પ્રાસંગિક: રશિયા- યુક્રેન યુદ્ધ બંધ થવાનું આશાનું કિરણ જાગ્યું…

- અમૂલ દવે
હાશકારો થાય એવા સમાચાર આવ્યા છે….
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના તેમના સમકક્ષ પુતિન વચ્ચેની વાતચીત તથા ટ્રમ્પની યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને યુરોપના અન્ય નેતાઓ સાથેની વાતચીત પછી આશાનું કિરણ જાગ્યું છે. આને લીધે ઝેલેન્સ્કી, પુતિન અને ટ્રમ્પ વચ્ચેની ત્રિપક્ષીય વાતચીતનો તખ્તો ગોઠવાયો છે. આ વખત સમાધાન થવાની તક વધવાનું કારણ એ છે કે પુતિને પણ એમની આક્રમકતા છોડીને બાંધછોડ કરી છે. અત્યાર સુધી પુતિન એમ કહેતા હતા કે હું યુક્રેનને કદી ‘નાટો’નો સભ્ય નહીં બનવા દઉ, પરંતુ આ વખતે પુતિને અમેરિકાને યુક્રેનને સુરક્ષાની ગેરંટી આપવાની છૂટ આપી છે તો મને વાંધો નથી. પુતિને આ સાથે યુરોપના દેશોને એવી ખાતરી આપવાની તૈયારી દાખવી છે કે રશિયાના સંસદમાં એવો કાયદો પસાર કરવામાં આવશે, જેથી રશિયા યુરોપના અન્ય દેશના સાર્વભૌમત્વ પર હુમલો નહીં કરી શકે.
બીજી તરફ, આ વખતે ઝેલેન્સ્કી સાથે બહુ સૌમ્ય રીતે ટ્રમ્પે વાતચીત કરી હતી. છેલ્લી મુલાકાત વખતે ટ્રમ્પે અને ઉપપ્રમુખ જે. ડી. વાંસે પત્રકારો સામે ઝેલેન્સ્કીનું અપમાન કર્યું હતું અને એમને ધમકાવ્યા હતા. ટ્રમ્પ હવે કહે છે કે અમેરિકા યુરોપના દેશોને યુક્રેનને સંરક્ષણ આપવામાં સહાય કરશે. ટ્રમ્પે યુક્રેનને ખાતરી આપી છે કે સંધિ થાય કે નહીં, પરંતુ અમેરિકા યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખશે… ઝેલેન્સ્કી કહે છે કે અમેરિકાનું સપોર્ટનું વચન એ શાંતિ તરફનું મોટું પગલું છે. પ્રમુખ ટ્રમ્પ એક બિઝનેસમેન છે અને એમણે અમેરિકાનો સ્વાર્થ તો સાધી જ લીધો હતો. યુક્રેન અમેરિકા પાસેથી 90 અબજ ડૉલરનાં હથિયારો ખરીદશે.
આ પણ વાંચો: પ્રાસંગિક : હિન્દુ મંદિરો માટે લડી રહ્યા છે આપણા બે બૌદ્ધ પાડોશી દેશ…
જો ટ્રમ્પ પીસ ડીલ કરાવવામાં સફળ થશે તો એમનો નોબલ પારિતોષક પરનો દાવો વધુ મજબૂત થઈ જશે. ટ્રમ્પે પોતાની મહેચ્છા છુપાવી નથી. ટ્રમ્પ કહે છે કે તમે જાણો છો કે મેં યુદ્ધ અટકાવવાની છ ડીલ કરી છે. ટ્રમ્પના આ દાવામાં ભારત – પાકિસ્તાન તથા થાઈલેન્ડ – કંબોડિયા વચ્ચેના યુદ્ધનો સમાવેશ થાય છે. સામે પક્ષે ઝેલેન્સ્કીએ સુરક્ષા ગેરન્ટી બે ભાગમાં માગી હતી. ઝેલેન્સ્કી કહે છે કેપહેલા યુક્રેનનું લશ્કર મજબૂત હોવું જોઈએ. એને બધા પ્રકારનાં હથિયાર મળવાં જોઈએ. બીજું, અમને પૂરતી તાલીમ અને જાસૂસી માહિતી ઉપરાંત સેટેલાઈટની મદદ પણ મળવી જોઈએ…
જોકે તાજેતરમાં અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ અને રશિયાના એમના સમકક્ષવચ્ચેની શિખર પરિષદ ફ્લોપશૌરહી હતી.. ટ્રમ્પનો બધી રીતે ઉપયોગ કર્યા બાદ પણ પુતિન યુદ્ધવિરામ કરવા તૈયાર થયા નહોતા ત્યારે જીયોપોલિટિક્સના પાપા એવા પુતિન સામે ડીલમેકર ટ્રમ્પના ડબ્બા ગુલ થઈ ગયા હતા.
આ પણ વાંચો: માનસ મંથનઃ આજે કળિયુગમાં પ્રાસંગિક હોય એવાં ક્યાં વ્રત રાખી શકાય?
રશિયાના પુતિને અમેરિકાના ટ્રમ્પને બરાબર શીશામાં ઉતારી દીધા છે. હવે ટ્રમ્પ પુતિનની ભાષા બોલતા થઈ ગયા કે ઓચિંતો યુદ્ધવિરામ અટકશે નહીં માટે અમે શાંતિ સંધી માટે કામ કરી રહ્યા છીએ.
અલાસ્કામાં જયારે એ બન્ને વજનદાર નેતાની ભારે ઝાકઝમાળ સાથે બેઠક યોજાઈ ગઈ, પરંતુ એનું પરિણામ નકારાત્મક રહ્યું. બન્ને નેતાઓએ જોશ દાખવ્યો હતો, પરંતુ કોઈ ડીલ કરી શક્યા નહોતા. પુતિન માટે ટ્રમ્પે જે રીતે લાલ જાજમ બીછાવી એ જોઈને યુક્રેન તથા યુરોપના દેશો સ્તબ્ધ થઈ ગયા હતા. ટ્રમ્પે એ જ પુતિનને આવકાર્ય હતા જેમના પર એ વધુ આકરા પ્રતિબંધો લગાવવાની વાત કરતા હતા…!
આ પણ વાંચો: પ્રાસંગિક : વિશ્વશાંતિના બે વિલનની વિદાયની ઘડી ગણાઈ રહી છે…
આ એ જ પુતિન છે જે ઈન્ટરનેશનલ વોર ક્રાઈમના વોરંટનો સામનો કરી રહ્યા છે. જોકે મંત્રણા એક એવા મોડ પર આવી કે પરિણામ શૂન્ય આવ્યું. એ વખતે ટ્રમ્પે એવો દાવો કર્યો કે અમુક મુદ્દા પર એગ્રિમેન્ટ થયું છે. પુતિન કહે છે કે બન્ને નેતાઓ વચ્ચે એક સમજણ જરૂર થઈ છે. આમ છતાં એ બન્ને નેતાએ કોઈ સવાલનો જવાબ આપ્યા નહોતા.
આમ જોઈએ તો પુતિને કોઈ પણ છૂટછાટ દીધા વગર એક પ્રોપેગેંડા વિકટરી મેળવી હતી. એમનું અને રશિયાનું કદ વધી ગયું છે. પશ્ર્ચિમી દેશો રશિયાને એકલું પાડવામાં વિફળ ગયા છે. ટ્રમ્પે રશિયા અને અમેરિકાના સંબંધો માટે આને દસમાંથી દસ પોઈન્ટ આપ્યા હતા. એક દિવસમાં યુદ્ધ અટકાવવાની શેખી મારનારા ટ્રમ્પે કબૂલાત કરી છે કે આ યુદ્ધ અટકાવવું વધુ મુશ્કેલ છે. રશિયન અખબારોએ આને પુતિનની મોટી ડિપ્લોમેટિક જીત ગણાવી છે. રશિયાએ આ મંત્રણામાં યુક્રેનને સીધું સામેલ કરવાની તૈયારી બતાડી નહોતી.
આ પણ વાંચો: પ્રાસંગિક : દોસ્ત દોસ્ત ના રહા… હવે પુતિન વર્સીસ ટ્રમ્પ !
એ સમિટ કેમ વિફળ ગઈ?
આનું કારણ વિશ્વાસનો અભાવ છે. પુતિને ટ્રમ્પને વારંવાર સીઝફાયરની ખાતરી આપીને ન કર્યો હોવાથી પુતિન પર ટ્રમ્પને વિશ્વાસ નહોતો. ટ્રમ્પ નોબેલ પારિતોષિક અને બિઝનેસ મેળવવા કોઈ પણ હદ સુધી જઈ શકે એમ છે. યુક્રેન અને યુરોપને પણ મંત્રણાથી દૂર રાખવામાં આવ્યા હતા એનાથી આ શંકા વધારે દૃઢ બની છે. ટ્રમ્પે વાતચીત સફળ થાય એ માટેની બધી જવાબદારી યુક્રેનઅને યુરોપ પર નાખી દીધી હતી,
ગયા વખતે ફેબ્રુઆરીમાં ટ્રમ્પ અને ઉપપ્રમુખ જે. ડી. વાન્સે જાહેરમાં ઝેલેન્સ્કીને ધમકાવ્યા હતા. યુરોપના દેશોએ સાવચેતી લેવા માટે ટ્રમ્પની ઝેલેન્સ્કી સાથેની એ બેઠકમાં પોતાના નેતાઓને પણ મોકલવાનું પસંદ કર્યું હતું. ઝેલેન્સકીએ જ યુરોપના વડાઓને વિનંતી કરી હતી કે તમે હાજર રહો તો મારામાં હિંમત આવશે. ટ્રમ્પને એવી આશંકા છે કે યુરોપના દેશો ઝેલેન્સ્કીને ચડાવીને એમના શાંતિ પ્રયાસોને સેબોટેજ કરશે-ગાબડું પાડશે ..
જોકે તાજા સમાચાર અનુસાર યુક્રેન રશિયા વચ્ચે યુદ્ધ અટકાવવાની સુલેહ થઈ છે. આશા રાખીએ કે એ કામચલાઉ સાબિત ન થાય.