ઈન્ટરવલ

પશ્ચિમ એશિયામાં હવે તૂર્કી વિરુદ્ધ ઈરાન

પ્રાસંગિક -અમૂલ દવે

વેસ્ટ એશિયામાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના અણુ સમજૂતી કરવાના ધમકીભર્યા પત્રને ઈરાને કચરા ટોપલીમાં ફગાવી દીધો છે. ટ્રમ્પે તો ઈરાન પર બૉમ્બમારો કરીને ઈરાનને નકશામાંથી ગાયબ કરવાની ધમકી આપી છે, પરંતુ ઈરાન પર આની કોઈ અસર પડી નથી. ઈરાને તો ટ્રમ્પે કરેલા જૂના વિશ્વાસઘાતને ધ્યાનમાં રાખીને સીધી વાતચીત કરવાની ના પાડીને અમેરિકાનું નાક કાપ્યું છે. ઈરાને કહ્યું છે કે અમે ઓમાનના માધ્યમથી વાતચીત કરીશું. ઈરાન અને અમેરિકા બન્નેએ યુદ્ધની તૈયારી સંપન્ન કરી દીધી છે. અમેરિકાએ તેના યુદ્ધ વાહક જહાજો, બૉમ્બર, સૈનિક તહેનાત કરી દીધા છે.

ઈરાને તો અત્યારથી જ વળતા હુમલાની બધી તૈયારી કરી છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ તો કહ્યું છે કે ટ્રમ્પ ચૂંટણી વખતે તો કાનમાં ગોળી વાગવાથી બચી ગયા હતા, પરંતુ હવે એમની સડેલી ખોપડીમાં ગોળી મારવાનો સમય પાકી ગયો છે!

બીજી બાજુ સત્તાલાલસુ બેન્જામિન નેતન્યાહુ અમેરિકાની મુલાકાતે ગયા છે. બેન્જામિન અને ટ્રમ્પની મુલાકાત ઈરાન સામે હુમલો ક્યારે કરવો એ નક્કી કરશે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને તો અમેરિકાને ધમકી આપી છે કે જો ઈરાન પર હુમલો કરશે તો આના ભયંકર પરિણામ આવશે. અમેરિકા અને ઈરાન બન્ને હથિયાર ધારદાર સજાવીને બેઠા છે અને એકાદ ભડકો મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધને નોતરશે.

આટલું અધૂરુ હોય એમ, સીરિયાના મુદ્દે ઈઝરાયલ અને તુર્કી વચ્ચે તંગદિલી વધતી જાય છે. હવે તમને સવાલ થશે કે કોઈ ત્રીજા દેશ માટે આ બન્ને દેશો શા માટે લડે છે? આનું એક કારણ એ છે કે છેલ્લાં 50 વર્ષથી રાજ કરતા બશર-અલ-અસદના કુટુંબના 50 વર્ષના શાસનનો અંત આવ્યો છે. સરમુખત્યાર અસદને અમેરિકાએ તુર્કી અને ઈઝરાયલની મદદથી ઉથલાવી નાખ્યા. અસદને ટેકો આપતું રશિયા યુક્રેન સાથેના યુદ્ધમાં વ્યસ્ત હોવાથી અગાઉની જેમ અસદને મદદ કરી શક્યું નહીં. ઈરાનના સૈનિકો અને જનરલો પણ બળવાને રોકી શક્યા નહીં. અસદ તો રશિયા ભાગી ગયા, પરંતુ એમની સામે બળવો કરનાર અલગ જૂથ હતા અને એમની વચ્ચે સંપ નથી. હયાત તાહિર અલ-શામના 12 દિવસના હુમલા બાદ અશદની હકૂમત ભાંગી પડી. આ સુન્ની સંગઠન છે અને તેનું નેતૃત્વ અબુ મોહમ્મદ અલ જુલાની કરે છે. આ સંગઠનને તાલીમ અને ટેકો તુર્કીએ આપ્યો હતો. હયાતે સીરિયાને આઝાદી મળી હોવાનો દાવો કરીને પહેલાં મોહમ્મદ ગાઝી અને પછી એહમદ-અલ-શારાને સત્તામાં બેસાડ્યા છે. આમ છતાં આંતરવિગ્રહ ચાલુ છે. હયાત હજી પણ અસદના વફાદારો સાથે લડી રહ્યું છે અને અનેક માણસોના જાન આમાં જાય છે. અમેરિકાનો ટેકો ધરાવતા સંગઠન સિરિયન ડેમોક્રેટિક ફોર્સીસ (એસડીએફ)નું ઈશાન સીરિયામાં પ્રભુત્વ છે. જોકે આને તુર્કી સમર્થિત એસએનએ સાથે અથડામણ થાય છે. સીરિયામાં શહેરી કેન્દ્રો પર હયાતનો દબદબો છે.ઉત્તરના વિસ્તારમાં તુર્કીનું વર્ચસ્વ છ્ે. પૂર્વ સીરિયા પર એસડીએફનું પ્રભુત્વ છે. 14 વર્ષમાં સીરિયામાં ચારથી છ લાખ લોકો મરણ પામ્યા છે અને 1.3 કરોડ લોકો વિસ્થાપિત થયા છે.

અસદના પતન પછી ઈઝરાયલે આઠ ડિસેમ્બર, 2024એ સીરિયાના લશ્કરી સ્થળો પર હુમલો કર્યો હતો, જેથી હિંસક જૂથને ઉપકરણો ન મળે. ઈઝરાયલે ગોલન હાઈટ નજીકના સંયુક્ત રાષ્ટ્રસંઘના બફર ઝોનમાં કબજો જમાવ્યો હતો. ઈઝરાયલે તાજેતરમાં સીરિયાનાં ચાર લશ્કરી હવાઈમથકો પર હુમલા કર્યા હતા, જેથી તુર્કી ત્યાં પગદંડો ન જમાવી શકે. ઈઝરાયલને તુર્કી પર જરા પણ વિશ્વાસ નથી. ઈઝરાયલ માને છે કે તુર્કીને મુસ્લિમ બ્રધરહુડ સાથે મજબૂત નાતો છે. ઈઝરાયલ સીરિયામાં તુર્કીનો પ્રભાવ વધે એમ ઈચ્છતું નથી. બીજી બાજુ તુર્કીના સુલતાન ઈર્ડોગેન સીરિયામાં તેની લશ્કરી અને આર્થિક તાકાત વધારવા માગે છે. તુર્કી વર્ષોથી સીરિયામાં સુરક્ષા ઝોન ધરાવે છે.જેથી તેની વિરુદ્ધ કામ કરતાં કુર્દીશ બળવાખોરો પર અંકુશ મૂકી શકાય. તુર્કી ‘નાટો’નું સભ્ય છે. તે મિડલ ઈસ્ટ અને આફ્રિકાના આઠ દેશમાં લશ્કરી મથકો ધરાવે છે. આમાં ઉત્તર ઈરાક, ઉત્તર સીરિયા, સોમાલિયા, કતાર, ચાડ અને ઉત્તર સાઈપ્રસનો સમાવેશ થાય છે. તુર્કી મેડિટેરિયનની ગેસ ફિલ્ડ પર કબજો જમાવવા માગે છે. તુર્કીએ મેડિટેરિયનમાંથી પસાર થતી ગેસ પાઈપલાઈન બાંધવા સામે વિરોધ કર્યો હતો. આ પાઈપલાઈન ઈજિપ્ત, ઈઝરાયલ અને સાઈપ્રસના ગેસને યુરોપ પહોંચાડે છે.

તુર્કીએ તાજેતરમાં એવું સૂચન કર્યું કે તે સિરિયાના લશ્કરને ફરી ઊભું કરવામાં મદદ કરશે. તુર્કીએ સીરિયાના હવઈમથકો પર એર ડિફેન્સ સિસ્ટમ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. આવી સિસ્ટમ લાગી જાય તો ઈઝરાયલના ફાઈટર પ્લેન સીરિયામાં પ્રવેશી ન શકે. આથી ઈઝરાયલે સીરિયાના ચાર હવાઈમથકો પર હુમલો કર્યો. ઈરાન સાથે ઈઝરાયલ રાજદ્વારી સંબંધો ધરાવતું નથી. જોકે તુર્કીની વાત અલગ છે. તે અમેરિકા અને રશિયા બંને જોડે સારા સંબંધો ધરાવે છે. તુર્કી પેલેસ્ટાઈનમાં હમાસને ટેકો આપે છે. ઈઝરાયલે તુર્કીને સીધો સંદેશો આપ્યો છે કે તે ઈઝરાયલ વિરોધી બળોને સીરિયામાં આવીને ઈઝરાયલ વિરુદ્ધ કામ નહીં કરવા દે. આથી જ અમે હમા અને દમાસ્કસ હવાઈ મથક પર હુમલો કર્યો છે. જોકે ઈઝરાયલે તુર્કીનું નામ દીધું નહોતું. ઈઝરાયલના હુમલાથી નારાજ તુર્કી સમય આવે ત્યારે ઈઝરાયલ સામે જવાબી કાર્યવાહી કરશે. તુર્કીના શાસક એર્ડોગન સામે અંકારામાં જ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. એર્ડોગનનો પક્ષ દેશમાં 2002થી રાજ કરે છે. 2023માં તેમનો સાંકડો વિજય થયો હતો. તાજેતરમાં એમણે પોતાના મુખ્ય વિરોધી અને અંકારાના મેયરને જેલમાં પૂરી દીધા છે. આથી એમની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.

આપણ વાંચો:  ઈરાનમા આર્થિક સંકટ ઘેરું બન્યું, 10 લાખ રિયાલની કિંમત 1 ડોલર, જાણો કારણ

તુર્કીમાં ફુગાવો 40 ટકા પર પહોંચી ગયો છે અને તેની આર્થિક સ્થિતિ સારી નથી. તુર્કી લોકોનું ધ્યાન બીજે દોરવા તે કોઈ પણ દુ:સાહસ કરી શકે. અમેરિકાએ તેના પર લગામ તાણવી પડશે, નહીં તો તુર્કી અને ઈઝરાયલ વચ્ચેનો નવો મોરચો શરૂ થઈ જશે. તુર્કીમાં સ્થિરતા ન આવે ત્યાં સુધી ઈઝરાયલ પૂર્વ અને દક્ષિણ સીરિયા પર રશિયા પશ્ર્ચિમી સમુદ્રતટ પર અને તુર્કી ઉત્તર સીરિયા પર પ્રભુત્વ જાળવી રાખવા માગે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button