રંડાપો
ટૂંકી વાર્તા -મનહર રવૈયા
આકાશે બરોબર હરણ્યું માથે આવી હતી. કાળું ડિબાંગ અંધારું જામ્યું હતું. તમરાઓનો કર્કશ અવાજ સિવાય વાતાવરણ શાંત પણ ભેંકાર હતું. આવી મધરાતે બીજી શેરીના કૂતરાં આવતા. કૂતરાં અંદરોઅંદર એવા બાઝ્યા કે એના અવાજે કરીને ભરઊંઘમાં સૂતેલી રતનની ઊંઘ ઊડી ગઈ. એણે આંખો ખોલીને જોયું તો એનો પતિ પરબત પલંગમાં તકિયાને ટેકે બેઠો હતો. તેથી વિસ્મય પામતી રતને સવાલ કર્યો;
“અરે ભલા પરબત…! કેમ બેઠો છે..? હજી સૂતો જ નથી કે શું. પ્રત્યુત્તરમાં પરબત કશું બોલ્યો જ નહીં, અવાચક બેસી રહ્યો. ત્યારે ચિંતા કરતી અકળાઈ ગયેલ રતન પરબત નજીક સરકી. પરબતના કપાળે હાથ ફેરવતા એણે પુન: પૂછ્યું: “માથું દુ:ખે છે? લે હળવા હાથે માથે તેલ ઘસી દઉં… જો જે તને તરત ઊંઘ આવે જશે.
“એવું નથી રતન, આ તો પાણી પીવા ઊઠ્યો હતો. તે બીડી પીવી કે નહીં એવું વિચારતો, પાણી પીને અમસ્તો જ બેઠો છું.
રતન છેલ્લા ત્રણ-ચાર દિવસથી જોઈ રહી હતી કે પરબતના વર્તનમાં ખાસ્સો ફેર પડી ગયો હતો. જાણે એ પરબત જ નહીં. નહીંતર તો પોતે ઘરમાં કોઈ કામ કરતી હોય કે પછી રસોડામાં રસોઈ કરતી હોય અથવા તો આઈના સામે બેસીને તૈયાર થતી હોય અને ગમે ત્યારે બહારથી આવીને બથ ભરીને ભીંસી નાખતો પરબત, ચુમીઓ ભરી અકળાવી મૂકતો પરબત, પ્રેમથી છલકાતો પરબત.
હમણાથી મુખીનાં ફાર્મહાઉસેથી છૂટીને ઘરે આવતો પરબત મૂંગા મૂંગા જેવું તેવું લુસલુસ જમીને બહાર નવરાઓની મંડળીમાં જઈને બેસતો હતો અને મોડી રાતે છાનોમાનો આવીને પલંગમાં પડતું મૂક્તો હતો. રતન રતન જરા પગની પિંડીઓ દબાવને, આજ તો થાકીને લોથ થઈ ગયો છું, એવું કહીને એ ઊંધો ફરીને સૂઈ જતો હતો.
એના ચહેરાનું હાસ્ય ઊડી ગયું હતું. આંખોમાંથી છલકાતો સ્નેહ શમી ગયો હતો. એના કસાયેલ શરીરમાંથી ઊભરાતા યૌવનનો ઉત્સાહ ઠરી ગયો હતો. જોતા જીવ બળે એવા સાવ સૂનમૂન પરબતની હાલતથી રતન ખુદ ઉપાધિમાં હતી. આડકતરી રીતે રતને ઘણા પ્રયત્નો કર્યા પણ એને કોઈ કારણ હાથ ન લાગ્યું. એણે પરબત પહેલા જેવો સ્વસ્થ તઈ જાય એ માટે માતાજીને પાંચ નાળિયેરનું તોરણ ચડાવવાની બાધા રાખી. અરે પરબત સૂતો હોય ત્યારે તેની જાણ બહાર એણે નજર ઉતારી છતાં પરબતનાં વર્તનમાં ફેર ન પડ્યો, ત્યારે રંગીલા પરબતને સાવ નિમાણો જોતા રતનથી રહેવાયું નહીં એ બોલી ઊઠી:
“પરબત…! તું કહે કે ન કહે, પણ તારું વર્તન, તારા મોના ભાવ જોતા મને લાગે છે કે તું કોઈ મૂંઝવણમાં અટવાયેલો છે, તું મારાથી કોઈ વાત છુપાવે છે. એકલો એકલો ઓહવાયા કરે છે, માટે તને જે કોઈ ચિંતા હોય તેની વાત તું જો મને ન સંભળાવને તોે તને મારા સમ છે.
“અરે રતન આમાં સમ ખાવાનું રહેવા દે, તને સાવ સાચું કહુંને તો મારી ચિંતાનું કારણ તું છે.
રતનનાં સવાલથી ગુસ્સે થતો પરબત ઊભો થઈ ગયો.
“અરે તમે બેસો તો ખરા, ગુસ્સો છોડો જુઓ ભલા હું તારી અર્ધાંગના છું. તારા સુખે સુખી અને દુ:ખે દુ:ખી, તારે મારી ચિંતા તલભારેય નહીં કરવાની બોલ.
“તારી વાત સાચી પણ તારું આ હર્યુંભર્યું જોબન અને ઊડીને આંખે વળગે એવા તારા રૂપ પર ઓલ્યા વાસનાનાં ભોરિંગ કાળુ મુખીની નજર પડી છે. આથી મેં તને ફાર્મહાઉસ પર આવવાની ના પાડી હતી. તોય તું સમજી કે માની નહીંને સજીધજીને ચાર દિવસ પહેલા ટિફિન દેવા આવી ચડી. બસ તેને જોઈ ત્યારનો મલકનો ઉતાર ભુરાટો થયો છે અને મારી પાછળ પડી ગયો છે કે તારી વહુ રતનને પણ ફાર્મ હાઉસના ગેસ્ટહાઉસમાં કામે મોકલ, ત્યાં અવારનવાર વીઆઈપી મહેમાનો આવે જાય છે, રતન જેવી ઘરની બાઈ ત્યાં હોય તો સારું…
” ઓહ એમાં શું…? એ તો બહુ સારી વાત કહેવાય. હું કામે આવું એટલે વધારે પગાર મળશે અને આખો દિવસ આપણે સાથે હોઈએ પછી શું બીક…?
“અરે એ નરાધામ કાળુ મુખીને તું
હજી ઓળખતી નથી એ હવસખોર નાગ છે. એના ડંખની “ભોગ બનેલી કેટલીય ઓરતોના જીવન બરબાદ થઈ ગયાં છે, છતાં કોઈ એની સામે એક હરફ ઉચ્ચારી શકતું નથી.
સંપત્તિ અને સત્તાની આડમાં તેની પાપલીલા બહાર આવતી નથી. અરે ચાલાકનો દીકરો ગામની હવેલીમાં રહેતી એની પત્ની ગજરાનેય પોતાના કરતૂતોની ખબર પડવા દેતો નથી, અને મુખીની ધાકધમકીનાં માર્યા કોઈ ગજરાને ફરિયાદ કરવાની હિંમત નથી કરતું.
“ઈ તારી વાત સાચી હો. હું એમ તો હવેલી પર કેટલીય વાર ગઈ છું. મેં તો ગજરાબેનને તેલ નાખીને માથું ઓળી દીધું છે. બાઈ બહુ ભલી છે. ધરમધ્યાનમાં પૈસો વાપરે છે, એમને મુખીનાં આવા કાળા કામોની ખબર નહીં હોય?
“ના મુખીની બીકે એને કોણ કહે…?
“સારું એ વાત જવા દે અને હું કાલથી તારી સાથે ફાર્મહાઉસ પર કામે આવીશ, અને સાંજે આપણે સાથે જ પાછા આવતા રહીશું બાકી હવે તું ચિંતા કર તો તને મારા સમ. જો હું સાવધ રહીને બધું સંભાળી લઈશ.
બીજા દિવસે પરબત મનોમન કચવાતો રહ્યો અને રતન ફાર્મહાઉસ પર કામે આવી. એણે પહેલી વાર ખૂંધા મુખીને જોયો. સામે મુખીએ રતનને જોઈને રંગમાં આવી ગયો. પરબતનાં માન વધી ગયા. એને મુખી બહુ ભારે કામ સોંપતા નહીં. આમને આમ પંદર દિવસ જેવું વીતી ગયું રતન હંમેશાં તૈયાર થઈને આવતી હતી, પરબત જોકે આડી નજરે રતનનું ધ્યાન રાખતો હતો. કોઈ ભયજનક સ્થિતિ જણાતી ન હતી, છતાંય અંદરખાને ગભરાતો હતો.
એમાં જલાલપુર ગામે રહેતા પરબતના માસી ગુજરી ગયા. આથી પરબતને જલાલપુર જવાનું થયું. એ રતનને કહીને ગયો કે તું આજ ફાર્મહાઉસ પર કામે ન જતી, અને રાત્રે બાજુવાળા ગોમતીમાને સૂવા બોલાવી લેજે.
આમ માવજીના ટેમ્પામાં પરબત ગયો અને એકાદ કલાક જેવું થયું ત્યાં જ કાળુ મુખીની જીપ ઘરઘરાટી બોલાવતી આવી ચડી:
“અરે ઓ પરબત…!
“એ તો નથી.. જલાલપુર લૌકિકે
ગયો છે, ત્યાં મારા માસીજી ગુજરી ગયા છે. રતને બહાર આવીને મુખીને ઉત્તર આપ્યો.
“સારું સારું એ તો મને કહીને ગયો છે, હા આ તો આ જ રાત્રે મહેમાન આવવાના છે ને તો તું સાંજે ગેસ્ટહાઉસે આવજે, તને તેડવા જીપ આવશે.
રતનના હૈયે ધ્રાસકો પડ્યો. મનોમન એ ધ્રુજી ઊઠી, ત્યારે કાળુ મુખી પુન: બોલ્યા;
“સાંજે તું તૈયાર રહેજે જેથી જીપને ખોટી ન થવું પડે.
અને મુખીએ જીપ મારી મૂકી. પણ એના બોલાયેલ શબ્દો રતનને મૂંઝવી રહ્યા. ત્યારે પરબતની ચિંતા એને યર્થાથ લાગી. હવે શું કરવું …? અ પ્રશ્ર્ને એ મૂંઝાઈ રહી. પણ એકાએક કશુંય યાદ આવતા હિંમતમાં આવી ગઈ. સ્વસ્થ થઈ રહી. તે સાંજે જીપ તેડવા આવે ત્યાર પહેલા રતન ફાર્મહાઉસમાં આવેલ ગેસ્ટહાઉસમાં આવી પહોંચી. વોચમેન ખુદ બહાર નશામાં બેઠો હતો. એણે જ કહ્યું કે જાઓ મુખી બીજા માળે એમની ખાસ રૂમમાં તમારી રાહ જુએ છે.
હવે કોઈ ઓળખે નહીં માટે રતને છેક છાતી સુધી ઘુમટો તાણ્યો હતો, એ સીધી મુખીના રૂમમાં પ્રવેશી.
“અરે રતન…! જરા વધારે નશો થઈ ગયો એમાં જીપ મોકલવાનું મોડું થઈ ગયું. આવ આવ રાણી.
“પણ હું
“મૂંઝવાની જરૂર નથી. તારું મહેનતાણું નહીં જાય.
કહેતો મુખી રતનને બાહુપાશમાં લેવા બે હાથ ફેલાવી આગળ વધ્યો. ત્યાં તો ધાડ ધાડ ફાયરિંગનાં અવાજથી ગેસ્ટહાઉસમાં પડઘાં ગૂંજી ઊઠ્યા ને મુખી ફર્શ પર ઢળી પડ્યો, એની છાતીમાંથી લોહી વહી રહ્યું.
“અરે ગજરાબેન..! તમે આ શું કર્યું.. હું તો તમને ખાલી મુખીને ઠપકો આપી સમજાવવા અને મારી સલામતી માટે તમને સાથે લાવી હતી પણ … તમે… રતન પોતાની પાછળ ઊભેલી મુખીની વહુ ગજરાના હાથમાં પિસ્તોલ જોઈ છળી ઊઠી.
“રતન…! મને બધી વાતની, મુખીનાં કાળા કામની ખબર મળતી હતી, પણ કોઈ મને મોકો નહોતું આપતું મને તક મળતી નહતી. બાકી આવા નરાધમનાં નામનો કપાળમાં ચાંદલો કરી સોહગણ બની રહેવું એના કરતો તો રંડાપો સારો…