવાની જરૂર છે.

આમ તો સાઉદી સાથે ભારતના ઉષ્માભર્યા સંબધ છે.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ કહે છે કે, ‘ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે વર્ષોથી સતત મજબૂત થઈ રહી છે. અમને આશા છે કે આ ભાગીદારીમાં આપણા પરસ્પર હિતોનું ધ્યાન રાખવામાં આવશે…’ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી જંગ થાય તો સાઉદી અરેબિયા એને લશ્કરી સહાય તો નહીં કરે, પરંતુ નાણાકીય સહાય જરૂર કરી શકે છે.

પહેલગામમાં હુમલો થયા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અનેક ઠેકાણા પર હુમલા કરીને આતંકી અડ્ડાઓને નષ્ટ કરી દીધા હતા. આ જ કારણે સાઉદી અરેબિયા સાથે પાકિસ્તાને કરાર કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: પ્રાસંગિક: ટ્રમ્પને લીધે ફરી `હિન્દી-ચીની ભાઈ ભાઈ’!

આમ છતાં સાઉદી અરેબીયાની ચિંતા કરવાની ભારતને જરૂર નથી, પરંતુ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘનિષ્ઠ થતા જાય છે એની ચિંતા ભારતે કરવાની જરૂર છે. ટ્રમ્પ ભારતને નીચા બતાડવાની અ્ને હેરાન કરવાની એક પણ તક છોડતા નથી. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં અમેરિકાએ લશ્કરી મથકો ઊભા કર્યા છે. અમેરિકાએ તો અફઘાનિસ્તાન પાસે પણ તેનું લશ્કરી મથક માગ્યું હતું, પરંતુ તાલિબાનોએ તે આપવાની ના પાડી છે. અમેરિકાને ખુશ કરવા પાકિસ્તાન રેર અર્થ મિનરલનું ગાજર બતાવી રહ્યું છે. પાકિસ્તાનનો આ ખેલ ખતરનાક છે. અગાઉ અમે લખ્યું હતું એમ અમેરિકા સાથે વધતી જતી પાકિસ્તાનની નિકટતાને લીધે ચીન સાવધાન બની ગયું છે. જો પાકિસ્તાના માથા પરથી ચીન હાથ ઉઠાવી લેશે તો પાકિસ્તાનના ટુકડા થઈ જશે એમાં કોઈ શંકા નથી.

Amul Dave

પત્રકારત્વમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રમતગમત, રાજકારણ, ધર્મ, જ્યોતિષ ઈત્યાદિ વિષય પર લોકપ્રિય કટાર લખી છે. રાજકારણ તેમનો મનગમતો વિષય છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમની હથોટી છે.

સંબંધિત લેખો

Back to top button