લાલ સમુદ્રમાં રેડ સિગ્નલ
વૈશ્ર્વિક જહાજી કંપનીઓ દરિયાઇ હુમલાને ટાળવા રેડ સી અને સુએઝ કેનાલની બાદબાકી કરી રહી હોવાથી યુરોપ સુધીની ખેપના પરિવહન ખર્ચમાં ૩૦ ટકાના વધારા સાથે પખવાડિયાના વિલંબનો ફટકો પડશે!
કવર સ્ટોરી – નિલેશ વાઘેલા
દરિયાઇ ક્ષેત્રે હવે ચાંચિયાગીરી તો નહીં પરંતુ આતંકવાદી હુમલાની ઘટના બની રહી હોવાથી જહાજી કંપનીઓનું નૂર ઊડી રહ્યું છે. યેમેન નજીકના સમુદ્રી હુમલા બાદ વૈશ્ર્વિક શિપિંગ કંપનીઓ લાલ સમુદ્ર અને સુએઝ કેનાલને ટાળી રહી હોવાથી ઉદ્યોગ નૂર અને વીમા ખર્ચમાં ૩૦ ટકા સુધીનો વધારો ઉપરાંત યુરોપ પહોંચવામાં લગભગ ૧૫ દિવસનો વિલંબ થવાનો અંદાજ છે.
ઇજિપ્તની સુએઝ કેનાલ ઓથોરિટીએ જણાવ્યું હતું કેે તટપ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલાં જહાજો પર યમનના હૌથીસ દ્વારા તાજેતરમાં થયેલા હુમલા પછી લાલ સમુદ્રમાં તણાવની અસર પર તેની ચાંપતી નજર છે, રોઇટર્સે આ સંદર્ભના અહેવાલમાં જણાવ્યું છે કે, યમનમાં વ્યાપારી જહાજો પરના હુમલા બાદ લેવાયેલા નિર્ણયને પગલે વૈશ્ર્વિક શિપિંગ કંપનીઓ લાલ સમુદ્ર અને સુએઝ કેનાલને ટાળી રહી છે.
દરિયાઇ ક્ષેત્રના નિરિક્ષકો અને નિષ્ણાતો અનુસાર કેપ ઓફ ગુડ હોપ દ્વારા યુરોપ અને એશિયા વચ્ચેના વૈકલ્પિક માર્ગમાં માલના પરિવહનના ગંતવ્યસ્થળને આધારે ત્રણેક અઠવાડિયાનો વધુ સમય લાગશેે. આને પરિણામે ક્ધટેનર ટ્રાન્ઝિટમાં લાંબા સમય સુધી રોકાઈ જવાની અને નૂરના ભાવમાં વધારો થવાની શક્યતા છે.
એ પણ નોંધવું રહ્યું કે આ રૂટ ભારત માટે અત્યંત મહત્ત્વના શિપિંગ માર્ગ પર છે, કારણ કે યુરોપ અને એશિયા વચ્ચેના માલપરિવહન માટે આ જ મુખ્ય માર્ગ છે. એપી મોલર-મેર્સ્ક, એમએસસી, સીએમએ સીજીએમ અને હેપગ-લોયડ જેવી કંપનીઓ દ્વારા પાછલા કેટલાક દિવસોમાં લાલ સમુદ્રના માર્ગને ટાળવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી.
યમનમાં ઈરાન સમર્થિત હૌથીસ આતંકવાદીઓ દ્વારા વ્યાપારી જહાજો પરના હુમલાનું આ પરિણામ છે. એક અંદાજ અનુસાર વિશ્ર્વના તમામ ક્ધટેનરમાંથી ૩૦ ટકા વૈશ્ર્વિક આશરે ૧૨ ટકા ક્ધટેનરનું વહન સુએઝ કેનાલ મારફત થાય છે. એક શિપિંગ કંપનીના પ્રવકતાએ એક અંગ્રેજી આર્થિક અખબારને જણાવ્યું હતું કે, દક્ષિણ આફ્રિકા દ્વારા જહાજોને ફરીથી આ રૂટ મારફત કનેક્ટ કરવા કે કેમ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હમણાં માટે, નિર્ણય ફક્ત નજીકના સુરક્ષિત બંદર પર જહાજોની સલામતી જાળવી રાખવાનો છે, હાલ પરિસ્થિતિ પ્રવાહી છે.
પત્રકારો સાથેના સંવાદમાં ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર જનરલ અજય સહાયે જણાવ્યું હતું કે આ નિર્ણયની દરિયાઈ શિપમેન્ટ પર નોંધપાત્ર અસર થઈ શકે છે, તેના કારણે નૂરમાં પણ વધારો થઈ શકે છે કારણ કે વૈકલ્પિક કેપ ઓફ ગુડ હોપની આસપાસ સફર કરવાનો છે, જે એશિયાથી ઉત્તર યુરોપ અને પૂર્વ ભૂમધ્ય સમુદ્રમાં જહાજો માટે ૧૦ દિવસનો સમય ઉમેરે છે. એકંદરે, ખર્ચમાં ત્રીસથી ચાલીસ ટકા વધારો થઈ શકે છે.
જહાજી કંપનીઓ કોઇ જોખમ લેવા માગતી નથી. એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે જાણતા નથી કે હુમલાઓ એક અઠવાડિયામાં બંધ થશે કે વધુ સમય લેશે. આ સ્થિતિને કારણે ભારતમાંથી થતી નિકાસ પર અસર વર્તાવા પણ લાગી છે. ભારતમાં વિદેશી શિપિંગ લાઇનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, અમે ભારતમાંથી યુરોપમાં નિકાસ કરીએ છીએ તે કાર લોડ કરવા માટે અમને જહાજો મળી શક્યાં નથી. શિપિંગ માર્કેટ પહેલેથી જ ચાઇનીઝ માગ અને ક્રિસમસ તથા નવા વર્ષ સંબંધિત ઓર્ડરોથી ભરપૂર છે.
એકંદરે આ શિપિંગ વિરામ વિલંબને કારણે વૈશ્ર્વિક પુરવઠા સાંકળોમાં વધુ વિક્ષેપ લાવી શકે છે. વિશ્ર્વની બે સૌથી મોટી ક્ધટેનર શિપિંગ લાઇનોએ પાછલા શુક્રવારે જણાવ્યું હતું કે તેમના જહાજો પર હુમલો થયા પછી તેઓ લાલ સમુદ્ર દ્વારા પરિવહનને અટકાવી રહ્યાં છે. બે ઓઇલ ટેન્કર કંપનીઓએ હવે કહ્યું છે કે તેઓ ચાર્ટરમાં એક કલમ પર આગ્રહ કરી રહી છે જે તેમને સુરક્ષાના મુદ્દાસર આફ્રિકાની આસપાસના રૂટમાં તેમનાં જહાજો મોકલવાની મંજૂરી આપશે.
આ પગલાંથી વૈશ્ર્વિક આર્થિક રિકવરી નબળી ન પડે તે માટે વિશ્ર્વના સૌથી મહત્ત્વપૂર્ણ બિઝનેસ કોરિડોરમાં સુરક્ષા સુધારવા માટે અમેરિકા અને તેના સાથી દેશો પર દબાણ વધશે. એક આંતરરાષ્ટ્રીય વેપાર જૂથે હુમલાઓને સમાપ્ત કરવા માટે વધુ લશ્કરી સહાયની હાકલ કરી છે.
વ્હાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા
પરિષદના પ્રવક્તા એડ્યુઆર્ડો માયા સિલ્વાએ જણાવ્યું હતું કે, અમેરિકા રેડ સીમાં સર્જાયેલા આ અસ્વીકાર્ય જોખમો અને હુમલાઓનો સામનો કરવાના વિકલ્પો શોધવાનું ચાલુ રાખશે અને સંકલિત, બહુપક્ષીય પગલાં લેશે.
ગાઝામાં યુદ્ધના જવાબને નામે આ આતંકવાદીઓ લાલ સમુદ્રમાં વધુને વધુ વેપારી જહાજો પર હુમલો કરી રહ્યા છે. તેઓ દાવો કરે છે કે તેઓ ખાસ કરીને ઇઝરાયલ સાથે સંકળાયેલાં જહાજો પર જ હુમલા કરે છે. જોકે, તાજેતરમાં તેમણે જે જહાજને કબજે કરી લીધું હતું તે ઇઝરાયલ બેઝ્ડ હોવા છતાં તેમાં માલ જાપાનનો હતો અને તે ભારત આવી રહ્યું હતું.
ક્ધટેનર જહાજોના વિશ્ર્વના બીજા ક્રમની સૌથી મોટી કંપનીના માલિક એપી મોલર-મેર્સ્ક એ-એસએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે લાલ સમુદ્રના દક્ષિણી પ્રવેશદ્વાર તરફ જતા પોતાનાં જહાજોને તેમની સફર થોભાવવા સૂચના આપી છે. તેના જહાજ મેર્સ્ક જિબ્રાલ્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો. મેર્સ્કની જાહેરાતના થોડા સમય પછી, જર્મનીના હેપગ-લોયડ એજીએ સોમવાર સુધી વિરામની જાહેરાત કરી હતી.
મેર્સ્ક જણાવ્યું હતું કે, મેર્સ્ક જિબ્રાલ્ટરને બાદ ક્ધટેનર જહાજ પરના બીજા હુમલાને પગલે અમે બાબ અલ-મંડબ સ્ટ્રેટમાંથી પસાર થવા માટે બંધાયેલા વિસ્તારના તમામ મેર્સ્ક જહાજોને આગામી સૂચના સુધી તેમની મુસાફરી થોભાવવા સૂચના આપી છે.
બાબ અલ-મંડબ એ પાણીનો એક સાંકડો પટ છે જે હિંદ મહાસાગરને લાલ સમુદ્ર સાથે જોડે છે. એશિયા અને યુરોપ વચ્ચેના શોર્ટકટ તરીકે સુએઝ કેનાલનો ઉપયોગ કરતું દરેક જહાજ તેમાંથી પસાર થાય છે.
મેર્સ્કે જણાવ્યું હતું કે તેની નંબર ૧ અગ્રતા તેના ક્રૂની સલામતી છે, જે સ્ટાફની સંભાળ રાખવાની ફરજ સામે તેના ગ્રાહકોની જરૂરિયાતોને સંતુલિત કરવાના પડકારને દર્શાવે છે.
સરવાળે આ હુમલાઓને કારણે આફ્રિકાની આસપાસનો લાંબો માર્ગ પસંદ કરવાથી વેપાર માર્ગોમાં હજારો માઇલનો ઉમેરો થશે, ઇંધણના બિલમાં વધારો થશે અને કાર્ગો ડિલિવરીમાં વિલંબ થશે. આ રીતે વૈશ્ર્વિક અર્થતંત્રને કળ વળતા વધુ સમય લાગી શકે છે. યુરોપ અને અમેરિકા આ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યાં છે અને સમસ્યા ટૂંકા ગાળાની છે એવી આશા રાખી શકાય. બાકી તાત્કાલિક અસર તો ખમવી જ રહી!