ઈન્ટરવલ

ઊડતી વાત : રાજુ રદ્દીના હાથ પીળા થશે એનો ફેંસલો પણ ૨૩ નવેમ્બરે?

-ભરત વૈષ્ણવ

‘રાજુ, તારે તારા હાથ પીળા કરવા છે?’

રાજુને મેં આટલો જ સિમ્પલ સવાલ પૂછયો. રાજુ સડક થઇ ગયો. એની આંખમાં ઝળઝળિયા આવી ગયા.

‘ગિરધરલાલ, તો તો તમારા જેવો ભગવાન નહીં.’ આમ કહી મારા પગમાં પડી ગયો. એની એક આંખ હસતી હતી અને બીજી આંખ હરખથી રડતી હતી. લગ્ન એ રાજુની નબળી નસ, ચાવી અને કળ છે. ૪૯ વરસે પણ રાજુએ લગ્નની આશાનો પરિત્યાગ કર્યો નથી. રાજુ બધી છોકરી( સાંઠ વરસની વૃદ્ધા સુધ્ધાંને હા પાડતો હતો, પરંતુ સામેની સરહદથી હકારનો લગ્નટંકાર ( અરે, આવો રણટંકાર કયાં સુધી કરશો?

લેખક-લેખિકા મિત્રો, હવે તો નવા શબ્દોનો પ્રાદુર્ભાવ કરો ! .)
‘રાજુ, હવે લગ્ન કરવા હોય તો છેલ્લી તક છે.’ મે રાજુને કહ્યું.

‘ગિરધરલાલ, ક્યાં અને ક્યારે જવાનું છે? ખર્ચની ચિંતા ન કરશો. કેમ કે, ખર્ચ તમારે જ કરવાનો છે. લગ્ન કરવા માટે તો નર્કમાં જવા તૈયાર છું.’ આકળા રાજુએે લગ્નની વાત કહી. લગ્ન કર્યા પછી નર્કનો સદૈવ સાક્ષાત્કાર થવાનો છે એ સત્ય લોકો કેમ વિસરી જાય છે ?

‘રાજુ, આપણે નર્ક જવાનું નથી. આપણે મહારાષ્ટ્ર રાજયના બીડ જિલ્લાના પરલી જવાનું છે.’

‘ગિરધરલાલ, પરલી કેમ જવાનું છે? ત્યાં કોઇ મેરેજ બ્યુરો કે પસંદગી મેળો છે? ત્યાં આપણું લાકડે માંકડું વળગી જશે? ત્યાં કોઇ માતાજી કે દેવમંદિર છે? ત્યાં કોઇ ભૂવા, બાબા, તાંત્રિક, મૌલવી લગ્ન કરવાનો જુગાડ કરી આપે છે? ત્યાં માનતા માનવાની છે?’ રાજુએ સવાલોની ઝડી વરસાવી.

‘રાજુ, નકો નકો. માલા માહિત નાહી. થોડી શાંતિ રાખ.’ મે રાજુને ધૈર્ય રાખવા કહ્યું.

‘ગિરધરલાલ, હવે મારામાં સહેજે ધીરજ રહી નથી.’ રાજુએ રડમસ અવાજે કહ્યું.

‘રાજુ, આપણો દેશ આ દેશ કૃષિપ્રધાન કે ઉદ્યોગપ્રધાન દેશ છે એવું માનનાર ખાંડ ખાય છે. આપણો દેશ ચૂંટણી પ્રધાન દેશ છે. દેશના કોઇ ખૂણે કે ચોરેચૌટે ક્યાંક અને ક્યાંક ચૂંટણી લડાતી હોય છે. નિયમિત કે પેટા ચૂંટણી. વિધાનસભા કે ફલાણો-ઢીકણો સમાજ, લોકસભા કે રામલીલા એસોસિએશનની ચૂંટણીના પડઘમ વાગતા હોય છે. દેશમાં આદર્શ આચારસંહિતાના નામે કાયમ લાચારસંહિતા અમલમાં હોય છે.’ મે રાજુને કહ્યું.

‘મારા લગ્નમાં ચૂંટણી ક્યાંથી આવી?’ રાજુએ અકળાઈને પૂછયું.

(વાચકોના મનનાં પણ સવાલ ઉદ્દભવ્યો હશે. ધીરજ ધરીને લેખ વાંચો એટલે જનાબ જવાબ મળી જશે.)
‘રાજુ, વોર્ડ મેમ્બર, કોર્પોરેટર, સરપંચ, વિધાયક કે સાંસદ થવા માટે વચનોની લ્હાણી કરે છે….’ મે રાજુને ચૂંટણી જીતવા વચનો ઉર્ફે ‘રેવડી’ની આવશ્યકતા સમજાવી.

‘ગિરધરલાલ, તમે મારા લગ્ન કરાવવાના વચનમાંથી પલટી રહ્યા છો.’ રાજુએ ભગ્નહૃદયે ટકોર કરી.

રાજુ, દિલ્હીમાં એક અપક્ષ ઉમેદવાર અનિલ શર્માએ એક પાનાંના ચૂંટણી ઢંઢેરામાં જન્નત ઉભું કરવાનો વાયદો કર્યો હતો. શર્માએ દરેક મહિલાને સોનાની ચેન ફ્રી, મુસ્લિમોને ઈદ વખતે બકરો ફ્રી, માત્ર દસ રૂપિયામાં (ચાર રોટલી+દાળ અથવા દાળ-ભાત), પ્રાઇવેટ સ્કૂલમાં ભણતર ફ્રી, બેરોજગારોને મહિને દસ હજાર રૂપિયા, દીકરી જન્મે તો પચાસ હજાર રૂપિયા, દીકરીનાં લગ્નમાં અઢી લાખ રૂપિયાની ગિફ્ટ જેવા વચનોથી મતદારને પાણીપાણી કરી નાખ્યા,
છતાં નિકમ્મા મતદારોએ એને હરાવ્યો નહીં, પણ ડિપોઝીટ પણ જપ્ત કરાવી!.’ મેં રાજુને એક ઉમેદાવારની વિફલ્યગાથા સંભળાવી.

‘ગિરધરલાલ, ચૂંટણી અને મારા લગ્નને શું લેવા દેવા છે?’ રાજુએ દબાયેલ અવાજે પૂછયું.

‘રાજુ, ચૂંટણીમાં મતદારોને લલચાવવા પક્ષો જાતજાતનાં ગતકડાં કરે છે. એ તો નપુંસકનેય પુત્ર જન્માવવાનું વચન આપવામાં પાછા પડતા નથી!’ મેં ચૂંટણી વચનનો કચ્ચો ચિઠો ખોલ્યો.

Also Read – ઔર યે મૌસમ હંસીં…ઃ લખવાની મજા શેમાં… હેન્ડરાઈટિંગ કે પછી ટાઈપિંગ?

‘ગિરધરલાલ, ઇનફ ઇઝ ઇનફ. હું છેલ્લીવાર કહું છું કે ચૂંટણી અને મારા લગ્નને શું લેવા દેવા છે?’ રાજુનો અવાજ ઊંચો થયો.

‘મહારાષ્ટ્રની પરલી વિધાનસભાના ઉમેદવાર રાજેસાહેબ દેશમુખને કુંવારા કે વાંઢાની સમસ્યાથી દ્રવી જઇને ન
ભૂતો ન ભવિષ્યમ જેવું વચનાસ્ત્ર છોડયું છે. તમામ કુંવારા- કુંવારીના લગ્ન કરાવી આપવાનું વચન આપ્યું છે.’ મેં ધડાકો કર્યો.

‘હેંએએએ, શું કહ્યું? રાજેસાહેબ તમામ કુંવારા કુંવારીના લગ્ન કરાવી આપશે? તો પછી રાહ કોની અને શેની જોઇ રહ્યા છો? મારા લગ્ને આડે હવે ચાર આંગળનું છેટું પણ સહન નહીં કરી શકું!’. રાજુએ વિહ્વળ થઇને આર્દસ્વરે કાકલૂદી કરી.

મહારાષ્ટ્રના કુંવારા, કુંવારીઓ, વાંઢાઓ, વાંઢાઓની જેમ અમારા કાયમી કુંવારા રાજુએ પણ લગ્ન કરવાની લ્હાયમાં ખુલ્લા પગે મહારાષ્ટ્રમાં બીડ જિલ્લાના પરલી જવા દોડ લગાવી છે…

જો કે, રાજુના હાથ પીળા થશે કે નહીં તેનો ફેંસલો આગામી ત્રણ દિવસમાં – આ ૨૩ નવેમ્બરે આવી જશે. ત્યાં સુધી? આપણે તો જખ મારીને રાહ જોવાની, બીજું શું?!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button