ઓનલાઇન લાડુ કડવા નીકળ્યા: ₹ એક લાખથી વધુની ઠગાઇ
સાયબર સાવધાની – પ્રફુલ શાહ
કોઇ પણ, ખરેખર કોઇ પણ, વસ્તુની ઓનલાઇન ખરીદીમાં છેતરાવાની શકયતા કેટલી? ગણી ન શકાય એટલી બધી. હોટેલ બુકિંગ હોય, એર-ટિકિટ બુકિંગ હોય લગ્ન સંબંધી મામલો હોય કે દિલ સે મિલ દિલનો વિષય હોય, ધુતારા, હાજર મળવાના જ.
મુંબઇની જાણીતી મીઠાઇની દુકાન પરથી લાડુ ખરીદવા હોય તો શું કરો? એમાંય લગ્ન-પ્રસંગ કે કોઇ ઉજવણી હોય તો શું કરવું જોઇએ? મીઠાઇની દુકાને જઇને લાડવા ચાખવા જોઇએ. ગળપણ ઓછું-વધુ કરાવી શકાય અને કદાચ ભાવતાલ પણ થઇ શકે. અંતે ડિલિવરીની ખાતરી સાથે કુલ રકમના અમુક ટકા એડવાન્સ પેટે આપી શકાય. આને લીધે દુકાનદાર કે સેલ્સમેન સાથે ઓળખાણ થઇ જાય જે કોઇ મુશ્કેલી ઊભી થાય તો કામ આવી શકે.
પરંતુ હવે બધે બધુ ઘેરબેઠા મેળવી લેવાની વૃત્તિ રાતે જ વધે એટલી દિવસે વધવા માંડી છે. મુંબઇના ગ્રાન્ટરોડ સ્ટેશન નજીકના ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનની હદમાં આવેલી નામાંક્તિ સ્વીટ શૉપમાંથી લાડુ ખરીદવા માટે એક ભાઇએ ગૂગલ પર સર્ચ શરૂ કરી દીધી. થોડીવારમાં જ તેમને સ્વીટ શૉપનો મોબાઇલ ફોન નંબર મળી ગયો.
આ લાડુ-પ્રેમીએ તરત નંબર ડાયલ કર્યો સામેથી ઓનલાઇન પેમેન્ટ કરવાની સૂચના અપાઇ. સાથોસાથ એક કયુઆર કોડ મોકલાયો. આ કયુઆર કોડ સ્કેન કરીને ગ્રાહકે ચુકવણી કરી, પરંતુ સામેથી ફોન પર વાતચીતમાં વ્યસ્ત રાખીને અલગ-અલગ કારણસર જુદા-જુદા બૅન્ક ખાતામાં રકમ જમા કરાવવા કહેવાતું ગયું. ગ્રાહકે ન જાણે કેમ અને શા માટે કુલ રૂ. ૧.૧૪ લાખ ટ્રાન્સફર કરી દીધા.
પણ પછી ન લાડુની હોમ ડિલિવરી થઇ કે ન રૂપિયા પાછા મળ્યા. પોતાની સાથે છેતરપિંડી થયાનું સમજાતા લાડુના ગ્રાહકે ડી. બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ત્યારે આંચકો લાગ્યો કે એ મોબાઇલ નંબર સ્વીટ શૉપનો નહોતો. સ્પષ્ટપણે આ સાયબર ફ્રોડનો મામલો હતો. આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસે તપાસ શરૂ કરી દીધી.
આ બાબતમાં વધુ એક ચોંકાવનારી હકીકત પર્દાફાશ થઇ કે ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં આવી જ પાંચ-પાંચ ફરિયાદ આવી હતી. આ ઉપરાંત ગાંવદેવી પોલીસ સ્ટેશનમાં આઠ અને મલબાર હિલ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ઠગાઇની એક ફરિયાદ નોંધાયેલી હતી.
પોલીસે પૂરેપૂરી તપાસ કરી, આ ઓનલાઇન છેતરપિંડી હોવાથી કોઇએ આરોપીને જોયો ન હોય અને સાક્ષી પણ ન હોય એટલે ડિજિટલ ફૂટપ્રિન્ટસ જ કામ આવે. આ ઓનલાઇન પગેરું પકડીને પોલીસ છેક રાજસ્થાન પહોંચી ગઇ. અને રાજસ્થાનના પ્રાચીન ડિગ જિલ્લાના ઝીલ પટ્ટી ખાતેથી પોલીસે ૩૧ વર્ષના આરોપીને પકડી લીધો. એની પાસેથી ઠગી કરવા માટે વપરાયેલા બે ફોન, ત્રણ સિમકાર્ડ, નવ ડેબિટ કાર્ડ અને નવ બૅન્કની પાસબુક જપ્ત કરાઇ હતી.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ઓનલાઇન આંગળી ચલાવવાને બદલે ઓન રોડ પગ ચલાવો. છેતરાતા બચી જશો ને તબિયત સારી રહેશે.