‘જૂની- નવીની નવા જૂની…’
અરવિંદ વેકરિયા
જિંદગીમાં બધું એવું નહીં થાય, જે આપણને ગમશે.. એવું પણ થશે, જે આપણે ગમાડવું પડશે…..
માર્ચ મહિનાની ૨૭ તારીખ એટલે ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ ! કલાકારો માટે રૂડો અવસર.. અનેક સંદેશાનાં ઘોડાપુર આ દિવસની યાદ અપાવવા તમારા મોબાઈલ ઉપર ઠલવાશે, પણ આને લઈને કોઈ ઉજવણી થાય…જે થોડા અપવાદ બાદ કરતાં થતી નથી.
ઘણાએ આ રંગભૂમિના ભાગલા પાડી દીધા છે. મોઢે રંગ લગાડી, મળેલાં પાત્રમાં પરકાયા પ્રવેશ કરી તખ્તે રમતા કલાકારો પહેલા પણ હતા અને અત્યારે પણ છે ,છતાં હજી સમજાતું નથી કે ભાગલા રંગભૂમિના પાડી આવું ‘જૂની રંગભૂમિ’ નામ ક્યા ફૈબાએ પાડ્યું હશે?
પરિવર્તન એ દુનિયાનો નિયમ છે એ વાસ્તવિકતા સ્વીકારીએ તો ચોક્કસ રંગભૂમિ ‘અપ-ગ્રેડ’ થઇ છે, પણ એ ‘જૂની’ અને ‘નવી’ એવું વિભાજન કેમ? જૂની પણ તખ્તાની અને નવી પણ તખ્તાની જ ‘ભૂમિ’ છે. જૂનાં નાટકો પર એક નજર કરું છું તો યાદ આવે છે, ‘છૂટા-છેડા’, ‘સંસ્કારલક્ષ્મી’, ‘સર્વોદય’, ‘જીગર અને અમી,’ ‘વડીલોના વાંકે’, ‘સંતાનોના વાંકે’, ‘વિમળજ્યોતિ’ ‘માયા’ અને ‘મમતા’, ‘સામે પાર’ ….યાદી પૂરી કરવા બેસું ને યાદ સાથ આપે તો બે-ત્રણ લેખ તો માત્ર નાટકોનાં નામથી જ પૂરા કરવા પડે.
કહેવાતી આધુનિક રંગભૂમિમાં સ્ટેજ ઉપર વિવિધતા માત્ર અમુક નામી દિગ્દર્શકો જ કરી શક્યા છે. હું નાનો હતો ત્યારે ‘સામે પાર’ નાટકમાં મેં મિરર-ટેકનિક જોયેલી, જેમાં એક સેક્ધડમાં ‘જડભરત’ અને બીજી સેક્ધડે ‘આદમી’ પ્રેક્ષકો નિહાળી શકતા.
તો એ જ નાટકમાં પોતાનો વધ કરવા જતો યુવાન તલવારથી પોતાનું માથું કાપે કે તરત પડદો ફોટા આકારનો ચીરાય જાય અને એમાંથી મા-લક્ષ્મી સાક્ષાત પ્રગટ થાય..! એક નાટક હતું ‘સંપતિ માટે’, જેમાં આખું ફાયર બ્રિગેડ તખ્તા પર આવતું અને ત્યાં ઈન્ટરવલ પડતો. જેને આપણે જૂની રંગભૂમિ કહીએ છીએ એ પૂરતાં સાધનો વગર કઈ રીતે કરી શકતા હશે? આજે જ્યારે પૂરતી ટેકનિક રહે છે ત્યારે કેમ આવા પ્રયોગ જોવા નથી મળતા? આજે ‘જૂની’ ભલે ભૂતકાળ થઈ ગઈ પણ એક ભડવીર હતો. વિનયકાંત દ્વિવેદી (પ્રભુલાલ દ્વિવેદી, જેમણે જૂની રંગભૂમિની ખુબ સેવા કરી. એમના એ સુપુત્ર), જેમણે ‘સંભારણા’ નામનો એક કાર્યક્રમ શરૂ કર્યો હતો. એમાં જૂની રંગભૂમિના નાટકનાં દ્રશ્યો રજૂ કરાતાં, પરંતુ એ માત્ર એ વખતના પ્રેક્ષકો, જેમણે ‘જૂની’ વિષે થોડું ઘણું સાંભળેલું હોય એ જ આવતા. ‘જૂની’ ને પુનર્જિવીત કરવાનું સપનું વિનયભાઈનું સાકાર ન થયું. અત્યારની યુવાન પેઢી છે, તેમાંથી મોટા ભાગે અંગ્રેજી માધ્યમની છે, ‘નેટફલિક્સ’ જેવાં ઓ.ટી.ટી. પ્લેટફોર્મ્સ જુએ છે. ‘લાઈવ આર્ટ’ ને અધમુઈ કરી નાંખી છે.
જૂનાં નાટકો, જેમાં ગીતો રહેતાં, વાર્તાઓ પણ સુંદર રહેતી એ મને બધું
ગમતું. હવે તો આખો યુગ બદલાય ગયો. આ હકીકતનો સ્વીકાર કરવો જ પડે કે જિંદગીમાં બધું એવું નહીં થાય જે આપણને ગમશે અને એવું પણ થશે જે આપણે ગમાડવું પડશે.
જૂની રંગભૂમિની અહીં વાતો વાગોળી નવી રંગભૂમિને નીચી દેખાડવાની કોઈ વાત નથી જ નથી. ‘નવી’ એની જગ્યાએ મજબૂત છે. હા, એવા લેખક ઓછા છે , જે કથાવસ્તુને પ્રાધાન્ય આપે. બાકી નર્યા જોક્સનો થોકડો વીણી વીણીને ઠાલવે છે. જો કે આજનો મુંબઈકર આ શહેરની હાડમારી વેઠી આવું જ મનોરંજન ઈચ્છે છે એ માન્યતા નિર્માતાઓમાં દ્રઢ થઈ ગઈ છે અને એટલે પોતાનાં નાટકો એ રીતે રજૂ કરે છે. અમુક ૫૬ની છાતીવાળા નિર્માતા-દિગ્દર્શકો છે જે કોઈ પ્રેરણા આપતી, પોતાને ગમતી કથા લોકો સ્વીકારે તો ઠીક, પણ પોતાનું મનગમતું રજૂ કરવાની હિંમત કરે જ છે. કમનસીબે એવી વ્યક્તિ આંગળીને વેઢે ગણાય એટલી પણ માંડ છે.
જૂની રંગભૂમિના મૂળ ખૂબ ઊંડા છે, જે આજે લોકોને ગમતા નથી એ પણ એટલું જ સાચું છે. ઘણીવાર તમારા મૂળ નબળા નથી હોતા, કાપનાર કુહાડી જ વધારે ધારદાર હોય છે. એવું લાગે છે કે હાલના નિર્માતા-દિગ્દર્શકોએ જૂની રંગભૂમિને જાણે તિલાંજલિ આપી દીધી છે ને નક્કી કરી લીધું છે કે ફરીને પાછળ જોવાનું મેં છોડી દીધું છે. જે છૂટી ગયું એ મારું હતું જ નહિ’.
આમ છતાં ‘રંગભૂમિ’ એ ‘રંગભૂમિ’ જ રહેશે તો આપણે જૂની’ અને નવી’ જેવા સંબોધન કાઢતા શીખી એને કલા’ તરીકે અપનાવી લેવી જોઈએ.
મારે માટે જૂની રંગભૂમિ એટલે વીતી ગયેલો સમય.હાલનો ચાલી રહેલો સમય એ આધુનિક કે નવી રંગભૂમિ અને તખ્તા માટે
આવનારો સમય એટલે ઉમીદ્દ,, તખ્તો જીવ્યો છે, જીવે છે અને જીવતો રહેશે.
૧૯૭૪મા જયારે માત્ર દુરદર્શન જ અસ્તિત્વમાં હતું ત્યારે દર રવિવારે હિન્દી ફિલ્મો બતાવવાનું શરુ થયું. અને નાટકમાં પ્રેક્ષકોની હાજરીમાં બહુ મોટો ફરક પડેલો. એ સમયે બહુરૂપી સંસ્થાના નિર્માતા લાલુ શાહે મને કહેલું : જાડિયા, હવે આ રંગભૂમિ વરસ-બે-વરસ માંડ જીવશે, પણ એ ખોટા પડ્યા એ વાતનો આનંદ છે…કોરોના કાળ પછી માંડ માંડ ફરી બેઠી થયેલી રંગભૂમિને હવે ધીમે ધીમે કળ વળી રહી છે, પ્રેક્ષકો હવે થિયેટર ભણી થોડા થોડા વળી રહ્યાં છે. વળી ગયેલી કળને વાળવી હશે.
તો બળથી નહિ કળથી કામ કરવું પડશે, ક્ધટેટ- કથાવસ્તુ પર ફોકસ કરવું પડશે. પાયાનાં ઘણા પથ્થરો હતા, જેમણે ઘરે-ઘરે ટિકિટો વહેંચીને ‘રંગભૂમિ’ માટે જાત ખપાવી દીધી, એ બધાને નત-મસ્તક
વંદન.બાકી જેને જીવંત કલા (લાઈવ આર્ટ) કહીએ છીએ એ કદી મરવાની નથી… આનંદ મરા નહિ, આનંદ કભી મરતે નહિ!
ઇંગ્લિશ શીખવાડો પણ ગુજરાતી માતા- પિતાને અરજ છે કે પોતાની માતૃભાષા જો ગુજરાતી છે તો સંતાનોને માની ભાષાથી વિમુખ ન કરો- એમને શીખવાડો. સંતાનોને આંગળી પકડી એમને થિયેટર સુધી લાવવા પડશે. બાકી જૂની ગઈ નથી, પણ નવા રૂપ રંગે થોડી આધુનિક બની જરૂર છે. બાકી સૌ સૌની નજરની વાત છે.
આ બધી વાત યાદ કરતા એક સરસ જોક યાદ આવે છે….
એકવાર સરદારજી ગાડીમાં મિત્રો સાથે પિકનિક માણવા જઈ રહ્યાં હતા. સ્ટિયરિંગ સરદારજીના હાથમાં હતું. સાથે બેઠેલા મિત્રોને કાચમાંથી કશું દેખાતું નહોતું, પણ સરદારજી સડકનાં બધા ખાડાથી બચાવતો સરસ ગાડી ચલાવી રહ્યો હતો. મિત્રોએ પૂછયું : યાર, કાચમાંથી અમને કઈ ચોખ્ખું દેખાતું જ નથી અને તું આટલી પરફેક્ટ ગાડી કઈ રીતે ચલાવી શકે છે? સરદાર બોલ્યો, તમને શું વાત કરું? મારી ભૂલવાની આદતથી અત્યાર સુધીમાં ૧૨૦૦ ચશ્માં મેં ખોઈ નાખ્યા છે. દરેક વખતે ચશ્માં બનાવી બનાવીને હું હેરાન થઈ ગયેલો. પછી ગાડીને જ ચશ્માના નંબરનો કાચ ફીટ કરાવી દીધો છે !
કદાચ સરદારને જૂની રંગભૂમિ સુરેખ રીતે દેખાતી હોય અથવા સંભવ છે કે મિત્રોને કદાચ નવી રંગભૂમિમા ઓતપ્રોત હોવાથી જૂની રંગભૂમિનાં ભૂલાયેલા પડળને કારણે આંખને નવી ‘રંગભૂમિના કાચ’ ની જરૂર હોય…!
જૂની કે નવી, રંગભૂમિ નવા વાઘા ભલે ધારણ કરતી, પણ ‘રંગભૂમિ’ એ ‘રંગભૂમિ’ જ રહેશે. એને જોવા માટે પ્રેક્ષકોનો ઉમળકો વધતો રહેવો જોઈએ. જનરેશન ભલે બદલાતું રહે, અને એ બદલાતું જ રહેશે પણ વારસામાં જો ‘લાઈવ આર્ટ’ આપણી પેઢીને આપીશું તો આજના ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ ની અણમોલ ભેટ ગણાશે તો, વિલંબ શાને,મિત્રો ?
વિલંબથી હતાશા જન્મે, વિલંબ ટાળો. બસ, આજના આ સપરમાં દિવસે આપ સૌ વાચકોને, જેમને તખ્તાથી પ્રેમ છે અને જેમનામાં જન્મી રહ્યો છે એ સૌને ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ની શુભકામના.
જય નટરાજ !