ઈન્ટરવલ

આપણામાંથી કોક તો જાગે

૨૦ મે ૨૦૨૪-ઘરમાં પંખા નીચે વાતાનુકૂલિત હવામાં મહાબળેશ્ર્વર, લોનાવાલા, માથેરાનમાં વિરામવ્યસ્ત મતદારને સમર્પિત એક મહાકાવ્ય…

પ્રાસંગિક -શોભિત દેસાઈ

તળપદી અને તત્સમ ગુજરાતી ભાષાને લખોટીઓ રમતાં ભૂલકાંની સહજતાથી એક સાથે ગૂંથી શકનાર કવિવર્ય વેણીભાઇ પુરોહિતે પ્રસ્તુત કાવ્ય સજર્યું હશે ૧૯૪૦-૪૨-૪૫-૪૭ની આસપાસ!

આઝાદીની લડતમાં જોડાવા આહ્વાન-આલબેલ પોકારતી આ કવિતા એ વખતે જેટલી હતી એના કરતાં અનેક ગણી વધારે આજે સમસામયિક છે, જી હા ૨૦ મે ૨૦૨૪ મુંબઇમાં મતદાન દિનનાં સંદર્ભમાં. આપણે આપણા બધા જ અધિકારો ભોગવવા માંગીએ છીએ લોકશાહીના અને એક વધુ રજા મળવાના (રવિની આસપાસ તો ખાસ) લોભમાં આજુબાજુના એકાદ-બે દિવસોને જોડીને મનનાં બિસ્તરાં-પોટલાં બાંધીને ભાગી જઇએ છીએ ખંડાલા, માથેરાન, મહાબળેશ્ર્વર, જરાય દરકાર કર્યા વગર આપણી મત આપવાની ફરજની. અને એ યદવાતદવા પર્યટન સ્થળ પર, ચિયર્સ સાથે ચર્ચા કરીએ છીએ કે આપણી લોકશાહી નકામી છે, અર્થહીન છે. બિનઅસરકારક છે. મહામૂર્ખ અને આત્મઘાતી! તને જાણ પણ છે તારો એક મત કેટલું પરિવર્તન લાવી શકવા સમર્થ છે?! (પ્રમાણિકતા ઉપર પ્રજાની બહુ વિશ્ર્વાસ રાજાને, હોડમાં ઊતરે છે, સલાહકાર સાથે. મુકાવે છે મસમોટું વાસણ અને ફરમાન છોડે છે કે દરેક પ્રજાજન પરિવાર એક એક લોટો દૂધ સવાર સુધીમાં વાસણમાં રેડે…

સવારે જુએ છે તો આવડું મોટું વાસણ પાણીથી ભરેલું). તું પોતે જયાં સુધી નિશ્ર્ચય નહીં કરે, મત નહીં આપે તારા ઉમેદવારને ત્યાં સુધી તને તારી ગમતી, તને સુવિધા આપતી સરકાર નહીં જ મળે નહીં જ મળે, નહીં જ મળે. મને એ તો કહે તેં શા પરથી ધારી લીધું કે તારી ચોમેર ફરતા લોકો તને ગમતા ઉમેદવારને જ મત આપશે, એટલું તું છટકીશ તો ચાલશે?….

આટલા વર્ષેય હજી આપણે બેડીઓ કેમ મહેસૂસ કરીએ છીએ? પરાધીનભાવ કેમ પીડી રહ્યો છે હજી? ફકત મતદાન પરત્વેની આપણી આળસ આપણને પાછી ગર્તામાં તો નહીં ધકેલે? બધી જ નિશ્ર્ચિતતાઓથી પૂરેપૂરા સુરક્ષિત આપણામાંના કેટલાક મત નહીં આપીને આપણાથી ઓછા નસીબદાર ભારતવાસીઓને દગો તો નથી કરી રહ્યાં ને? ‘મારું શું?’ અને ‘મારે શું?’ માં મશગૂલ આપણી આળસ આભથી ચૂવા માટે તૈયાર અમર્યાદ અંધારાં દેખી નથી શકતી? સમરાંગણથી સતત આવ્યા કરતી ઝોળીઓ આતંકવાદ લોહીથી ભરી ભરીને મોકલતો હોય ત્યારે જો આપણે ધ્યાનબહેરાં બનીએ તો એમાં દોષ કોનો? આવા તો અનેક પરિમાણ આળસુ અને તકવાદી મતદાતા સામે મગરમચ્છની જેમ મોઢું ફાડીને ઊભા હોય અને મતદાતા મતદાન કેન્દ્ર તરફ ગતિ ન કરે તો એ મતદાતાની નિર્વિર્યતાને વિશે શોક પણ વેડફાય નહીં… આટલો આળસુ, નિર્વિર્ય મતદાતા હોય ખરો? હું તો માનું છું ન હોય… ના, ના, ન જ હોય…

અને આ સંવાદ તમારી સાથે સાધતી વેળા મારે સૌથી પહેલું ધ્યાન તો ૨૦મી મે સોમવારે સવારે ૮થી૧૦ની વચ્ચે મતદાન કેન્દ્ર પર પહોંચવાનું રાખવાનું છે.

એક વો હૈ જો રોટી બેલતા હૈ
દુસરા વો હૈ જો રોટી પકાતા હૈ
તીસરા વો હૈ જો રોટી સે ખેલતા હૈ
યે તીસરા આદમી કોન હૈ… મેરે દેશ કી સંસદ મૌન હૈ.

  • ધૂમિલ.

આપણામાંથી કોક તો જાગે !
કોક તો જાગે !
આપણામાંથી કોક તો જાગે
કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી
હાય જમાને ઝેરને પીધાં વેરને પીધાં
આધીનતાનાં અંધેરને પીધાં
કૈંક કડાયાં કેરને પીધાં
આજ જમાનો અંતરાશે એક ઘૂંટડો માગે
સાચ-ખમીરનો ઘૂંટડો માગે
આપણામાંથી કોક તો જાગે !
બાપદાદાની બાંધેલ ડેલી
એક ફળીબંધ હોય હવેલી
ગામની ચંત્યા ગોંદરે મેલી
એ ય નિરાંતે લીમડા હેઠે ઢોલિયા ઢાળી
સહુ સૂતાં હોય એમ કાં લાગે ?
આપણામાંથી કોક તો જાગે !
સોડ તાણી સહુ આપણે સૂતાં
આપણે ઓશીકે આપણાં જૂતાં
ઘોર અંધારા આભથી ચૂતાં
ઘોર અંધારી રાત જેવી
ઘનઘોર તવારીખ સોરવા લાગે
આપણામાંથી કોક તો જાગે !
આમથી આવે ક્રોડ કોલાહલ
તેમથી વ્હેતાં લોહી છલોછલ
તોય ઊભાં જે માનવી મોસલ
આપરખાં, વગડાઉ ને એવાં
ધ્યાનબ્હેરાંનાં
લમણાંમાં મર લાઠિયું વાગે !
આપણામાંથી કોક તો જાગે !
કોઈ જાગે કે કોઈ ના જાગે
કોઈ શું જાગે ?
તું જ જાગ્યો તો તું જ જા આગે
આપણામાંથી તું જ જા આગે !
-વેણીભાઈ પુરોહિત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button