ઈન્ટરવલ

વ્યંગ: પૈસાદાર થવું છે? તો આટલું જરૂર કરો

-ભરત વૈષ્ણવ

ચીનના કોઇ પ્રાંતના પોલીસ સ્ટેશનના એક દૃશ્યની એક મનોહર કલ્પના કરી જુવો. ખુલ્લી આંખે નહીં તો બંધ આંખે. એક ઝી નિંગ નામના પોલીસ કોપ થી ડે નામના ચીની શાહુકારની ચીની સ્ટાઇલ પ્રમાણે આકરી પૂછપરછ કરી રહ્યા છે. લાઇવ દૃશ્યો ‘બખડજંતર’ ચેનલના સૌજન્યથી ઉપલબ્ધ છે હેવ અ લુક.

‘બોલ હરામી. શેની ચોરી કરી છે?’ પોલીસે એક ફડાકો ઝીંકી દીધો. સાલો બે બાય બે ફૂટ હતો. (ચોરની હાઇટ નહીં, પોલીસની હાઇટ લખી છે) ઝી મિંગ ચાઇનીઝ કોપ હતો. ચોર ચાઇનીઝ અને પોલીસ પણ ચાઇનીઝ હતો, છતાં તકલાદી ન હતો. પોલીસનો આઇકોન સની દેઓલ હશે. પોલીસનો હાથ ઢાઇ કિલો નહીં હોય. જો કે દોઢ પોણા બે કિલો હશે. ચોરની આંખે અંધારા આવી ગયા. કાને તમરા નહીં, પણ બુલેટની ધણધણાટી થવા લાગી.

આ પણ વાંચો: વ્યંગ: આનું નામ તે વેર.!

‘સર, મેં કાંઇ કિંમતી વસ્તુની ચોરી કરી નથી. ટ્રસ્ટ મી. હું માત્ર પ્રોફેશનલ જ નહીં, એમેચ્યોર, પ્રોબેશનર કે ઇન્ટર્ની પણ ચોર નથી.’ આંખમાં આંસુ સાથે ચાઇનીઝ ચોરે ચોરીના આક્ષેપનો ઇન્કાર કર્યો.

‘તારા હાથમાં પાપની પોટલી છે. તારા કરતૂતની કલરફુલ કુંડળી છે. કયાં સુધી જુઠ્ઠું બોલીશ? ઝી મિંગ પોલીસે ચોરના ગાલે બીજો તમાચો ફટકાર્યો.

‘સાહેબ હું ખાનદાની અને સિધ્ધાંતવાદી પણ છું.’ ચોરે ખુલાસો કર્યો.

આ પણ વાંચો: વ્યંગ: લો, ઝીબ્રાએ કર્યું હોંચી હોંચી!

‘બાસ્ટાર્ડ, તારા હાથમાં તગડી પોટલી છે. તે કેટલા યુઆનની તફડંચી કરી છે?’ ઝી મિંગે આગવી ઢબે પૂછપરછ ચાલુ કરી.

‘સર, હું તો ચાઇનીઝ સુદામા છું. પોટલીમાં યુઆન નથી.’ ચોરે પોતાની સરખામણી સુદામા સાથે કરી.

‘તો એલએસડી કે ચરસ કે હશીશ હશે? છેવટે અફીણ તો હશે જ.’

‘સર, હું તમાકુ પણ ખાતો નથી કે પીતો નથી. તમે મને ડ્રગ પેડલર કેવી રીતે કહી શકો?’ ચીની ચોરે કોટવાલને દંડતા સવાલ કર્યો.

આ પણ વાંચો: વ્યંગ: કરવતથી કોના કટકા કરવાની કટોકટી?

‘XXXXX, સવાલ પૂછવાનું કામ મારું છે.. તું મને સવાલ ન પૂછ તને એવો ફીટ કરી દઇશ કે જેલમાં ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ.’ ઝી મિંગે ચક્કી પીસવાની એકટિંગ સુધ્ધાં કરી.

‘ઇટસ ફની. સર તમે ઇન્ડિયન મુવી બહુ જોતા હશો ખરું કે નહીં?’ ચીની ચોરે સવાલ કર્યો.

‘એ બધી લપ્પનછપ્પન છોડ. કોઇની જોરૂનું ગબન કર્યું છે?’ પોલીસમેન ઝી મિંગે આંખ મિંચકારી. હોઠ પર જીભ ફેરવી.

‘આપણે ત્યાં હમ દો હમારે એકની પોલિસીમાં લગ્ન કે છોકરીનો છેદ ઊડી ગયો છે. લગ્ન માટે સીધી આંગળીએ છોકરી કયાં મળે છે? એટલે વાંકી આંગળીએ છોકરી કાઢવી પડે છે.’ ચોરે ટૂંકો ખુલાસો કર્યો.

‘ઓકે ઓકે મારું ધ્યાન ભટકાવવા ગપ્પા મારીશ નહીં. હું કડક અધિકારી છું. આઇ વોર્ન યુ.’

(વોર્નનું પોર્ન ન છપાય તેનું ધ્યાન રાખજો, તંત્રી-પ્રૂફ રીડર સાહેબો, નહિતર મુન્ના બદનામ હો જાયેંગા. પ્લીલીલીલીઇઝ.)

‘સર, હું પૂરતી કાળજી રાખીશ.’

‘બોલ, તે કોબ્રા, મગરનાં ઇંડાં, સુવ્વર
કે માછલીની ઉલ્ટી ફૂલ્ટી-એમ્બ્રોસની
ચોરી બોરી કરી હશે?’ પોલીસમેન ઝી
મિંગે પણ સાંપ્રત પ્રવાહને અનુરૂપ સવાલ કર્યા.

આ પણ વાંચો: વ્યંગ : હેં, લગ્નમાં આને કોણે નોતરું આપેલું ?

‘સાહેબ, હું પણ પેટીએમના માલિક અલી બાબાની માફક અબજોપતી બનવા માંગું છું. મારે પણ નસીબ આડેનું પાંદડું નહીં પણ થડ હટાવવા માગું છું. મેં હોંગા કામિયાબ એક દિન.’ મનની વાત કરતા ચીની ચોર ભાવુક બન્યો .

‘તો આ વાત પર તારી ગઠરી ખોલી નાખ. એ તને ચીનની દીવાલ પહોંચાડે છે કે પછી જેલમાં. ‘ઝી મિંગે અલ્ટિમેટમ આપ્યું , એણે ચોરની પોટલી ઝૂંટવવા કોશિશ કરી. એવામાં પોટલી ગાંઠ ખુલી ગઇ. પોટલી અંદરથી કશુંક વેરાયું જાણે મોતી નહીં, પણ માટી વેરાઇ પોલીસ સ્ટેશનમાં !

‘લો સાહેબ, આ મારી ચોરીનો મુદામાલ. મુદાલાલ તમારે હવાલે લઇ લો.’ ચાઈનીસ ચોરે મુદ્દામાલની કાર્યપદ્ધતિ અનુરૂપ કાર્યવાહી કરવા અનુરોધ કર્યો.

‘આ શું છે માટીની ચોરી? આ માટી સોનાની છે?’

‘સર, પૈસાદાર થવાની આ ચાવી છે!’ ચોરે કહ્યું .

‘આ તો તાળા વિનાની ચાવી છે. એ તારા કિસ્મતનું કનેકશન – તારું ભાગ્ય કેવી રીતે ખોલશે? માટી વેચીને અમીર ન થવાય.’ પોલીસમેને ચોરના દાવાની હાંસી ઉડાવી.

‘લોકો અમીર થવા મહેનત કરે છે. લોહી- પસીનો એક કરે છે. સીધી રીતે બહુ ઓછા અમીર થાય છે. તિકડમબાજી કરીને શોર્ટ કટ અપનાવીને અમીર થવાવાળાની કમી નથી. દોરાધાગા, જાદુટોના, ટોટકા અપનાવનારની કમી નથી.’ ચોરે ગતિવિધિની જાણ કરી.

‘હઅમ’ પોલીસ અફસરે ટૂંકો પ્રતિભાવ આપ્યો.

‘સર, બેંકમાં વાવેલા છોડના કૂંડામાંથી માટી ચોરી જાય છે.. એ ચોરેલી માટીની પોટલી બનાવીને જે લોકો પૈસાદાર થવા ઇચ્છતા હોય એમને દસ હજાર રૂપિયામાં માટીનું વેચાણ કરે છે. માટી લેનાર પૈસાદાર થાય કે ન થાય. પરંતું, માટી વેચનારનું બેંક બેલેન્સ તગડું થાય છે.’ ચીની ચોરે પોતાની પોટલી પરથી પડદો હટાવ્યો.

હવે ચીનની પોલીસ એટલે કે ઝી મિંગને અફીણ, ગાંજો, ચરસ કે ડ્રગ્ઝ પકડવામાં રસ રહ્યો નથી. બેંકના ફૂલછોડની માટીની પોટલી પકડવાની ઝુંબેશ તેજ થઇ છે. પકડેલી માટી પોલીસ સ્ટેશનમાં મુદામાલ તરીકે જમા થવાના બદલે પોલીસબેડામાં પગ કરી જાય છે, કેમ કે પોલીસને પણ પૈસાદાર થવાના અભરખા ન હોય?!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button