ઈન્ટરવલ

વ્યંગ : કિસ્સા પાકિસ્તાન કા… જૂતાં ચોરીમાં કોનો હાથ કે પગ હશે?

-ભરત વૈષ્ણવ

‘સલામ વાલેકુમ નસરત આપા.’ એક મુસ્લિમ ખાતૂને સબ્જી મંડીમાં બીજી મહિલાનું અભિવાદન કયુર્ં. મુસ્લિમ મહિલા કિલ્લાની જેમ કાળા વસ્ત્રોથી ઢંકાયેલી હતી. હિજાબમાંથી નેણનકશાના દિદાર થાય..આંખો પાણીદાર હતી. તેનું નામ મરિયમ હતું. ‘વાલેકુમ સલામ મરિયમબાનુ’ બીજી બેગમે કહ્યું. એ પણ નખશિખ કપડાંના કિલ્લામાં કેદ. એનું નામ નસરત હતું. ‘હાય, રબ્બા. યા અલ્લાહ, ગજબ હો ગયા’ મરિયમ બોલી. ‘હમારા મુલ્કમાં ગજબ થવું એ આમ વાત છે’ નસરતે કહ્યું.
‘કંઇ મનહૂસ ઘડીએ પાકિસ્તાનનો જન્મ થયો છે તેની ખબર પડતી નથી.’ મરિયમ મરસિયું ગાતી હોય તેમ બોલી. ‘હા, બેગમ, કાયમ અંજપો હોય છે. કાયમ અશાંતિ હોય છે. બદહાલી અને બેબસી મુલ્કનો પીછો છોડતી નથી. ડાયન આવામને ખાયે જાત હૈ.’ નસરતે પણ નકારાત્મક રાગ આલાપ્યો. ‘ક્યારે અમનચમન કે સુકુન મળશે એ અલ્લાહ જાણે?’ મરિયમે આકાશ તરફ જોઇ પૂછયું. માનો ઇન્શાઅલ્લાહને પૂછતી ન હોય. ‘મરિયમ બાનુ, ખુદા કા વાસ્તા. આપણો મુલ્ક પણ ચિનાબ-ઝેલમના પાણીથી પાવરફૂલ છે. હમારા મુલ્ક હેપીડેકસ ઇન્ડેકસ મે અવ્વલ હૈ!’ નસરતે દિલાસો દેતા કહ્યું.

‘ખાક હેપી હૈ…?! આંટા લેને કી લાઇનમેં હમારે લોગો ભાગદૌડમેં અલ્લાહમિંયા કો પ્યારે હો જાતે હૈ. બોમ્બ ગિરનેસે લોગ કીડી મંકોડો કી તરહ રેંગતે રેંગતે મરતે હૈ. બારિશ, પૂર, ધરતીકંપ, અકાલસે દમ તોડ દેતે હૈ!’ મરિયમ ગુસ્સે થઇ બોલી. ‘આપણે દૂધ પાઇને આતંકીને ઉછેરીએ છીએ. આતંકી આપણને મારી નાંખવા આપણી રજામંદીની રાહ જોતા નથી. મેરે બિલ્લી મુજે મ્યાંઉની જેમ સરહદે તાલિબાન આપણા સૈન્યની કત્લેઆમ કરે છે.’ નસરતે પણ વહેતી ઝેલમમાં હાથ ધોઇ નાંખ્યા.

આ પણ વાંચો: વ્યંગ: પૈસાદાર થવું છે? તો આટલું જરૂર કરો

‘બેગમ. અવામ દુખી છે. હાકેમ જલસા કરે છે. તમામ ગોરખધંધા કરે છે. મિલિટરીવાલે પોલીસ કો પીટતે હૈ. આર્મીવાલો કોે તાલિબાન ઠોક દેતે હૈ. હાય રબ્બા, ચીન હમારી જમીન નિગલ રહા હૈ. હમ સે તો ભારતના લોકોને સારું છે. એમના પયગમ્બર કૃષ્ણે તો આતતાયીનો નાશ કરવા મોદીની નહીં માધવની ગેરેંટી આપી છે… માધવની ગેરંટી પથ્થર કી લકીર હૈ. હમારે વહાં તો કોઇ ગેરંટી ભી નહીં દેતે…. જાયે તો કહાં જાયે ?’ મરિયમે દુપટ્ટાથી આંખ લૂંછતા કહ્યું.

‘આપણા પાકિસ્તાનમાં ચીજોના ભાવ આસમાનને પહોંચ્યા છે. કોઇ ચીજ સસ્તી નથી છે.’ નસરત બોલી. ‘અપને પાકિસ્તાનની બદહાલી દિવસે દિવસે રાજકુમારીની જેમ વધતી જાય છે. દિન દહાડે હત્યા, ચોરી, લૂંટફાટ, બળાત્કાર વધતા જાય છે. દારૂ, ડ્રગ્ઝ, ફિરૌતી, માનવ તસ્કરી આમ બનતા જાય છે. છોકરીઓને ઓનર કિલિંગના નામે પતાવી દેવામાં આવે છે. કાયદો વ્યવસ્થા ક્યાંક ઘોરે છે!’ મરિયમે સાંપ્રત સ્થિતિનો ચિતાર આપ્યો.

‘બેગમ, આપણા દેશમાં માત્ર ટ્રેઝેડી છે એવું નથી. આપણા મંત્રીઓ કોમેડી શો પણ ચલાવે છે. એક મંત્રીએ ખોરાક બચાવવા સો કોળિયા જેટલી ભૂખ હોય તો બે કોળિયા કે રોટી ઓછી ખાઇ દેશની ઇકોનોમી મજબૂત કરવા તકલાદી હાકલ કરેલ.’ નસરતે મો પર દુપટ્ટો હાથ વડે મૂકી હાસ્ય રોકવાની કોશિશ કરી: ‘મંત્રીઓ તો લંચમા ચાર ચિકન ઝાપટીને સુફિયાણી હાકલ કરે છે! ’

આ પણ વાંચો: વ્યંગ : એ સૂટકેસમાં કોણ સલવાણી હતી?

‘એક મંત્રીએ ચાની આયાત પાછળ ખર્ચ કરાતું વિદેશી હૂંડિયામણ બચાવવા દિવસમાં એક કપ ચા ઓછી પીવા પંદરમો ચાનો કપ પીતા પીતા અનુરોધ કરેલ! આવક વધારવાને બદલે ખર્ચ ઘટાડવાના કીમિયાથી ઇકોનોમી દુરસ્ત થોડી થાય?’ મરિયમે પોલ ખોલ કાર્યક્રમ કર્યો.

‘આપણા વઝીરેઆઝમ કટોરો લઇને આરબ અમીરાત, અમેરિકા, વર્લ્ડ બેંક આઇએમએફ ફરે છે, પરંતુ કટોરામાં છલોછલ હવા ભરી પરત ફરે છે. બળતણના પૈસા ન હોવાથી ફલાઇટસ ગ્રાઉન્ડ થાય છે. અંધારે ડિનર કરવું પડે છે.’ નસરતે હાલત બ્યાન કરી. ‘પાકિસ્તાનના ભિખારીઓને દેશમાં ભીખ મળવાની આશા ન હોવાથી વિદેશમાં ભીખ માંગવા જતા દુબઇ એરપોર્ટથી લીલા તોરણે પાછા ફર્યા.’ મરિયમે બ્લેક હ્યુમર કહ્યો! ‘નસરત બેગમ, હમણાં ફેફસાં ફાડ કોમેડી થઇ.’ મરિયમે કહ્યું.
‘કેમ, તમને તમારા ખાવિંદે તલાક આપી દીધા?’ નસરતે ખિંચાઇ કરી. ‘અરે, વો દિન કહાં કે બેગમ કે પાંવમે સેન્ડલ?’ મરિયમે અફસોસ જાહિર કર્યો: ‘પાકિસ્તાનમાં કોઇની આઝાદી કયાં આસાન છે?’

‘નહીં, નહીં, એસા નહીં હૈ , બેગમ. અભી ચોર કે ઘર ચોર આયા.’ નસરતે આંખ મિંચકારીને કહ્યું.
‘ખાલી, પહેલિયા મત બુઝાવો. જે કહેવું હોય તે સાફ સાફ કહો. જલેબી ન બનાવો!’ મરિયમે મુંઝાઈને કહ્યું. ‘હમારે નેતાલોગ બડે ચોરચકકે હૈ. આવામને લૂંટી લૂંટીને બડી બડી એક સે જ્યાદા આલીશાન કોઠીઓ બનાવી છે. વિદેશી બેંકમાં રિશ્વતની રકમ જમા કરાવે છે. આપણા લીડરલોગ ચીનના શાહુકાર છે.’ નસરતે નેતાલોગની બ્લેક સાઇડ છતી કરી. ‘તમે કહેવા શું માગો છો?’ મરિયમે માથું ખંજવાળતા કહ્યું.

આ પણ વાંચો: વ્યંગ: આનું નામ તે વેર.!

‘હમણાં આપણા સંસદ પરિસરમાં એક મસ્જિદ છે. ત્યાં સાંસદો અને સ્ટાફ નમાજ પઢવા ગયા. નમાજ પઢીને પરત આવ્યા તો એમના પગ નીચેથી જમીન સરકી ગઇ. તમામ સાંસદ અને સ્ટાફના જૂતાં કોઇ મોરલો કળા કરીને તફડાવી ગયેલો!’ ‘આવામ ઉઘાડા પગે જલતી ધૂપમાં જિંદગી બસર કરે છે. હવે,એની તકલીફ સાંસદોને ખબર પડી હશે કે કેમ?’

‘સાંસદો જૂતાં પહેર્યાં વગર સંસદ ગયા કે ઘરે ગયા તેની પણ માલૂમાત નથી. સાંસદોએ મસ્જિદનું બહાર પડેલા બીજાના જૂતાં પહેરી ચાલતી પકડી કે સાંસદોએ પીએને ફોન કરી મફતમાં નવાનકોર ચમચમતા જૂતાં પહેરીને સંસદ ગયા કે કેમ તે પણ વિગતો જણાવવમાં આવેલ નથી.’ મરિયમ ડિટેક્ટિવની જેમ બોલી ગઇ.

આ ઘટનાને વલોવીએ તો હાસ્યનું માખણ નીકળે તેમ છે. સંસદમાં ઝેડ કેટેગરીની સુરક્ષા હોય છે.એકદમ ટાઇટ સિકયોરિટી હોય છે, છતાં, કયા દરિન્દાઓ હાથની સફાઇ કરી ગયા? આઇએસઆઇને ચોરીની ઇનપુટ મળેલ કે નહીં? સાંસદોના ચપ્પલ ચોરીને સરકારનું નાક નહીં પણ પગ કાપ્યા કહેવાય કે નહીં? ચપ્પલ ચોરી પાછળ તાલિબાન કે લશ્કરે તોયબાનો દોરીસંચાર નહીં પણ ચપ્પલસંચાર એવું અમારા તકવાદી અને તકલાદી રાજુ રદીને લાગે છે.

આ પણ વાંચો: વ્યંગ: લો, ઝીબ્રાએ કર્યું હોંચી હોંચી!

ડાકણ સુધ્ધાં એક ઘર છોડે તેમ કહેવાય છે. નાના ચોરોએ મોટા ચોરોનું ઘર આઇ મિન ચપ્પલો કેમ ન છોડ્યા એ કટપ્પાએ બાહુબલીને શું કામ માર્યો તેના કરતાં પણ મોટો યક્ષ્ય પ્રશ્ન લે છે. તમે શું કહો છો, વાંચક રાજા?

ધ એન્ડ
ઇટાલિયન ભાષામાં ફિશિદયમયભિશ નો અર્થ ફરી મળવા સુધી થાય છે, જેમાં વિદાય પછી ઉષ્માજનક સંબંધની નિકટતા જળવાતી રહે અને ફરી ફરી મળતાં રહી એની આશા છુપાયેલી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button