વાવો તેવું લણો… ભારતમાં આતંકવાદ ફેલાવનાર પાકિસ્તાનને હવે ભંગાણનો ભય
પ્રાસંગિક – અમૂલ દવે
પાકિસ્તાનની આર્થિક હાલત તો બદતર છે, પરંતુ રાજકીય સ્થિતિ પણ ઝડપથી વણસી રહી છે. સામાન્ય ચૂંટણીમાં તો આમીરએ ગોલમાલ અને ગેરરીતિ અજમાવીને જેલમાં ધકેલેલા ઈમરાન ખાનને સત્તાથી વિમુખ રાખ્યા છે, પરંતુ હાલની શહબાઝ શરીફ સરકારની હાથમાંથી બાજી સરકતી જાય છે. પાકિસ્તાનમાં એક સાંધે અને એકસો તેર તૂટે એવી હાલત છે.
પડોશી દેશો ભારત- ઈરાન અને અફઘાનિસ્તાન સાથેના સંબંધમાં ખટાશ છે તો પીઓકે (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર , પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીર), બલુચિસ્તાન અને સિંધમાં ઉકળતો ચરુ છે. બલુચિસ્તાનમાં મામલો બીચક્યો છે. બલુચિસ્તાનમાં આતંકવાદ વકરી રહ્યો છે. બલુચિસ્તાનમાં તાજેતરનાં વર્ષનો સૌથી મોટો આતંકવાદી હુમલો થયો છે. જે રીતે પંજાબીઓને બસમાંથી ઊતરીને વીણી વીણીને મારી નાખ્યા એ સૂચવે છે કે આ તો એક પ્રકારનો નરસંહાર હતો. આમાં ૩૮ લોકોએ જાન ગુમાવ્યા છે , જેમાં ૧૪ સૈનિક અને પોલીસનો પણ સમાવેશ થતો હતો.
અલગ દેશની માગણી કરી રહેલા ‘બલુચ લિબરેશન આર્મી’ (‘બીએલએ’)નો આ હુમલા પાછળ હાથ છે. આ સંગઠને ચીની પ્રોજેક્ટ્સને નિશાન બનાવ્યું છે. પાકિસ્તાન જે સીમાપારથી ઘૂસણખોરી કરાવીને ભારતમાં આતંકવાદની નિકાસ કરતું હતું એને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે… જેવું વાવો તેવું લણો. કબીરજીએ વર્ણવેલી કાવ્ય પંક્તિ છે: ‘કરતા થા સો ક્યોં કિયા, અબ કર ક્યોં પછતાય. બોયા પેડ બબૂલ કા, આમ કહાઁ સે ખાય’ એટલે કે બાવળિયો ઉછેર્યો હોય અને પછી એના છાંયડે બેઠા બેઠા આને કેરી આવે એવું ઈચ્છો તો આવે કેવી રીતે?
પાકિસ્તાન પોતાના ઈતિહાસ અને ભૂલોમાંથી પાઠ શીખતું નથી. ધર્મના આધારે વિભાજન કરવાની માગણી વડે પાકિસ્તાન તો મેળવ્યું, પરંતુ પૂર્વ બંગાળમાં ભાષાનો સવાલ ઊભો થયો. પંજાબીની દાદાગીરી અને ઈજારાશાહી સામે પૂર્વ બંગાળના લોકોએ બંડ પોકાર્યું અને બાંગ્લાદેશનો જન્મ થયો.
દેશના બે ટુકડા થઈ ગયા હોવા છતાં તેમાંથી બોધપાઠ ન લઈને કાશ્મીરીઓ, લઘુમતીઓ સિંધીઓ અને બલુચી લોકોના અધિકારોને કચડીને પંજાબીઓએ પોતાની સર્વોપરિતા સ્થાપી છે. પાકિસ્તાની લશ્કરમાં અને રાજનીતિમાં પંજાબીઓની બોલબાલા છે. આ જ કારણ છે કે લેટેસ્ટ ટેરર અટેકમાં પંજાબીઓને જ મારી નાખવામાં આવ્યા છે. પાકિસ્તાને બલુચીની સમસ્યાને લશ્કરના દમન દ્વારા ડામવાનો વિફળ પ્રયાસ કર્યો છે. પાકિસ્તાનનું લશ્કર હવે બેકફૂટ પર છે. પાકિસ્તાન બલુચિસ્તાનની સમસ્યા માટે ભારતને જવાબદાર ગણાવે છે.
બલૂચિસ્તાનમાં અનેક ચીની પ્રકલ્પો ચાલે છે, જેમાં એક વ્યૂહાત્મક બંદર અને સોના અને તાંબાની ખાણનો સમાવેશ થાય છે. ‘બલુચ લિબરેશન આર્મી’ એક સ્વતંત્ર રાષ્ટ્રની માગણી કરે છે. છેલ્લા તાજા હુમલાની જવાબદારી આ સંગઠને લીધે છે, જે આને : ‘હરુફ’ એટલે કે ‘તેજ અંધેરી આંધી’ કહે છે.
હુમલા માટે જે દિવસ પસંદ કરવામાં આવ્યો એ પણ ઉલ્લેખનીય છે. ૨૬ ઓગસ્ટે બલૂચ રાષ્ટ્રવાદી નેતા અકબર બુગતીની પુણ્યતિથિ હતી. બુગતીને ૨૦૦૬માં પાકિસ્તાની સુરક્ષા દળોએ મારી નાખ્યો હતો. પંજાબીઓને ટાગેર્ટ કિલિંગમાં એમની હત્યા થઈ હતી. પાકિસ્તાનમાં ૨૦૨૩માં ૫૨૭ અને ૨૦૨૪માં અત્યાર સુધી ૪૧૬ આતંકવાદી ઘટના નોંધાઈ છે.
બલૂચિસ્તાનની રાજધાની મુસાખેલ ક્વેટાથી ૪૫૦ કિલોમીટર ઈશાને છે. બંડખોરો નિયમિત રીતે પંજાબીને નિશાન બનાવે છે. લશ્કરમાં પંજાબીઓની બહુમતી છે અને એ જ લોકો બલુચી બંડખોર સામે લડે છે.
‘બીએલએ’ એક એવો સ્વતંત્ર દેશ ઈચ્છે છે જે પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનના અમુક વિસ્તારોને જોડીને બનાવામાં આવે. તેને તાલિબાનનું સમર્થન પ્રાપ્ત છે. તાલિબાને નવેમ્બર ૨૦૨૨માં સરકારની જોડેનો યુદ્ધવિરામ પાછો ખેંચી લીધો અને પોતાના લડવૈયાઓને પાકિસ્તાન આર્મી પર હુમલો કરવાનો આદેશ આપ્યો.
આ બધા વચ્ચે, ઈરાન અને પાકિસ્તાન વચ્ચે ખાટા સંબંધોએ પાકિસ્તાનની અસુરક્ષા અને અસ્થિરતા વધારી દીધી છે. બન્ને વચ્ચે ૯૦૦ કિલોમીટર લાંબી સરહદ છે , જ્યાં તસ્કર અને લડવૈયાઓ મુક્ત રીતે ફરે છે. આતંકવાદીઓનો ત્રાસ બંને દેશને છે. આતંકવાદી માટે બન્ને દેશ એકમેક પર દોષારોપણ કરે છે.
‘બીએલએ’ અલગ વિસ્તારોથી લડાયકોને ભેગા કરવામાં સફળ રહ્યું છે. તેની પાસે ૩૦૦૦ લડવૈયા છે. તેમનો મુખ્ય ઈરાદો બહારના લોકોને રાજ્યમાં આવતા રોકવાનો છે. ચીનના પ્રોજેક્ટે પણ અહીં અશાંતિ ઊભી કરી છે. સ્થાનિક લોકો માને છે કે ચીન અમારા બલુચિસ્તાનના કુદરતી સાધનોનું શોષણ અને દોહન કરવા માગે છે. પાકિસ્તાનમાં હજારો ચીની કામદારો કામ કરી રહ્યા છે. આમાંના મોટાભાગના ચીનના ૬૦ અબજ ડૉલરના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવમાં સામેલ છે.
બલુચિસ્તાનનું કદ દેશના ૪૦ ટકા જેટલું છે, પરંતુ તેની ઈકોનોમી દેશની ઈકોનોમીની છ ટકા જ છે. બલુચિસ્તાનમાં આઝાદીની ચળવળ પાકિસ્તાનની સ્વતંત્રતા એટલી જૂની છે. પાકિસ્તાન આ સમસ્યાને લશ્કરની મદદથી નહીં, પરંતુ રાજકીય રીતે જ ઉકેલી શકશે. પાકિસ્તાને બલુચિસ્તાનના લોકોનો રાજકીય સહભાગ વધારવો પડશે. રાજ્યના કુદરતી સંસાધનોમાં સરખો હિસ્સો આપવો પડશે. બલૂચના લોકોની અસ્મિતા અને સંસ્કૃતિ જળવાઈ રહેશે એવી ગેરંટી આપવી પડશે.
બીજી તરફ, પાકિસ્તાન આતંકવાદ માટે ભારત કે ઈરાનને દોષ આપીને કશું મેળવી નહીં શકે. પાકિસ્તાને સમજવું જોઈએ કે અફઘાન તાલિબાનના પુનરાગમન બાદ પખ્તુનવા અને બલુચિસ્તાનમાં હુમલા વધી ગયા છે. પાકિસ્તાને પંજાબ સિવાયના બીજા પ્રાંતો સાથે કરતો ભેદભાવ દૂર કરવો પડશે. જો એવું નહીં કરે તો ફરી એક વાર તેનું વિભાજન થાય એવું જોખમ છે.