ઈન્ટરવલ

બિગ બોસ સિરિયલમાં રાજુ રદ્દીને કોઇ પણ રીતે સ્પર્ધક તરીકે એન્ટ્રી લેવી છે!

વ્યંગ -બી.એચ વૈષ્ણવ

‘ગિરધરભાઇ. તમને કંઈ ખબર છે?’ રાજુ રદ્દીએ સવાલમાં પાંચશેરી મારી. આ સવાલનો વાચ્યાર્થ, ભાવાર્થ અને ગુઢાર્થ માત્ર રાજુ જાણતો હોય. આપણે મન કી બાત જેમ સાંભળવાનું! મન કી બાત તો વન વે જ હોય ને?

‘રાજુ, મારે શેની ખબર રાખવાની છે, શેની ખબર પૂછવાની છે? કોની ખબર લેવાની છે?’ મેં મૂઢ માણસની જેમ રાજુ પર સવાલોના તડતડિયા ફેંક્યા.

‘તમે ટીવી-બીવી જુઓ છો કે નહીં?’ રાજુએ સવાલ પૂછ્યો. જાણે કે મારા ઘરે ઇડી-સીબીઆઈના અધિકારી રેડ ન કરતા હોય!

‘જો, ટીવીમાં બખાળા સિવાય કંઇ આવતું નથી. હવે આ ઉંમરે બીવીમાં જોવા જેવું કાંઇ બચ્યું છે કે તે સવાલ છે? બીજા મૂડીરોકાણ પર ધ્યાન આપીએ તો યુક્રેન-રશિયા જેવું શૌકયયુદ્ધ ફાટી નીકળવાની ભીષણ સંભાવના રહેલી છે! કે હમાસે ઇઝરાયલ પર કરેલ લાઇવ હુમલા જેવું છે.’ મેં રાજુને કહ્યું.

‘ગિરઘરભાઇ, બિગ બોસ સીઝન-૧૭ પંદરમી ઓકટોબરે શરૂ થઇ રહી છે. આ વખતે ‘કપલ-સિંગલ બિગ બોસ ૧૭’ની થીમ રાખવામાં આવી છે. આ વખતે શોમાં કેટલાક જાણીતા કપલ અને સિંગલ સ્પર્ધકો વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે!’ ખુફિયા માહિતી આપતો હોય તેમ રાજુએ ઘટસ્ફોટ કર્યો.

‘રાજુ. બિગ બોસ સિરિયલ કોઇ વિદેશી સિરિયલનું ભારતીય વર્ઝન છે. બિગ બોસનું ભારતીય અનુકૂલન છે. ભારતમાં પ્રથમ વખત ૨૦૦૬માં પ્રસારણ શરૂ કર્યું હતું.’

દર વરસે સિરિયલ ટેલિકાસ્ટ થાય છે. રિયાલિટી શો હોવા છતાં, ઘણીવાર તેની પ્રામાણિકતા અને ‘વાસ્તવિકતા’ પર સવાલ ઊભા કરે છે. આથી ચાહકો અને અન્ય લોકોએ આ શોને ફિક્સિંગ અને ગફલાબાજી કરવાનો આરોપ મુકે છે.

એકાદવાર અમિતાભ બચ્ચને સિરિયલ હોસ્ટ કરેલી. બાકી બુલબુલ, સોરી ચુલબુલ પાંડે ફેઇમ સલમાન કાયમી ધોરણે સિરિયલનો હોસ્ટ હોય છે. જૂના જમાનામાં ચોવટ થતી હતી તે ટાઇપનો વાહિયાત કાર્યક્રમ છે. ટંટાફિસાદ, ગાલીગલોચ, રોનાઘોના, લડવા ઝઘડવાનું પ્લેટફોર્મ છે. સ્ક્રિપ્ટેડ ક્ધટેન્ટ હોય છે. બિગ બોસ ઓટીટી પ્લેટફોર્મ પર પણ પ્રસારિત થાય છે! ઓટીટી પ્લેટફોર્મના હિટ રિયાલીટી શો ‘બિગ બોસ ઓટીટી ૨’ના વિનરનું ટાઇટલ એલ્વિશ યાદવને મળ્યું હતું. એલ્વિશે ગ્રાન્ડ ફિનાલેમાં અભિષેક મલ્હાનને હરાવીને આ જીત પોતાના નામે કરી લીધી છે. ખાસ વાત એ રહી કે એલ્વિશ પહેલો એવો ક્ધટેસ્ટન્ટ છે, જેને વાઇલ્ડ કાર્ડમાં એન્ટ્રી મળી હતી અને હવે તેણે આ શો જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે.’ મેં રાજુને બિગબોસ કથા કહી.

‘ગિરધરભાઇ, બિગ બોસના સેટ કેવા ટનાટન હોય છે. તેમાં ટાસ્ક આપે છે તે ઇનોવેટીવ હોય છે. સ્પર્ધકો જાતે રાંધે, વાસણો સાફ કરે, ઘર ચોખ્ખું રાખે. કેવો અદ્ભુત આઇડિયા છે.’ રાજુએ બિગ બોસનો કસીદો પઢયો!

‘રાજુ. બિગબોસમાં જનાર વ્યક્તિએ ટીવી, મોબાઇલ, ફેસબુક, વોટસએપ, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ વગેરે પ્લેટફોર્મથી સ્પર્ધાનાં સમયગાળા સુધી દૂર રહેવું પડે છે. વર્તમાનપત્રો પણ મળતા નથી. ઘર, પરિવાર, વ્યવસાયથી પણ અલિપ્ત રહેવું પડે. સમાજની હદમાંથી હદપારી થઇ જવાનું. આવી રીતે રહેવું એ કપરું કામ છે. બિગબોસના સ્પર્ધકને ફી તરીકે તગડી રકમ મળે છે.’ મેં રાજુને બિગ બોસ શોની પૂરક માહિતી આપી.

‘ગિરધરભાઇ. તમે બિગ બોસમાં કેમ ભાગ લેતા નથી? તમને ફેઇમ, ફોર્ચ્યુન અને ફન માટે કોઇ આકર્ષણ નથી?’ રાજુએ સનસેસનલ સવાલ કર્યો!

‘જો રાજુ. મેં રોગોનું બાર માસનું લવાજમ ભરેલ છે. હું બીપી અને ડાયાબિટીસનો પેશન્ટ છું. હું તને કોઇ એંગલથી કવિ કાલિદાસ લાગુ છું કે જેણે ખુદ (કાલિદાસ) જે ડાળી પર બેઠા હતા તેની પર કુહાડી મારી હતી! આ બેલ મુજે માર કે પડ પાણા પગ પર જેવા સ્વઆત્મઘાતી પગલાં લેવામાં માનતો નથી! હાથે કરીને બીપી વધારવા કે એન્કઝાઇટી વધારીને તબિયત બગાડવાના મતનો નથી. એટલે હું બિગ બોસમાં ક્યારેય ભાગ ન લઉં.’ મેં ધમાલિયા કાર્યક્રમ તરફ નારાજગી વ્યક્ત કરી.

‘ગિરધરભાઇ. બિગ બોસમાં એન્ટ્રીમાં અનામતના નિયમોનો અમલ થતો હશે. સ્પર્ધકોની કુલ સંખ્યાના ૩૦% મહિલા માટે અનામત રાખતા હશે? એસસી અને એસટી માટે કેટલી અનામત રાખતા હશે? ગરીબી રેખા નીચે જીવતા લોકોને બિગ બોસમાં એન્ટ્રી મળતી હશે?’ હું બિગ બોસનો એકસપર્ટ હોય તેમ રાજુએ મને પૂછ્યું.

‘રાજુ. બિગ બોસ શું કોઇ સરકારી યોજના છે? બિગ બોસ ગરીબ કલ્યાણ મેળો નથી કે દિન દયાળ હંગામી આવાસ યોજના નથી. બિગ બોસ પ્રધાનમંત્રી કિસાન સન્માન વિધિ યોજના કે વીમા ફસલ યોજના નથી. વિપક્ષના રેડીયો એક્ટિવ કચરા જેવી નિઠલ્લા, નકારા, નિકમ્મા નેતાને કે જે કધોયા કપડાં જેવા છે જેમને આપણા પક્ષના વોશિંગ મશીનમાં નાંખી ધોઇ નાંખી મંત્રી બનાવવાની ઓપરેશન લોટસ સ્કિમ નથી. ગરીબોને પાંચ કિલો અનાજ વિતરણ યોજના નથી.’ મેં રાજુને કહ્યું.

‘ગિરધરભાઇ. બિગ બોસમાં વાઇલ્ડ કાર્ડથી સ્પર્ધકને એન્ટ્રી આપવામાં આવે છે. મારે બિગ બોસમાં એન્ટ્રી લેવી છે. શું કરવું?’ આજકાલ રાજુની મહત્ત્વાકાંક્ષા સાપ ફૂંફાડા મારે તેમ વધતી જાય છે.
‘રાજુ, બિગ બોસ સરાઇ કે સદાવ્રત નથી કે ગમે તે એરાગેરા સ્પર્ધક તરીકે જઇ શકે! વિવાદાસ્પદ કે સેલિબ્રિટી ટાઇપના લોકોને સ્પર્ધક તરીકે લેવા ચેનલવાળા સામેથી સંપર્ક કરે છે.’ મેં રાજુના મનસુબા પર પાણી ફેરવ્યું.

‘ગિરધરભાઇ. હું તમારી કોલમનું અગત્યનું પાત્ર છું. હું સેલિબ્રિટી કેમ ન કહેવાઉં?’ રાજુએ સેલિબ્રિટી હોવાનો દાવો રજૂ કર્યો.

‘રાજુ. મારી કોલમનું હું, તું અને મંગળદાસ જેવું છે. ગણીને પૂરા સાડા ત્રણ વાચક છે. કોલમ લેખક સેલિબ્રિટી ના હોય તો પાત્ર કયાંથી સેલિબ્રિટી હોય?’ મેં સેલિબ્રિટીના દાવાનું ફીંડલું વાળ્યું.
રાજુ મેટ્રિક ટનના નિસાસા નાંખતો ભાંગેલા પગે, મમગૃહથી સ્વગૃહે જવા નીકળ્યો!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button