લયબદ્ધ પ્રાર્થનાનો ચોક્કસ પ્રભાવ હોય છે
તાલબદ્ધ ગવાતી પ્રાર્થના તન મનને સ્વસ્થ તો કરે જ છે સાથે શ્રદ્ધાપૂર્વક કરેલી પ્રાર્થનાથી પરમ શક્તિના આશિષ અવશ્ય પ્રાપ્ત થાય છે
દિવાળી વિશેષ -ડૉ. અસ્મિતા યાજ્ઞિક
સંકોરી જયોતિ પરમની…
(હરિગીત)
રાગ: જે પોષતું તે મારતું એવો દીસે ક્રમ કુદરતી (કલાપી)
શ્રી પ્રભુના ચરણ વળતાં અવધ કેરે આંગણે
દીપોની જ્યોતિ પ્રકટતી હર એક ધરને પ્રાંગણે
છેદી દશાનન-શિરને આવ્યા જન્મ-ભૂમિ-દ્વારમાં
નવ મંત્ર ભણતાં દેવ-દેવી આશિષો કૈં આપતાં.
માથે ચડાવી ધૂળ શી આ અમૃતા વાણી વદે
છે સ્વર્ગથી યે અધિક મા ને માતૃભૂમિ ગૌરવે-
મા શારદાની કૃપાદૃષ્ટિ દર ક્ષણે પામી રહ્યાં,
ને મંત્ર મા ગાયત્રીનો ગૂંજી રહ્યો આ વિશ્ર્વમાં
અભિષેક થાતાં રામભદ્ર રાજ્ય-ધુરા વહી રહે
અનિલો જે વાયા દક્ષિણે તે માર્ગમાં શાંતિ કરે
નવ વર્ષ, નવ ક્ષણ, નવ સમય ને નવ-જગત નિર્મી રહે
અંધાર ભેદી, તમસ ભેદી નવલ ઋત પામી રહે!
શ્રીરામ કેરાં ચરણને વંદી રહુંં, પ્રણમી રહું,
સંકોરી જ્યોતિ પરમની મુજ શબ્દમાં શમવી રહું!
દીપોત્સવી કૈંક રાચે !
(મંદાક્રાંતા)
રાગ: રે પંખીડા! સુખથી ચણજો-ગીતવા કાંઇ ગાજો
પૃથ્વી કેરે પટ વિલસતી એક યા અન્ય રૂપે
તેજ:પુજે કિરણકણિકા શી વસે ઇષ્ટ રૂપે
માણે કેવી વરસ વરસો દીપજ્યોતો મઢેલી
ઊંડાં મૂળે જનહૃદયમાં જે રહી હો! નવેલી!
જે અંધારા મનુજ-પથનાં ઝારતી સ્નેહઘેલી
મુદ્રિકાએ સુભગ મણિ-શી રામરાજ્યે જડેલી!
સંદેશાઓ લઇ નિસરતી, દેવલોકે ય જાતી
મીઠાં સ્વપ્નો જીનવભરનાં કૂજતી, ગીત ગાતી
મા લક્ષ્મીનાં યજન કરતી, પૂજતી શારદાને
એ ગુંજે છે દસ દિશ રહી કો શુચિ સ્તોત્ર ગાને
મીઠી યાદો ગત સમયની માણતી માનુની-શી
ને આશાઓ નવસૃજનની સેવતી જિંદગી શી
આજે ઇષ્ટો જનસકલનાં કૈં પ્રભુ પાસ જાયે
દૈ પેટાવી લધુક દીપ દીપોત્સવી કૈંક રાચે!
હું પ્રાર્થું, પ્રાર્થું છું…
(શિખરિણી)
રાગ : અસત્યો માહેથી પ્રભુ પરમ સાથે તું લઇ જા
પ્રભો! તું જ્ઞાતા છે હૃદય કુમળે, ઊર્મિસભરે
અરે, કેવા જખ્મો બુદબુદિત થૈ નિત્ય ઉભરે;
વળી આ ચિત્તેયે અવળ-સવળા ભાવ નિતરે
અને મારા ભાગ્યે ગતિ જીવનની વક્ર જ ફરે!
તજું ના તોયે હું, તમ પર ધરી જે પતિજ હો,
હું પ્રાર્થું, પ્રાર્થું છું, મન-હૃદયના, ના વ્યથિત હો!
કદી કોઇ વાણી કટુ વચન થૈ અંતર ગ્રહે
સદા મારા હૈયે પરમ મુદિતા વૈખરિ વહે;
અને સૌ પોતીકાં જન વિમુખ ના થાય મુજથી
પ્રભો, હું યાચું છું; વિનત મુખથી, કેટલું મથી!
વળી માર્ગે જાતાં, વિકલ જનને સ્હાય કરવા
રહેજે ને સાથે, દુ:ખિત જનનાં દુ:ખ હરવા.
પછી તારે દ્વારે નમન મુજ આ મસ્તક કરે
પ્રભો! મારે માથે કર વરદ તારો તું ધરજે!
શ્રી પ્રભુનાં ચરણમાં
(વસંતતિલકા)
રાગ : વિશ્ર્વંભરી અખિલ વિશ્ર્વતણી જનેતા
શ્રી પ્રભુનાં ચરણમાં શિરને નમાવું
અધ્યક્ષરો ઋજુ રહે, નમીને હું પ્રાર્થું
ક્ષીરોદધિ જીવનમાં કૈં સુખ તણા હો,
હું આલેખું અમૃતને, વ્યતિરેક ત્યાં હો!
આલેખતાં જગતને ગ્રહની વ્યથાને,
તો ક્ષણે ક્ષણે હું યાચું અનઘા કૃપાને;
જોઇ પીડા અવરની, ન હું જાઉં હારી-
શક્તિ દે તુ જ પ્રભાની બુંદ એક ન્યારી.
સંસારને વિષ-કુન્ડે હું કદીય તાપું,
હૈયે ધરી હું સમતા, તવ મંત્ર જાપું;
આ જિંદગી કદી બને અતિશે અકારી,
સંસ્થાપના ધર્મ તાણી-સુણું વાણી તારી.
આનંદના અતિશયે હું તને જ પામું,
તારી કૃપાને લહતાં, પળના વિરામું!
પ્રતિપળ મુદા દિવ્ય ધરતાંં
(શિખરિણી)
રાગ : અસત્યો માહેથી પ્રભુ પરમ સાથે તું લઇ જા
મહાઋષિ જ્યારે ગહન મથને શોક ધરતા
ક્ષણાર્ધે અંધારે પ્રગટ કરવા દીપ મથતા!
પરાતપ્તા પૃથ્વી વહન કરતી કોપ કવિનો
- છતા શર્વરીમાં રહે નિહિત પ્રકાશ રવિનો.
વહે છે જેવી આ રજની ઉરથી ગ્લાનિ તેમની
સવારે આવે છે મધુર પળ ન્યારા જીવનની.
કવિના શબ્દોમાં વણલિખિત જે કાવ્ય વસ્તું
છુપાવીને કાંટા ઉપવન વિશે પુષ્પ હસતું!
મહાકાવ્યે થાયે પ્રગટ મથને શાંતિ ક્ષમતી
તદા પૃથ્વી આખી નિરતિશય આનંદ ભરતી!
ઝર્યા’તા જે શોક વ્યથિત કરતા ભાવ મનમાં