ઈન્ટરવલ

મહેરબાની કે મજબૂરી!

અર્થતંત્રને ટેકો આપવા સરકારની નજર પગારદારોે પર

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

ઓહોહો… સાત સાત વર્ષ પછી આમઆદમી એટલે કે નોકરિયાત વર્ગ, કે જેની ચોટલી સરકારના હાથમાં હોય છે, એ લોકો સાશંક મન:સ્થિતિ વચ્ચે સહેજ આનંદની લાગણી અનુભવી રહ્યાં છે! કારણ એવું કે, અર્થતંત્રના વાયુમંડળમાં એવી જોરદાર ચર્ચા અને જબરદસ્ત આશાવાદ પ્રસરી રહ્યો છે કે, સરકાર આગામી પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે.

આશાવાદનું કારણ એ કે, એક તો પાછલી ચૂંટણીના અનુભવે આવનારી ચૂંટણી માટે સરકારે અમુક લોકપ્રિય પગલાં લેવા પડે એ આવશ્યક છે. અલબત્ત આ પ્રથમ મહત્ત્વનું કારણ છે, પરંતુ આપણે રાજકારણની ચર્ચાથી દૂર રહી અર્થતંત્રની એરણ પર જ મુદ્દો માંડવો છે.

અહેવાલો અનુસાર, દેશના ઔદ્યોગિક જૂથોએ નાણાં મંત્રાલયના અધિકારીઓને દેશના મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત કર લાભો અને આગામી કેન્દ્રીય બજેટની જાહેરાતમાં પ્રત્યક્ષ કર પ્રણાલીને સરળ બનાવવા માટે વિચારણા કરવા જણાવ્યું છે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા સાથેની બેઠકમાં, સીઆઇઆઇએ ૨૦ લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકો માટે કર રાહતની હિમાયત કરી હતી અને પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાની માગ કરી હતી. આંકડો તો પંદર લાખનો પણ બોલાઇ રહ્યો છે, પણ એ આંકોડ ઘણો છેતરામણો પુરવાર થયો હતો, એટલે આપણે આંકડો પણ રહેવા દઇએ!

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર માટે ત્રીજી વખત સત્તારૂઢ થયા પછીના પ્રથમ ૧૦૦ દિવસની કામગીરીમાં રાજકીય બાબતો તો કપરી છે, પરંતુ એ જ સાથે આર્થિક મોરચે પણ ઘણાં પડકારો છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આમાંની એક મહત્ત્વની બાબત ક્ધઝ્યુમર બુસ્ટિંગ એટલે કે વપરાશી માગ છે, જે અર્થતંત્રને ચાલકબળ આપવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સરકાર વપરાશી માગમાં લગભગ ૫૦૦ અબજ રૂપિયા (અંદાજે છ અબજ ડોલર) કરતાં વધુ મૂલ્યના ઉમેરા માટે આગામી અંદાજપત્રમાં કેટલાક પગલાં લેવા વિચારણાં કરી રહી છે, જેમાં સાત વર્ષમાં પ્રથમ વખત ઓછી આવક ધરાવનારા વર્ગ માટે કરવેરામાં કાપનો સમાવેશ થવાની સંભાવના છે. જો આમઆદમીના નસીબે આ સંભાવના કે અટકળ સાચી પડે તો તે સરકારની મહેરબાની નહીં પરંતુ મજબૂરી વધુ છે!

નાણાં મંત્રાલયના અધિકારીઓએ ખર્ચ કરવાની સૌથી વધુ વૃત્તિ ધરાવતા ગ્રાહકો માટે કર ઘટાડવાની દરખાસ્તો પર ચર્ચા કરી છે. વાસ્તવમાં નાણાં પ્રધાને આ દિશામાં આગળ વધવા માટે સંબંધિત હિતધારકો અને અધિકારીઓ સાથે ચર્ચાવિચારણાં અને બેઠકોની કવાયત શરૂ પણ કરી દીધી છે.

અલબત્ત, ઉક્ત યોજનાની વિગતો પર હજુ પણ કામ ચાલી રહ્યું છે અને વડા પ્રધાન કાર્યાલયની મંજૂરી બાદ, જુલાઈમાં બજેટના સમયની નજીક અંતિમ નિર્ણય લેવામાં આવશે. કરવેરાના ફેરફારોથી મહેસૂલી આવકની ખોટ હોવા છતાં, સરકાર ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ સ્થાનિક ઉત્પાદનના ૫.૧ ટકાના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને વળગી રહેવાની યોજના ધરાવે છે, એવું પણ કહેવાય છે.
બીજા શબ્દોમાં કહીએ તો સરકારનો
સાત વર્ષનો રેકોર્ડ જોતા એવું પણ બની
શકે કે સરકાર આમઆદમીને માત્ર
આભાસી લાભ આપે અથવા એક હાથેથી આપીને બીજા હાથેથી લઇ લે, એવી સંભાવના પણ જણાઇ રહી છે!

અગાઉ જણાવેલા કારણોસર સરકાર માગ વધારવા અને ખાનગી રોકાણ પ્રોત્સાહન માટે ૨૦૨૪ના અંદાજપત્રમાં આવકવેરામાં ઘટાડો કરવાનું સક્રિયપણે વિચારી રહી છે. વાસ્તવમાં ભારતીય અર્થતંત્ર વપરાશની અછતની સમસ્યાથી ઝઝૂમી રહ્યું હોવાથી, સરકારના નીતિ ઘડવૈયા, ખાસ કરીને ઓછી આવક ધરાવતા લોકો માટે વર્તમાન આવકવેરા માળખાને તર્કસંગત બનાવવાની તરફેણમાં છેે.

પત્રકારો સાથે વાત કરતા બે સરકારી અધિકારીઓએ એવી શક્યતા દર્શાવી છે કે, ઓછી આવક ધરાવતા લોકો માટે ટેક્સના દરમાં ઘટાડો, મફતના ઉપહાર અથવા વધુ પડતા કલ્યાણકારી ખર્ચ પર પ્રાથમિકતાના ધોરણે નીતિ ઘડવાની તૈયારી જોરમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કટોતી ડિસ્પોઝેબલ આવક વધારવા માટે ટેક્સ કાપ વધુ કાર્યક્ષમ ઉપાય હોઈ શકે છે, જેના પરિણામે વધુ વપરાશ થશે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળે છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, માગને પુનર્જીવિત કરવા માટે વપરાશમાં વધારો કરવો અનિવાયર્ર્ છે, જે રોકાણચક્રને ફરીથી સક્રિય કરવા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે, ખાસ કરીને ગ્રાહકલક્ષી ક્ષેત્રોમાં ખાનગી મૂડી ખર્ચને પુનર્જીવિત કરીને. અલબત્ત, આનાથી જીએસટી કલેક્શનમાં પણ વધારો થઈ શકે છે.

અન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, આ રીતે કરવેરા હળવા બનવાથી ડિસ્પોઝેબલ આવકમાં વધારો થશે. પરિણામે વપરાશી માગ, આર્થિક પ્રવૃત્તિઓમાં વધારો થશે અને જીએસટીની આવક વધશે. એ નોંધવું રહ્યું કે, વર્તમાન કરમાળખામાં સીમાંત આવકવેરામાં વધારો ખૂબ ઝાઝો છે.

આ અંગે દાખલો આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારે નવી ટેક્સ સિસ્ટમમાં, તમારો ૫ાંચ ટકાનો પ્રથમ સ્લેબ ત્રણ લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે તે રૂ. ૧૫ લાખ સુધી પહોંચે છે, જે પાંચ ગણો છે, ત્યારે માર્જિનલ ટેક્સનો દર ૫ાંચ ટકાથી વધીને ૩૦ ટકા થાય છે, જે છ ગણો વધારો છે. તેથી જ્યારે આવક પાંચ ગણી વધે છે, ત્યારે સીમાંત કરનો દર છ ગણો વધે છે, જે ઘણો ઊંચો છે.

આમ સરળ શબ્દોમાં કહીએ તો સરકાર બંને હાથમાં લાડવા મેળવવા માટે પણ આ પગલું ભરે એવી સંભાવના વધુ છે. એકતરફ લોકોના હાથમાં વધુ પૈસા આવવાથી વપરાશ ખર્ચ થશે અને બીજી તરફ પ્રત્યક્ષ અને પરોક્ષ વેરાની વધુ આવકમાં વધારો થશે. આમ સરકારી આવકમાં કર ઘટાડાથી ભલે નુકસાન થઈ શકે છે, તેમ છતાં સરકારની ચોખ્ખી આવક પોઝિટિવ રહેશે.

અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે, ટેક્સ સરળીકરણને કલ્યાણ યોજનાઓ પરના ખર્ચાઓ કરતાં વધુ સારા સાધન તરીકે પણ જોવામાં આવે છે, જેમાં સંભવિત લિકેજ હોઈ શકે છે. અન્ય અધિકારીએ કહ્યું કે, આપણી રાજકોષીય ખાધ બહુ નાની નથી. રાજકોષીય અસ્થિરતાના ભોગે ગરીબોને લાભ મળી શકતો નથી. વપરાશી માગ યોગ્ય સરકારી યોજનાઓ દ્વારા સર્જાતી આર્થિક પ્રવૃત્તિઓ મારફત થવી જોઈએ. આ કરવેરામાં, ખાસ કરીને ઓછી આવકના સ્તરોમાં કાપ મૂકીને એ શક્ય કરી શકાય છે. નવી રચાયેલી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ જુલાઈના ત્રીજા સપ્તાહ સુધીમાં નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરે તેવી અપેક્ષા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ