કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
આજના લેખનું શીર્ષક સહેજ વિચિત્ર, અટપટું કે પછી મૂંઝવનારું લાગ્યું હશે! આ શીર્ષક ૧૯૭૭ની ફિલ્મ ‘આપ કી ખાતીર’માં ભપ્પી લહેરી દ્વારા કમ્પોઝ કરાયેલા અને તેમના જ સ્વરાંકન સાથે રજૂ થયેલા એક જમાનામાં ખૂબ ગૂંજેલા અને લોકપ્રિય નીવડેલા ગીત, ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ પરથી પ્રેરિત છે, જેમાં ‘રાત કો ખાઓ પીઓ’ને સ્થાને ‘શોપિંગ કરો’ શબ્દો ગોઠવ્યા છે.
આ શીર્ષક એક ભલામણ કે સલાહ જેવું પણ લાગે છે, પરંતુ અહીં સ્પષ્ટ કરી દઉં કે આપણે અહીં રિટેલ ક્ષેત્રે રાતના શોપિંગને કારણે જે ક્રાંતિ આવી રહી છે એની વાત માંડવી છે. એ પણ નોંધવું કે રાતનું શોપિંગ ગ્રાહકો માટે તો નહીં, પરંતુ રિટેલર્સ અને અર્થતંત્ર માટે લાભદાયી છે.
રિટેલ માર્કેટ ૨૪ કલાક ચાલુ રાખવા અંગે આ કોન્સેપ્ટ અમલમાં મૂકવાના પ્રારંભિક તબક્કે ઘણા વાદવિવાદ અને મતમતાંતર સર્જાયા હતા. હવે જોકે કેટલાંક રાજ્યોએ નાઇટ લાઇફવાળો આ કોન્સેપ્ટ અપનાવી લીધો છે અને એક અભ્યાસ અનુસાર તેની વપરાશ પર સીધી અસર જોવા મળી રહી છે.
દેશમાં અત્યાર સુધી સાત રાજ્યમાં રિટેલ માર્કેટ ૨૪ કલાક ઓપન રાખવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા અને નવી દિલ્હી સામેલ છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં તેની અનુમતિ આપવાની વાતચીત ચાલી રહી છે.
ઉપરોક્ત અભ્યાસ અનુસાર રાતના શોપિંગ પાછળ લોકો ૬૦ ટકા વધુ ખર્ચ કરી રહ્યા છે અને તે ઉપરાંત ખરીદી પણ અંદાજે ૩૦ ટકા વધી જાય છે. ક્ધઝમ્પશન અથવા તો ખરીદી કે વેચાણ વધવાનું કારણ એ છે કે લોકોને રોજનું કામ પૂર્ણ કર્યા બાદ શોપિંગ કરવા માટે વધારાનો સમય મળે છે.
ખરીદી કર્યા બાદ ઓફિસ કે ઘરે જવા સંદર્ભના સમયની મર્યાદા ન રહેવાથી નિરાંતે અને વધુ સમય શોપિંગમાં ગાળે છે. એક રિસર્ચ રિપોર્ટ અનુસાર અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે ૪ વાગ્યા વચ્ચે કરવામાં આવેલી શોપિંગ માટે કુલ પેમેન્ટ એક વર્ષમાં ૬૦ ટકા વધી ગયું હતું.
ખાસ કરીને ક્વિક-કોમર્સ, ફૂડ-બેવરેજ અને મોબિલિટી જેવા સેગમેન્ટમાં આ વૃદ્ધિ સૌથી વધુ જોવા મળી છે. જે રાજ્યોમાં મોડી રાત સુધી શોપિંગની છૂટ છે, ત્યાંનાં નાનાં શહેરોમાં આ ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે, જે આ સેગમેન્ટમાં ક્રાંતિ આવી રહી હોવાના સંકેત આપે છે.
હવે આધુનિકવાદ સાથે યુવાઓના હાથમાં અગાઉની પેઢી કરતાં અનેક ગણી વધુ નાણાછૂટ રહેતી હોવાથી એવું જોવા મળ્યું છે કે મોડી રાત્રે ખરીદી કરવામાં યુવાઓની ભાગીદારી સૌથી વધુ જોવા મળી હતી. લગભગ બે તૃતીયાંશ લેટ નાઇટ શોપર્સ મિલેનિયલ્સ (૨૮-૪૩ વર્ષ) અને ઝેન-જી(૧૪-૩૪ વર્ષ) શ્રેણીના છે.
એ પણ નોંધવું રહ્યું કે તેમાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. રિપોર્ટ અનુસાર દેશમાં ઇન-હાઉસ પાર્ટી આપવાનું ચલણ વધી રહ્યું છે. તેનાથી લેટ નાઇટ રિટેલ સેગમેન્ટને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ અનુસાર પાછલા એક વર્ષમાં મોડી રાત્રે થતી ખરીદી અંદાજે ૩૦ ટકા વધી છે. તે ઉપરાંત સરેરાશ ઓર્ડર મૂલ્યમાં પણ લગભગ ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે લોકો રાત્રે વધુ ખરીદીની સાથે સાથે દરેક ખરીદી પર વધુ ખર્ચ પણ કરી રહ્યા છે.
આ ટ્રેન્ડને કારણે ઘરાકોનું અંગત બજેટ ભલે બગડે, પરંતુ એક તરફ તેને કારણે રિટેલર્સનું વેચાણ અને નફો વધે છે અને બીજી તરફ તેનાથી સીધા કે આડકતરા કરવેરાની પ્રાપ્તિમાં વધારો થવાથી સરકારની કમાણી પણ વધી રહી છે.
આ બાબત ધ્યાનમાં રાખતાં અન્ય રાજ્યો પણ આ મોડલ અપનાવવાનું સક્રિયપણે વિચારી રહ્યાં હોવાનું જાણવા મળ્યુું છે, જેમાં મધ્ય પ્રદેશ પણ સામેલ છે.
આ ટ્રેન્ડ ગ્રાહકોના બદલાતા વર્તનને જ દર્શાવતો નથી, પરંતુ સાથે જ ૨૪ કલાકની ઇકોનોમીની માગ સાથે તાલમેલ સાધવા તત્પર હોય તેવા બિઝનેસ માટે પણ મજબૂત આર્થિક તક તરીકે ઊભર્યો છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યો હવે આ મોડલ અપનાવવા માટે આતુર હોવાથી દેશના રિટેલ સેગમેન્ટમાં ક્રાંતિ આવશે અને અર્થતંત્રના વિકાસમાં આ સેગમેન્ટનો ફાળો વધશે.
અનેક રાજ્ય સરકારો દ્વારા દુકાનો તેમ જ શોપિંગ સેન્ટર્સ ચોવીસ કલાક ઓપન રાખવાની અનુમતિ આપવાના નિર્ણયથી ગ્રાહકો માટેની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ વેપારીઓના બિઝનેસમાં પણ વૃદ્ધિ નોંધાઇ રહી છે. બિઝનેસ ચોવીસ કલાક ચાલુ રાખવા માટે તેમને નવા કર્મચારીઓની ભરતી કરવાની જરૂરિયાત વર્તાઇ રહી છે. તેનો અર્થ છે કે રોજગારીની નવી તકોનું પણ સર્જન થઇ રહ્યું છે.
આપણે આખી કથાનો સારાંશ જોઇએ તો ચોવીસ કલાક રિટેલ સેગમેન્ટ ધમધમતું રહેશે તો વપરાશી માગમાં વધારો થશે, જે અર્થતંત્રને વિકાસ સાધવામાં મદદ કરશે. રિટેલર્સનાં વેચાણ અને નફામાં વધારો થશે, જ્યારે ગ્રાહકોને સમયના બંધન વગરની ખરીદીના એક નવા અનુભવ અને સવલતનો લાભ મળશે.
*ભારતનો રિટેલ ઉદ્યોગ ૨૦૧૯-૨૦૩૦ દરમિયાન નવ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે ૨૦૧૯માં ૭૭૯ અબજ ડોલરથી વધીને ૧,૪૦૭ અબજ ડોલરના સ્તરે પહોંચશે.
*ભારતના રિટેલ ટ્રેડિંગ સેકટરમાં એપ્રિલ ૨૦૦૦થી ૨૦૨૩ ડિસેમ્બર દરમિયાનના સમયગાળામાં ૪.૫૬ અબજ અમેરિકન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ નોંધાયું છે.
*ભારતનો રિટેલ સેકટર દેશના જીડીપીમાં ૧૦ ટકા અને ૩.૫૦ કરોડથી મોટા શ્રમબળમાં લગભગ આઠ ટકા જેટલું યોગદાન આપે છે. એક અહેવાલ અનુસાર ૨૦૩૦ સુધીમાં રિટેલ ઇન્ડસ્ટ્રી ૨૫૦ લાખ લોકોને નવો રોજગાર આપશે.