ઉત્સવ

મોર્નિંગ મ્યૂસિંગઃ સ્ક્રીન વિરુદ્ધ પેપર: ઑનલાઈન વાંચન કેમ છીછરું લાગે છે?

રાજ ગોસ્વામી

ધારો કે તમારે ભારતની હાલની વસતિ કેટલી છે તે જાણવું છે તો તમે શું કરશો?

તમે ઇન્ટરનેટ પર જશો ને ગૂગલમાં સર્ચ કરશો. તમને સટીક સંખ્યા મળી જશે, પરંતુ તમારે ભારતને સમજવું હોય તો તમને ગૂગલ કામ નહીં લાગે. તમારે ભારત વિશે લખાયેલાં પુસ્તકો વાંચવા પડશે. એવું નથી કે ગૂગલમાં ભારતને સમજવા માટેની માહિતી નથી. કદાચ, ગૂગલમાં ભારતને લાગતાં, એક લાઈબ્રેરીમાં હોય તેના કરતાં પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે.

તેમ છતાં, તમે ફિઝિકલ પુસ્તક વાંચીને ભારતને જેટલું સમજી શકશો તેટલું સ્ક્રીન પર એ વાંચીને નહીં સમજી શકો. આમાં ‘જાણવા’ અને ‘સમજવા’નો જેટલો ફરક છે તેટલો જ ફરક કાગળ પર લખાયેલા અને સ્ક્રીન પર લખાયેલા શબ્દનો છે.

એક નવું સંશોધન કહે છે આપણે જ્યારે સ્ક્રીન પર કશું વાંચીએ છીએ અને એ જ વસ્તુ કાગળ પર વાંચીએ છીએ ત્યારે આપણું મન જુદી રીતે તેને આત્મસાત કરે છે અર્થાત્ સ્ક્રીન પર ભારત અંગેની માહિતી (જેમ કે વસતિની સંખ્યા) તો આપણને બરાબર યાદ રહી જાય છે, પરંતુ સ્ક્રીન પર ભારત અંગેની સમજણ કેળવાતી નથી. તેના માટે ખોળામાં પુસ્તક રાખીને વાંચવું પડે. આ માહિતી અને સમજણનો ફરક છે અને તેના માટે માધ્યમ જવાબદાર છે.

સ્પેનના સંશોધકોએ ડિજિટલ અને પ્રિન્ટના કુલ 171,000 વાચકોને સમાવતા જુદા જુદા અભ્યાસ પરથી તારણ કાઢ્યું છે કે લોકો કાગળ પર કશું વાંચે ત્યારે (સ્ક્રીનની તુલનામાં) વધુ સારી રીતે સમજી શકે છે.

કામના કલાકો હોય કે ફુરસદના, આપણા જીવનમાં જ્યાં સ્ક્રીન સર્વવ્યાપી થઈ ગયો છે ત્યારે વાંચનની આપણી પેટર્ન પણ બદલાય તે અનિવાર્ય છે. આજે આપણે સોશિયલ મીડિયાની ટૂંકી પોસ્ટ્સ અને સબ-ટાઈટલ્સવાળા વીડિયોથી લઈને ઈ-બુક્સ, રિપોર્ટ્સ અને શૈક્ષણિક દસ્તાવેજો જેવા લાંબા ક્ધટેન્ટ-માહિતીને ડિજિટલ સ્વરૂપમાં વાંચતા થયા છીએ, જેના માટે સતત ફોકસ અને તીવ્ર સમજણની જરૂર પડે છે.

લેખિત શબ્દને જોવાની અને તેનું અર્થઘટન કરવાની મૂળભૂત પ્રક્રિયા સમાન રહે છે, પરંતુ સ્ક્રીન પર શબ્દને વાંચવો તે કાગળ પરના ‘સ્થિર’ વાંચનથી અલગ છે. વિદ્યાર્થીઓને ઘણી વાર એવું લાગતું હોય છે કે ઑનલાઈન વાંચીને એ વધુ શીખે છે, પરંતુ ટેસ્ટમાં એવું તારણ નીકળે છે કે પ્રિન્ટમાં વાંચવાની તુલનામાં એ ખરેખર ઓછું શીખ્યા હોય છે.

આ પણ વાંચો : મિજાજ મસ્તી ઃ અરે, પ્રેમીઓનું આ કેવું જીવન? લાંબી જુદાઈ… ઓછું મિલન

પ્રશ્ર્ન એ છે કે આવું શા માટે? આની પાછળનું વિજ્ઞાન સમજવા જેવું છે.

માનવ ઉત્ક્રાંતિમાં, વાંચનની ક્રિયા બહુ પાછળથી આવી છે. આપણે બોલતાં અને સાંભળતાં તો હજારો વર્ષ પહેલાં શીખ્યા હતા, પરંતુ વાંચવાનું વધુમાં વધુ 5,500 વર્ષ પહેલાં આવ્યું હતું. આપણે આજુબાજુના લોકોને સાંભળીને બોલવાનું શીખ્યા હતા. એ ઑટોમેટિક હતું, પરંતુ વાંચવાનું શીખવા માટે આપણને બહુ મહેનત કરવી પડી હતી, કારણ કે વાંચવું પ્રાકૃતિક નથી. પ્રાણીઓ આજે પણ એકબીજાને સાંભળે છે અને બોલે છે, પણ તે વાંચી શકતાં નથી.

વાંચવા માટે મગજમાં અલગ નેટવર્ક નથી. તેણે બીજા નેટવર્કનો સહારો લેવો પડે છે. દાખલા તરીકે, માણસો એકબીજાને ચહેરાથી ઓળખે છે અને યાદ રાખે છે. હજારો વર્ષ પહેલાં મગજનો વિકાસ થયો ત્યારે આ ક્ષમતા આવી હતી, કારણ કે સંગઠિત રહેવા માટે એકબીજાને ઓળખવા અને યાદ રાખવા અનિવાર્ય હતા. પાછળથી જ્યારે વાંચવાનું આવ્યું ત્યારે આ ‘જોઈને સમજવા’નું આ નેટવર્ક તેમાં પણ કામ આવ્યું. શબ્દોને ઓળખવા તે માણસોના ચહેરા ઓળખવા જેવું જ કામ હતું, પરંતુ એ તેનું પ્રાથમિક કામ નહોતું. આ એક કામ માટે બનેલી ટેકનોલૉજીનો બીજા કામ માટે ઉપયોગ કરવા જેવું હતું. વાંચતી વખતે એવું જ થાય છે.

એ હકીકત પણ સુંદર છે કે આપણું મગજ સ્થિતિસ્થાપક છે. તેના કારણે જ આપણે ઘણી બધી નવી વસ્તુઓ શીખી શકીએ છીએ. પૃથ્વી પર મનુષ્ય પ્રજાતિ તરીકે આપણે જે તોતિંગ વિકાસ કર્યો છે તેનું પૂરું શ્રેય આપણા મગજની આ વિશેષતાને જાય છે, પરંતુ વિવિધ પ્રકારનાં લખાણ વાંચવાની વાત આવે છે ત્યારે તે સ્થિતિસ્થાપકતા એક સમસ્યા બની જાય છે.

આપણે સ્ક્રીન પર કશું વાંચીએ છીએ ત્યારે મગજ કાગળ પર વાંચવા માટે ઉપયોગમાં લેવાતા કોષો વચ્ચે નવેસરથી કનેક્શન બનાવે છે. એનો અર્થ એ થયો કે મગજ તેના નેટવર્કને એક નવા કામ માટે વાપરી રહ્યું છે. અહીં એ યાદ રાખવા જેવું છે કે આસપાસના અન્ય મનુષ્યો માટે ‘જોઈને સમજવા’નું નેટવર્ક મગજે વિકસાવ્યું હતું. એ જ નેટવર્ક પર પાછળથી એક વધારાની જવાબદારી આવી પડી; કાગળ પરના શબ્દોને ઓળખવાની. હવે એમાં ત્રીજું કામ ઉમેરાયું: સ્ક્રીન પર દેખાતા શબ્દો વાંચવાનું.

પરિણામે, જ્યારે આપણે સ્ક્રીન પર વાંચીએ છીએ ત્યારે મગજ ‘સ્કિમ મોડ’ (સતહી અવસ્થા)માં સરકી શકે છે અને તે જ્યારે કાગળ પર વાંચે છે ત્યારે તે ‘ડીપ મોડ’ (ઊંડી અવસ્થા)માં જતું રહે છે. આનું કારણ છે. સ્ક્રીન પર વાંચતી વખતે મગજની ગતિ તેજ હોય છે (એટલા માટે ટૂંકા મેસેજ અને ટૂંકી પોસ્ટ વધુ લોકપ્રિય છે), પણ મગજ જ્યારે કાગળ પર વાંચે છે ત્યારે ધીમેથી શબ્દોને સ્કેન કરે છે.

આ કારણથી કાગળ પર વાંચેલું વધુ યાદ રહે છે. આજે પણ એવા કરોડો લોકો છે જે કહે છે કે એમને ઑનલાઈન કરતાં હાથમાં પુસ્તક વાંચવાનું વધુ ગમે છે. તેમાં કાગળના સ્પર્શની અને આંગળીઓ વડે પાનાં ફેરવવાની અલગ જ મજા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button