ઈન્ટરવલ

દારોમદાર ડૉલર પર… આખલો કેમ ખોડંગાઇ ગયો!

વિદેશી સંસ્થાકીય રોકાણકારો આખલાને ડોલરનો જેટલો ચારો નાંખે એટલો તેજ દોડી શકે અને જો આ ઇંધણ એને ના મળે તો અટવાઇ જાય, અથડાઇ જાય અને તેની ચાલ ખોડંગાઇ જાય!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારના ચાહકો માટે ખૂબ નિરાશાજનક દિવસો ચાલી રહ્યાં છે. નિફટીને સડસડાટ ૨૦,૦૦૦ સુધી દોરી જનારો આખલો એકાએક ફરી નીચી સપાટીએ લપસી ગયો છે અને જાણે તેને આળસ ચઢી રહી હોય એમ પાછો ઊભો જ ના થવા માગતો હોય એવો તાલ દેખાઈ રહ્યો છે. ટેક્નિકલ એનાલિસ્ટ તો એવી ભીતિ દર્શાવી રહ્યાં છે કે તે હજું બે ડગલા પાછળ જશે!

આમ જોવા જઇએ તો શેરબજારની ઉર્ધ્વગતિને અવરોધતા અનેક પરિબળો છે, જેમાં અમેરિકન અર્થતંત્રના ડેટા, યુએસ ટ્રેઝરી બિલની યિલ્ડ, ક્રૂડ ઓઇલના ભાવનો સમાવેશ થાય છે. જોકે, આપણે જો વધુ ઊંડા ઉતરીએ તો મધ્યબિંદુ એક જ જણાય છે અને તે છે એફઆઈઆઈનું વલણ!

વિદેશી સંસ્થાકીય રોકાણકારો આખલાને ડોલરનો જેટલો ચારો નાંખે એટલો તેજ દોડી શકે અને જો આ ઇંધણ એને ના મળે તો અઠવાઇ જાય, અથડાઇ જાય અને તેની ચાલ ખોડંગાઇ જાય!
આપણે ઇંધણનો ઉલ્લેખ કર્યો છે તો એ પણ જાણી લઇએ કે ક્રૂડ ઓઇલ પણ મહત્ત્વનું પરિબળ છે, પરંતુ એની પાછળનું પણ મુખ્ય કારણ તો ડોલરનું ધોવાણ છે. આવો જરા બજારની વર્તમાન સ્થિતિ પર નજર ફેરવીએ અને ડોલરના દારોમદરાને જાણીએ.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)ની એકધારી વેચવાલી માર્કેટની તેજીની કમર તોડી રહી છે અને એવા પરિબળો સર્જાઇ રહ્યાં છે કે જેને કારણે શેરબજારમાંથી ડોલરનું દોવાણ થતું રહેવાની સંભાવના છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ એફઆઇઆઇની વેચવાલી સામે સારી અને ક્યારેક તો વધુ લેવાલી પણ કરી હોવા છતાં બજારમાં સ્થિરતા આવી શકે નથી, એ હકિકત છે. જો આવુ ચાલુ રહ્યું તો તેજી ટકવી મુશ્કેલ છે.

પાછલા સપ્તાહે અમેરિકાની ફેડરલ રિઝર્વના હોકીશ ટોન અને યુએસ ટ્રેઝરી બિલની યીલ્ડ સાથેે યુએસ ડોલર ઇન્ડેક્સની આગેકૂચને પગલે એફઆઇઆઇની વેચવાલી વધતી રહેવાની આશઁકા છે. બજારના નિષ્ણાતો માને છે કે બજારમાં રેકોર્ડ હાઈથી ૨.૭ ટકા માર્કેટ કરેક્શન પછી પણ ઊંચા મૂલ્યાંકનની ચિંતાને કારણે એફઆઇઆઇની વેચવાલી ચાલુ રહી છે.

નિષ્ણાતો આ તબક્કે તો સોંય ઝાટકીને કહી રહ્યાં છે કે યુએસ બોન્ડ યીલ્ડ અને યુએસ ડોલર ઇન્ડેક્સમાં મજબૂતાઈને જોતાં વિદેશી ફંડો શોર્ટ ટર્મ માટે વેચાણકર્તા રહેશે.

એફઆઇઆઇએ ૨૨ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં કેશ સેગમેન્ટમાં રૂ. ૮,૬૮૧ કરોડના શેરનું ચોખ્ખું વેચાણ કર્યું છે. કુલ માસિક આઉટફ્લો રૂ. ૧૮,૨૬૧ કરોડ નોંધાયો છે, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમગ્ર એફઆઇઆઇ આઉટફ્લોને સરભર કરવામાં નિષ્ફળ ગયા છે.

ડીઆઇઆઇએ સાપ્તાહિક ધોરણે રૂ. ૧,૯૪૦ કરોડની ખરીદી કરી હતી, જ્યારે ચાલુ મહિનામાં તેમની ચોખ્ખી ખરીદી રૂ. ૧૨,૧૬૯ કરોડ રહી હતી. સપ્તાહે પણ બંને સત્રમાં એફઆઇઆઇએ વેચવાલી ચાલુ રાખી છે.

યુએસ ટ્રેઝરી યીલ્ડ પાછલા સપ્તાહ દરમિયાન ૪.૪૯ ટકા સુધી ઉછળી હતી, જે ૨૦૦૭ પછીનું સર્વોચ્ચ સ્તર દર્શાવે છે. જેના પરથી વિશ્ર્વની અગ્રણી છ કરન્સીની બાસ્કેટ સામે યુએસ ડોલરનું મૂલ્ય નક્કી થાય છે, એ યુએસ ડોલર ઇન્ડેક્સે ૧૦૫.૫૮ના, નવેમ્બર ૨૦૨૨ પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચીને સતત દસમા સપ્તાહમાં અપટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો.

સરવાળે કહી શકાય કે આ તમામ ઘટનાને પરિણામે શેરબજારમાં ડોલર ખેંચાઇ રહ્યાં છે અને તેને કારણે બજારને ટેકો મળતો નથી. આ ઉપરાંતના અન્ય પરિબળો જોઇએ તો બેન્ચમાર્ક શેરઆંકો ત્રણ સપ્તાહની તેજી પછી ગયા અઠવાડિયે ૨.૫ ટકાથી વધુ ઘટ્યા હતા અને સળંગ ત્રણ સત્રની મંદીની હેટટ્રિકમાં તો ૧૮૦૦થી વધુ પોઇન્ટ ગુમાવ્યા હતા.

બજારમાં આ ઘટાડો મુખ્યત્વે પીએસયુ બેન્કોને બાદ કરતાં મોટાભાગના ક્ષેત્રોની નબળી કામગીરીને કારણે થયો હતો. આવતા વર્ષે ઊંચા વ્યાજદરનો સંકેત આપતા ફેડરલ રિઝર્વના હોકીશ સ્ટાન્સે વૈશ્ર્વિક ઇિક્વિટી બજારના સેન્ટિમેન્ટને ભારે નુકસાન પહોંચાડ્યું છે.

અલબત્ત, એક સકારાત્મક બાબતમાં જેપી મોર્ગન દ્વારા તેના બોન્ડ ઇન્ડેક્સમાં ભારતીય સરકારી બોન્ડનો સમાવેશ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેને લીધે બજારને મળેલો ટેકો પણ ઝાઝો ટક્યો નથી.

ગંભીર કરેક્શન પછી, મોટા ડોમેસ્ટિક ડેટા પોઈન્ટ્સની ગેરહાજરી અને સપ્ટેમ્બર ડેરિવેટિવ કોન્ટ્રાક્ટની સુનિશ્ર્ચિત માસિક સમાપ્તિને કારણે મોટાભાગે અમેરિકાના જીડીપીના ડેટા બોન્ડ યિલ્ડ વગેરે જેવા વૈશ્ર્વિક સંકેતો પર ધ્યાન કેન્દ્રિત કરીને આ સપ્તાહમાં બજાર અફડાતફડી વચ્ચે અટવાતું નેગેટીવ ટોન સાથે વધુ કોન્સોલિડેટ થાય એવી શક્યતા હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું.

પાછલા સપ્તાહ દરમિયાન સેન્સેક્સ ૧,૮૩૦ પોઈન્ટ્સ અથવા ૨.૭૦ ટકા ઘટીને ૬૬,૦૦૯ પોઇન્ટની સપાટીએ, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૫૧૮ પોઈન્ટ્સ અથવા ૨.૫૭ ટકા ઘટીને ૧૯,૬૭૪ પર પહોંચ્યો હતો, જે ટકાવારીની દ્રષ્ટિએ ફેબ્રુઆરી પછીની સૌથી મોટી સાપ્તાહિક ખોટ દર્શાવે છે.

ટેક્નિકલ ધોરણે જોઇએ તો નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી ગુમાવી તો ખરી પરંતુ અનેક મહત્તવના સપોર્ટ લેવલ પણ તોડી નાંખ્યા હોવાથી રોકાણકારો ચિંતામાં મૂકાઇ ગયા છે. નિફ્ટીએ નિર્ણાયક રીતે તેના ૧૯,૮૫૦-૧૯,૯૦૦ સ્તરના નિર્ણાયક સપોર્ટને તોડી નાખ્યો છે અને મંગળવારે ૧૯,૬૬૪ પર બંધ થયો છે. આગામી નિર્ણાયક સપોર્ટ ૧૯,૫૦૦-૧૯,૪૦૦ વિસ્તારની શક્યતા છે.

ટોચના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, વૈશ્ર્વિક ચિંતાઓને જોતાં નજીકના ગાળામાં બજાર દબાણ હેઠળ રહેવાની ધારણા છે.

વૈશ્ર્વિક સ્તરે, રોકાણકારો આ કેલેન્ડર વર્ષના બીજા ક્વાર્ટરના અંતિમ આર્થિક વૃદ્ધિના આંકડાઓ પર નજર રાખશે, જે ૨૮ સપ્ટેમ્બરે રિલીઝ થશે અને ૨૯ સપ્ટેમ્બરે ફેડરલના ચેરમેન જેરોમ પોવેલની સ્પીચ પર રહેશે. રોકાણકારોએ જૂન ક્વાર્ટર ૨૦૨૩ માટે યુકેના જીડીપી નંબરો અને યુએસ દ્વારા ઓગસ્ટ માટેના સાપ્તાહિક બેરોજગારી દાવાઓ અને બાકી ઘર વેચાણ પર પણ નજર રાખવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button