ઈન્ટરવલ

કવિ રમેશ પારેખના લીલાછમ અમરેલીનો મહેલ, ગાયકવાડી ઈતિહાસ જાણો

તસવીરની આરપાર -ભાટી એન.

અમરેલી જિલ્લો કાઠિયાવાડનું અતુલ્ય અંગ છે, અત્યારે પણ રાજકીય વગ ધરાવતો જિલ્લો છે.  જિલ્લા પ્રમાણે સિટી નાનું છે. પણ રાજાશાહી સમયથી રજવાડાનાં વિવિધ રાજ્યો ધરાવતો હતો. આજે પણ અમુક એવા વિસ્તારો છે કે જ્યાં સ્ટેટ સમયના બાંધકામ, કિલ્લાઓ, મહેલો, ટાવર ક્લોકવાળું જે હયાત છે. એમાંની એક મહત્ત્વની જગ્યા એટલે અમરેલીની મધ્યમાં આવેલો ‘રાજમહેલ’ આ ‘રાજમહેલ’ લગભગ ૧૮૫ વર્ષ જેટલો જૂનો છે. તે આજે પણ રાજવી ઠાઠની યાદો આપતો જર્જરિત થયો છે. ભૂતકાળમાં આ જિલ્લાની કલેક્ટર ઑફિસ ‘જિલ્લા સેવા સદન’ હતું, પણ હવે આ મહેલનું રિનોવેશન કરી પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા ૧૮૫ વર્ષ જૂનો રાજમહેલને પ્રવાસન નીચે લઈ મ્યુઝિયમ બનાવવા માગણી કરાતા સરકાર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. ગાયકવાડી રાજ્ય સમયનો ‘રાજમહેલ’ આજે પણ ભવ્ય વારસો છે ને આજે અતીતની યાદો સાથે અડીખમ ઊભો છે. હાલમાં આ મહેલનું પૂરજોશમાં રિનોવેશન કાર્ય ચાલુ છે!

અમરેલીને કવિ રમેશ પારેખે લીલુંછમ અમરેલી કહ્યું છે રાજાશાહી સમયમાં આ અમરેલી વડોદરા રાજ્યનો ભાગ હતો! અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું.! આશરે ૧૭૩૦માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં અમુક સમયે કબજો અમુક તાબેદારનો હતો. એવા ત્રણ પક્ષો પાસેથી ખંડણી નાખી હતી…! ને મરાઠા સરદાર દામાજીરાવ ગાયકવાડ ૧૭૪૨-૪૩માં અમરેલી અને લાઠીમાં લશ્કરી થાણા સ્થાપ્યા. ૧૮૨૦ સુધી ગાયકવાડના સુબા વિઠ્ઠલરાવ દેવાજીનું કાઠિયાવાડ પર નિયંત્રણ રહ્યું ને અમરેલીને પાટનગર બનાવી ત્યાંજ રહેતા હતા. વિઠ્ઠલરાવે ૨૬ ગામોનો દામનગર મહાલ બનાવેલો તે પાછળથી લાઠી તાલુકામાં ભેળવેલ. ધારી તાલુકાને પોતાના પ્રદેશમાં ભેળવી દીધો. ગાયકવાડે સૌ પ્રથમ કોડિનારમાં ક્યારે પ્રવેશ કર્યો તો ચોક્કસ નથી, પરંતુ તેનું એક થાણું મૂળ દ્વારકામાં હતું…! જેના નિભાવ માટે જૂનાગઢ નવાબે કોડિનારની અર્ધી મહેસૂલી રકમ સુપરત કરી દીધી હતી.

અમરેલીમાં જોવાલાયક સ્થળોમાં મહારાજા ગાયકવાડના સમયનો અદ્ભુત સ્થાપત્યના નમૂનારૂપ ‘ક્લોક ટાવર’ હાલ પણ તેની ગરિમા સાચવી અડીખમ શહેરની મધ્યમાં ઊભો છે. જે શહેરની આગવી ઓળખ બન્યો છે. ‘નાગનાથ મહાદેવ મંદિર’ શહેરની મધ્યમાં આવેલ આ ઐતિહાસિક મંદિર ૨૦૩ વર્ષ જૂનું છે. ઈ.સ. ૧૮૦૨માં સયાજીરાવ ગાયકવાડના પ્રતિનિધિ તરીકે સરસુબા શ્રી વિઠ્ઠલરાવ દેવાજીના હસ્તે શિવમંદિરનું બાંધકામ થયું હતું. આ મંદિર અત્યારે લોકોની આસ્થાનું કેન્દ્ર બિંદુ બની ગયું છે. અમરેલી જિલ્લો સીંગ, કપાસ તેમજ ઘઉંની ખેતી માટે જાણીતો છે. 

આ જિલ્લામાં રાજુલા પાસે આવેલ પીપાવાવ બંદરમાં મોટો સિમેન્ટ પ્લાન્ટ આવેલો છે. અમરેલી જિલ્લાનો અમુક ભાગ ગીર વિસ્તારમાં આવેલ છે. આથી એશિયાટીક સિંહ આ વિસ્તારમાં નિહાળવા મળે છે. ખાંભા, સાવરકુંડલામાં ચિતલ, નીલગાય, ચિંકારા, મગર, કોબ્રા સાપ, ઘુવડ જેવી એન્ટીલોપ જેવી પ્રાકૃતિક પ્રજાતિ ત્યાંના અભયારણ્યમાં જોવા મળી જાય છે. આવું લીલુંછમ અમરેલી સૌરાષ્ટ્રનો અનોખો જિલ્લો છે. પ્રગતિશીલતા હવે નિહાળવા મળે છે તો એકવાર રાજવી સમયનું અમરેલી જોવા ચોક્કસ આવજો.             

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button