ઈન્ટરવલ
રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર
કબીરા ખડા બાજાર મેં… તો નબીરા?..
- બાર મેં!
 ખોદ્યો ડુંગર. કાઢ્યો ઉંદર…એ ઉંદર ક્યાં જતો હશે?.
- હોમટાઉન ડુંગરમાં.
 સૌથી વધુ રિટર્ન શેમાંથી મળે ?
- દેણદારો પાસેથી નસીબ સારા હોય તો ! .
 ઘેરહાજર અને ઓફિસમાં ગેરહાજર ફાયદો શેમાં?
- એનો આધાર પત્ની અને બોસ પર છે…
 લગ્ન વિધિમાં સપ્તપદીના બદલે નવપદી હોય તો?
- ટાઈમ બહુ જાય અને ગોર મહારાજ વધુ પૈસા માંગે
 નવદંપતીને કોડી કેમ રમાડાય છે?
- મહેમાનોની હાજરીમાં તીન પત્તી તો ના રમાડાય ને?!
 મુકાબલા…એ કઈ બલા છે ?
- બથ્થમબથ્થાની.
 એક્ટરની જેમ ચીટરની ફેન ક્લબ હોય તો?
- બધા રૂપિયાનો રૂદન રાગ આલાપતા હોય.
 ધારો કે એક સાંજ આપણે મળ્યા.. આપણે હળ્યા, પણ આ આયખાનું શું…કવિએ શું કહેવું હશે?
- મિલન પછી પેલી મને મૂકીને જતી રહી ને બિલ કવિએ ચૂકવવું પડ્યું !
 પડોશણ રિસાઈ જાય તો શું કરવું?
- મનાવો, પણ માની ગઈ તો માથાકૂટ વધશે
 જેને ઘાસચારો કે ભાઈચારો માફક ના આવે એ કોણ?
- બિચારો.
 સહકાર વિના ઉદ્ધાર નહીં. કેવો સહકાર આપવો?
- પ્રસાદી- લાંચ- સમજૂતી કે ચાપાણીના વ્યવહારનો.
 મનપસંદની જેમ તનપસંદનો મહિમા કેમ નથી?
- ચાલો, તમે શરૂ કરો !
 ચાપાણી, છાંટોપાણી, રાતાપાણી.. સામ્યતા શું?
- પાણી.. પીવાનું અને દેખાડવાનું!
 
 
 
 


