વૃદ્ધાવસ્થા એટલે શાણપણ-સમજણ-શાંતિનો સમય
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
મનુષ્યની ત્રણ અવસ્થા છે:
બાલ્યાવસ્થા- યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થા.
બાલ્યાવસ્થાનો સમય જિજ્ઞાસા અને કુતૂહ્લનો છે. યુવાની એટલે જુસ્સો – ધગશ ને કંઈક કરી છૂટવાની તાલાવેલી.જયારે વૃદ્ધાવસ્થા એટલે શાણપણ,સમજણ,શાંતિ અને સ્થિરતાનો સમય.
આ ત્રણેય વસ્તુ દરેક પાસે હોય એવું માની લેવાને કારણે નથી.અકાળે વૃદ્ધ થતાં યુવાનો પણ જોવા મળે છે અને વૃદ્ધાવસ્થામાં યૌવનની પ્રતીતિ કરાવતા વૃદ્ધો પણ જોવા મળે છે.
વય વધે એટલે શાણપણ પણ વધે એવું નથી.ચોવીસ કલાક ભૂતકાળને વાગોળતો માણસ વૃદ્ધ થયો છે તેમ સમજવું.૬૫ વર્ષે પણ પીએચડી કરનારા ઘણા છે.૭૫ વર્ષની ઉંમરે પણ ચાર કલાક સુધી પલાંઠી મારીને રામકથા કરનારા સંતો પણ છે. ૮૦ વર્ષે બાર બાર કલાક સુધી ફિલ્મનું શૂટિંગ કરીને દીકરાથી વધુ કમાણી કરનારા ફિલ્મસ્ટાર પણ છે. ૮૫ વર્ષે અનેક વર્તમાનપત્રની કોલમ લખનારા સાહિત્યકારો પણ છે.પ્રવૃત્ત વૃદ્ધોની યાદી બેરોજગાર યુવાનોને ટક્કર મારે એવી છે.
વિશ્ર્વભરના વડીલોનું સર્વે કરવામાં આવે તો ભારતના વૃદ્ધો જેટલો સમૃદ્ધ વૃદ્ધ ભાગ્યે જ કોઈ દેશમાં નીકળે.મનુષ્ય જીવનમાં ત્રણ ફીલિંગ્સ વૃદ્ધત્વની વેક્સિન જેવી લાગે છે:
ફિલિંગ્સ ઑફ એકસપ્ટન્સ (સ્વીકારે એ સુખી) : દરેક પરિસ્થિતિનો સહજ રીતે સ્વીકાર એ જ અકસીર ઈલાજ છે. દરેક માતા- પિતાએ સ્વીકારવું જ રહ્યું કે કામ ધંધાને લીધે સંતાનો પાસે સમયની ખેંચ હોય તો એની લાગણી ઘટી છે એવું ન સમજવું. ઈચ્છાઓ તો મહેલોની પણ અધૂરી રહેશે અને જરૂરિયાત તો ઝૂંપડાની પણ પૂરી થાય છે.
ફિલિંગ્સ ઑફ સેટિસ્ફેકશન (સંતોષી નર સદા સુખી) : જીવનમાં સંતોષની માત્રા વધારે એમ સુખની માત્રા પણ વધારે. સંતોષી નર સદા સુખી.આ ઉમરે જે મળ્યું છે તેને બોનસ સમજવું.
ફિલિંગ્સ ઑફ ફરગિવનેસ (ક્ષમા આપવામાં જ સુખ): જીવનના અંતિમ પડાવમાં જતું કરવાની ભાવના રાખવામાં જ ભલાઈ છે. સ્વજનો, સંતાનો અને સમાજના દરેક લોકોને માફી આપવામાં જ શાણપણ પણ રહેલું છે.માફી આપતા નહીં આવડે તો કોઈ માગી તાલી પણ નહીં આપે.
વૃદ્ધાવસ્થા એ એક વાસ્તવિકતા છે.સૌ કોઈએ તેનો સ્વીકાર કરવો જ રહ્યો.આ ઉંમરે આજુબાજુના માણસો ઘટવા લાગશે.પતિ કે પત્ની ધાર્યાં કરતાં વહેલા કે મોડા મૃત્યુ પામી શકે.આવા સમયે એકલા રહેતા શીખવું પડશે અને એકલા રહીને પણ આનંદમાં રહેતા શીખવું પડશે. આ સમયે સમાજનું તમારા તરફનું ધ્યાન ઘટતું જશે.આપણી ભૂતકાળની કારકિર્દી ગમે તેટલી ભવ્ય અને ઉજજ્વળ હોય, પરંતુ નિવૃત્તિ પછી આપણી જાતને ઊડી ગયેલા બલ્બ જેવી સમજવી.વીજળીનો બલ્બ જ્યાં સુધી સાબૂત હોય છે, ત્યાં સુધી તેની કિંમત ૧૦૦-૨૦૦ કે ૫૦૦ ના વોલ્ટની ગણતરીમાં આવે છે, પરંતુ આ બલ્બ જ્યારે ઊડી જાય છે ત્યારે બધા જ બલ્બની કિંમત શૂન્ય થઈ જાય છે. ઉડેલા બલ્બની કોઈ કિંમત નથી હોતી.એવું જ કંઈક નિવૃત્ત અવસ્થાનું છે.
હેરોલ્ડ બ્રેચરે એક પુસ્તક લખ્યું છે: “The life is uncertain.Eat first desert.’
અર્થાત જિંદગી અચોક્કસ છે.મિષ્ટાન પહેલા આરોગી લેવું.મનગમતી પ્રવૃત્તિ પહેલા કરી લેવી.
૬૦ – ૭૦ વર્ષની ઉંમરે પૈસા કમાવા પાછળ દોડવું નકામું છે.એક સિનિયર સિટીઝનની સભામાં મોટીવેશનલ સ્પીકર પ્રવચન આપી રહ્યા હતા.આ સભામાં અઢીસો જેટલા સભ્યો ઉપસ્થિત હતા.વક્તાએ સભામાં પ્રશ્ન કર્યો કે આ ઉંમરે પણ કેટલા લોકો એવા છે કે જેને આજીવિકા માટે કામ કરવું પડે છે? ૨૭ લોકોએ હાથ ઊંચો કર્યો.
વક્તાએ બીજો પ્રશ્ર્ન કર્યો : આ ૨૭ લોકોમાંથી એવા કેટલા લોકો છે કે જેને કમાવા સિવાય કોઈ વિકલ્પ નથી ?’ તો ફક્ત ચાર લોકોએ હાથ ઊંચો કર્યો.બાકીના ૨૩ વ્યક્તિને કમાવાની જરૂર નહોતી, છતાં પણ એમણે કામ – ધંધો ચાલુ રાખ્યો હતો.
આ વાત પર પ્રકાશ પાડવા વધુ એક પ્રસંગ જોઈએ. ૭૨ વર્ષની ઉંમરે એકલવાયુ જીવન જીવતા એક બુઝુર્ગ ડિપ્રેશનમાં આવી ગયા હતા.એટલે એ મનોચિકિત્સક ડોક્ટર પાસે ગયા.
ડોક્ટર: તમારા દીકરા દીકરી શું કરે છે ?
બુઝુર્ગ : એમને પરણાવી દીધા છે અને એ બધા સુખી છે.પત્ની ગુજરી ગયા છે.જીવનમાં કોઈ જલસો નથી.
ડોક્ટર : એવી તમારી કોઈ ઈચ્છા ખરી કે જે પૂરી ના થઈ હોય ?
બુઝુર્ગ :હા, એક ઈચ્છા હતી કે એક દિવસ કોઈ ફાઈવસ્ટાર હોટલમાં રોકાવ.
ડોક્ટર : તમારી પાસે મિલકત કેટલી છે ?
બુઝુર્ગ: હું હાલમાં રહું છું તે એક ફલેટ અને એક મોટો ૧૦૦૦ મીટરનો ખાલી પ્લોટ છે,જેની કિંમત આઠ કરોડ રૂપિયા જેવી છે.
ડોક્ટર : તમને એમ નથી થતું કે તમારી પાસે જે મિલકત છે,તે વેચીને તમે જલસાની જિંદગી જીવો? મારું માનો તો એ પ્લોટ વેચી નાખો.જે આઠ કરોડ રૂપિયા આવે તેમાંથી ચાર કરોડની મિલકત લઈ લો અને બાકીના ચાર કરોડ વાપરવા માંડો.એક ફાઈવ સ્ટાર હોટલમાં જેનું ભાડું રોજના દસ હજાર છે,તેમાં રહેવા માંડો.ત્યાં તમને સ્વિમિંગ પુલ,જીમ, મનગમતાં ભાવતાં ભોજન મળશે અને અનેક લોકોને મળવાનું બનશે.દર ત્રણ મહિને શહેર બદલી નાખો. તમને જીવન પ્રત્યે પ્રેમ જાગશે અને તમારું ડિપ્રેશન કાયમને માટે દૂર થઈ જશે.
મનોચિકિત્સકની સલાહ મુજબ એ બુઝુર્ગ દસ હજારના ભાડાવાળી ફાઈવ સ્ટાર હોટલમાં રહેવા ગયા.આનંદ અને જલસામાં દિવસો પસાર થવા મંડ્યા.૮૨ મા વર્ષે જ્યારે એમનું અવસાન થયું ત્યારે ચાર કરોડમાંથી એક કરોડને પાંત્રીસ લાખ જેટલા રૂપિયા બચ્યા હતા અને ચાર કરોડની લીધેલ પ્રોપર્ટીના ભાવ ૮ કરોડ થઈ ગયા હતા.
ઉમેરવાની જરૂર નથી કે ડિપ્રેશન તો સદંતર નાબૂદ થઈ ગયું હતું અને જીવવા માટેના અનેક બહાના મળતા રહ્યા હતા.
મોરલ ઓફ સ્ટોરી: ‘મરણ મૂડી મરણ પહેલા વાપરી નાખવી.જલસાથી પાછલી જિંદગી જીવવી. ભોગવે તે ભાગ્યશાળી.’
નિવૃત્તિ પછી શું કરવું – શું ન કરવું તે નક્કી કરવા માટે એક સર્વેક્ષણ થયેલું.આ સર્વેક્ષણના ૯૦ % ટકા વરિષ્ઠ નાગરિકોની પસંદગી આ પ્રમાણે હતી: * સ્વસ્થતા જાળવવી.
- પ્રભુ સ્મરણ ને ધાર્મિક પુસ્તકનું વાચન કરવું.
- .કથા સાંભળવી.
- પરિવાર સાથે સમય પસાર કરવો.
- .મિત્રો સાથે પ્રવાસ – પર્યટન કરવા.
છોડવા જેવી પ્રવૃત્તિ :
કાવા દાવા,ખટપટ,પ્રપંચ,ઈર્ષા,અદેખાઈ વગેરે છોડવા.બીજાની લીટી ભૂંસીને આપણી લીટી લાંબી કરવા પ્રયત્ન ન કરવો.
મોટા ભાગના વડીલની વાણીમાં નિરાશાના સૂર સાંભળવા મળતા હોય છે :
હવે પહેલા જેવું નથી રહ્યું ઘોર કળિયુગ છે બધું ખલાસ થઈ ગયું અમે જીવ્યા એવું કોઈ ન જીવી શકે. જાણે કે એમના ગયા પછી સૂર્ય ઉગવાનો જ ન હોય,ફૂલ ખીલવાનાં જ ના હોય,મેઘ ધનુષ્ય રચાવાના જ ન હોય ! બીજા શબ્દોમાં આ ઉંમરે સહાનુભૂતિની મેળવવાની આદમ્ય ઝંખના રાખવી ઠીક નથી.
ખરી વૃદ્ધાવસ્થા કોને ગણવી?
આંખ નબળી પડે પણ આત્મવિશ્ર્વાસ નબળો ન પડે એ સાચો વૃદ્ધ. રિપોર્ટમાં સુગર ન આવે પણ જીભ ઉપર કાયમ મીઠાશ ટકી રહે એ ખરો વૃદ્ધ બોલીને નહીં, પણ મૌન રહેવાથી પરિવારમાં સમસ્યાનું સમાધાન થઈ જાય એ ખરો વૃદ્ધ. મૃત્યુના સમાચાર નાની અવસાન નોંધને બદલે ‘બ્રેકિંગ ન્યૂઝ’ બને એ ખરો વૃદ્ધ !
બોલો, આપ કેવા વૃદ્ધ બનવા ઈચ્છો છો ?Choice is yours.!