પુતિન-શી ભાઈ ભાઈ વિશ્ર્વ વધુ વિભાજિત થશે ભારતે રણનીતિ બદલવી પડશે
અચાનક મોદીના દોસ્ત પુતિન કેમ પહોંચી ગયા ચીન?
પ્રાસંગિક -અમૂલ દવે
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન તાજેતરમાં બે દિવસની ચીનની સત્તાવાર મુલાકાતે ગયા હતા. પુતિનનું સંપૂર્ણ રાજકીય માન-સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું. આ મુલાકાત પ્રતીકાત્મક તો હતી જ, પરંતુ એ સાથે ભૌગોલિક-રાજકીય દૃષ્ટિએ અતિ મહત્ત્વની હતી. આ મુલાકાતને લીધે અમેરિકા, યુરોપ અને ભારતના ભવાં ઊંચકાઈ ગયાં છે. આ મુલાકાતને લીધે અમેરિકા અને ચીન-રશિયા વચ્ચે ચાલતું શીત યુદ્ધ વધુ વકરશે ને વિશ્ર્વ વધુ વિભાજિત થશે એમાં વિશ્ર્વ શાંતિ વધુ જોખમાશે.
રેડ કાર્પેટ અને ૨૧ તોપોની સલામી સાથે બીજિંગ પહોંચેલા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચે અનેક મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થઈ છે. બે નેતા વચ્ચે યુક્રેન અને તાઇવાન સહિત બહુવિધ પ્રશ્ર્ને ચર્ચા થઈ તે પૈકી યુક્રેન યુદ્ધના ઉકેલ માટે ચીનના પ્રમુખ શી જિન પિંગ દ્વારા રચનાત્મક ભૂમિકા ભજવવાની તૈયારીને પુતિને આવકારી એ સાથે બંને નેતાએ પરસ્પરના દેશ વચ્ચે ભાગીદારી સઘન કરવા નિર્ણય લીધો ત્યારે રશિયાના પ્રમુખ પુતિને કહ્યું કે ‘રશિયન્સ અને ચાઇનીઝ સદાને માટે બાંધવો છે ’ . ૭૦ વર્ષીય શી અને ૭૧ વર્ષીય પુતિને એક સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા તેમાં ઉત્તર કોરિયાથી શરૂ કરી તાઇવાન અને યુક્રેન સુધી તમામ મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા. સહજ રીતે જ તે અમેરિકા અને તેના પશ્ર્ચિમી સાથી દેશો ચિંતાગ્રસ્ત બની ગયા છે.
વાસ્તવમાં યુક્રેન મુદ્દે જ ચીનનો સાથ લેવાની ગણતરીએ પુતિન બૈજિંગ ગયા હતા. ચીનના શી-જિનપિંગ તેમાંથી કોઈ માર્ગ શોધી આપે તેવી પુતિનની ગણતરી હતી. આ ઉપરાંત પારંપરિક રીતે આર્થિક સહકાર, ટેકનોલોજી અને પરમાણુ ઊર્જા વિષે પણ બંને નેતાઓ વચ્ચે મંત્રણા થઈ હતી.
ચીન-રશિયાની આ નિકટતાથી ભયભીત બનેલા અમેરિકાના વિદેશ મંત્રાલયે કહ્યું કે ‘પીપલ્સ રિપબ્લિક ઓફ ચાયના કાન્ટ હેવ ઇટ્સ કેક એન્ડ ઈટ ટૂ.. તમે બંને બાજુએ રહી શકો જ નહીં. એક તરફ તે યુરોપ સાથે સઘન સંબંધો બાંધવા માગે છે તેમજ અન્ય દેશો સાથે પણ સારા સંબંધો સ્થાપવાની વાત કરે છે. તો બીજી તરફ યુરોપની જ સલામતી સમક્ષ લાંબા સમયથી ભારે ભયાવહ બની રહ્યું છે. ચીન અંગે માત્ર અમેરિકાનું જ આ વલણ નથી રહ્યું, જી-૭ દેશોના સભ્યોનું પણ આ વલણ રહ્યું છે. ‘નાટો’ના સહભાગી દેશો તેમજ યુરોપીયનના સહભાગી દેશોનું પણ આ જ વલણ રહ્યું છે.
હકીકત તો એ છે કે પુતિનની મુલાકાત પહેલાં જ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિકને ચીનમાં જઈને એને એવી ચેતવણી આપી હતી કે રશિયાને લશ્કરી સહાય કરવામાં ચીન સાવધાની રાખે, ચીનના ટેકા વિના યુક્રેનનું યુદ્ધ રશિયા લાંબું ખેંચી શકે એમ નથી. યુરોપે પણ ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે જો યુક્રેન સામેના જંગમાં ચીન રશિયાને મદદ કરશે તો યુરોપિયન યુનિયન આની ગંભીર નોંધ લેશે.
અલબત્ત, ચીન આ ચેતવણીને ઘોળીને પી ગયું હતું. ચીનને રશિયાની જરૂર છે એનાથી વધારે રશિયાને ચીનની આવશ્યકતા છે. શી એમ ઇચ્છતા નથી કે પુતિન યુદ્ધ હારી જાય. આ યુદ્ધને લીધે અમેરિકા અને યુરોપ આમાં અટવાયેલા રહે છે અને તેમનું ધ્યાન ચીન પર રહે નહીં. રશિયાને યુદ્ધ વહેલુ પૂરું કરવાનું ચીન કહેશે નહીં. ચીન અને રશિયાના સંયુક્ત નિવેદનમાં અમેરિકાની આલોચના કરવામાં આવી છે. આમાં કહેવામાં આવ્યું કે અમેરિકા હજી શીત યુદ્ધની વિશે વિચારે છે.
શી જિન પિંગે કહ્યું હતું કે બન્ને દેશ એ બાબતે સંમત છે કે યુક્રેન સંકટનું રાજકીય સમાધાન જ સાચી દિશા છે.
ચીન અને રશિયાને લોકતાંત્રિક તાઈવાનથી પણ સમસ્યા છે. ચીન ગમે ત્યારે તાઈવાન પર હુમલો કરીને એને ભેળવી દેવાની પેરવીમાં છે. ચીન અને રશિયા અમેરિકા સામે પોતાનો બ્લોક બનાવવા માગે છે. ચીન અને રશિયાના ઈલુ ઈલુને લીધે આખા વિશ્ર્વમાં ભારેલો અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાશે. યુક્રેનના ખાર્કિવ વિસ્તારમાં ચીને નવો મોરચો ખોલ્યો છે. અમેરિકાએ યુક્રેનને સહાય આપવામાં વિલંબ કરતાં યુક્રેનને પીછેહઠ કરવી પડી છે. તેની પાસે દારૂગોળો નથી. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ સ્વીકાર્યું છે કે એમની પાસે દારૂગોળો નથી અને એર ડિફેન્સ સિસ્ટમ નથી. જો એને ફાઈટર વિમાન નહીં મળે તો ત્રીજા વર્ષમાં પ્રવેશેલું યુદ્ધ એ લાંબા સમય સુધી નહીં લડી શકે. ‘નાટો’ના દેશોએ જાહેર કર્યું છે કે અમે યુક્રેનના સૈન્યને તાલીમ આપવા અમારા ટ્રેનર યુક્રેન મોકલીશું. આને લીધે યુરોપ અને અમેરિકાની રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં સીધી સંડોવણી થશે. યુક્રેન પાસે માનવબળ નથી અને તેની પીછેહઠનું આ પણ કારણ છે. આથી ‘નાટો’એ યુક્રેનના ૧૫,૦૦૦ નવા જવાનોને તાલીમ અને પ્રશિક્ષણ આપવા ટ્રેનર મોકલવાનું નક્કી કર્યું છે. જો રશિયા આ ટ્રેનર પર હુમલો કરશે તો અમેરિકાએ નાટો સંધિ પ્રમાણે એના સંરક્ષણમાં આવવું પડશે.
સો વાતની એક વાત સ્પષ્ટ છે કે ચીન અને રશિયાની નિકટતાને લીધે વિશ્ર્વશાંતિ માટે મોટો ખતરો ઊભો થયો છે અને અમેરિકા એક બાજુ અને ચીન-રશિયા બીજી બાજુ એમ જે કોલ્ડ વોર ચાલે છે એ વધુ વકરશે.
ચીન – રશિયા વચ્ચેનો વેપાર ગયા વર્ષે ૨૪૦ અબજ ડૉલર પર પહોંચ્યો હતો, જે ગયા વષર્ની સરખામણીમાં ૨૬ ટકા જેટલો વધારે છે. ચીન ૧૩ વષર્થી રશિયાના વેપારનું ભાગીદાર છે. ચીનના મોટા વેપાર ભાગીદારમાં રશિયાનો ચોથો ક્રમાંક આવે છે. ચીન અને રશિયા વચ્ચેના લશ્કરી સંબંધો પણ સુદૃઢ બનતા જાય છે. આ બન્નેના લશ્કરે અનેક વાર સંયુકત કવાયત કરી છે.
જો કે, યુરોપ અને અમેરિકાના ડરથી ચીન પણ રશિયાને સીધાં જીવલેણ હથિયારો આપતું નથી. હા, મુલકી અને લશ્કરી બન્નેમાં ઉપયોગ કરી શકાય એવા સેમીકંડકટર અને મશીનનાં ઓજારો ચીન રશિયાને આપે છે. ચીન અને રશિયાના મજબૂત સંબંધોને લીધે યુરોપ તો એ અગાઉ જ બે છાવણીમાં વિભાજિત થઈ ગયું છે. પશ્ર્ચિમ યુરોપ અમેરિકાની જોડે છે અને પૂર્વ યુરોપ ચીન અને રશિયાના બ્લોક જોડે છે. ઉદાર મતવાદી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને નવી વ્યવસ્થાની હિમાયત કરનારા વચ્ચે તંગદિલી વધશે. તણાવ અને તંગદિલી વધતાં ગ્લોબલ વોર્મિંગ, અણુ નિશસ્ત્રીકરણ, ગરીબી અને અસમાનતા જેવા મુદ્દાઓની ઉપેક્ષા થશે.
ભારત માટે ખતરાની ઘંટી
રશિયાનું ચીન પરનું અવલંબન વધવાથી ભારત માટે ખતરાની ઘંટી રણકી છે. ભારતે હવે તેની રણનીતિ બદલવાની તાતી જરૂર ઊભી થઈ છે. વિસ્તારવાદી ચીને ૧૯૬૨ના યુદ્ધમાં ભારતનો પ્રદેશ હડપ કરી લીધો છે. અરૂણાચલ પ્રદેશ અને આખા ઈશાન ભારત પર ચીનની મેલી નજર છે. ભારત અને રશિયાના સંબંધો વર્ષોથી ઉષ્માભર્યા અને મિલનસાર છે.
અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો મુક્યા છે ત્યારે ભારત રશિયામાંથી ખનીજ તેલ સસ્તા દરે આયાત કરે છે. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે સારી મિત્રતા છે. આમ છતાં, શી-પુતિન ભાઈ-ભાઈ બનતાં ભારતની ચિંતા વધી છે. અગાઉના શીતયુદ્ધ દરમિયાન રશિયા ચીનનું વરિષ્ઠ ભાગીદાર હતું. રશિયાએ ચીનને વૈચારિક અને નાણાકીય ટેકો આપ્યો હતો. આજે ચીન ઘણું મજબૂત છે અને તેનું જીડીપી ૧૭ ટ્રિલિયન ડૉલર છે, જે રશિયા કરતાં આઠ ગણું વધારે છે. ભારત હવે અમેરિકા અને યુરોપ પાસેથી હથિયારો ખરીદે છે. આમ છતાં રશિયા ભારતનું ટોચનું સંરક્ષણ પુરવઠાકાર છે. ભારતનાં ૩૬ ટકા શસ્ત્રો રશિયાથી આયાત કરે છે. રશિયા ભારતને રાજદ્વારી ટેકો પણ આપે છે.
૧૯૭૧ના યુદ્ધમાં અમેરિકા પાકિસ્તાનને ટેકો આપતું હતું ત્યારે રશિયા ભારતની પડખે ઊભું રહ્યું હતું. રશિયા અત્યાર સુધી ભારતનું ભરોસાપાત્ર ભાગીદાર રહ્યું છે. જો કે , ભારતના ચીન સાથેના સંબંધોમાં તંગદિલી થાય તો ચીનના દબાણમાં રશિયા ભારતને તડકે મૂકી દેશે એવા સંજોગો હવે નિર્માણ થયા છે. ભારત સામે અનેક કાવાદાવા ચીન કરે છે. એ ભારતના દુશ્મન પાકિસ્તાનને મદદ કરે છે. જો ભારત અને ચીન વચ્ચે અથડામણ થાય તો રશિયા કાં તો તટસ્થ રહેશે અથવા ચીનનો પક્ષ લેશે. આને લીધે હવે ભારતે અમેરિકા અને યુરોપ સાથેની નજદીકી વધારવી જોઈએ. ચીન સાથેની વેપારતુલામાં ભારતની નિકાસ ઓછી છે, જ્યારે આયાત અનેક ગણી વધારે છે. ભારતે એની આયાત ઘટાડવી પડશે. તેમ જ અમેરિકા, યુરોપ અને જાપાન સાથે સંબંધો મજબૂત અને વધુ વ્યૂહાત્મક બનાવવા પડશે. ચીન પર લગીરે વિશ્ર્વાસ રાખી શકાય એમ નથી. આપણે હવે રશિયાને પણ શંકાની નજરે જોવું પડશે.