પુસ્તક શબ્દ સાડા ત્રણ અક્ષરનો છે. જ્યારે ગ્રંથ પણ પ્રેમની માફક અઢી અક્ષરનો શબ્દ છે. પુસ્તક કે ગ્રંથના વિકલ્પે જે શબ્દ વાપરવામાં આવે છે તે શબ્દ પુલિંગ- સ્ત્રીલિંગ ને નાન્યતર લિંગમાં વાપરવામાં આવતો એકમાત્ર શબ્દ છે-ચોપડો-ચોપડી ને ચોપડું . પુસ્તક એ સન્માનસૂચક શબ્દ છે.
જ્યારે ચોપડી કે ચોપડો તિરસ્કારવાચક શબ્દ છે. જ્ઞાનનું અધ:પતન કહી શકાય.કોઇને કેટલો અભ્યાસ કર્યો છે તે પૂછવા કેટલા ચોપડા ફાડ્યા ?’ તેમ કટાક્ષમાં પૂછવામાં આવે છે. ચોપડા ભણવા નહીં, પણ ફાડવાના કામમાં જ આવે છે એ આપણી માન્યતા છે.
કોઇ વ્યક્તિ એમ કહે કે તેને વાંચનનો બેહદ શોખ છે. જ્યારે એને પૂછવામાં આવે કે તમે શું વાંચો છો? એ વ્યક્તિ ઉત્સાહભેર કહે છે : હું તો બેંકની પાસબુક, ફેસબુક એવું બધું રસપૂર્વક વાંચું છું . લો, કર લો બાત….સાહિત્યિક ગ્રંથનું વાંચન કરવાથી કોઇ પણ પ્રકારની આર્થિક ઉન્નતિ થતી નથી એમ રાજુ રદી સ્વાનુભવે કહે છે.
પુસ્તક લખવા- પ્રકાશિત કરવા અને પછી એ પુસ્તકોનું વેચાણ કરવું એ હારાકીરી એટલે કે આત્મહત્યા કરવા બરાબર કહેવાય. હા, જો તમારી પાસે પૈસા ઉછળતા હોય અને લાખના બાર હજાર નહીં પણ બારસો કરવાની હાથમાં ખંજવાળ આવતી હોય તો પુસ્તકો લખવાં, સ્વખર્ચે પ્રકાશિત કરવાં કે પુસ્તકો વેચવાની પ્રવૃતિ જરૂર હાથ ધરવી.
ગુજરાતી લેખકોને એક પાનાંની રોયલ્ટી તરીકે જે સન્માનનિધિ મળે છે એ રકમમાંથી એક ચાનો અર્ધો કપ પણ ખરીદી શકાતો નથી.તમારા માળિયામાં જગ્યા ખાલી હોય અને તમારા મગજનો માળ ખાલી હોય તો અવશ્યપણે પુસ્તકપ્રકાશિત કરાવવું જોઇએ. અનુભવથી કોઇ મોટી ચીજ નથી.
તમારું પુસ્તક જ્યારે કોઇ ખરીદ ન કરે ત્યારે માળિયામાં રહેલી ઉધઇ પુસ્તકને ઉધયોચિત ન્યાય આપે છે. કાં તો રદીની દુકાને તમારું પુસ્તક ત્રાજવે તોલાવી બે પૈસા પરત મેળવવાનું શાણપણ અજમાવવું . જેને દુનિયા અક્કલમંદી કહે છે.
આપણે રસોઇકળા, આયુર્વેદ, જયોતિષકળા, ફેશનને લગતાં પુસ્તકોનું વાંચન કરીએ છીએ. ખરો ગુજરાતી યુદ્ધમાં ખપી જાય પરંતુ ગાંઠના રૂપિયા ખર્ચીને પુસ્તક ખરીદ કરવાનું દુ:સાહસ કરતો નથી. પુસ્તકો ખરીદીને વાંચવા એ સરાસર ખોટનો ધંધો છે.આપણે છતી આંખે કૂવામાં પડવામાં માનતા નથી.
કેટલાક ગુજરાતી કોઈનું પુસ્તક તફડાવીને વાંચવામાં હીણપત નહીં, પરંતુ ગર્વ અને ગૌરવ અનુભવે છે.કેટલાક નરબંકાઓ કોઇની માલિકીના પુસ્તક પર પોતાના નામનો સિક્કો મારી લેન્ડ ગ્રેબિંગની માફક બુકગ્રેબિંગ કરે છે. લેન્ડગ્રેબિંગને રોકવા માટે કાયદો છે, પરંતુ આ રીતે પુસ્તક ‘પચાવી ’ જવાની પ્રવૃત્તિ અટકાવવા કોઇ કાયદો નથી.
એક ગુજરાતી તરીકે વીસ લાખ રૂપિયાની કાર ખરીદી શકીએ છીએ. બે હજાર કે અઢી હજાર રૂપિયાની ગુજરાતી થાળી કે કોન્ટિનેન્ટલ ડિશ પેટમાં પધરાવી શકીએ છીએ. ફેસિયલ કે મસાજ માટે ચાર- પાંચ હજારનો ખુરદો બોલાવી દઇએ છીએ. સિગારેટ, મસાલા માટે મહિને છ-સાત હજાર રૂપિયા ફૂંકી કે ચાવી નાખીએ છીએ, પરંતુ ભૂલેચૂકે બસો રૂપિયા કવિતા,ગઝલ, નવલકથાના પુસ્તક માટે ખર્ચ કરતા નથી. કેમ કે આપણા ડીએનએ તેની હરગિજ પરવાનગી આપતા નથી!
પુસ્તકોના પ્રચાર અને પ્રસાર માટે પુસ્તકમેળા કે લિટરેચર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે. પુસ્તકોના વિમોચનના કાર્યક્રમના આમંત્રણકાર્ડમાં ફૂદડી સાથે તાજા કલમ કે ખાસ નોંધ લખીને પુસ્તક વિમોચન પછી ‘અલ્પાહાર કે ભોજનનો પ્રબંધ છે’ એમ લખીને લોકોને પુસ્તક વિમોચન કાર્યક્રમ માટે લલચાવવામાં આવે છે, જયાં લોકો નવપ્રકાશિત પુસ્તકની ગુણવતા કરતાં અલ્પાહારની ગુણવત્તાની ચર્ચા કરે છે.
પાકિસ્તાનમાં પણ કિતાબ કાર્નિવલ કે પુસ્તક મેળાનું આયોજન થતું રહે છે. પાકિસ્તાનમાં ભારત વિરોધી ઝેર ઓકવાની એકાવન રીતો, અડધી રોટી ખાઇ ભારત સામે હજાર સાલ જંગ કૈસે લડે ? યુદ્ધ ચડે કે પ્રોકસી વોર, પેશાવરમે સફલ બોમ્બ ધડાકે કૈસે કરે? આતંકવાદી કે મોહબ્બતમે લૂંટ ગઇ સકીના, ના ના કરતે હમ તો મિલિટન્ટ હો ગયે, ઇન્ડિયા કી બોર્ડર પાર કરતે સમય કયાં કયાં ચીજે સાથ રખિયે, કિફાયતી બમ કૈસે બનાયે, ઈત્યાદિ -ઈત્યાદિ બકવાસ પુસ્તકો લખાતાં હશે. જેહાદીઓને આવી કિતાબો આતંકવાદી આકાઓ નિ:શુલ્ક આપતા હશે.
પાકિસ્તાનના લાહોર શહેરમાં હમણા પુસ્તક મેળો યોજાયેલો.આ મેળામાં બાળ સાહિત્યથી લઇને લાળ સાહિત્યનાં પુસ્તકો વેચાણ મારફત લેખકો- પ્રકાશકોનો ઉદ્ધાર થાય તે માટે નયન બિછાવીને પ્રતીક્ષારત હતા. કોથળા જેવા લેખકો, બેગમો, ખાંસાહેબો, મિલિટરીના અફસરો, આવામ પુસ્તકમેળામાં તશરીફ લાવી હતી.
પુસ્તકમેળાના પ્રમોટરોને પુસ્તકો વેચાવાની તગડી ઉમ્મીદ હતી. પચીસ રૂપિયાથી લઇને પચાસ હજારની પ્રાઇઝટેગ લગાવેલ ચકાચક પુસ્તકો તારામંડળમા તારા ચમકે તેમ ચમકતાં હતાં. આ પુસ્તક મેળામાં લાખ-દોઢ લાખ કિતાબો બિક્રીના હેતુસર દુલ્હનની માફક સજાવેલ હતા.
લાહોરના પુસ્તક મેળામાં આવેલા લોકોએ શું કર્યું? પુસ્તકોને હાથમાં લીધાં. આમ તેમ સહેલાવ્યાં. પુસ્તકોને ખરીદ કર્યા સિવાય પાછા યથાસ્થાને મુકી દીધા. કરોડપતિ મિંયાઓને સાંઠ રૂપિયાનું પુસ્તક મોંઘું લાગ્યું. તેના દાદાના જમાનામાં દાદા ચવન્નીમાં પાંચ પુસ્તકો ખરીદ કરતા હતા એ જમાનો યાદ કર્યો.
પછી ત્રણસો રૂપિયાની બિરિયાનીની ત્રણ પ્લેટ પેટમાં ઠુંસી!મજાની વાત એ છે કે પુસ્તક મેળામાં એક,બે, ત્રણ એમ ગણીને માત્ર પાંત્રીસ પુસ્તકોનું વેચાણ થયું . જ્યારે લોકો બે હજાર પ્લેટ શવરમા અને બિરિયાની ટટકાડી ગયા કે ઝોહટી ગયા.
Also Read – અજબ ગજબની દુનિયા: જાણો અતરંગી દુનિયાના અવનવા રંગ
પાકિસ્તાનના લાહોરમાં પુસ્તક મેળા નહીં, પરંતુ બદલે એક ફૂડ ફેસ્ટિવલ કે ખાદ્ય મેળો યોજાયેલો તેમ રાજુ રદી રહે છે.
આ પુસ્તકમેળાના આવા નબળા પ્રતિસાદથી નિરુત્સાહિત થઇને પાકિસ્તાનમાં પુસ્તક મેળાનું આયોજન કરનારા લાગતા-વળગતા એને સદંતર અને કાયમ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હોવાનું ચર્ચાઇ રહ્યું છે!