પોલીસ અફસરની સજ્જતાએ એક મહિલાને છેતરાતાં બચાવી
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
તેલંગણાના એડિશનલ ડીજીપી મહેશ ભાગવત સાયબર ફ્રોડ કહો કે ઓનલાઈન ચિટિંગ પણ એનાથી વ્યક્તિ કેવી-કેટલી ભયાવહ સ્થિતિમાં ફસાઈ શકે છે એનો એક વધુ ચોંકાવનારો કિસ્સો જાણીએ, સમજીએ અને એમાંથી કંઈક શીખીએ-શીખવાડીએ.
કોલ્હાપુરની મધ્યમ વયની વિધવા મહિલાને લાગવા માંડ્યું કે એના જીવનમાંથી બાષ્પીભવન થઈ ચુકેલા સુખ, શાંતિ, સ્મિત અને આશામાં રંગનું પુનરાગમન થઈ શકે છે. મનોમન આનંદ અને ઉત્સાહનું કારણ હતું લગ્નવિષયક વેબસાઈટ પર દેખાયેલો એક પુરુષ. આ બહેને ત્રણેક મહિના ઓનલાઈન ચેટિંગ કર્યું, ક્યારેક મોબાઈલ ફોન પર ગુફ્તેગો પણ કરી. તેલંગણામાં રહેતો ડીસીપી (ડેપ્યુટી પોલીસ કમિશનર) સાથે સંપર્ક અને સંબંધની શક્યતાથી એ બહેન જોશમાં હતા. એ માણસ સામસામે મળવાની વાત કરતો હતો.
Also read: અશ્ર્વત્થામા જેવા શાસકોને લીધે વિશ્ર્વ અણુયુદ્ધના ઉંબરે?
એટલું જ નહીં એમને પોતાનું ઘર જોવા અને બધાને મળવા હૈદરાબાદ આવવાનું વારંવાર આમંત્રણ આપતો હતો. ખબર નહીં કેમ કોલ્હાપુરી બહેન શરૂઆતમાં આમંત્રણ ટાળતા રહ્યાં પણ સામેવાળાની વાતચીતથી એ સાચો-સારો માણસ હોવાની છાપ મનમાં ઘર કરતી જતી હતી. છતાં અચાનક હૈદરાબાદ પહોંચી જવું યોગ્ય ગણાય? એ માણસ સતત આગ્રહ કરતો રહ્યો અને અંતે બહેને ભાવિ સુખની આશામાં હૈદરાબાદ જવાનો નિર્ણય લીધો. મળીએ, વાતચીત કરીએ અને કંઈક નક્કી કરીએ એવા ખયાલ સાથે એ બહેન રવાના થયાં.
મુસાફરીમાં ભવિષ્યના સુખ, સાસરિયા અને ભરથારની કલ્પનામાં રાચતી રહી. સદ્ભાગ્યે એની અપેક્ષાનો ભંગ ન થયો. એ માણસ વ્યવસ્થિત-સજ્જન લાગ્યો. મોટી કાર લઈને એ આવકારવા આવ્યો. થોડા આગળ જઈને ખૂબ જાણીતી રેસ્ટોરાંમાં બ્રેકફાસ્ટ કરાવ્યો. વાઉ, ઇમ્પ્રેસિવ.પછી કુટુંબીજનો સાથે મેળવવા માટે ઘેર લઈ ગયો.
એ વ્યક્તિ, ઘર, ગાડી, ડ્રાઈવર અને એની પસંદગી, બધેબધું વ્યવસ્થિત જ નહીં, ઉત્સાહવર્ધક લાગ્યું. એ માણસના ભાઈ-ભાભી આવીને એ બહેનને મળ્યા. ત્યાં જ એક ફોન આવ્યો. એ બોલ્યો ‘પોલીસ કમિશનર સાહેબે તાત્કાલિક મળવા બોલાવ્યો છે. તું અહીં જમીને આરામ કરજે. હું બને એટલો જલ્દી પાછો આવું છું.’ એ ગયો અને બહેન એને જોતા રહ્યાં. વાહ, કમિશનર સાહેબે સામેથી મિટિંગ માટે બોલાવ્યો એને!
સાવ નવું ઘર, એકદમ નવા લોકો. આમ બધું વ્યવસ્થિત હતું પણ કંઈક ખટકતું હતું પણ ન જાણે શું હતું એ? એ બહેન સતત પોતાના ભાઈના સંપર્કમાં હતી અને ભઈલાને એક-એક અપડેટ્સ આપતાં રહેતાં હતાં. ઘરમાં એને અમુક ચીજો શંકાસ્પદ લાગી, કેટલીક વાંધાજનક ચીજો દેખાઈ, જેમ કે ચાકુ, તલવાર, પ્રમાણમાં મોટા-મોટા થેલા, કેટલાંક ફોટા અને શંકા જાય એવા ઓળખપત્રો. આવું બધું ઘરમાં શા માટે? એને કંઈ સમજાયું નહીં. પેટમાં દુ:ખતું હોવાથી મેડિકલ સ્ટૉરમાંથી કંઈક દવા લઈ આવવાનું બહાનું આગળ કરીને તેઓ ઘરમાંથી નીકળી ગયા. મેડિકલ સ્ટૉર પાસે જઈને ઊભા રહ્યાં. ૧૫-૨૦ મિનિટ વિચાર્યું પણ કંઈ સુઝતું નહોતું. છેવટે એ બહેને ભાઈને ફોન પર માંડીને વાત કરી અને પોતાની શંકા વ્યક્ત કરી. ભાઈએ તરત જ એક મિત્રની મદદ લીધી. થોડીવારમાં ભાઈએ એક લોકેશન મોકલીને કીધું કે તરત જ ત્યાં પહોંચી જા. સાથે એક ફોન નંબર પણ મોકલ્યો.
લોકેશન ખોલીને જોયું તો એ બહેનના મોતિયા મરી ગયા. એ લોકેશન હતું તેલંગણા સ્ટેટ પોલીસ હેડક્વાર્ટરનું અને અપાયેલો નંબર હતો એડિશનલ ડીજીપી અર્થાત રાજ્યના અતિરિક્ત પોલીસ વડાનો. પોતે મહારાષ્ટ્રના અને મરાઠીભાષી પણ અહીં તો તેલુગુ ભાષી અમલદાર સાથે કેમનો મેળ પડશે? આવી અવઢવ વચ્ચે બહેન પહોંચ્યાં એડિશનલ ડીજીપીની ઑફિસમાં. ઑફિસ પહોંચીને પંદરેક મિનિટમાં એમનો વારો આવ્યો. આવનારા સન્નારી મહારાષ્ટ્રના કોલ્હાપુરના હોવાનું જાણીને એ અફસર અસ્ખલિત મરાઠીમાં વાતચીત કરવા માંડ્યા. પછી ફોડ પડ્યો કે તેઓ મૂળ મહારાષ્ટ્રના અમલદાર હતા. નામ મહેશ ભાગવત.
એ બહેનને જોઈને જ મહેશભાઉ સમજી ગયા કે તેઓ ખૂબ ગભરાયેલા છે. માંડમાંડ વાત કરી શકતા હતાં. ભાગવતસાહેબે બધી માહિતી મેળવી લીધા બાદ તેઓ આખો મામલો સમજી ગયા. અલગ રાજ્ય, અલગ લોકો, અલગ ભાષા અને લગ્ન જેવી નાજુક બાબત જેવા અનેક પાસાં હોવાથી બહેન એકદમ મુંઝાયેલા હતાં. સૌથી પહેલા તો ભાગવતસાહેબે મરાઠીમાં પ્રેમપૂર્વક સધિયારો આપ્યો કે હવે જરાય ફિકર કરવાની જરૂર નથી. ત્યાર બાદ તેમણે હૈદરાબાદના એસ.પી. રમણકુમારને બોલાવીને આ કેસમાં ઘટતું કરવાની સૂચના આપી અને રમણકુમારે તાત્કાલિક પોતાના માણસોને કામે લગાડીને માત્ર ૨૦ મિનિટમાં એ ‘સજ્જન’ની આખી કુંડળી કઢાવી લીધી. એ ખરેખર ડીસીપી બન્યો હતો પણ એક વર્ષમાં જ કોઈક કારણસર નોકરીમાંથી બરતરફ કરાયો હતો.
Also read: રમુજી સવાલના મનમોજી જવાબ
અન્ય સાધનોમાંથી માહિતી મળી કે એ હવે ખોટા ધંધા કરતો હતો, છેતરપિંડી કરતો હતો. સ્થાનિક પોલીસ સ્ટેશનનો હવાલદાર એ માણસના ઘરે જઈને બહેનની બેગ લઈ આવ્યો. ત્યાર બાદ હૈદરાબાદ પોલીસની ટુકડી ટ્રેનમાં તેમની સાથે કોલ્હાપુર સુધી ગઈ અને હેમખેમ ઘરે પહોંચાડી આવ્યા. મહેશભાઈ ભાગવતની સક્રિયતા અને તત્પરતાને લીધે એક બહેનને નિરાંત-શાંતિ મળ્યાં. એમની સૂચનાને પગલે રમણકુમાર અને એમની ટીમે પણ કાર્યદક્ષતા-માનવતા દાખવી. આપણે કાયમ પોલીસવાળાની ટીકા કરતા હોઈએ છીએ પણ તેઓ સારું કામ કરે ત્યારે આદરપૂર્વક સલામ કરવી એ પણ નાગરિકોની ફરજ ખરી જ.
અ.ઝ.ઙ. (ઑલ ટાઇમ પાસવર્ડ) મેટ્રીમોનિયલ સાઈટ પર કોઈ પણ પાત્રને મળતા અગાઉ જાતતપાસ કરો અથવા અન્ય વિશ્ર્વાસુ પાસે ચોકસાઈ કરાવો અને પહેલીવાર મળો ત્યારે ક્યારેય, રિપિટ ક્યારે પણ, એકલા ન જ જવું.