કવર સ્ટોરી: સરહદી ટેન્શન શેરબજારને કેટલું અવરોધશે?

નિલેશ વાઘેલા
શેરબજાર માટે જ્યારે મોટાભાગના પરિબળો પોઝિટિવ છે ત્યારે એકમાત્ર નાપાક પાકિસ્તાનના ઊંબાડિયાને કારણે સેન્ટિમેન્ટ ખોરવાઇ રહ્યું છે. એ જ રીતે, યુદ્ધ સંદર્ભે ભારત આ શત્રુ પાડોશી કરતા ચાર હાથ ઊંચું હોવા છતાં એકમાત્ર ન્યુક્લિઅર ફેકટરને કારણે નાદાન અને મુફલીસ દેશ સાથે યુદ્ધ ટાળી રહ્યું છે.
ભારત-પાકિસ્તાન તણાવમાં વધારો ટૂંકા ગાળા માટે શેરબજારનું મુખ્ય જોખમ પરિબળ બની જાય એવા અણસારો આવી રહ્યાં છે. હાલના સંજોગો જોતા બજાર ટૂંકા સમયમાં અગાઉના ઉચ્ચતમ સ્તરને પાર કરે એવી શક્યતા દેખાઇ રહી છે, જોકે શત્રુ રાષ્ટ્ર સાથેનો તણાવ ચોક્કસપણે નજીકના ગાળામાં ઇક્વિટી માર્કેટ માટે જોખમી છે.
ભારત-અમેરિકા વેપાર કરારની વાસ્તવિક જાહેરાત નજીકના અને મધ્યમ ગાળામાં ભારતમાં વધુ ઉત્પાદન સ્થળાંતર અને લાંબા ગાળામાં નવા એફઆઇઆઇને ભારત તરફ દોરી શકે છે. આ બાબત ચોક્કસપણે એક મજબૂત વૃદ્ધિ માટે ચાલકબળ બની શકે છે, કારણ કે ભારત-અમેરિકા 2030 સુધીમાં 500 બિલિયન ડોલરની ટ્રેડ ડીલ માટે સહમત થયા છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી: જાતિ આધારિત જનગણના સામાજિક આર્થિક ફાયદાના નામે રાજકીય લાભ ખાટવાનો ગૅમ પ્લાન?
આપણે નકારાત્મક પાસાં જોઇએ તો ભારત-પાકિસ્તાન યુદ્ધની વધતી સંભાવના જોતા કેટલાક વિદેશી ફંડો અને સ્થાનિક રોકાણકારો બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી બજારમાં નજીકના ગાળામાં નકારાત્મક પ્રતિક્રિયા આવવાની શક્યતા છે.
જોકે, કોઈપણ સુધારો ટકી રહેવાની શક્યતા ઓછી છે, કારણ કે મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે મજબૂત અર્થતંત્રોમાં સંઘર્ષ દરમિયાન, બજારો સ્થિતિસ્થાપક રહી શકે છે પરંતુ આગળ વધી શકતા નથી.
જમા પાસું એ જ છે કે, વિદેશી ફંડો માટે ભારત એક અનિવાર્ય બજાર બની રહ્યું છે. ભારત એકમાત્ર મોટું ઊભરતું બજાર છે જેની પાસે મજબૂત બેલેન્સ શીટ, મોટા ફોરેક્સ રિઝર્વ અને અત્યંત ઊંચા વિકાસ દર છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : પહલગામના આ તે કેવા પડઘા…
નજીકના ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન યુદ્ધનું જોખમ ચોક્કસપણે છે. આગામી થોડા દિવસોથી અઠવાડિયામાં કેટલીક મજબૂત લશ્કરી અને વ્યૂહાત્મક કાર્યવાહી થવાની સંભાવના છે.
યુદ્ધ પાછળ સરકાર દ્વારા વધારાનો પુષ્કળ ખર્ચ પણ થાય છે, જે અર્થતંત્રને નજીકના ભવિષ્યમાં વેગ આપે છે, જેના પરિણામે બજારની સકારાત્મક પ્રતિક્રિયા પણ આવે છે. કોઈ પણ સંજોગોમાં, ભારતીય કંપનીઓ માટે મૂળભૂત બાબતો સઘન બની રહી છે. આપણે અગાઉના ઉચ્ચ સ્તરથી થોડાં જ દૂર છીએ અને જો અમેરિકા કે પાકિસ્તાન તરફથી કોઇ અળવીતરું પરિબળ ના જાગે તો આ સ્તર થોડા સત્રોમાં હાંસલ થઈ શકે છે.
ચીન અને ભારતના ટેરિફ વચ્ચેના સંબંધિત તફાવતને ધ્યાનમાં રાખીને અથવા તો કેટલાક અન્ય નિકાસલક્ષી દેશોની તુલનામાં કે જેના પર અમેરિકાએ ઊંચા ટેરિફ લગાવ્યા છે, તેની સામે ભારત પર દયાભાવ કે મિત્રભાવ રાખ્યો હોય એવી છાપ ઊભી થઇ છે. આપણે આઇફોન ઉત્પાદન પ્રતિબદ્ધતા જોઈ છે કે યુએસ-નિર્ધારિત ઉત્પાદનને ચીનથી ભારતમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : હવે મુત્સદ્દીગીરી સાથે મિલિટરી ઍક્શન લેવાનો સમય પાકી ગયો છે…!
ઊંચા ટેરિફ તફાવતને ધ્યાનમાં રાખીને આ બાબત બિલકુલ આશ્ર્ચર્યજનક નથી. જો કે, સેમસંગ પણ વિયેતનામથી ભારતમાં સ્થળાંતર કરવાનું વિચારી રહી છે, જ્યાં તફાવત ઘણો ઓછો છે. આ દર્શાવે છે કે સંજોગો ભારતની તરફેણમાં તો આવ્યા છે. ઉપરાંત, એવી શક્યતા છે કે ભારત અને અમેરિકા વચ્ચેનો 500 અબજ ડોલરનો વેપાર સોદો લગભગ પૂર્ણ થઈ ગયો છે. આ સોદાની વાસ્તવિક જાહેરાત નજીકના અથવા મધ્ય ગાળામાં ભારતમાં વધુ ઉત્પાદન સ્થળાંતર અને લાંબા ગાળામાં નવા એફઆઇઆઇ ભારત તરફ દોરી શકે છે.
આનો અર્થ એ થશે કે વેપાર પ્રતિબદ્ધતાઓના સંતુલનને ધ્યાનમાં રાખીને ભારતથી અમેરિકા ખાતે આશરે 250 બિલિયન ડોલરની નિકાસ થશે. યુએસમાં વર્તમાન ભારતીય નિકાસ 100 બિલિયન ડોલર કરતા થોડી ઓછી છે. જો આ હાંસલ કરવામાં આવે તો લગભગ 20 ટકા સીએજીઆર થશે. આ હાંસલ કરવામાં મુખ્ય ફાળો ચીનથી ભારતમાં ઉત્પાદનનું સ્થળાંતર હશે.
જોકે, ટ્રમ્પ ક્યારે શું કરશે એ કહી શકાય એમ નથી. તાજેતરમાં જ ફિલ્મો પરની ટેરિફને સ્પર્શીને તેણે જાહેર કર્યું છે કે હજું તેના માથા પરથી ટેરિફનું ભૂત ઉતર્યું નથી! એકંદરે યુએસ ટેરિફને કારણે વૈશ્ર્વિક મંદીનો ભય છે, જે આપણા નિકાસકારોને પણ અસર કરશે. અગાઉ જણાવ્યા અનુસાર ચીનથી ભારત તરફના સ્થળાંતર છતાં, યુએસ ટેરિફ યુએસ વ્યાપાર ધંધા માટે વિવિધ સ્તરે મુશ્કેલી સર્જશેે.
આ પણ વાંચો: કવર સ્ટોરી : આમિર ખાનનું રિ- ડેવલપમેન્ટ
ઉપરોક્ત પરિસ્થિતિનું પરિણામ એવું આવી શકે છે કે તેઓ વિવેકાધીન ખર્ચ મુલતવી રાખશે. ઉદાહરણ તરીકે, મોટી યુએસ કંપનીઓ વધુ વ્યૂહાત્મક પ્રોજેક્ટ્સ મેળવવામાં આઇટી પાછળનો ખર્ચ ટાળી શકે છે. અન્ય બિન-અમેરિકન મોટી કંપનીઓ માટે પણ આવી જ અનિશ્ર્ચિતતા હશે, જે વૈશ્ર્વિક મંદી લાવી શકે છે અને ભારતીય નિકાસકારોને પણ અસર કરી શકે છે.
જોકે, આશા રાખીએ કે અસર અલ્પજીવી રહેવી જોઈએ. જો અમેરિકામાં પુરવઠાની તંગી સર્જાય તો અગાઉ આપણા જે ઉદ્યોગો યુએસમાં નિકાસ કરી શકતા નહોતા, તેઓ ડિફરન્શિયલ ટેરિફ અને સંભવિત સોદાને કારણે નિકાસનો લાભ લઇ શકે છે.
અમેરિકામાં સંભવિત મંદી તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવની ચિંતા બજારના મૂડ પર નકારાત્મક અસર કરે છે. વર્તમાન ભૂ-રાજકીય તણાવ વચ્ચે નજીકના ભવિષ્યમાં રોકાણકારોમાં સાવચેતીનું માનસ રહી શકે છે, જોકે નિષ્ણાતો માને છે કે ખરેખર યુદ્ધ ના થાય ત્યાં સુધી હાલમાં કોઈ તીવ્ર કરેક્શનની અપેક્ષા નથી.
વૈશ્ર્વિક સ્તરે, અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડો, નબળા પડતા યુએસ ડોલર સાથે, ભારત જેવા ઊભરતા બજારો માટે મધ્યમ ગાળાના હકારાત્મક પરિમાણ તરીકે જોવામાં આવે છે. એકંદરે, જોકે ભૌગોલિક રાજકીય તણાવને કારણે બજારમાં અસ્થિરતાની ધારણાં છે.