ઈન્ટરવલ

સામેવાળાની સરકાર નામ બદલવાના રવાડે!

‘કામ ન કરતી સરકાર’ના બહાના હેઠળ એને યુદ્ધના ધોરણે ઘર ભેગી ન કરી શકાય ?

વ્યંગ -ભરત વૈષ્ણવ

‘ગિરધરભાઇ, આ લોકો એમના મગજમાં શું સમજે છે?’

હિલિયમ ભરેલો ફુગ્ગો ધડાકા સાથે ફાટે તેમ રાજુ રદી નામના ફુગ્ગામાંથી સવાલ બ્લાસ્ટ થયો. રાજુના ચહેરા પર ચારસો ચાલીસ વોલ્ટના ઝટકા જેવો ગુસ્સો ઝળકતો હતો.રાજુ સવાલ પૂછ્યા પછી પણ ભંભોટિયુ(દાડમ કોઠી)સળગતું રહે તેમ બબડાટ કરતો રહ્યો….
‘રાજુ, તું કયા લોકોની વાત કરે છે? મને તારી ધડમાથા વગરની વાતમાં કંઇ સમજ પડતી નથી. ક્યારેક તો સમજાય તેવી ભાષામાં વાત કર. સરકારી ઠરાવ, પરિપત્ર, નોટિફિકેશન જેવી ક્લિષ્ટ ભાષાનો પ્રયોગ ન કર. મન કારણ વગર ચકરાવે ચડી જાય છે!’
‘ગિરધરભાઇ, એ લોકોની શું ઔકાત છે?’ રાજુનો ઉકળાટ હજુ ચાલુ હતો.

‘રાજુ, શાંત થા. એમની ઔકાત હોય કે ન હોય એમાં તારે શું? તું ગુસ્સે થઈશ તો તારું બીપી વધી જશે. હાર્ટબીટ વધી જશે. ક્યાંક ઉકલી જઈશ. તારા ગુસ્સે થવાથી સમસ્યાનો ઉકેલ આવતો હોય તો હું પણ તારા સમર્થનમાં ગુસ્સે થવા તૈયાર છું! મે રાજુને ધીરજ ધરવા કહ્યું.

‘ગિરધરભાઇ, એ લોકો આવી હિંમત કેવી રીતે કરી શકે? ચકલી નાની ને ફૈડકો મોટો જેવો ઘાટ કરે છે!’ રાજુનો ગુસ્સો સાતમા આસમાનને બદલે સિતોતેરમા આસમાને હતો.

‘રાજુ, કોણ લોકો? ડોન કિહોટે નામના પાત્રની જેમ હવામાં ખાલી ખાલી બુઠ્ઠી તલવાર વીંઝયા શું કામ કરે છે?’ મેં રાજુને સામો સવાલ કર્યો !

‘ગિરધરભાઇ ઘમંડિયા લોકો આપણા સાહેબના પેંગડામાં પગ મુકાવાની વ્યર્થ કોશિશ કરે છે.’ રાજુએ કંઈક તો હિન્ટ આપી. હવે, ખબર પડી કે જૂતા કયાં ડંખે છે!

‘ગિરધરભાઇ, આ દેશમાં કેસરીકરણ, બુલડોઝર અને નામ બદલવાની ત્રિવિધ પ્રવૃત્તિ નોનસ્ટોપ અને નોનસેન્સ ચાલે છે. લોકોની ધાર્મિક ભાવના આહત થઇ છે. મુસ્લિમ શાસકોએ વરસોથી વસાવેલા અને આપણી સંસ્કૃતિ એટલે કે ગંગાજમનાની તહેજીબ ધરાવતાં નગરો, શહેરો, ચોરાહા, ગલીઓ, રોડ વગેરેના નામ બદલીઓ તો આપણો માંહ્યલો રાજી રહે એવી સંકુચિતતાને ન્યુ રાષ્ટ્રપ્રેમ તરીકે ભડકાવવામાં આવે છે.’ રાજુએ નવી પ્રવૃત્તિ તરફ ઈશારો કર્યો. .

જો, રાજુ. શહેરો, નગરો, બગીચા , ગલીઓ, નુકકડના નામ બદલવા માટેનું જથ્થાબંધ અને છૂટક ટેન્ડર આપણે ભરેલ. એ ટેન્ડર સોલિટરી એટલે કે સિંગલ છે. ટૂંકમાં નામ બદલવામાં આપણી મોનોપોલી છે. રાષ્ટ્રીય નામ બદલાવ આયોગની રચના કર્યા સિવાય આપણે નામ બદલવાનાં ક્ષેત્રે ગિનેસ બુકમાં રેકર્ડ નોંધાવી શકીએ એટલું સ્કિલ ડેવલપમેન્ટ એચિવ કર્યું છે!’ મેં નામ બદલવાની પ્રવૃત્તિ થકી રાષ્ટ્રનિર્માણની અપ્રતિમ ઉન્નતિ વિશે રાજુને અવગત કર્યો.

‘ગિરધરભાઇ, આપણી સરકારે ગરીબી, મોંઘવારી, બેકારી ઘટાડે કે ન ઘટાડે. પરંતુ, નામ બદલવાનો એજન્ડા પર પૂરતું ફોકસ કર્યું છે. શહેર, ગામ ગલી, મહોલ્લા, સંસ્થા, એવોર્ડ, ઇવન ફળોના નામ બદલી દીધા છે. જેમાં ડ્રેગન ફળ પણ ઝપટે ચડી ગયું છે. ડ્રેગન હવે ‘કમલમ’ તરીકે ઓળખાય છે. જે તે સમયે આપણે નમાલા રાજાઓ આક્રમણખોર મુસ્લિમ શાસકો સામે લડાઈમાં હારી ગયા.
પેલાઓએ બંધાવેલા નગરો, રોડ, ગામના નામ બદલીને આપણે કરારા પરાજયનો જબરદસ્ત બદલો લીધો છે. કેટલાક કિસ્સામાં ગામલોકોએ બે હાથ જોડીને ગામનું જે નામ છે તે યથાવત રાખવા વિનંતી કરવી પડી! નામ બદલવાથી ઇતિશ્રી થતી નથી, કેમ કે લોકજીભે જૂના નામ ચડી ગયા હોય છે. ગાંધીનગરના રસ્તા-સર્કલોના નામ બદલવા માટેનો તર્ક પણ સમજાય એવો નથી. અબ્દુલ કમાલ પાશા તુર્ક(નોન એલાઇડ મુવમેન્ટ- NAM મુવમેન્ટના અગ્રણી અને અફઘાનિસ્તાનના શાસક.) રોડ દિલ્હીમાં હોય તો તેનું નામ બદલવાનો કોઇ અર્થ નથી. આ રીતે તો તમે તમારા રાષ્ટ્રની ઉદાર છબીને સંકુચિત દેખાડો છો… આનાથી આપણી વસુધૈવની વિભાવનાનું શું… આ રીતે વિશ્ર્વગુરૂ થવાય?’ રાજુએ ચિંતા વ્યક્ત કરી
‘રાજુ, કલકતાનું કોલકોતા, બેંગલોરનું બેંગલૂરૂ, મદ્રાસનું ચૈનઇ, ત્રિવેન્દ્રમનું થિરુઅનંતપુરમ થાય એ સમજ્યા, પણ એનાથી પ્રજાની કિસ્મત બદલી જવાની!’

મેં રાજુને નામ બદલવાથી કિસ્મત કનેકશન એ જ રહે છે તેના પ્રેકટિકલ ઉદાહરણો આપ્યા!

‘ગિરધરભાઇ, બુલડોઝર બાબાએ ૨૦૧૮ માં જ યુપીના ‘અલાહાબાદ’ શહેરનું નામ બદલીને ‘પ્રયાગરાજ’ કરવામાં આવ્યું હતું. ૨૦૨૧ માં, મધ્ય પ્રદેશના ‘હોશંગાબાદ’ શહેરનું નામ બદલીને ‘નર્મદાપુરમ’ અને ‘બાબાઈ’ શહેરનું નામ બદલીને ‘માખણ નગર’ કરવામાં આવ્યું હતું. ૨૦૧૮માં ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરવામાં આવ્યું.’ આપણી સરકારની વણથંભી નામ પરિવર્તન યાત્રા રાજુએ વર્ણવી.

‘રાજુ, દેશનાં શહેરોના નામ બદલવાથી કે ફળોના નામ બદલવાથી આપણી સરકાર અટકવાનું મુનાસિબ સમજ્યું નથી. આપણા સાહેબ નામ બદલવાની પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય ફલક પર લોંચ કરી છે.ગાંધીનગરમાં એક કાર્યક્રમ યોજાયેલો. તેમાં”WHO’ના ટેડરોઝ ગેબ્રેયેસો હાજર હતા. એમણે પાકો ગુજરાતી હોવાનો દાવો કર્યા વગર એફિડેવિટે કરી પોતાના નામનું ગુજરાતી નામકરણ કરવા વિનંતી કરી. નામકરણ અને જાતજાતના મંત્રો રચવાના નિષ્ણાત સાહેબે એમનું નવું નામ ‘તુલસીભાઇ’ પાડી દીધું !’

‘ગિરધરભાઇ, આપણી સરકારે જીવિત વ્યક્તિના નામ બદલવાથી સંતોષ માન્યો નથી. મૃતકનું નામ છગન હોય અને મગન કરીએ તો મૃતદેહને શું ફરક પડે છે? આવી ઉદાર અને ઉદાત ભાવના-વિભાવના સાથે આપણે રામરહીમ સાંસ્કૃતિક વિરાસતના કેન્દ્ર સમાન અલાહાબાદનું નામ ‘પ્રયાગરાજ’ કરી નાંખ્યું ….સારું છે કે અલાહાબાદ બેંકનું નામ પ્રયાગરાજ બેંક નથી કરાયું ! બીજી તરફ, એક મર્હૂમ શાયરનું નામ એમની રજામંદી એટલે કે પરવાનગી વિના પાઠયપુસ્તકમાં તો મર્હૂમ શાયર જોશ મલિહાબાદીનું નામ જોશ પ્રયાગરાજ લખી નાખ્યું! લાગતા-વળગતાને એમ હશે કે શાયર તો ગુજરી ગયા છે આપણું શું ઉખાડી લેશે?’ મેં આપણી સરકારની નિંભર સંવેદનશીલતા રાજુને જણાવી.

‘ગિરધરભાઇ, આપણી સરકાર કરે એ સાંસ્કૃતિક પરિવર્તન કહેવાય, જે સાંપ્રત સમયમાં અનિવાર્ય હોય, પરંતુ, ફેરિયા અને વાંદરાની વાર્તા મુજબ વિપક્ષ નામ બદલવાની ચળ ભાંગે તો એ કોઇ પણ સંજોગોમાં સ્વીકાર્ય અને આવકાર્ય નથી. વિપક્ષને નામ બદલવાનો અધિકાર કોણે આપ્યો? તેની હેસિયત શું?’ રાજુએ વિપક્ષ પર હુમલો કર્યો
‘હા, રાજુ, બિહારની રાજધાની પટણામાં એક પાર્કનું નામ કોકોનટ પાર્ક હતું, પરંતુ, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીના અવસાન પછી ત્યાં એમની પ્રતિમા ગોઠવીને તેનું નામ બદલીને ‘અટલ પાર્ક’ રાખવામાં આવ્યું હતું. આ પાર્કનું નામ બદલીને પાછું કોકોનટ પાર્ક કરવામાં આવ્યું છે! ઘમંડિયા વિપક્ષી સરકાર આવી ગુસ્તાખી કેવી રીતે કરી શકે? વિપક્ષી સરકારના આ નિર્ણયથી બિહારમાં બંધારણનો ભંગ થયો છે એમ ન કહેવાય? આવી સરકાર શા માટે બરખાસ્ત કરી ઘરભેગી કરવી ન જોઈએ ?’

બિહાર સરકારને ક્યારે બરખાસ્ત કરવામાં આવશે તેની ગીધડોળે અનેક લોકો રાહ જોઈ રહ્યા છે…નિર્ણય કેન્દ્ર સરકારે લેવાનો છે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સંગીત સેરેમની બાદ પાર્ટીમાં Radhika Merchantએ પહેર્યો એવો આઉટફિટ કે લોકોએ… જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને…