મંગલસૂત્રનાં મોતી સમાન છે ચોવકો!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
કચ્છી ભાષા સમાન મંગલસૂત્રમાં સૌથી મોંઘેરો માલ હોય તો તે ચોવકો છે. દરેક હાલમાં સાંત્વના આપતી, બોધ આપતી અને ભાવ વ્યક્ત કરતી કચ્છી ચોવકો આજે પણ અનાયાસે કચ્છીમાડૂની બોલચાલમાં અભિવ્યક્ત થતી જોવા મળે છે. તો કરીશું રસદર્શન?
“હિકડી નીંયાણી ને સો ભ્રામણ આ ચોવકનો સીધો અર્થ એવો થાય છે કે, સો બ્રાહ્મણ, કરતાં એક નિયાણી ચઢિયાતી, ધાર્મિક આસ્થાનો અર્થ અભિપ્રેત થાય છે. ચોવકમાં ‘હિકડી’ એટલે એક ‘નિયાણી’ આપણે કોને કહીએ એ સુજ્ઞ વાચકોને ખબર છે. ધાર્મિક અવસરોની ઉજવણી વખતે પૂજનના અર્થમાં એ ચોવક છે અને વળી જો વક્રતા શોધવી હોય તો બ્રાહ્મણોના દંભ પર કટાક્ષ પણ છે.
એક બીજી રસપ્રદ ચોવક છે: “હિકડો હણે બ્યો વારે, સેપ જમ જે આરે ચોવકમાં વ્યક્તિના અલગ અલગ વલણ કે વર્તનની વાત કરવામાં આવી છે. ગુજરાતીમાં સીધેસીધી આવી કહેવત બની જાય છે ‘એક મારે ને બીજો વારે’ અહીં ‘મારે’ એ માત્ર માર મારવાના અર્થમાં જ નથી. વાણી વર્તન પણ તેમાં સમાઈ જાય છે.
ઘણા માણસો એવા હોય છે કે, કોઈની પણ સાથે સંબંધ ટકાવી ન શકે. તડફડ અને તોડફોડ કરવાની તેમની તાશીર હોય છે ત્યારે એવા જણને શીખામણ આપતી એક ચોવક છે: “હિકડો ઘર ડેણ પ પારે જો ડાકણ જેવું કંઈ હોય તો… ડાકણ (ડેણ) પણ એક ઘર સાથે તો ઘરોબો રાખે છે! અરે! કોઈક સાથે તો સંબંધો ટકાવી રાખો!
આ ચોવક માણીએ, તેમાં ફળની મજા અને સ્વાદની સરખામણી વણી લેવાઈ છે. “આમેં સા ન આમરી, ધિધડ સા ન ધ્રાખ ‘આમેં’ એટલે આંબા, આમરીને આપણે ગુજરાતીમાં ‘આંબલી’ (ખાટી કે મીઠી) કહીએ છીએ. ‘ધિધડ’ એટલે કચિકા અને ‘ધ્રાખ’ એટલે દ્રાક્ષ! હવે અર્થ સ્પષ્ટ થઈ ગયોને? આંબાની સરખામણી આંબલી સાથે ન થાય અને કચિકાની સરખામણી દ્રાક્ષ સાથે ન કરાય! ગહન અર્થ પણ ધરાવે છે આ ચોવક સમાજના વિવિધ સ્વભાવ ધરાવતા માણસોની સરખામણી માટે તો આ ચોવક ખાસ પ્રયોજાતી હોય છે.
બાકી, મિત્રો આ તો કચ્છી ચોવકોનું અમી છે, અને અમૃત પીતાં ધરવ ન થાય! લો, વળી એ અંગે પણ ચોવક પ્રચલિત છે: “અમીં પીંધે કેર ધ્રાય? અહીં ‘પીંધે’ શબ્દ છે જેનો અર્થ થાય છે ‘પીવાથી’ અને ‘ધ્રાય’ એટલે ધરાઈ જવું. શબ્દાર્થ છે: અમૃત પીવાથી કોને ધરવ થાય? માત્ર સમુદ્ર મંથન કરતાં નીકળેલાં અમૃતની અહીં વાત નથી. જીવતર ઝેર જેવાં હોય ત્યાં પણ કોઈને કોઈ પ્રકારનું અમૃત પીવા મળતું જ હોય છે…! ખરું ને?
આપણે અહીં ‘આંબા અને આંબલી’ની સરખામણી કરતી ચોવક માણી હતી. તેવી જ આંબાના રસ જેવી રસપ્રદ ચોવક છે: “આંમરી મેં આમાં પણ ન ભૂતો ન ભવિષ્યની જેવી વાત ચોવકના શબ્દોમાં છે. પરંતુ ચોવક કહેવા, તો કંઈક જુદું જ માગે છે. શબ્દાર્થ છે: આંબલીના વૃક્ષમાં આંબા પાક્યા! જે અશક્ય વાત છે. પણ જ્યારે કોઈ વ્યક્તિને તેની જરૂરિયાત કે લાયકાતથી પણ વધારે મળી રહે તેવો અર્થ આ ચોવકમાં અભિપ્રેત થાય છે.
ગુજરાતીમાં એક અતિ પ્રચલિત કહેવત છે: ‘રસના ચટકા હોય કુંડા ન હોય’ તો કચ્છીમાં તેવા અર્થની જ ચોવકો મળી આવે છે. જેમ કે આપણે જોયું “અમી જા ધ્રો ન વે અને બીજી એવી ચોવક છે: “અત્તર જા પોતા વેં બાટલા ન વેં અમૃતના ધરવ ન હોય અને અત્તરનાં પૂમડાં હોય કાંઈ બાટલા ભરીને ન છંટાય, તેવો અનુક્રમે તેનો ભાવાર્થ થાય છે.