મુનીરને અમર્યાદિત સત્તા… પરિણામે પાકિસ્તાનનું વિભાજન?

પ્રાસંગિક (અમૂલ દવે)
પાકિસ્તાનની રાજનીતિ આજે એક અનિશ્ર્ચિત અને કપરા વળાંક પર પહોંચી ગઈ છે. દેશની લોકશાહી અને લોકોના અધિકારોનો મજબૂત આધારસ્તંભ સમું બંધારણ 1973માં તૈયાર થયું પછી છેલ્લાં કેટલાંક વર્ષોમાં એમાં સુધારા કરીને તેને વામણું બનાવવામાં આવ્યું છે. આ બધા ફેરફારો અને સુધારાઓનું મુખ્ય ઉદ્દેશ્ય એક જ વ્યક્તિ નામે જનરલ અસિમ મુનીરને અપાર શક્તિ પ્રદાન કરવાની છે.
આજે મુનીર પાકિસ્તાનના ડી ફેક્ટો (વાસ્તવિક) વડા તરીકે ઉભરી આવ્યા છે. તેમને ત્રણેય પાંખો સ્થળસેના, નૌસેના અને વાયુસેનાના વડા તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. તેમના હાથમાં અણુશસ્ત્રોનું કમાન્ડ પણ સોંપાયું છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતાનો વિષય છે. આવું કેન્દ્રીકૃત શક્તિનું વિસ્તરણ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે અને પાકિસ્તાનના ભવિષ્યને ગંભીર જોખમમાં મૂકી દે છે.

આ સમગ્ર વાર્તાની શરૂઆત થાય છે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના શાસનકાળથી. ઇમરાન ખાન પાકિસ્તાન ‘તેહરીક-એ-ઇન્સાફ’ (પીટીઆઈ)ના સ્થાપક છે. તેમણે મુનીરને આઈએસઆઈ (ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ)ના વડા પદથી હટાવી દીધા હતા. આ નિર્ણય મુનીર માટે અત્યંત અપમાનજનક અને વ્યક્તિગત હતો. બસ, ત્યારથી જ મુનીર બદલાની તક શોધી રહ્યા છે. ઇમરાન ખાનને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, તેમના પર અનેક બનાવટી કેસ ઠોકી બેસાડવામાં આવ્યા છે. ઈમરાનના પરિવારને પણ કઠોર ત્રાસ આપવામાં આવી રહ્યો છે. જો જનતાનું વિશાળ સમર્થન ન હોત, તો મુનીરે ઈમરાનને ક્યારના પતાવી દીધા દીધા હોત…
આજે પાકિસ્તાનમાં મુનીરનું વર્ચસ્વ એટલું મજબૂત થઈ ગયું છે કે એ રાજ્યના વાસ્તવિક નિયંત્રક બની ગયા છે, જ્યારે નામ માત્રની સરકાર તેમના આદેશો પર જ ચાલે છે. આ બધું બંધારણીય વ્યવસ્થાને તોડીને કરવામાં આવે છે, જે લોકશાહીના મૂળને ખોખલું બનાવે છે. 1973નું બંધારણ પાકિસ્તાનના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ દસ્તાવેજ છે અને આમાં લોકશાહી, માનવ અધિકારો અને શક્તિઓના વિભાજનનું સ્પષ્ટ વર્ણન કરાયું છે. તેમ છતાં, છેલ્લાં વર્ષોમાં આ બંધારણની વારંવાર તોડમરોડ કરવામાં આવી છે.

મુનીરને વધુ શક્તિ આપવા માટે સંસદમાં કેટલાક વિવાદાસ્પદ સુધારાઓ પસાર કરવામાં આવ્યા છે, જેમાં સેના વડાને આજીવન મુદત આપવાનો અને સુપ્રીમ કોર્ટની શક્તિઓને મર્યાદિત કરવાનો સમાવેશ થાય છે. આ ફેરફારોને કારણે મુનીરને ત્રણેય સેનાઓના વડા તરીકે નિમણૂક કરવામાં આવી છે. એ હવે માત્ર સ્થળ સેનાના વડા નથી, પરંતુ નૌસેના અને વાયુસેનાના પણ વડા છે. આવું અભૂતપૂર્વ કેન્દ્રીકરણ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાને અસ્થિર બનાવે છે ખાસ કરીને, અણુશસ્ત્રોનું કમાન્ડ મુનીરના હાથમાં સોંપવું એ વૈશ્વિક ચિંતાનું મુખ્ય કારણ છે.
પાકિસ્તાન પાસે અણુબોમ્બોનો મોટો જથ્થો છે, અને તેનું નિયંત્રણ એક જ વ્યક્તિ પાસે હોવું આંતરરાષ્ટ્રીય સમુદાયને ડરાવે છે. અમેરિકા, યુરોપ અને અન્ય દેશો આને લઈને ચિંતિત છે, કારણ કે આવી શક્તિનો દુરુપયોગ થઈ શકે છે અને પ્રદેશમાં અસ્થિરતા વધારી શકે છે.મુનીરના વધતા વર્ચસ્વને કારણે પાકિસ્તાનની લોકશાહી વ્યવસ્થા ધીમે ધીમે ખતમ થઈ રહી છે, અને દેશ સૈન્ય શાસન તરફ વળી રહ્યો છે. આ બધું બંધારણના મૂળભૂત સ્વરૂપને તબાહ કરે છે.

ઇમરાન ખાન સાથેના વેરની વાત કરીએ તો, તે સ્પષ્ટ છે કે મુનીર વ્યક્તિગત બદલાની રાજનીતિ કરી રહ્યા છે. ખાને તેમને આઈએસઆઈ વડા પદથી હટાવ્યા પછી, મુનીરે ઈમરાન વિરુદ્ધ અનેક કાર્યવાહી કરાવી છે. આજે ઈમરાન ખાન અડિયાલા જેલમાં એકલા કેદ છે. તેમના પરિવારને મળવાની પણ મંજૂરી નથી મળતી. બહેનો અને પત્નીને પણ સૈન્યની કઠોરતા અનુભવવી પડી છે.
બીજી બાજુ, પાકિસ્તાન આજે બે મુખ્ય મોરચે લડી રહ્યું છે અફઘાનિસ્તાન અને ભારત. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસનને કારણે સરહદી વિસ્તારોમાં તણાવ વધ્યો છે અને આતંકવાદી હુમલાઓની સંખ્યા વધી રહી છે. ભારત સાથેના સંબંધો પણ કાશ્મીર અને અન્ય મુદ્દાઓને કારણે તણાવગ્રસ્ત છે. આ બે મોરચા પર લડવું દેશની અર્થવ્યવસ્થા પર ભારે બોજ નાખે છે. સેનાના ખર્ચમાં વાર્ષિક વધારો થઈ રહ્યો છે, જે આર્થિક સ્થિરતાને વધુ કમજોર બનાવે છે. દેશની અર્થવ્યવસ્થા આજે તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે. મોંઘવારી ફુગાવો આકાશ સ્પર્શી રહ્યા છે. વિદેશી રોકાણ ઘટી રહ્યું છે. આઈએમએફ પાસેથી વારંવાર લોન લેવી પડી રહી છે. બેરોજગારીના પ્રમાણમાં વધારો થયો છે. યુવાવર્ગમાં અસંતોષ ભભૂકી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રાસંગિકઃ બાંગ્લાદેશની અસ્થિરતા: ભારત માટે નવો સંકટનો સંકેત?
આ બધા વચ્ચે, મુનીરના સૈન્ય વર્ચસ્વને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનને અસ્થિર અને જોખમી માને છે, જે આર્થિક પુન:પ્રાપ્તિને અટકાવે છે. આ કઠિન સ્થિતિમાં પાકિસ્તાનના લોકોને લોકશાહીની પુન:સ્થાપના માટે એકજૂટ થઈને લડવું પડશે. ઇમરાન ખાન જેવા નેતાઓને મુક્ત કરવા, બંધારણનું કડક પાલન કરવું અને સૈન્ય વર્ચસ્વને અંકુશમાં રાખવું જરૂરી છે.
જો આમ ન થયું તો દેશ વધુ અરાજકતા અને આર્થિક તબાહી તરફ ફંટાઈ જશે. મુનીરની બદલાની રાજનીતિ અને શક્તિના કેન્દ્રીકરણને કારણે પાકિસ્તાનનું ભાવિ અંધકારમય બની રહ્યું છે. જનતાને જાગૃત થઈને આ વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે, અને આંતરરાષ્ટ્રીય સમુદાયે પણ પાકિસ્તાન પર દબાણ વધારવું જોઈએ. આ બધું જોતાં એવું સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન એક જોખમી વળાંક પર ઊભો છે. આમાં જનરલ અસિમ મુનીર જે અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના પસંદગીના વ્યક્તિ છે અને તેમને વાઇટ હાઉસમાં વારંવાર આમંત્રણ આપવામાં આવ્યું છે તેને અમેરિકન કૉંગ્રેસમાંથી તીવ્ર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પણ વાંચો: પ્રાસંગિકઃ પાકિસ્તાનના ટુકડા કરાવીને જ જંપશે અસીમ મુનીર…
એ વિઝા પ્રતિબંધો, અમેરિકન સહાયને અટકાવવા અને પાર્લામેન્ટરી દમન (ટ્રાન્સનેશનલ રિપ્રેશન) પર તપાસની માગ કરી છે. પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રૂબિને અમેરિકાની પાકિસ્તાન નીતિની રીતસર ઝાટકણી કાઢીને કહે છે કે ‘પાકિસ્તાન સ્ટેટ સ્પોન્સરર ઑફ ટેરરિઝમ’ (ત્રાસવાદને પ્રસરાવનાર રાજ્ય) તરીકે જાહેર કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ પાકિસ્તાનના લશ્કરી વડા અસીમ મુનીરને આપવામાં આવેલા ‘રેડ કાર્પેટ વેલકમ’ની પણ ઉગ્ર ટીકા કરી હતી, તેને આવો ભવ્ય આવકાર આપવાને બદલે તેમની ધરપકડ જ કરવી જોઈતી હતી.
તે એમ પણ કહે છે કે ભારત ઉપર 50 ટકા જેટલો ટૅરીફ નાખવો તે યોગ્ય જ નથી. ભારત રશિયા પાસેથી તેલ ખરીદે છે તે માટે જ ભારત ઉપર લાદવામાં આવેલો આટલો ટૅરિફ ઘટાડવો જ જોઈએ અને પૂર્વે નાખેલ ભારે ટૅરિફ માટે ટ્રમ્પે માફી માગવી જોઈએ. જો કે, ટ્રમ્પ કદી માફી માગવા તૈયાર નહીં થાય. આ વિરોધ મુનીરના લશ્કરી શાસન બનવાની મહેચ્છાને ચેલેન્જ કરે છે. જો મુનીર પર લગામ નહીં નાખવામાં આવે તો પાકિસ્તાનનું ફરી વિભાજન થશે.



