ઈન્ટરવલ

પુતિનની જ્વલંત જીતનો નશો ઊતરી ગયો ….

…કારણ કે આંતિરક હરીફોને તો ખતમ કર્યા, પરંતુ બાહ્ય શત્રુઓ એને હંફાવે છે !

પ્રાસંગિક -અમૂલ દવે

વ્લાદિમીર પુતિને તાજેતરમાં રશિયાની ચૂંટણીમાં સોવિયેત સંઘનું અસ્તિત્વ ખતમ થયા પછીની ઐતિહાસિક અને વિક્રમી જીત તો મેળવી, પરંતુ જીતની ઉજવણી પણ ન કરી શક્યા.

ચૂંટણીની જીત પછી સાત દિવસની અંદર જ એક સાંજે મોસ્કોમાં યુરોપની ધરતી પરનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ૧૩૭ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
એ સાંજે, એસોલ્ટ રાઇફલ્સ સાથે સજજ હુમલાખોરો મોસ્કોની બહારના કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા પછી આડેધડ લગભગ એક કલાક સુધી ગોળીબાર કર્યો ત્યારે ગભરાયેલા લોકોએ ભાગી જવા માટે નાસભાગ શરૂ કરી હતી. આંધળા ગોળીબાર પછી હુમલાખોરોએ સ્થળને આગ ચાંપી દીધી હતી. મૃત્યુઆંક ૨૦૧૫ના વિનાશક પેરિસ હુમલા કરતાં થોડો વધારે છે.

આ હુમલાથી રશિયનો, પ્રમુખ પુતિન અને આખી દુનિયા ચોંકી ગઈ હતી. આનું સ્પષ્ટ અને સચોટ કારણ એ છે કે રશિયામાં આવા મોટા આતંકવાદી હુમલા થતા નથી. રશિયા અને મુસ્લિમો વચ્ચે કોઈ સીધો ખટરાગ નથી. સરમુખત્યાર પુતિનનું તો નાક કપાઈ ગયું છે. અમેરિકાએ હુમલાની એલર્ટ અને ગુપ્ત બાતમી આપી હોવા છતાં પુતિન અને એમનું તંત્ર આ હુમલાને નાકામયાબ બનાવવામાં વિફળ ગયા છે. એમનું ગુપ્તચર તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે. પોતાની નિષ્ફળતા છુપાવવા પુતિને આનો દોષનો ટોપલો બિચારા યુક્રેન પર ઢોળવાની કોશિશ કરી છે. હુમલો રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને નુકસાન પહોંચાડી શકે છે . પુતિન આ હુમલાનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધને વેગ આપવા માટે કરવા માગે છે. કુખ્યાત આતંકવાદી જૂથ ‘ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સીરિયા’ (આઈએસઆઈએસ)એ રાત્રે કોન્સર્ટ હોલમાં ઘૂસીને ઓછામાં ઓછા ૧૩૭ લોકોની બંદૂકો, છરીઓ અને બોમ્બથી હત્યા કર્યા પછી જવાબદારી સ્વીકારી છે. દેશમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં પુતિનનું નેતૃત્વ અત્યાર સુધી સફળ રહ્યું હતું એટલે એમના માટે આ હત્યાકાંડ ભયંકર શરમજનક છે. કેટલાક નિષ્ણાતો કહે છે કે આવો હુમલો થઈ શકે તેવી અમેરિકન ચેતવણીઓ એમણે ફગાવી દીધી હોવાથી એમની રશિયા પરની લોખંડી પકડ નબળી પડી શકે.

જ્યારે વાસ્તવમાં ઘરની નજીક અન્ય જોખમો છે ત્યારે યુક્રેન સામેના યુદ્ધ વિશે રશિયા અને પુતિન આટલા બધા આડંબરી કેમ છે,? એ પણ કોઈનું ધ્યાન ગયું નથી કે પુતિને એના દેશને સંબોધિત કરવા માટે હુમલા પછી લગભગ ૨૦ કલાક રાહ જોઈ હતી. એ પછી એમણે માત્ર પાંચ મિનિટનું ભાષણ આપ્યું ત્યારે પુતિને ‘આઈએસઆઈએસ’નો ઉલ્લેખ કેમ ન કર્યો ? આ સંગઠનના અફઘાન સહયોગી, આઈએસઆઈએસ-કેએ હુમલાની જવાબદારી સ્વીકારી છે, પુતિને હુમલાને રોકવામાં ગુપ્તચર સેવાઓની નિષ્ફળતા અથવા સુરક્ષા સેવાઓને નિષ્ફળ બનાવવાનો ઉલ્લેખ કર્યો નહોતો. એમણે માત્ર એટલું જ સૂચવ્યું કે યુક્રેને હુમલાખોરોને ભાગી જવાની યોજના બનાવવામાં મદદ કરી હતી.

આઈએસઆઈએસ-કે લાંબા સમયથી રશિયાને મુખ્ય દુશ્મન તરીકે માને છે. ૨૦૧૭ માં સીરિયાની ઓચિંતી મુલાકાત પર, પુતિને આઈએસઆઈએસ- પર “સંપૂર્ણ વિજયની જાહેરાત કરી હતી.
હકીકત તો એ છે કે આ હુમલામાં યુક્રેનિયનની કોઈ સંડોવણી નહોતી. ચાર કથિત બંદૂકધારી તાજિકિસ્તાનના નાગરિકો છે, જે મધ્ય એશિયામાં એક ભૂતપૂર્વ સોવિયેત પ્રજાસત્તાક છે જે મુખ્યત્વે મુસ્લિમ છે અને અફઘાનિસ્તાનની સરહદે છે. ૧.૫ મિલિયન જેટલા તાજિકોએ રશિયામાં કામ કર્યું છે અને ઘણાની પાસે રશિયન નાગરિકતા છે.

નવ વર્ષ પહેલાં, સીરિયામાં ફ્રેન્ચ અને બેલ્જિયન ભરતીના જૂથને કારણે બંને દેશોમાં હુમલાઓનું મોજું ફરી વળ્યું હતું. છેલ્લા ૧૮ મહિનામાં, આઈએસઆઈએસએ તેની અફઘાન શાખા દ્વારા મધ્ય એશિયાઈ આતંકવાદીઓની ભરતી કરવા માટે એક નક્કર પ્રયાસ કર્યો છે, જે ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત તરીકે ઓળખાય છે. રશિયન બોલતા, અથવા તો રશિયન નાગરિકો હોવાને કારણે, આ ભરતી કરનારાઓ સરળતાથી મોસ્કોમાં લક્ષ્ય સુધી પહોંચી શકે છે, હુમલા માટે ઘણી નવી તક પ્રદાન કરે છે. રશિયા ઘણાં વર્ષોથી આઈએસઆઈએસને નારાજ કરતું આવ્યું છે.

આઈએસઆઈએસના નેતાઓ, ઘણા ઇસ્લામિક આતંકવાદીઓની જેમ, સીરિયામાં બશર અલ-અસદના શાસન માટે રશિયન સમર્થનથી વાકેફ છે.

પાકિસ્તાનથી નાઇજીરિયા સુધી આઈએસઆઈએસના પ્રચાર દ્વારા કરવામાં આવેલો એક મુખ્ય મુદ્દો એ છે કે મોસ્કોએ ઇસ્લામ વિરુદ્ધ અસ્તિત્વની, ૧,૪૦૦ વર્ષ જૂની લડાઇમાં રોકાયેલા ખ્રિસ્તી અથવા પશ્ર્ચિમી દળોના વ્યાપક ગઠબંધનનો એક ભાગ છે. હુમલાની જવાબદારી સ્વીકારતા આઈએસઆઈએસનાં નિવેદનોમાં ખ્રિસ્તીઓની ‘હત્યા’ ની બડાઈ ફૂંકવામાં આવી છે.

આઈએસઆઈએસના નેતાઓ રશિયાને તાલિબાનના શાસનના સતત સમર્થક તરીકે પણ જોઈ રહ્યા છે. ૧૯૯૯ માં ચેચન્યામાં રશિયાનું લોહિયાળ યુદ્ધ પણ એક પરિબળ હોઈ શકે છે.

શંકાસ્પદોની રશિયન સત્તાવાળાની પૂછપરછ વિશેષ ઘાતકી હોવાનું જણાય છે.એમની પૂછપરછના ફરતા વીડિયો સૂચવે છે કે પુરુષોને ત્રાસ આપવામાં આવ્યો હતો…. પુતિને પુરાવા વિના દાવો કર્યો હતો કે ધરપકડ કરાયેલ ચાર બંદૂકધારીએ યુક્રેન ભાગી જવાની યોજના બનાવી હતી. યુક્રેનના પ્રમુખ, વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું છે કે પુતિન અને તેમની નજીકના અન્ય લોકો રશિયન ગુપ્તચર નિષ્ફળતાઓથી દોષ દૂર કરવા માગે છે. યુએસએ કહ્યું છે કે તેને બાતમી મળી છે કે આઈએસઆઈએસ-કેએ એકલા હાથે કામ કર્યું છે.

પુતિને સત્તા પર પહેલેથી જ ચુસ્ત પકડ રાખી છે. ૭૧ વર્ષના પુતિને નવી છ વર્ષની મુદતની શરૂઆત કરી છે જે જોસેફ સ્ટાલિનને પાછળ છોડી દેશે. જો એ આ મુદત પૂર્ણ કરે તો ૨૦૦ વર્ષથી વધુ સમય સુધી રશિયાના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર નેતા બનશે. પુતિને ૮૭.૮% વોટ મેળવ્યા, જે રશિયાના સોવિયેત પછીના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ભવ્ય વિજય છે…

ગયા મહિને આર્કટિક જેલમાં મૃત્યુ પામેલા વિપક્ષી નેતા એલેક્સી નવાલનીથી પ્રેરિત, હજારો વિરોધીઓએ રશિયાની અંદર અને વિદેશમાં મતદાન મથકો પર પુતિન સામે વિરોધ કર્યો હતો. પુતિન રશિયાની ચૂંટણીને લોકશાહી ગણે છે અને જણાવ્યું હતું કે એમની સામે નવાલની પ્રેરિત વિરોધની ચૂંટણીના પરિણામ પર કોઈ અસર થઈ નથી.

યુક્રેન પર આક્રમણ કરવાનો આદેશ આપીને બીજા વિશ્ર્વયુદ્ધ પછીના સૌથી ભયંકર યુરોપિયન સંઘર્ષને ઉત્તેજિત કર્યાના બે વર્ષ પછી રશિયન ચૂંટણી આવી છે. યુક્રેને રશિયામાં તેલ રિફાઇનરીઓ પર વારંવાર હુમલો કર્યો છે- રશિયન પ્રદેશો પર ગોળીબાર કર્યો છે અને પ્રોક્સી દળો સાથે રશિયન સરહદોને વીંધવાનો પ્રયાસ કર્યો છે . પુતિને કહ્યું કે હત્યારાઓને સજા વિના છોડવામાં આવશે નહીં. રશિયાને યુક્રેનની અંદર બફર ઝોન બનાવવાની જરૂર પડી શકે છે.

નવાલનીના શંકાસ્પદ મૃત્યુથી વિપક્ષ તેના સૌથી પ્રબળ નેતાથી વંચિત રહી ગયો છે અને અન્ય મુખ્ય વિપક્ષી વ્યક્તિઓ કાં તો વિદેશમાં છે-જેલમાં છે અથવા મૃત્યુ પામ્યા છે. પશ્ર્ચિમ પુતિનને નિરંકુશ અને ખૂની તરીકે ઓળખે છે.

યુક્રેન સામેના યુદ્ધને લીધે ખુદ રશિયાનું અર્થતંત્ર ખાડે ગયેલું છે. લોકો કહેતા નથી, પરંતુ યુદ્ધવિરામ ન કરવાની પુતિનની જીદને લીધે પ્રજાએ સહન કરવું પડે છે. બીજી તરફ્, નાટો સંગઠનનો વિસ્તાર થઈ રહ્યો છે. યુદ્ધ સમાપ્ત થયા બાદ યુક્રેન પણ નાટોમાં જોડાવાનું છે. પુતિન વારંવાર અણુ હથિયારો વાપરવાની ધમકી આપી રહ્યા છે. એમની આક્રમકતા અને અમેરિકામાં ટ્રમ્પ જેવા તરંગી મિજાજના માણસની સત્તા પર આવવાની સંભાવનાને લીધે પૃથ્વી પર ત્રીજા વિશ્ર્વયુદ્ધનો ખતરો તોળાઇ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button