ઈન્ટરવલ

પરિણામ આવી ગયાં ..હવે શું?

વ્યંગ -ભરત વૈષ્ણવ

લોકસભાની ચૂંટણી પતી થઇ. સાત સહેલિયા જેવા સાત તબક્કાના મતદાને તંત્ર, ઉમેદવાર અને પાર્ટીઓને રીતસરના ફીણ લાવી દીધા. રેઢિયાળ રોડ શૉ, ભાડૂતી ભીડથી અધૂરા ઘડાની જેમ છલકાતી ભીડ, મુદા ભટકાવતો પ્રચાર, કોઠી ધોઈએ એટલે ગંગાજળ કે અમૃત ન નીકળે, પરંતુ ચૂંટણીમાં પાણી વલોવીને પનીર કે ચીઝ બનાવવા ભરચક કોશિશ થઇ.

પ્રિન્ટ – ઇલેકટ્રોનિક મીડિયા (એન્ટી) સોશિયલ મીડિયા અસત્ય અફવા ગોસિપ, ફૂવડતા પીરસતા રહ્યા.

પેટ્રોલ-ડીઝલના ભાવો બજાર આધારિત યંત્રણા પર આધારિત છે તેવી દુહાઇ દેનારા શાસકો ચૂંટણી સમયે પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક કાવડિયું ન વધે તેવી જડબેસલાક વ્યવસ્થા કરે છે. ચૂંટણી સમયે નગરપાલિકા દિવસમાં બે વાર પાણી આપે છે. એકાદ કલાક તો શું એક સેક્ધડનો વીજકાપ ન થાય તેવો પ્રબંધ કરે છે. શાકભાજી, દૂધના ભાવો સ્થિર રહે, રસ્તા પર ઢોર અડિંગો ન જમાવે. રસ્તા પર ભૂવા સુધ્ધાં ન પડે, કેમ કે શાસક પક્ષને મહત્તમ સીટો જીતવી હોય છે.

હવે આવી ચૂંટણીનો ધી એન્ડ થયો. પરિણામો પણ આવી ગયાં. આગામી પાંચ વર્ષ કોણ શાસન કરશે એ નક્કી થઈ ગયું ..હવે મતદારોની ગરજ નથી. ગરજે મતરોને બાપ કહી દીધા. હવે ગરજ સરી એટલે મતદારો વેરી! મતદારો અને નેતાશ્રીઓ વચ્ચેનું હનીમૂન ખતમ!

અખબારની ભાષામાં કહીએ તો ચૂંટણી પૂરી થયાની શાહી ભીની છે ત્યાં દિલ્હીના નાગરિકોને સરકારે દિવસમાં બે વાર પાણી આપવાને બદલે એક ટાઇમ પાણી આપવાનો પ્રજાલક્ષી નિર્ણય લઇને પ્રજાને પીડવાના શ્રીગણેશ કરી દીધા છે.

ઉત્તર પ્રદેશમાં પણ આવો ખેલા થયો છે. ચૂંટણીના સાત તબક્કા દરમિયાન વીજકાપ ન કરીને સરકારે વર્લ્ડ રેકોર્ડ કરી દીધો. જેવી ચૂંટણી પૂરી થઇ કે સરકારે પ્રજાને વીજકાપની વિસ્મૃતિ ન થાય એટલા માટે વ વીજળીકાપનો વનું રટણ કરાવવા માંડ્યું છે.

દૂધની મોટી ડેરી જાહેરાતો માટે તોતિંગ અને ગંજાવર રૂપિયા ખર્ચે છે. સહકારી પ્રવૃત્તિ કરનાર ડેરીને બ્રાંડ નેમ થયા પછી જાહેરાત કરવાની કયાં જરૂર છે. નજર નાખો ત્યાં લગી કોઇ હરીફ નથી. આ સંસ્થા ચિક્કાર નફો કરે છે. નફાનો અમુક હિસ્સો દૂધપાલકને આપે છે, પણ ગ્રાહક્નું શું? જેના થકી અબજો રૂપિયા કમાય છે તેને જ ભાવસુધારાનું પાટું ખમવું પડે છે. બે થી ચાર રૂપિયાનો ભાવસુધારો ઝીંકી દીધો.ભાવવધારાને ભાવસુધારો કહીને ગ્રાહકને ચૂનો લગાવે છે! ભાવવધારાનું પણ વલણ અજીબ હોય છે. સ્મશાને ગયેલ મડદાં પાછાં ન આવે તેમ વધેલા ભાવ ઘટતા નથી. માની લઇએ કે કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા, પરંતુ તેનો લાભ ગ્રાહકને લાભ મળતો નથી.

ચીજવસ્તુના ભાવ એકમેક સાથે સંલગ્ન હોય છે. ચોલી દામન જેવો સંબંધ રહે છે. દૂધના ભાવ વધે એટલે દહીં, માખણ, ઘી, બટર , ચીઝ ભાવ વધે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધે.

સોનાચાંદીનું તો નામ લેવાય તેમ નથી. દસ ગ્રામ સોનાના લાખ રૂપિયા હોય તો ગરીબ, મધ્યમવર્ગ તેમના પુત્રપુત્રીના લગ્ન કેવી રીતે ઉકેલી શકે? મોંઘવારીના ચક્કરમાં ગરીબ અને મધ્યમવર્ગ પિસાતો રહે છે. જે વર્ગ સવારની ઝાંકળ જેટલી પણ રાહત જીવનભર મેળવી શકતો નથી.ભાવવધારાના દુષ્ચક્રમાં પિસાતી પ્રજાને દેશની ઇકોનોમી ફાઇવ ટ્રિલિયન બને કે ન બને શું ફેર પડે છે? દેશ ત્રીજી, બીજી કે પહેલી ઇકોનોમી બને તો તેના ઘરે લાપશીના આંધણ કયાં મૂકવાનો છે?

એક વાત તો સદંતર વિસરાઇ ગઇ. દુનિયામાં તમામ ચીજવસ્તુઓના ભાવ વધે છે. પરંતુ માણસોના ભાવ વધવાની જગ્યાએ ઘટે છે. પણ વિધિની વક્રતા જ છેને?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button