ઈન્ટરવલ

પૂર્વગ્રહ: છોડવો છે પણ છૂટતો નથી

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી

આપણા સાહિત્યમાં લોકપ્રિય ઉક્તિ છે કે માણસજાત ઉપગ્રહ છોડી શકે પણ પૂર્વગ્રહ છોડવો અસંભવ છે. માણસના મનમાં એક વાર જે ડેટા વાઇરસની જેમ ઊતરી જાય એને ડિલીટ કરવો લગભગ અશક્ય છે. પૂર્વગ્રહ દરેક વ્યક્તિમાં ઓછાવત્તા અંશે હોય છે. કોઈ વ્યક્તિ એવું માનવા લાગે કે પૂર્વગ્રહથી પર છે તો એ વાત પણ એક પ્રકારનો પૂર્વગ્રહ જ છે. સરળ શબ્દોમાં પૂર્વગ્રહને સમજવાનો પ્રયાસ કરીએ. પૂર્વગ્રહ એટલે કોઈ પણ પુરાવા અથવા તપાસ વગર માની લીધેલું તારણ છે. વ્યક્તિના ધર્મ, સંપ્રદાય, સમુદાય, ઉંમર, લિંગ, ભાષા, વતન, રાષ્ટ્રીયતા વિશે કશું સ્પષ્ટ જાણતા ન હોવા છતાં લોકોક્તિ અથવા કોઇપણ સોર્સ થકી જાણેલી માહિતીને સત્ય માનવા લાગીએ છીએ. પૂર્વગ્રહ માટેનો અંગ્રેજી શબ્દ લેટિન ભાષામાંથી આવ્યો. લેટિન શબ્દ પ્રેજ્યુડિસિયમમાં પ્રૈ એટલે પહેલેથી જ અને જ્યુડિસિયમ એટલે નિર્ણય. મતલબ કે ઘટના, વ્યક્તિ કે સમુદાય વિશે સત્યાર્થતા ચકાસ્યા વગર નિશ્ર્ચિત માન્યતાઓ ધરાવવી.

આફ્રિકન મૂળના લોકો સારા એથ્લેટ હોય છે કે યુરોપિયન પ્રજા બુદ્ધિશાળી હોય છે જેવી માન્યતાઓ આપણા મનમાં પહેલેથી ઘર કરી ચૂકી છે. પૂર્વગ્રહની સૌથી મોટી સમસ્યા એ છે કે આપણા માની લીધેલા સત્ય થકી બીજાનો દ્રષ્ટિકોણ આપણે સમજી શક્તા નથી અથવા સમજવા માટે તૈયાર પણ હોતા નથી. કદાચ બીજાઓની સમસ્યા સમજી શકે તો માણસ પૂર્વગ્રહોના લીધે એ તરફ સંવેદનશીલ થઇ શક્તો નથી.

મહાભારત સહિત ઘણા પૌરાણિક સાહિત્યમાં પૂર્વગ્રહ વિષય સંબંધિત અસંખ્ય ઉદાહરણ જોવા મળે છે. વરાહ પુરાણમાં એક ઈન્ટરેસ્ટિંગ કથા લખવામાં આવી છે.

એક પવિત્ર તીર્થના મંદિરમાં અસંખ્ય ભક્તો દર્શન માટે આવતા હતાં. મંદિરમાં ફૂલ, ફળો અને જાતજાતના પ્રસાદનો ઢગલો થતો હતો. મંદિરમાં સરળતાથી ભોજન મળી રહેતું હોવાથી એક નાગણ મંદિર પાસે વસતી હતી. ભોજનની શોધમાં યોગાનુયોગ એક નોળિયો મંદિર પરિસરમાં આવ્યો. નોળિયો અને નાગણ આમનેસામને થતાં સ્વભાવગત લડાઈ થઈ. બંનેએ એકબીજાનો સંહાર કરવાના પ્રયાસો કર્યા. નોળિયાએ નાગણને દાંતથી ઇજાગ્રસ્ત કરીને લગભગ મૃતપ્રાય કરી દીધી અને મરતી વેળા નાગણે નોળિયાને ઝેરી ડંખ માર્યો. ઝેર શરીરમાં પ્રસરી જતાં નોળિયો મૃત્યુ પામ્યો. બીજી તરફ ઇજાગ્રસ્ત નાગણ પણ થોડા સમયમાં મૃત્યુ પામી. સદભાગ્યે નાગણ અને નોળિયાનો નવો જન્મ માનવયોનિમાં થયો. નાગણનો જન્મ જ્યોતિષપુર નામના નગરની રાજકુમારી તરીકે થયો અને નોળિયાનો જન્મ કૌશલ રાજ્યના રાજકુમાર તરીકે થયો.

ભારતીય પરંપરા મુજબ માણસ પૂર્વજન્મનાં લક્ષણો સાથે જન્મ લેતો હોવાની માન્યતા છે.
નાગણ અને નોળિયાનો જન્મ માનવ તરીકે થયો પણ બંને પાસે પૂર્વજન્મની ક્વોલિટી જળવાઈ હતી. રાજકુમારીને જન્મજાત નોળિયા માટે નફરત હતી અને રાજકુમારને નાગ માટે નફરત હતો. આ બંનેનું ચાલે તો જે તે પ્રજાતિનો નાશ કરી નાખે.

ફિલ્મી કથાની જેમ યોગાનુયોગ બંનેના લગ્ન થયા. લગ્નજીવનના પ્રારંભિક સમયમાં દંપતી મજાની જિંદગી માણતા હતાં.

એક દિવસ નવદંપતી જંગલમાંથી પસાર થતા હતાં. અચાનક માર્ગમાં નાગ જોવા મળ્યો. રાજકુમારને નાગને જોતાં ગુસ્સો આવ્યો અને તલવારથી વધ કરવા આગળ વધ્યો. રાજકુમારીએ સમજાવવાની કોશિશ કરી પણ રાજકુમારે ગુસ્સામાં નાગની હત્યા કરી. થોડા સમય પછી જંગલમાંથી પસાર થતાં માર્ગમાં નોળિયો જોવા મળ્યો. સ્વભાવગત રાજકુમારીને નોળિયા પર ગુસ્સો આવ્યો અને તેનો વધ કરવાનું નક્કી કર્યું. રાજકુમારે પોતાની પત્નીને સમજાવી અને નોળિયાને છોડી દેવા વિનંતી કરી. રાજકુમારી કશું સાંભળવા તૈયાર ન હતી અને તેણે નોળિયાનો સંહાર કર્યો.

આ ઘટના પછી બંને વચ્ચે વિખવાદ વધવા લાગ્યો. રાજકુમારને લાગ્યું કે તેની પત્ની વાત સાંભળવા તૈયાર ન હોય તો તેની સાથે રહેવું શક્ય નથી. બંને જણા એક જ મહેલમાં અલગ અલગ રહેવા લાગ્યાં. બંનેનું અલગ રહેવાની વાત ધીમે ધીમે ફેલાવા લાગી. રાજકુમારના પિતાને ખબર પડતાં બંનેને બોલાવીને સમજાવ્યા પણ બંને પર કોઈ અસર થઈ
નહીં.

કોશલ રાજ્યમાં એક વિદ્વાન સંન્યાસી અવારનવાર આવતા. રાજાએ તેમની સલાહ લેવાનું નક્કી કર્યું. રાજાએ સંન્યાસીને પોતાની વ્યથા જણાવી. સંન્યાસીએ પોતાના યોગબળથી સમસ્યાનું મૂળને જાણ્યું. સમસ્યાના સમાધાન માટે સંન્યાસીએ બંનેને પેલા પવિત્ર તીર્થ પર લઇ જવાનું નક્કી કર્યું. બંને તીર્થ પર પહોંચ્યા અને સંન્યાસીએ પોતાના યોગબળથી બંનેને પૂર્વજન્મની યાદ કરાવ્યો.

સ્વભાવગત થતી ભૂલનું ભાન થતાં બંનેએ દુ:ખ વ્યક્ત કર્યું અને એકબીજાની માફી માગી. સંન્યાસીએ તીર્થક્ષેત્રમાં વહેતી પવિત્ર નદીમાં સ્નાન કરવા જણાવ્યું. નદીમાં સ્નાન કરીને એકબીજા માટે દ્વેષ દૂર કર્યો. બંનેએ એકબીજાને માફ કરીને નવેસરથી જિંદગી જીવવાનું નક્કી કર્યું. પુરાણની આ કથા મુજબ પવિત્ર તીર્થક્ષેત્રને ઋષિકેશ તરીકે ઓળખવામાં આવ્યું.

આપણે જે પૂર્વગ્રહ સંબંધિત વાત કરી રહ્યા છે એમાં આ કથામાં થોડો વધારો કરીએ. કદાચ ભવિષ્યમાં કપડાં, ભોજન કે અન્ય પસંદગી બાબતે દંપતી વચ્ચે મતભેદ થાય તો બંને પૂર્વજન્મની કથા યાદ કરશે. આ કથા આધારિત એકબીજાનું મૂલ્યાંકન કરતાં રહેશે કારણ કે પૂર્વગ્રહ છોડવો આસાન નથી. સાઇકોલોજીવાળાઓના મતે એક વાર પૂર્વગ્રહ મનમાં ઘર કરી જાય એ નીકળી શકે એવી સંભાવના ઘણી ઓછી હોય છે.

પુરાણમાં લખાયેલી ઉપરોક્ત કથા પૂર્વગ્રહથી પીડિત વ્યક્તિઓની વાત કરે છે. આપણી આસપાસ લગભગ દરેક વ્યક્તિ પૂર્વગ્રહોના આધારે જ સંબંધોનું મૂલ્યાંકન કરતાં હોય છે. કોઈ ફિલોસોફરે કહ્યું છે કે વિશ્ર્વાસ શબ્દનો વિરોધી શબ્દ અવિશ્ર્વાસ કરતાં પૂર્વગ્રહ વધારે જામે છે. માણસ પૂર્વગ્રહ ધરાવતો હોય અથવા વિશ્ર્વાસ રાખતો હોય તો તેણે નિર્ણય લેતી વેળા વિચારવાની જરૂર હોતી નથી. જ્યારે કોઈ વ્યક્તિને જાણ્યા સમજ્યા વગર જ તેના પરત્વે પૂર્વગ્રહ ધરાવતો હોય તો એ વિશે મંથન ક્યારેય કરતો નથી.

મનોવિજ્ઞાનના મતે માણસ પૂર્વગ્રહથી પીડિત હોય ત્યારે નુકસાન એ છે કે કોઈ પણ ભૂલ કે સમસ્યાઓ માટે બીજાનો દોષ કાઢવાની આદત ધરાવતો થઈ જાય છે. સમસ્યા ગંભીર બને તો પૂર્વગ્રહોના મૂળિયા વધારે મજબૂત બનવા લાગે છે. જો કે પૂર્વગ્રહો દરવખતે નુકસાન કરે એવું જરૂરી નથી. પ્રાકૃતિક આપદા જેવી સામૂહિક સમસ્યા વખતે માણસને અનુભવો જ કામ લાગતા હોય છે. પેઢી દર પેઢીથી ઘડાયેલા અનુભવ સમય જતાં નિશ્ર્ચિત પૂર્વગ્રહોના માળખામાં ફેરવાય છે જે આપદામાં આશીર્વાદરૂપ બને છે. પ્રશ્ર્ન એ છે કે નકારાત્મક પૂર્વગ્રહ દૂર કરવા માણસે ઘણા પરિવર્તન કરવા પડે. માણસે પૂર્વગ્રહ કાઢવા નિતનવા અવિરત સંપર્ક કેળવવા જોઈએ. માણસ જેમ જેમ નવા નવા લોકોને મળતો રહે, દેશ અને દુનિયા ફરતો રહે ત્યારે એનો દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ બદલાવા લાગે છે. પ્રવાસો અને સંપર્કો થકી પૂર્વગ્રહમાં બદલાવ થતાં નવી જનરેશનને નકારાત્મક પૂર્વગ્રહથી દૂર રાખી શકે.

ભારત જેવા વિશાળ સાંસ્કૃતિક વારસો ધરાવતા દેશમાં ગજબની વિવિધતા છે. કોઈ સમાજ દરિયા કિનારા પર વસતો હોય તો તેમની માન્યતા પહાડી વિસ્તારના સમુદાય કરતાં સાવ ભિન્ન હોઇ શકે. એ જ રીતે ભાષા, ભોજન, લોકવારસો, નદી, આબોહવા સહિત અસંખ્ય પરિબળોને કારણે વિવિધ સંસ્કૃતિ જોવા મળે છે. આ સાંસ્કૃતિક વિવિધતાને માણસ પોતાની નજરે જોવાનું શરૂ કરે તો ફક્ત પૂર્વગ્રહો જ નજરે ચડે. દક્ષિણ ભારતીયનું અંગ્રેજી શાનદાર છે. ગુજરાતીઓ ખમણ અને ઢોકળા જ ખાતા હોય છે. પૂર્વ ભારતમાં કેવળ જંગલો જ છે અથવા રાજસ્થાનમાં ફક્ત રણ છે. ફલાણા વિસ્તારના અથવા નિશ્ર્ચિત સમુદાયના લોકો ભરોસાપાત્ર હોતા નથી જેવા અસંખ્ય પૂર્વગ્રહ જિન્સમાં ચાલ્યા આવે છે.

ઇવન અમુક કામ સ્ત્રીઓ કરી જ ના શકે અથવા ઘરના કામ પુરુષોએ કરવા કે કેમ જેવી અસંખ્ય બાબતો પૂર્વાશ્રમથી ચાલ્યા કરે છે. સોશિયલ મીડિયામાં સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા એની ચર્ચા કરનાર વ્યક્તિઓનો અભ્યાસ કરશો તો સમજાશે કે પારિવારિક માન્યતાઓ ઘર કરી ગઇ છે. સ્ત્રીઓ પુરુષો કરતાં વધારે લાગણીશીલ હોય છે જેવી માન્યતા પેઢીઓથી દિલ દિમાગમાં બેસાડી દેવામાં આવી છે.

કોઈ વ્યક્તિના જ્ઞાન માટે અહોભાવ થાય પણ એમની નબળાઈ ખબર પડે અથવા એ વ્યક્તિ સજાતીય સંબંધ ધરાવે છે જેવી માહિતી મળે એટલે કેટલાક પૂર્વગ્રહ થકી એના માટે માન ઘટી જાય છે. કોઇની રહેણીકરણી જોઇને એના માટે માપદંડ બનાવવા સહજ છે. વ્યક્તિ ભોજનમાં શાકાહારી છે કે માંસાહારી એના પરથી એ વ્યક્તિને પૂર્વગ્રહ થકી જજ કરવામાં આવે છે.

પૂર્વગ્રહથી કંઈક અંશે મુક્ત થવું હોય તો ઉપર જણાવ્યા મુજબ સૌથી સરળ રસ્તો એ છે કે યાત્રાઓ કરતાં રહેવી જોઈએ. યાત્રાઓમાં અવનવા અનુભવો થકી ઘણા ભ્રમ દૂર થવાની સંભાવના છે. ઘણા ડિવોર્સ સુધી કે ગંભીર વિવાદ સુધી પહોંચેલા પૂર્વગ્રહોના વમળમાંથી બહાર નીકળવાનો એક કઠિન રસ્તો છે કે મનોવિજ્ઞાનનો અભ્યાસ કરો અથવા મનોચિકિત્સક પાસે જવું જોઈએ. પૂર્વગ્રહ પરેશાન કરે તો હસી નાખતા શીખવું જોઈએ બાકી ચોઇસ ઇઝ યોર્સ…

ધ એન્ડ : હેવલેટ પૈકર્ડનો એક રિપોર્ટ એવું કહે છે કે નોકરી માટે મહિલા અરજી કરે ત્યારે એનો પોર્ટફોલિયો લગભગ સો ટકા મેચ થતો હોય. એ જ પોસ્ટ માટે પુરુષ એપ્લિકેશન કરે છે ત્યારે સાઇઠ ટકા સુધી મેચ થાય તો પણ એપ્લાય કરવામાં વિચારતો નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ