ઈન્ટરવલ

જૂના ભ્રમ ભાંગી રહ્યા છે નવા સર્જાતા જાય છે…

કપિલદેવ શુકલ

આજના અવસરે સમગ્ર વિશ્વમા દરેક ભાષાઓમાં નાટકના કળાકારો કંઈકને કંઈક વિશેષ ભજવણી કે પ્રસ્તુતી કરતા રહેતા હોય છે.

આ રીતે વૈશ્વિક આહ્લેક જગાવી કળાકારો રંગભૂમિ સહિત પોતાના અસ્તિત્વની આલબેલ પોકારતા રહે છે.

એક અનિવાર્ય સ્પષ્ટતા છે કે આજના વિષય માટે ગુગલ કે અન્યત્ર સહજ ઉપલબ્ધ હોય તેવી વાત અહીં કારણ વિના લેવાશે નહીં. વળી નામો, હા, નામોનું પણ એવું જ રહેશે. આટલાં સૈકાઓમા ભજવણીના સ્થળને ગુજરાતી રંગભૂમિબનાવનાર કળાકારોનાં એટલાં બધાં નામો જાણીતા માનીતા કે સાવ અજાણ્યા રહ્યા હોવાથી એ નામો જ્યાં જ્યાં જરૂરી લાગે ત્યાં ત્યાં સૌએ મુક્ત મને ગોઠવી લેવા.

ગુજરાતી રંગભૂમિ એટલે.

ગુજરાતી રંગભૂમિ’ના સાચા તેમજ બૃહદ અર્થમાં ભવાઈ, રામલીલા, રાસધારીના ખેલ સમા લોકનાટ્યો, લોકનૃત્યો, લોકસંગીત તથા આ સર્વે કળાઓના અભિજાત-શાસ્ત્રીય સ્વરૂપો પણ સમાહિત છે.

ઈતિહાસ રચનાર તેને લખવાની કાળજી નથી કરતો. અસાઈત ઠાકરે ૧૪મી સદીમાં લોકનાટ્ય ભવાઈના ૩૬૫ વેશો ગુજરાતી ભાષા’મા જ રચી, તેને ભજવીને ગુજરાતી રંગભૂમિનો સાચો પ્રારંભ કર્યો હતો, આ ઐતિહાસિક તથ્ય છે.

હા,આપણે માત્ર ચોથી દીવાલ’માંથી જોવાના કે થિયેટરમાં બેસી જોવાના કે પડદા-જવનિકા’ના નાટકોને કેન્દ્રમાં રાખી વાતો કરીએ; તો તેવા પ્રકારના નાટકો તો સમગ્ર રંગભૂમિનો માત્ર એક ભાગ બને છે- એ સમગ્ર રંગભૂમિ નથી બની જતી. એવા ચોથી દીવાલના કે થિયેટરમાં બેસી જોવાના પડદા’નાં ગુજરાતી નાટકો ૧૮૫૩મા પારસીઓએ મુંબઈમાં શરૂ કર્યા હતા તે પણ સત્ય છે.
ગુજરાતી ભાષાના અર્વચીનોમા આદ્ય વીર કવિ નર્મદે નાટકો પણ રચ્યા હતા; નાટકને સાવ સરળ રીતે સમજાવતા એમણે લખ્યુ કે.

હું બની બનાવું રંગ ઉપજાવું, હસવું લાવું ખડ ખડ ખડ;
ફરેબ લગાવું, ક્રોધ જગાવું, આંસુ પડાવું દડ દડ દડ!!!
સહુને નચાવું, તોબા કરાવું, વળી વરસાવું ભય ભય ભય!
ખોડ છુપાવું, બહુ જસ પામું, સહુને અપાવું, જય જય જય!
૧૮૫૩ પછીનો એ સમય હતો જ્યારે મનોરંજન માટે માત્ર નાટકો જ હતાં એટલે ત્યારે ઘણી નાટક કંપનીઓ એક યા બીજા કારણે અસ્તિત્વમાં આવી હતી. જેને જૂની રંગભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ તેના નાટકો વન્સમોરને કારણે આખી રાત ભજવાતા. ગીત-સંગીત, નૃત્ય ભર્યા જૂની રંગભૂમિના નાટકો કંપનીઓ દ્વારા મુંબઈ, કલકત્તા, ગુજરાત સહિત આખા દેશમાં અનેક સ્થળે ચોમાસા સિવાય આખુ વર્ષ ભજવાતા. એ નાટક કંપનીઓએ સેંકડો નાટકોના હજારો પ્રયોગો કર્યા હતા. ચમત્કૃતિસભર એ નાટકોએ પ્રેક્ષકોને એવા તો મુગ્ધ કર્યા હતા કે એ નાટકો માણવા રસિક પ્રેક્ષકો ટ્રેન જોડી જોડીને આવતા.

આડ વાત : ગુજરાતી રંગભૂમિનું સૌ પ્રથમ મૌલિક નાટક પુસ્તક સ્વરૂપે ૧૮૬૨મા પ્રકાશીત થયું તે ગુલાબ, લેખક શ્રી નગિનદાસ તુળજાદાસ મારફતીઆ; એમણે ગુજરાતી ભાષામાં અને તેમાંયે ખાસ સુરતી બોલીમાં તે લખ્યું અને નર્મદને અર્પણ કર્યું હતું. તો ગુજરાતી ભાષાની સૌ પ્રથમ મૌલિક નવલકથા કરણઘેલો’ પણ સૂરતના લેખક શ્રી નંદશંકર મહેતાએ લખી ૧૮૬૬મા પ્રગટ કરી હતી. આમ સૌ પ્રથમ ગુજરાતી કરણ-ગુલાબ-ઘેલો હતો.

મૂળ વાત, જૂની રંગભૂમિ ૧૯૪૭ પછી મંદ પડતી ગઈ અને ભાંગવાડી તૂટ્યા પછી તો અસ્તીત્વહીન થઈ ગઈ. ભવાઈમાં પ્રવેશેલી અશ્લીલતા અને અન્ય વિકૃતિઓ નેસ્તનાબૂદ કરવા જૂની રંગભૂમિનો રંગમંચે ઉદય થયો હતો. વખત જતા એવા જ ઘણા કારણોસર જૂની રંગભૂમિ વિનાશની દિશા અને દશા વહોરી બેઠી.

આ છે આપણી રંગભૂમિની ગઈકાલની અલપઝલપ ઝલક.

અર્વાચીન અવૈતનિક ગુજરાતી રંગભૂમિનો પાયો સૂરતના ચન્દ્રવદન ચીમનલાલ મહેતાએ એલફીસ્ટન કોલેજમા લાલિયા પરાપર ભજવીને મુંબઈ ખાતે નાખ્યો હતો.

પછી આવી સ્પર્ધાઓહા, સ્પર્ધાઓ વર્ષોવર્ષની એ વિવિધ નાટ્યસ્પર્ધાઓએ ઉત્તમ – લેખકો, દિગ્દર્શકો, અભિનેતા-અભિનેત્રીઓ, સંગીતકારો, સેટડિઝાઈનરો, લાઈટ ડીઝાઈનરો, નિર્માતાઓ – નાટ્યકળાને આપ્યા; અને છોગામાં રસિક પ્રેક્ષકોને થીયેટર સુધી લાવી નાટકો માણતા કરી દીધા.

..અને પાંગરી સવેતન રંગભૂમિ.

તેની શરૂઆતમાં કળાકારોએ ઘેર ઘેર જઈ ઉત્કૃષ્ટ મનભર નાટકોની બતાવવાની ખાતરીઓ આપી અને પાળી પણ. નવી રંગભૂમિ ઉપર વિષય વૈવિધ્યની લીલાએ રંગમંચના રાજપાટની ચોપાટોને, બળવત્તર ખેલ તરીકે જીવંત રાખવા અગણિત મહામૂલી સોગઠીઓ પૂરી પાડ્યા
કરી છે.

મુંબઈ હંમેશા ગુજરાતી નાટકોનું કેન્દ્ર રહ્યું છે. ગુજરાત અને મુંબઈ ખાતે છેલ્લા ૭૫-૮૦ જેટલાં વર્ષોના પ્રલંબ સમયપટ પર આપણી નવી રંગભૂમિની આજ’ હજીયે પોતાના અસ્તિત્વના આભા-આનંદ પ્રસરાવી જીવંત રહી છે.

શરૂઆતે યોગક્ષેમ માટે કળાકારો કોઈ નોકરી કે અન્ય વ્યવસાય કરવા સાથે નાટ્ય પ્રવૃત્તિઓ થોભ્યા વગર કરતા રહ્યા.સમય જતા સવેતન નાટ્યપ્રવાહ બળવત્તર બનતો ગયો.

આ સમયે પ્રેક્ષકોને કયા નાટકો જોવા સારા? એનો નિર્ણય કઈ સંસ્થાનો નાટક છે તેના પર મદાર બંધાતો. પછીના સમયે કયા દિગ્દર્શકનો છે એ નાટક? તે જોવા માટેનુ આકર્ષણ બન્યું. ત્યારબાદ નાટકમા કોણ કોણ અભિનય કરી રહ્યા છે તે જાણી ટિકિટો ખરીદાતી. હવે આયોજકો, પ્રસ્તુત કર્તા જોવાય છે.

આમ સમયે સમયે કોનો સમય ચાલે છે તે સમય ઓળખાવતો રહ્યો છે. આપ કહો, આ બધામાંથી આજે નાટક જોવા તમે શેના પર સૌ પ્રથમ પસંદગીનો કળશ ઢોળી શકશો?
વિષય વૈવિધ્ય પરથી લેખન વૈવિધ્યની લેખણ સૂકાતી જાય છે?

કે નાટકમાં માત્ર હસવા-હસાવવા માટેના પેંતરાઓ, કિમીયાઓ શોધતાં શોધતાં ઘણુ કરીને એકનીએક હાસ્યજનક નીતિરીતિઓમાંથી ધીરેધીરે હાસ્યાસ્પદ સુધી તો સરકી નહી જવાય ને? આવી સભાનતાએ નાટકને બચાવી સજાવી રાખ્યું હોય તેવું વર્તાય છે.

આજે વિવિધ ટેકનીક્સનુ જે પીઠબળ રંગભૂમિને સાંપડે છે તે ખરેખરા અર્થમાં સંમોહક છે.નાટકના દ્રશ્યનો ભાવ તેવી ટેકનીક્સ વડે પ્રેક્ષકોને સીધો સંક્રાંત કરવા ઉપયોગી અને મહત્વપૂર્ણ નીવડે છે.
હા, પણ એ જો મોહ બની જાય તો? જોનારને આંજી નાખવા ટેકનીક, સંગીત, નૃત્ય અને પ્રકાશના ભ્રામક રંગીન રેપરમાં મૂકી દેવાય તો?

નાટકાના મુખ્ય કરણ ઉપર તેના ઉપકરણો હાવી થાય ત્યારે, તેમાંથી મૂળ નાટક શોધતા રહેવાનું બીજું શું?

આવતીકાલની રંગભૂમિ..
વોટ્સએપ, ફેઈસબુક, ટ્વીટર, એક્સ વિગેરેમા સતત ડૂબેલાં વ્યક્તિના રોજના ઓછામાઓછા લગભગ પાંચેક કલાક જેટલો સમય વહી જતો હોય છે, જે સાદા કે વિશદ વાંચન કરનારાઓ માટે વિષદ બની જાય છે, એ સ્વીકારવું જોઈએ.

આજનો આ રંગમંચ ક્યારે? કેવા સંજોગોમાં? કઈ રીતે? આવતીકાલની રંગભૂમિ બની જશે એ જાણવું, સમજવું કે કલ્પવું જરા અઘરું છે.

પરંતુ એટલું ચોક્કસપણે કહી શકાય કે
ગઈકાલની અને આજની-સાંપ્રત રંગભૂમિના શ્રેષ્ઠ તત્વો અને સત્વોમાંથી આવતીકાલની ગુજરાતી રંગભૂમિ જો પાંગરશે તો તે સાચા અર્થમા આવાંગાર્દ હશે. એટલું નહીં, તેના સમયપટ પછી ઘડાનારી પરમ દિવસની આપણી રંગભૂમિ માટે તે માનદંડ અને માપદંડ સમી બની
રહેશે.

તો આ ક્ષણે સમગ્ર નટચમૂ એટલે કે સૌ – કળાકારો, લેખકો, દિગ્દર્શકો, નિર્માતા અને પ્રેક્ષકોને – માટે એવી અદભૂત ગુજરાતી રંગભૂમિ માટે હૃદયભરી શુભકામનાઓ સાથે આજના આ પ્રયોગ પર પડદો પાડીએ..

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button