પ્રાસંગિક : ચીન-પાકિસ્તાન રમે છે મેલી રમત બાંગ્લાદેશમાં…

-અમૂલ દવે
ભારત વિરુદ્ધ રમાતી આ રાજકીય ગેમનું કોઈ સચોટ મારણ તાત્કાલિક આપણે શોધી કાઢીને અમલમાં મૂકવું પડશે
આ ઘોર કળિયુગમાં કોઈ ઉપકારનો બદલો કોઈ અપકારમાં આપે તો આઘાત નહીં પામવાનું. ભારત સાથે આવું નરાધમકૃત્ય બાંગ્લાદેશે કર્યું છે. ભારતે 1971માં બાંગ્લાદેશીઓને પાકિસ્તાનના જુલમથી બચાવવા યુદ્ધ કરીને પાકિસ્તાનના બે ભાગલા પાડ્યા અને બાંગ્લાદેશ નામના દેશને જન્મ આપ્યો હતો.
હવે એ જ બાંગ્લાદેશ અન્ય પાડોશી એવા ચીન અને પાકિસ્તાનની ચડામણીથી તેની જનની સમા ભારત સાથે દુશ્મનથી પણ બદતર વર્તાવ કરી રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશના સંબંધો છેક તળિયે જતા રહ્યા છે એમાં હાલના પાકિસ્તાન અને ભારતના લશ્કરી સંઘર્ષમાં પણ બાંગ્લાદેશે પાકિસ્તાનને સાથ આપ્યો હતો. એક સમયનું ધર્મનિરપેક્ષ એટલે કે સેક્યુલર રાષ્ટ્ર પાકિસ્તાન જેવું ઇસ્લામિક સ્ટેટ બનવા તરફ આગળ વધી રહ્યું છે. જે પાકિસ્તાન સામે બાંગ્લાદેશીઓએ લડત ચલાવી હતી એ જ પાકિસ્તાનના ખોળામાં બેસવા બાંગ્લાદેશ તૈયાર થઈ ગયું છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ ગયા ઉનાળામાં દેશ અને પદ છોડી દીધા બાદ બાંગ્લાદેશ પર ચીન અને પાકિસ્તાનનો પ્રભાવ વધતો જાય છે. નોબેલ પારિતોષિક વિજેતા અને બાંગ્લાદેશની હંગામી સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે તાજેતરમાં ચીનની મુલાકાત પણ લીધી હતી. આ જ દર્શાવે છે કે દક્ષિણ એશિયાનો લેન્ડસ્કેપ ઝડપથી બદલાઈ રહ્યો છે. યુનુસ તો કટ્ટર ભારત વિરોધી છે. હસીના વડાં પ્રધાન હતાં ત્યારે એમણે ભારત – ચીન બન્ને સાથે સારા સંબંધો રાખ્યા હતા અને પાકિસ્તાનને છેટું રાખ્યું હતું. હસિના અમેરિકા વિરોધી હોવાથી અમેરિકાએ ચીન અને પાકિસ્તાનની મદદથી તેમને ઉથલાવી પાડ્યા.યુનુસના નેતૃત્વમાં ઢાકા બીજિંગ અને ઈસ્લામાબાદની નજીક સરકી ગયુ છે.
ઓગસ્ટ 2024 પછી બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે અનેક સ્તરે બેઠકો યોજાઈ છે. પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઈશાક દાર બાંગ્લાદેશની મુલાકાતે જવાના છે, જે 13 વર્ષમાં પાકિસ્તાની કોઈ પ્રધાને બાંગ્લાદેશની યાત્રા કરી હોય એવો પ્રથમ પ્રસંગ હશે. બાંગ્લાદેશના નૌકાદળે પાકિસ્તતાનની લશ્કરી કવાયતમાં ભાગ લીધો હતો. બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ચાલુ થઈ ગયો છે. ઢાકાએ પાકિસ્તાનથી 50,000 ટન ચોખાની આયાત કરી હતી. બન્ને દેશ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ થઈ છે. બાંગ્લાદેશની ચીન અંગેની નીતિ પણ બદલાઈ ગઈ છે…
યુનુસે માર્ચમાં ચીનની લીધેલી સરકારી મુલાકાતે સંદેશો આપી દીધો છે કે બાંગ્લાદેશ માટે ચીન કેન્દ્ર બિંદુ છે. ચીન ઢાકાને જકાત મુક્ત માલ મોકલે છે. એણે બાંગ્લાદેશ માટે 2.1 અબજ ડૉલરની લોન, રોકાણ અને કરાર આપવાની જાળ પણ બિછાવી છે. ચીન બાંગ્લાદેશનો સૌથી મોટો વેપાર ભાગીદાર બની ગયો છે. 2024માં બન્ને વચ્ચેનો વેપાર 24 અબજ ડોલરનો થયો હતો. બાંગ્લાદેશે ચીન સાથે એક અબજ ડૉલરના તીસ્તા રીવર મેનેજમેન્ટ પ્રોજેક્ટની વાતચીતની શરૂઆત કરી છે.
આમ બંગાળની ખાડીમાં બાંગ્લાદેશને લીધે ચીનની હાજરી વધતી જાય છે. ચીન બાંગ્લાદેશના હથિયારોનો મોટો સપ્લાયર છે. 2010થી 2020 સુધીમાં બાંગ્લાદેશની સંરક્ષણ આયાતમાં 70 ટકા હિસ્સો ચીનનો હતો. બીજા શબ્દોમાં કહીએ તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની ત્રિપુટી ભારત માટે ખતરનાક બનતી જાય છે. હાલના આપણા ‘ઓપરેશન સિંદૂર’માં પણ ચીન અને બાંગ્લાદેશે પાકિસ્તાનનો સાથ આપ્યો હતો. ભારતને આશંકા છે કે બાંગ્લાદેશ ભારત વિરોધી પ્રવૃત્તિનું કેન્દ્ર બની જશે. બાંગ્લાદેશમાં પાકિસ્તાની આઈએસઆઈ આતંકવાદીની છાવણી ખોલી શકે. પાકિસ્તાન જમાતે ઈસ્લામીની મદદથી ભારત વિરોધી ભાવનાને બાંગ્લાદેશમાં ભડકાવી રહ્યું છે.
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુ પર થતા હુમલાને લીધે પણ સંબંધો તંગ બન્યા છે. ભારતના વિદેશ પ્રધાન વેદમ જયશંકરે આક્ષેપ કર્યો છે કે બાંગ્લાદેશમાં 2024માં હિન્દુઓ પર અત્યાચારના 2,400 અને 2025માં 25 બનાવ બન્યા છે. હસીનાએ બાંગ્લાદેશમાંથી ભાગીને ભારતમાં આશરો લીધો છે એનાથી પણ બાંગ્લાદેશ નારાજ છે. બાંગ્લાદેશ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી રહ્યું છે. અગરતલામાં બાંગ્લાદેશના આસિસ્ટન્ટ હાઈ કમિશન પર હુમલો થતા પણ વાત વણસી છે. બાંગ્લાદેશીઓ લાખોની સંખ્યામાં ભારતમાં ઘૂસણખોરી કરે છે એને લીધે પણ બન્ને દેશના સંબંધો ખરાબ થયા છે.
ભારતે બાંગ્લાદેશ સામે કડક પગલાં લીધાં છે. ભારતે એપ્રિલ 2025માં બાંગ્લાદેશના કાર્ગોને અપાતી ટ્રાન્સ શિપમેન્ટની સુવિધા પાછી ખેંચી લીધી છે. આનાથી બાંગ્લાદેશના વેપારને મોટો ફટકો પડ્યો છે. ભારતે 17 મેથી બાંગ્લાદેશના રેડીમેડ ગારમેન્ટ અને બીજી વસ્તુની આયાત પર અંકુશ મૂક્યા છે. હવે બાંગ્લાદેશ ફક્ત કોલકાતા અને ન્હાવા સેવાથી કપડાની આયાત કરી શકશે. આવો અંકુશ પ્રોસેસ્ડ ફૂડ, કોટન, પ્લાસ્ટિક અને લાકડાના ફર્નિચર પર મૂકવામાં આવ્યો છે. બાંગ્લાદેશે ભારતની યાર્ન અને ચોખાની નિકાસ પર અંકુશ મૂકતાં ભારતે જવાબી અંકુશો મૂક્યા છે. બાંગ્લાદેશે ભારતીય કાર્ગો પર ટ્રાન્ઝીટ ફી લાદી છે. ભારતની ગારમેન્ટની આયાત પર મૂકેલા અંકુશોથી બાંગ્લાદેશને મોટું નુકસાન થશે. બાંગ્લાદેશની 77 કરોડ ડૉલરની કાપડની નિકાસ પર આની અસર થશે. બાંગ્લાદેશના નિકાસકારો તો ભારતના આ નિર્ણયથી હચમચી ગયા છે. જ્યારે ભારતના ટેકસ્ટાઈલ ઈન્ડસ્ટ્રીના માંધાતાનું કહેવું છે કે આનાથી ભારતમાં ગારમેન્ટનું 1000-2000 કરોડનું ઘરેલું ઉત્પાદન વધી જશે.
આપણ વાંચો: કવર સ્ટોરી : શું હૉસ્પિટાલિટી ઉદ્યોગ હૉસ્પિટલ ભેગો?
આવી તંગ પરિસ્થિતિમાં યુનુસ કોઈ પણ રીતે સત્તા પર ચીટકી રહેવા માગે છે. યુનુસ કહે છે કે બાંગ્લાદેશમાં ચૂંટણી સુધારા અમલમાં મુકાયા બાદ2025ના અંત ભાગમાં કે 2026ના મધ્યમાં સામાન્ય ચૂંટણી થઈ શકે. હસીનાના પક્ષના ચૂંટણીમાં સહભાગી થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બીજી તરફ, અત્યારના સિનારિયોને ધ્યાનમાં રાખીને ભારતે હસીના પર મદાર રાખવાનું છોડીને ‘બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી’ સાથે સંબધ સુધારવાનું શરૂ કર્યું છે. ભારતના હાઈ કમિશનર ગયા વર્ષે એ પક્ષના નેતાઓને મળ્યા હતા. ચીન અને પાકિસ્તાન અત્યારે જે રીતે નેપાળ, માલદીવ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં પ્રભુત્વ જમાવીને ભારતને ઘેરવાનો વ્યૂહ રચી રહ્યું છે એનું ભારતે કોઈ સચોટ મારણ-તારણ શોધી કાઢવું પડશે.