ઈન્ટરવલ

તપસ્યા

ટૂંકી વાર્તા -પ્રફુલ કાનાબાર

ગંગાએ ગંગાજીનાં પવિત્ર જળમાં કોડિયામાં દીવો વહેતો મૂક્યો ત્યારે સૂર્યાસ્ત થઈ ચૂકયો હતો. સેંકડો શ્રદ્ધાનાં દિપકો વહેતાં પાણીમાં લબૂકઝબૂક થઈને ગંગાજીની શોભામાં વધારો કરી રહ્યાં હતાં. ગંગા પણ તેણે મૂકેલા દીવાને પાણીમાં દૂર સુધી વહેતો જોઈ રહી હતી.

અચાનક પાછળથી આઠ દસ સાધુઓનું ટોળું હર હર ગંગેના નાદ કરતું પસાર થયું. ગંગા પાછળ ફરીને દરેક સાધુના ચહેરામાં વાલજીનો ચહેરો શોધવાની કોશિશ કરવા લાગી. વાલજી ગંગાનો પતિ હતો તેણે સંજોગવશાત ગંગા સાથે લગ્ન કર્યા હતાં. ગંગાને પરણવા તો જાન લઈને શહેરમાંથી રણજીત આવ્યો હતો, પરંતુ લગ્નની વિધિ શરૂ થાય તે પહેલાં વાવડ આવ્યા હતાં કે રણજીત પરણેલો છે અને તેની પત્ની અલગ રહે છે. માંડવામાં સોંપો પડી ગયો હતો. વડીલોએ રણજીતને ધમકાવીને સત્યની કબૂલાત કરવા માટે મજબૂર કરી દીધો હતો. આખરે જાન લીલા તોરણે પાછી ફરી હતી. હવે ગંગાનો હાથ કોણ પકડશે તેવી ચિંતાનું વાદળ માંડવામાં છવાઈ ગયું હતું. બરોબર તે જ સમયે વાલજીનો હાથ પકડીને તેનાં ફૈબાએ પરણવા બેસાડી દીધો હતો. બાળપણમાં જ માબાપનું છત્ર ગુમાવનાર વાલજીને તેનાં વિધવા ફૈબાએ જ મોટો કર્યો હતો. ફૈબાનાં ઉપકાર તળે દબાયેલો વાલજી જાહેરમાં વિરોધ કરી શક્યો નહોતો. આમ તો ગંગા દેખાવડી પણ હતી, ન ગમવાનું ખાસ કારણ નહોતું પરંતુ ઓગણીસ વર્ષનો વાલજી અલગ માટીનો બનેલો હતો. પૂજાપાઠ અને ધર્મધ્યાનમાં જ તેનું કાયમ ધ્યાન રહેતું, સીમમાં આવેલા મહાદેવના મંદિર જ તે કાયમ બેસી રહેતો અને સવાર-સાંજની આરતી પણ કરતો. ગામમાં સૌ તેને ભગત તરીકે જ ઓળખતાં. આવો ભગત અચાનક લગ્નનાં માંડવામાં ઝડપાઈ ગયો હતો!

આખરે ગંગાનાં લગ્નજીવનની એ પ્રથમ રાત આવી પહોંચી હતી જેને શહેરમાં લોકો “સુહાગરાતના નામે ઓળખતા હોય છે… જેના વિશેનાં રંગીન સપનાં દરેક નવોઢાનાં મનમાં ધરબાયેલાં હોય છે. ગંગા ઢોલિયા ઉપર બેઠી હતી. તેને આખો ચહેરો ઘૂંઘટથી ઢંકાયેલો હતો. વાલજી ચહેરા પર અકળ ભાવ સાથે સામે પડેલા લાકડાના સ્ટૂલ પર બેઠો હતો. બંને વચ્ચે મૌન પથરાયેલું હતું. ખાસ્સીવાર રાહ જોયા બાદ આખરે ગંગાએ જાતે જ ઘૂંઘટ ખોલ્યો હતો. બંનેની આંખો મળી એટલે ગંગાએ જ વાલજી પ્રત્યેનો અહોભાવ દર્શાવતાં કહ્યું હતું… “તમારો ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. આજે તમે જો માંડવામાં મારો હાથ ન પકડ્યો હોત તો મારે તો ઝેર ખાવાનો વારો આવત. મારા બા-બાપુની આબરૂ પણ તમારે કારણે બચી ગઈ.
વાલજી નીચું જોઈ ગયો. ક્યાંય સુધી બંને વચ્ચે મૌન પથરાયેલું રહ્યું હતું.

“શું વિચારો છો? ગંગાએ આખરે મૌન તોડતા પૂછ્યું હતું.

“ગંગા, માંડવામાં તો હું ફૈબાને નારાજ નહોતો કરી શક્યો…
વાલજી શબ્દો ગોઠવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ તેમાં તેને સફળતા મળતી નહોતી.

“કેમ, મારામાં કાંઈ કહેવાપણું છે? ગંગાએ પૂછ્યું હતું.

“ના… ગંગા તારામાં તો કાંઈ કહેવાપણું નથી પરંતુ…
“પરંતુ શું? ગંગા ચમકી હતી. તેનું આશ્ર્ચર્ય સાતમાં આસમાને હતું.

“પરંતુ હું સંસારસુખ ભોગવવા માંગતો જ નથી. વાલજીએ ધડાકો કર્યો હતો.

ગંગા પર રીતસરની વીજળી ત્રાટકી હતી. તેની આંખમાં આંસુ ઊભરાયા હતાં.

ગંગાને વહેમ પણ પડયો હતો કે શરીરમાં હટ્ટોકટ્ટો દેખાતો વાલજી પુરુષમાં તો હશેને? ગંગાને વાલજી પ્રત્યે સ્ત્રીસહજ આકર્ષણ હતું તેથી તેણે ધીરજ રાખી હતી. ગંગાને વિશ્ર્વાસ હતો સમય જતાં સૌ સારા વાના થશે.
વાલજી તો સ્પષ્ટતા કરીને અલગ પથારી કરીને ઘસઘસાટ ઊંઘી ગયો હતો. ગંગા આખી રાત ઓશીકા પર આંસુનો અભિષેક કરતી હતી. મળસકે વાલજી સીમમાં આવેલા મંદિરે જઈને ધ્યાનમાં બેસી ગયો હતો. વાલજી બપોરે જમીને તરત મંદિરે જવા નીકળી ગયો હતો. રાત્રે આરતી પછી જ ઘરે પરત આવ્યો હતો. દશેક દિવસ આ જ ક્રમ રહ્યો હતો. વાલજી ગંગા સામે નજર મિલાવવાનું અચૂક ટાળતો, કારણ કે આજીવન બ્રહ્મચર્ય પાળવા માટે તે કૃતનિશ્ર્ચયી હતો.

જમાનો જોઈ ચૂકેલા ફૈબાની અનુભવી આંખે વાલજી દ્વારા થતી ગંગાની અવગણના પકડી પાડી હતી તેથી તેમણે ગંગાને પહેલ કરવાનું સૂચન કરતાં કહ્યું હતું… “ગંગા, વાલજીને મેં નાનેથી મોટો કર્યો છે. તેનામાં કાંઈ ખામી નથી. ધરમધ્યાનમાં તેનું ધ્યાન વધારે રહે છે, તેને કારણે… ફૈબાએ વાક્ય અધૂરું મૂકી દીધું હતું. ફૈબા શું કહેવા માગે છે, તે ગંગા તરત જ સમજી ગઈ હતી.

“ફૈબા, મને તો કંઈ સમજાતું નથી.
“ગંગા, તારા કિસ્સામાં તારે જ શરમ મૂકીને પહેલ કરવી પડશે.
“પણ એ નહીં પલળે તો? ગંગાએ શરમાતાં શરમાતાં પૂછ્યું હતું.
“અરે ના શું પલળે? વિશ્ર્વામિત્ર જેવા મહાન તપસ્વી પણ મેનકા સામે પલળી ગયા હતા. મેનકાને કારણે જ તેમનો તપોભંગ થયો હતો. વળી તું તો વાલજીની પત્ની છે, તારે તો તારા અધિકાર માટે જ પ્રયત્ન કરવાનો છે. તેમાં કાંઈ જ ખોટું નથી.
વાલજી બહારથી આવ્યો એટલે ફૈબાએ વાત બદલતાં કહ્યું હતું… “વાલજી, તું ધરમધ્યાન કરે છે ઘણી સારી વાત છે, પણ ઘરમાં હવે તારી જવાબદારી વધી છે, આ રૂપાળી ગંગાનું ધ્યાન રાખવાનું પણ તારી ફરજમાં આવે છે.
વાલજી ચમકયો હતો, “ફૈબા, તેણે મારી કાંઈ ફરિયાદ કરી?
‘ના, વાલજી, એ તો બીચારી સાવ રાંક છે, કોઇ ફરિયાદ કરે તેવી નથી.
તે રાત્રે ગંગાને અને વાલજીને નિરવ એકાન્ત મળે તે હેતુથી ફૈબા બહાર પરસાળમાં ઊંઘવાને બદલે ધાબા પર જતાં રહ્યાં હતાં.

ગંગાએ પણ સોળ શણગાર સજીને વાલજીને પામવા માટે બીડું ઝડપ્યું હતું.

વાલજી તેના નિત્યક્રમ મુજબ ધાર્મિક પુસ્તક લઇને વાંચવામાં મશગૂલ થઇ ગયો હતો.

વાલજીનું ધ્યાન તેના તરફ પડે તે માટે ગંગાએ હાથમાં પહેરેલી કાચની બંગડીઓનો રણકાર કર્યો હતો.

વાલજીનું ધ્યાન ગંગા તરફ પડ્યું. તે પુસ્તક મૂકીને દરવાજો ખોલીને બહાર જવા ગયો, પરંતુ ગંગા તેને પાછળથી વળગી પડી હતી. વાલજી માટે તે ક્ષણ ખૂબ જ કપરી હતી, પરંતુ વાલજી વિશ્ર્વામિત્ર કરતાં પણ વધારે મક્કમ નીકળ્યો હતો અને પોતાનો તપોભંગ થતો રોકવા માટે તે જ દિવસે ગામ છોડીને ગાયબ થઇ ગયો હતો. વાલજી ચિઠ્ઠી મૂકતો ગયો હતો જેમાં તેણે સંસાર છોડવાની પણ જાહેરાત કરી દીધી હતી. આમ આખા ગામમાં ‘ભગત’ તરીકે ઓળખાતો વાલજી સાચા અર્થમાં ‘ભગત’ સાબિત થયો હતો! ફૈબાને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને પેરેલિસિસના એટેકને કારણે તે બિલકુલ પથારીવશ થઇ ગયાં હતાં.

સમયનું ચક્ર ફરતું ગયું. ચૌદ વર્ષ વીતી ગયાં. આટલા વર્ષે તો ભગવાન રામનો વનવાસ પણ પૂરો થઈ ગયો હતો, પરંતુ વાલજીનાં કોઇ વાવડના ન્હોતાં. ગંગાએ આટલાં વર્ષોમાં રામાયણ, મહાભારત, વિષ્ણુપુરાણ તથા અનેક ગ્રંથો વાંચ્યા હતા અને પથારીવશ ફૈબાને પણ વાંચી સંભળાવ્યા હતાં. ગંગાનું ધાર્મિક જ્ઞાન હવે એવા લેવલ પહોંચી ગયું હતું કે જીવનનાં સંઘર્ષમાં ઝઝૂમવા માટેની નૈતિક હિંમતની જરૂર તેને બહાર ક્યાંય લેવા જવું પડે તેમ નહોતું. બલ્કે ધાર્મિક ગ્રંથોમાં તેના માનસપાટ પર જે પાત્રો ઊભરીને આવ્યાં હતાં તેમને જ ગંગાએ આત્મસાત્ કરી લીધા હતાં! ગંગા ખરા દિલથી ફૈબાની ચાકરી કર્યે જતી હતી. આખરે એક દિવસ ફૈબાનું અવસાન થયું હતું. તેમની અંતિમ ઇચ્છા પૂરી કરવા ગંગા અસ્થિવિસર્જન માટે હરિદ્વાર પહોંચી ગઈ હતી. ગંગાજીમાં શ્રદ્ધાદીપક મૂકતી વખતે ગંગાને એકાએક વાલજી યાદ આવ્યો હતો. ગંગાએ વાલજીના લાંબા આયુષ્ય માટે ગંગાજીને પ્રાર્થના કરી હતી, કારણ કે ગમે તેમ તોય ગંગા ભારતીય નારી હતી! સાધુઓનું ટોળું પસાર થઇ ગયા બાદ ગંગાના મનમાં પાણીમાં ઊભરતાં વમળોની જેમ જ પ્રશ્ર્નોનાં વમળો ઊભરાવા લાગ્યા હતાં. આ કોઈ સાધુને તેમનાં પરિવારનાં સભ્યોની યાદ નહીં આવતી હોય? સંસારની જવાબદારી છોડીને સાધુ થવું તે પલાયનવાદ નથી? ગંગાનાં મનમાં સવાલો અનેક હતા પરંતુ જવાબ એક પણ નહોતો. આખરે ગંગા ચાલતી ચાલતી થાકીને ઊભી રહી ગઇ. સામે જ એક આશ્રમ હતો જેના મેદાનમાં ઊંચા આસને એક યુવાન સાધુ ધ્યાનમાં બેઠા હતા. ઘણા સ્ત્રીપુરષો તેમને વંદન કરીને લાઇનમાં બહાર આવી રહ્યાં હતાં, તમામ લોકો બહાર નીકળી ગયા બાદ ગંગા ધીમા પગલે આગળ વધી. સાધુનો ચહેરો ધ્યાનથી જોયા પછી ગંગાના મનમાં ટાઢક થઇ. હા તે વાલજી જ હતો જે વંદનીય બની ચૂક્યો હતો!

ધૂપસળીની પવિત્ર સુવાસ આશ્રમના વાતાવરણને વધારે પવિત્ર કરી રહી હતી. ગંગા ધ્યાનમાં બેઠેલાં વાલજીને નિરખી રહી. અખંડ બ્રહ્મચર્યનું તેજ વાલજીના ચહેરા પર જગારા મારતું હતું. કાળી વધેલી દાઢીને કારણે તેની પ્રતિભા મહાત્મા બનીને ઊભરી આવી હતી! આશ્રમમાંથી તમામ માણસો બહાર નીકળી ગયાં હતાં. ગંગા વાલજીની સામે જ નીચે પાથરેલાં પાથરણાં પર બેસી ગઇ અને વાલજી આંખ ખોલે તેની રાહ જોવા લાગી.

આખરે વાલજીએ આંખ ખોલી. વાલજીની આંખની અલૌકિક ચમક કોઇ પણ સંસારી જીવને પ્રભાવિત કરવા માટે સમર્થ હતી.
“હું ગંગા… ગંગાએ સજળનેત્રે કહ્યું.

વાલજીએ હકારમાં માથું હલાવ્યું. ગંગાનાં મનમાં ફરીથી સાધુજીવન પર પ્રશ્ર્નો ઉદ્ભવવા લાગ્યા. પતિ-પત્નીનું વર્ષો પછીનું મિલન જાણે કે ગૃહસ્થાશ્રમ અને સન્યસ્તાશ્રમ વચ્ચે યુદ્ધનું રણશિંગું ફૂંકી રહ્યું હતું!

“ફૈબાનાં અસ્થિ ગંગાજીમાં પધરાવવા માટે આવી છું. ગંગાએ માહિતી આપી.

“હરિ ઓમ… હરિ ઓમ વાલજીએ નિર્લેપ ભાવે કહ્યું. વાલજીના ચહેરા પર ગ્લાનિનો કોઇ જ ભાવ દેખાતો નહોતો.

“તમને દુ:ખ ન થયું? ગંગાથી પુછાઇ ગયું.

“સંસારનો ત્યાગ કર્યા પછી સાધુ તરીકે આ મારો પુનર્જન્મ છે. સાચો સાધુ હંમેશાં સુખ-દુ:ખથી પર હોય છે.
ગંગા આશ્ર્ચર્યથી વાલજીને તાકી રહી.

“મારે કોઇ સંસારી જીવ સાથે કોઇ જ જાતની લેવાદેવા નથી. વાલજીના ચહેરા પર સ્મિત રમી રહ્યું હતું.

“તમે સંસારનો ત્યાગ કર્યો છે તે પલાયનવાદ ન કહેવાય? ગંગાએ તેના મનમાં રમતો પ્રશ્ર્ન વહેતો મૂક્યો.

“ના, મેં નિ:સ્વાર્થભાવે હિમાલયમાં જઇને તપ કર્યું છે જેનાં ફળસ્વરૂપે આજે હું આ પડાવ પર બેઠો છું.
“આ પડાવ એટલે આ આશ્રમ જને?… જ્યાં તમને દરરોજ હજારો માણસો વંદન કરે છે.
“આ આશ્રમ મારા ગુરુજી મને સોંપતા ગયા છે. જે લોકો મારા પગમાં પડે છે તેમની સાથે મારે કોઇ લેવાદેવા નથી. હું મારી ભક્તિથી સહેજ પણ વિચલિત થતો નથી… હું તો બસ નિ:સ્વાર્થભાવે તપ કરતો રહું છું.
ગંગા વિચારમાં પડી ગઇ. તેનું મન વાલજીની દલીલને સ્વીકારવા તૈયાર ન્હોતું.

“તમે જે તપ કરો છો તે નિ:સ્વાર્થભાવે કઇ રીતે કહેવાય? કારણ કે તમે તમારા આત્માના કલ્યાણ માટે તપ કરો છો… નિ:સ્વાર્થભાવે તો મેં મારા પતિની મા સમાન ફૈબાની વર્ષો સુધી ચાકરી કરી છે અને તે પણ પતિની હાજરી વગર… હું પણ જવાબદારીમાંથી છટકી શકી હોત, પરંતુ મારો અંતરાત્મા મને સતત સમજાવતો હતો કે માનવધર્મ જ શ્રેષ્ઠ ધર્મ છે.
ધૂપસળીની પવિત્ર સુવાસ વચ્ચે ભારેખમ મૌન છવાઇ ગયું. વાલજી મહારાજ પાસે શબ્દો ખૂટી પડ્યા હતાં તેથી તેઓ ફરીથી ધ્યાનમાં બેસી ગયા.

ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સેવા દ્વારા તપસ્યા કરી શકાય છે, તે ગંગાએ સાબિત કરી બતાવ્યું હતું. ઇશ્ર્વરે આટલાં વર્ષો બાદ ગંગાને તેના પતિને સત્યવચન કહેવાની જે તક આપી હતી તે પણ કદાચ તેની તપસ્યાનું જ ફળ હતું!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?