ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ઉનાળાની ભરબપોરે બહારથી આવીએ અને સ્વચ્છ ગ્લાસમાં ઠંડું પાણી પીવા મળે એટલે જે હાશની અનુભૂતિ થાય છે એ સુખની અભિવ્યક્તિ છે.
સુખનું કોઈ બીજું ઉપનામ જ ઠંડક છે. ઘરનો દરવાજો એ તમારા માલિકીના વિચારોની સ્પેસ છે અને ફ્રીઝનો દરવાજો એ સ્પેસને તરોતાજા રાખવાનો આધુનિક માર્ગ છે. થોમસ ફુલર કહે છે કે આપણી સ્મૃતિઓ વિસ્મૃત થવી સહજ છે, પણ આ વિસ્મૃતિઓને જીવંત રાખવામાં રેફ્રિજરેટર અને ઘરના કબાટો મોટો ભાગ ભજવે છે. રેફ્રિજરેટર ખોલો છો ત્યારે જેટલો પ્રકાશ પ્રસરે છે એટલો પ્રકાશ અઢારમી સદી સુધી માણસજાત પાસે રાત્રિના અંધકારમાં ન હતો. જ્યારે રેફ્રિજરેટર ખોલો ત્યારે આધુનિક જીવનના સુખ માટે ઇશ્ર્વર અને વિજ્ઞાનનો આભાર માનવો.
જિંદગી અને રેફ્રિજરેટર વચ્ચે અસંખ્ય સમાનતા છે. રેફ્રિજરેટર લાંબા સમય સુધી સામગ્રીઓને સડવા દેતી નથી કે બગડવા દેતી નથી. જે સામગ્રી અને સંબંધ ગંધ મારતા ન હોય એને ફેંકવા કરતાં લાંબા ગાળે વપરાશમાં લેવા એ લાઇફની સમજદારી છે.
દરેક ઘરમાં રેફ્રિજરેટર સંબંધિત એક સમસ્યા કોમન છે કે ગમે તેટલું મોટું રેફ્રિજરેટર વસાવો પણ એ સ્મૃતિઓની જેમ નાનું જ પડે.. !
અમેરિકા જેવા દેશમાં લગભગ સો ટકા ઘરમાં રેફ્રિજરેટર છે, પણ નાનું પડવાની સમસ્યા ત્યાં પણ છે. અમેરિકામાં થયેલા એક અભ્યાસ મુજબ લગભગ પચીસ ટકા ઘરમાં બીજું રેફ્રિજરેટર હોવું એ સામાન્ય બનવા લાગ્યું છે. આપણે પણ સ્મૃતિ વધવા લાગે તો ડિલીટ કરવાને બદલે સ્પેસ વધારવી જોઈએ. આમ તો સામાજિક દ્રષ્ટિએ વધારે સોશિયલ એવા ભારતીયોનો અભ્યાસ કરવામાં આવે તો બીજા રેફ્રિજરેટરની જરૂર તો છોડો, પણ અહીં તો ત્રીજા -ચોથા ફ્રીઝની જરૂરિયાતવાળા હોય એવા ઢગલાબંધ પરિવારો મળી શકે છે. રેફ્રિજરેટરમાં વસ્તુવધારો એટલી ગંભીર સમસ્યા છે કે ઘરનો પુરુષને બોટલ અને બરફ સિવાય કશું શોધી શક્તો નથી. ઠંડક માટે કઇ બોટલ જરૂરી છે એ પ્રશ્ર્ન પૂછવા પર ગિફ્ટ સિટી સિવાયના વિસ્તારમાં પ્રતિબંધ છે. આજકાલ ઇલેક્શન યુગ ચાલે છે ત્યારે પોલિટિકલ પાર્ટીઓએ તેમના ચૂંટણી ઢંઢેરામાં બીજા રેફ્રિજરેટર ખરીદી પર સબસિડી આપવાની જાહેરાત કરવી જોઈએ. રેફ્રિજરેટર પર સબસિડી આપવામાં આવે તો અસંખ્ય ગૃહિણીઓના મત રેફ્રિજરેટર પાર્ટીને મળી શકે છે. રેફ્રિજરેટર એ ફક્ત સામાન ભરવા માટે નથી , પણ અસંખ્ય સ્મૃતિઓને તાજી રાખે છે. બે-ત્રણ દાયકા પહેલાં નાનું રેફ્રિજરેટર હોવા છતાં આરામથી ચાર – પાંચ સભ્યોનો પરિવાર ઠંડક ભોગવી શક્તો હતો.
આસપાસ પડોશીઓ પણ ફ્રિઝરમાં તપેલીઓ મૂકી જાય એ લટકામાં હતું. તપેલી અને વાડકી વહેવારોમાં ઘણાનાં ઘરોમાં ચાંલ્લાના વહેવારો લખાતા થયા હતા. સરવાળે એક રેફ્રિજરેટર બે ત્રણ ફેમિલીને ઠંડક આપતું હતું. એ યુગમાં પેરેન્ટ્સ બાળકોને પાણી પીધા પછી બોટલ ભરીને મૂકવા પર લાંબું પ્રવચન આપતાં. જે ઘરમાં બાળક પાણી પીધા પછી બોટલ ભરીને ફ્રીઝમાં મૂકે એ બાળક આદર્શ ગણાતું હતું. એ આદર્શ બાળકો હવે પેરેન્ટ્સ બની ગયા હોવાથી એમનાં સંતાનોને આજકાલ પાણી ભરવા જેવી નાની- મોટી બાબતોમાં બોર કરતાં નથી.
રેફ્રિજરેટરની મોકળાશ એ નવા યુગની પ્રાથમિક જરૂરિયાત છે. સોશિયલ મીડિયાના યુગમાં દરેક વ્યક્તિને સ્વતંત્રતા ગમવા લાગી છે એ વિચારના આધારે AI યુગમાં પ્રતિ વ્યક્તિ અલગ રેફ્રિજરેટર થશે. બીજાના રેફ્રિજરેટરમાં દખલ આપવી એ વ્યક્તિગત જિંદગીમાં દખલ કર્યા જેવી ગંભીર બાબત ગણાશે. ભગવાને આ પુરુષ જાતને આળસુ રાખી છે એટલે સ્વતંત્ર રેફ્રિજરેટરનો આઇડિયા હાલ પુરતો મુલતવી રાખવામાં આવે છે. કિચનમાં લાંબો સમય ફાળવતી મહિલાઓ માટે સમય અને સંજોગોની જરૂરિયાત મુજબ રેફ્રિજરેટરની સ્મોલ અને મીડિયમ સાઇઝમાંથી લાર્જ થવા લાગી છે.
એક ડોરના રેફ્રિજરેટર બદલાતા યુગમાં ડબલ ડોરના બનવા લાગ્યા છે. ‘એક તરફની વસ્તુઓને પૂછ્યા વગર અડવું નહીં ’ એવી લખ્યા વગરની કડક સૂચનાઓ અમલમાં આવવા લાગી છે. સુખી થવાનો રસ્તો છે કે મોબાઇલકાળમાં બધી બાબતોમાં બહુ પંચાત કરવી નહીં. થોડી સ્પેસ આપવાથી ઠંડકનો અનુભવ થશે એવું વડવાઓ કહીને ગયા છે.
આજકાલ રેફ્રિજરેટરની સ્પેસ નાની પડતાં ઘરોમાં ડીપ ફ્રીઝરનો વપરાશ કોમન થવા લાગ્યા છે. ઘરના વ્યક્તિઓના પારા વધારે રહેતા હોય તો રોમાન્સ કે પિકનિક જેવું એકાદ ડીપ ફ્રીઝર વસાવવું. આખા વર્ષ દરમિયાન કેરીના રસથી માંડીને વાયા મસાલાઓ થઇને જાતજાતની ચટણીઓ ભરી રાખવા ડીપ ફ્રીઝર પણ નાનું પડવા લાગશે તો આખા ઘરને જ ફ્રીઝમાં ફેરવવાની યોજના પર અમલ થવો જોઈએ. સરવાળે નાનકડી જિંદગીને પણ રેફ્રિજરેટર જેવી બનાવવાની જરૂર છે. જિંદગીમાં જરૂર કરતાં વધારે મટિરિયલ ભરી દઇએ એટલે ડીપ ફ્રીઝર જોઈએ. પાણીમેં આગ લગે તો કોન બુઝાયેની જેમ જિંદગીનું ડીપ ફ્રીઝર નાનું પડે તો આખા ઘરને ફ્રીઝ જેવી ઠંડકવાળું બનાવી દેવું. રેફ્રિજરેટરનું તો એક જ લેશન છે કે તરોતાજો અને ફાલતુ બેક્ટેરિયાથી મુક્ત જિંદગી માટે વાતાવરણમાં ઠંડક હોવી જોઈએ.
સોશિયલ મીડિયા આવ્યા પછી દરેક વિષયમાં જ્ઞાનીઓની ફોજ પેદા થઇ છે. નવું રેફ્રિજરેટર લેવા જાવ એટલે ફ્રીઝર ઉપરથી નીચે શા માટે આવી ગયું છે એ વિષય પર સેલ્સવાળા બહેન છટાદાર વક્તવ્ય આપે. એ બહેનની વાતને અનુમોદન આપવા આપણા વાળા જ તૈયાર હોય તો એ દર્દ કોને કહેવા જવું એવું વિચારવાને બદલે હપ્તાઓ ભરવાનું પ્લાન કરવાથી વધારે માનસિક શાંતિ મળી શકે છે એવું અર્થશાસ્ત્રીઓનું છેક ચાણક્યના સમયથી માનવું છે.
ફ્રીઝની ઇન્ટરનલ ડિઝાઇન ભારતીય ગૃહિણીઓને ધ્યાનમાં રાખીને બનવા લાગી છે. રેફ્રિજરેટરમાં કઇ વસ્તુ ક્યાં મૂકવી જોઈએ એના જ્ઞાન માટે સેલ્સગર્લથી માંડીને દરેક બાબતમાં તજજ્ઞ હોવાનું માનવાવાળા અસંખ્ય વીરલાઓ માર્કેટમાં અવેલેબલ છે. આ વીરલાઓ એટલે સોશિયલ મીડિયામાં ફક્ત એટલું લખો કે ડાયાબિટીસનો દેશી ઇલાજ કેવી રીતે થાય ? ’ તો જવાબો વાંચીને કદાચ ડાયાબિટીસ જાતે સુસાઇડ કરી લે.
રોજેરોજ વપરાશ માટે જરૂરી સામગ્રીઓ નજર સામે મળવી જોઈએ એવો વૈશ્ર્વિક અભ્યાસ કહે છે. આ અભ્યાસુઓ માટે ખાસ એ છે કે ભારતીય ઘરોમાં રોજેરોજ વપરાશની સામગ્રીઓનું લિસ્ટ બનાવો તો ખબર પડે કે આ સામગ્રીઓના સલામત સંગ્રહ માટે ફ્રીઝ તો શું પૃથ્વી પણ નાની પડી શકે છે. બે- ત્રણ દાયકા પહેલાં ફ્રીઝ બગડી જતાં ત્યારે એમાં ઈસ્ત્રી ટાઇટ કપડાં મુકવામાં આવતા એ ઇતિહાસ વિશ્ર્વને ખબર પડી હોત તો નવા સંશોધન અટકી ગયા હોત. આમ તો વિશ્ર્વના રેફ્રિજરેટર વિજ્ઞાનના જાણકારો એવું માને છે કે ફ્રીઝમાં એકાદ થર્મોમિટર રાખવું જોઈએ. પેટની સલામતી માટે ચાર ડિગ્રી કરતાં ઓછું તાપમાન ફ્રીઝમાં હોવું જરૂરી છે. વારંવાર ફ્રીઝને ઉઘાડ-બંધ કરવાથી ટેમ્પરેચર જળવાતું નથી આ કારણે થર્મોમિટર પર નજર હોવી જરૂરી છે. આપણે ત્યાં ફ્રીઝમાં જગ્યા હોતી નથી ત્યાં થર્મોમિટર ક્યાં મુકીશું એ ચિંતા થતાં આજકાલ રેફ્રિજરેટરવાળાઓ તે ઇનબીલ્ટ આપે છે છતાં થર્ડ પાર્ટી એજન્સી તરીકે થર્મોમિટર રાખવું જોઈએ.
રેફ્રિજરેટરમાં સામાન્ય વિજ્ઞાન મુજબ નીચેના ભાગે વધારે ઠંડક રહેતી હોવાથી ત્યાં લાંબો સમય તાજગીની જરૂર પડે એવી સામગ્રી રાખવી અને નજર સામે વારંવાર ફ્રીઝ ઉઘાડ-બંધ થવાથી ટેમ્પરેચર વધઘટ થવાની સંભાવના હોવાથી એવી સામગ્રી રાખવી જેને તાપમાનની અસર ઓછી થાય. રેફ્રિજરેટર કેટલી ઊંચી ફિલોસોફી શીખવે છે કે નજર ઝુકાવશો તો ઠંડક દેખાશે, બાકી નજર સામે ટેમ્પરેચર અપ-ડાઉન થયા કરે એને ઇગ્નોર કરતાં શીખો.
ફ્રીઝના દર્શનશાસ્ત્ર પર લખવું હોય તો લખાય કે ફ્રીઝની જેમ જિંદગીના દરવાજા પર રબરની પટ્ટી લગાડી રાખશો તો જ આંતરિક શાંતિ મિન્સ ઠંડક મળશે. આ રેફ્રિજરેટરવાળાઓ તો એવું પણ કહે છે કે મનની ઠંડક માટે સોરી, રેફ્રિજરેટરની ઠંડક જાળવવા માટે રબરની પટ્ટીને નિયમિત સાફ કરતાં રહો. રબર નાજુક હોવાથી જિંદગીની જેમ નાજુક બાબતો માટે વિશેષ કાળજી લેવી જોઈએ.
આમ તો બે સદી પહેલાં લડાઇઓને કારણે પશ્ર્ચિમમાં ફ્રીઝની જરૂરિયાત જણાવા લાગી અને લોકો જાતજાતના પ્રયોગો કરતાં હતાં. ભારતમાં ઠંડક જાળવવા જાતજાતના પ્રયોગ થકી પ્રાકૃતિક ફ્રીઝ બન્યા છે. ભારતમાં પહાડો પરની યાત્રાઓની સંસ્કૃતિએ ઠંડકનો અહેસાસ હજારો વર્ષથી કરાવ્યો છે પણ રેફ્રિજરેટરની જરૂરિયાત જણાતા ગંભીર સંશોધન શરૂ થયા. વર્ષ ૧૯૨૦ના દાયકામાં આઇનસ્ટાઇન જેવા વૈજ્ઞાનિકો જે રેફ્રિજરેટર લાવ્યા એ કોમર્શિયલ હતાં અને ગેસના અકસ્માતની સંભાવના ઘણી વધારે હતી. વર્ષ ૧૯૪૦થી ઘરમાં સલામત વાપરી શકાય એવા રેફ્રિજરેટર બન્યા. એ પછીના દાયકામાં અમેરિકા જેવા દેશમાં મોટાભાગના ઘરોમાં રેફ્રિજરેટર આગવું સ્થાન પામ્યા. રેફ્રિજરેટર વિદેશ પ્રવાસે નીકળ્યા અને દુનિયાના નાના મોટા દેશોમાં ઝડપભેર રસોડામાં ગોઠવાઈ ગયા. વૈજ્ઞાનિકોને ખબર પડી કે ઠંડક આપતાં સાધનો ઓઝોનના સ્તરને નુકસાન કરે છે તેથી નવી ટેકનોલોજી આવી. આમાંથી આપણે એટલું શીખવું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે.
આધુનિક વિજ્ઞાન મુજબ સરેરાશ રેફ્રિજરેટર બાર – પંદર વર્ષનું આયુષ્ય ધરાવે છે, પણ ભારતમાં અસંખ્ય પરિવાર ત્રણ -ચાર પેઢીથી વડીલોપાજિર્ત સંપત્તિની જેમ રેફ્રિજરેટર વાપરે છે. રેફ્રિજરેટરમાં દાદાઓથી માંડીને વિદેશ ગયેલાં બાળકો સુધીનાઓના અસંખ્ય સંસ્મરણો ભરાયેલાં છે, જેને મોકળા મનથી વારંવાર બહાર કાઢવાનું મન થાય છે. ફ્રીઝમાં વિદેશમાં સખત શ્રમ કરતાં સંતાનોની ગમતી વાનગીઓ જોઇને માતાઓની આંખમાં બરફ જામતો હશે. રેફ્રિજરેટર કેવળ સાધન નથી , પણ પરિવારના સુખનો માર્ગ છે. રેફ્રિજરેટરનો ઓરિજિનલ લેટિન શબ્દ ‘રેફ્રિજેરા’નો અર્થ ઠંડક આપવી થાય છે જેનો ગુજરાતી ભાવાનુવાદ ‘ઠારપેટી’ છે..!
આપણી આસપાસ ઘણા વ્યક્તિત્વ રેફ્રિજરેટર જેવા હોય છે એનું કારણ એટલું જ છે કે નિયમિત વિચારોની સાફસફાઈ કરવા સાથે ડિફ્રોસ્ટિંગ કરતાં રહે છે. આ રેફ્રિજરેટર જેવા લોકોનું સૌથી મોટું યોગદાન એ છે કે અત્યંત મહેનતથી તૈયાર થયેલું અનાજ હોય કે કિમતી વિચારો હોય કે ભીંજાયેલાં સંસ્મરણોને સુકાઈ જવા દેતા નથી.
ધ એન્ડ :
એ માણસ માટે વિચારતા રહેવું કે જેના રેફ્રિજરેટરમાં ભોજન સામગ્રી નથી. (બર્નાર્ડ હોપકીન્સ)