ઈન્ટરવલ

ઇંધણ ઇલેકશનનું

નવા વર્ષમાં તેજીની ગાડીને પૂરપાટ દોડાવે એવા ઘણાં પરિબળ છે!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

નવા વર્ષનો પ્રારંભ સહેજ નિરસ રહ્યો છે, પરંતુ એકધારી તેજી બાદ કરેકશન જરૂરી અને અનિવાર્ય પણ છે. હાલની સ્થિતિ જોઇએ તો, રોકાણકારોનું તાત્કાલિક ધ્યાન ત્રીજા ક્વાર્ટરની કોર્પોરેટ ક્ષેત્રની કમાણી પર રહેશે અને કમાણીમાં કોઈપણ વિક્ષેપ બજારને પ્રોફિટ બુકિંગ ઝોનમાં ધકેલી શકે છે.

જોકે વિશ્ર્લેષકો માને છે કે અનેક તેજીપ્રેરક પરિબળો ઉપરાંત ખાસ કરીને લોકસભાનું ઇલેકશન ભારતીય ઇક્વિટીને આગામી સમયમાં તેજીની ચાલ આગળ વધારવામાં ઇંધણનું કામ કરશે.

નવા વર્ષનો પ્રારંભ સહેજ નિરસ રહ્યો હોવા છતાં શેરબજારમાં તેજીનો દોર આગળ વધી શકે એવા લક્ષણો દેખાઇ રહ્યાં છે. બંને બેન્ચમાર્ક ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા હોવાથી પ્રત્યાઘાતી ઘટાડો તોળાઇ રહ્યો હોવા છતાં બજાર મચક ના આપતું હોય એવો તાલ દેખાઇ રહ્યો છે. હવે સવાલ એ છે કે, કરેકશનની શક્યતાની ધૂળધાણી કરતો આગળ વધી રહેલો આખલો શું ૨૦૨૪ના વર્ષાંત સુધી ધસમસતો રહેશે ખરો?

શેરબજારમાં વર્ષ ૨૦૨૩માં જ નવા ઇતિહાસની રચના અંતર્ગત સેન્સેક્સે અગાઉ જ ૭૨,૦૦૦ની અત્યંત મહત્ત્વપૂર્ણ સપાટી વટાવી નાખી છે અને હજુ નવા શિખર બનાવવા તત્પર હોય એવું જણાય છે.

બજારના પીઢ અભ્યાસુઓ અનુસાર દેશનું અર્થતંત્ર બળકટ છે અને વૈશ્ર્વિક સ્તરે પણ સાનુકૂળ પરિબળો મોજૂદ હોવાથી તેજીવાળાઓએ શેરબજારની લગામ પોતાના હાથમાં લઇ લીધી છે.
વૈશ્ર્વિક સ્તરે અમેરિકાની ફેડરલ રિઝર્વ હવે વ્યાજદર નહીં જ વધારે અને તેમાં કાપ મૂકશે, એવું લગભગ નક્કી જ થઇ ગયું છે, જ્યારે સ્થાનિક સ્તરે અર્થતંત્ર ઝડપી વિકાસની દિશામાં હોવાના પણ લક્ષણો દેખાઇ રહ્યાં હોવાથી બજારમાં લેવાલી વધી હતી.

મજબૂત સ્થાનિક મેક્રો ઇકોનોમિક ફંડામેન્ટલ્સ, તાજેતરની ચૂંટણીઓમાં ભાજપની સફળતાને કારણે રાજકીય સ્થિરતા, આશાવાદી કોર્પોરેટ અર્નિંગ આઉટલૂક, યુએસ ફેડરલ રિઝર્વના સંકેતો સહિતના સકારાત્મક પરિબળોની વચ્ચે દલાલ સ્ટ્રીટના રોકાણકારોએ ૨૦૨૩માં તેમની સંપત્તિમાં ૮૧.૯૦ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો કર્યો હતો.

અગ્રણી સ્ટોક એક્સચેન્જો બીએસઇ અને એનએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજારમૂલ્ય આ વર્ષે અનુક્રમે ૨૯ નવેમ્બર અને પહેલી ડિસેમ્બરના રોજ પ્રથમ વખત ચાર ટ્રિલિયન ડોલરના માઇલસ્ટોન પર પહોંચ્યું હતું.

આપણે ૨૦૨૪ની વાત કરીએ તો ભારતીય શેરબજાર માટે કદાચ સૌથી મહત્ત્વનું પરિબળ લોકસભાની ચૂંટણીમાં રહેલું છે. મોટાભાગના વિશ્ર્લેષકોનું માનવું છે કે સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં તેજીની ચાલ ચથાવત્ રહેશે અને આગામી છએક મહિનામાં બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી સાતેક ટકા સુધીનો ઉછાળો નોંધાવી શકે છે.

વર્ષ ૨૦૨૩માં સેન્સેક્સ ૧૧,૩૯૯.૫૨ પોઈન્ટ અથવા ૧૮.૭૩ ટકા અને નિફ્ટી ૩,૬૨૬.૧ પોઈન્ટ અથવા ૨૦ ટકા ઊછળ્યો હતો. નવા વર્ષની વાત કરીએ તો લોકસભાની ચૂંટણી, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી, અમેરિકા અને ભારતમાં વ્યાજ દરોની ગતિ, ફુગાવાના વલણો અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ શેરબજાર માટે મુખ્ય પરિબળો હશે.

તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં શાસક પક્ષના વિજયની અસર આપણે જોઇ હતી અને હવે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં બહુમતી સાથે સરકારનું પુનરાગમન, નવા વર્ષ માટે બજારની વિશ-લિસ્ટનું એક મુખ્ય ઘટક છે. અહીં નોંધવું રહ્યું કે બજારને માત્ર રાજકીય સ્થિરતા સાથે નિસ્બત છે.

તર્કથી સમજીએ તો, બજારની ગતિશીલતાને આકાર આપવામાં રાજકીય સ્થિરતા મહત્વની ભૂમિકા ભજવે છે. બજાર એવી સરકાર ઝંખે છે, જે ૨૦૨૪માં સતત આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણને પ્રોત્સાહન આપે. ટૂંકમાં લોકસભાની ચૂંટણી અને ચૂંટણી પછીનું પ્રથમ બજેટ સ્થાનિક મોરચે સૌથી મહત્ત્વપૂર્ણ હશે.
તેજી માટેના કારણોની યાદી આપતા એક ટોચના વિશ્ર્લેષક કહે છે કે, ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું છે અને તાજેતરમાં યોજાયેલી રાજ્યની ચૂંટણીઓમાં ભાજપની જીતે રોકાણકારોના સેન્ટિમેન્ટને વધુ વેગ આપ્યો છે.

ઉપરાંત મેક્રોઇકોનોમિક પરિબળો સકારાત્મક બનવાની શરૂઆત સાથે યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થવાથી ફરી એકવાર મજબૂત વિદેશી ભંડોળના પ્રવાહને વેગ મળ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાથી ફુગાવોે અંકુશમાં રહેશે, જે ઇક્વિટી બજાર માટે સારો સંકેત છે. આ પરિબળો જોતા આગામી બે ત્રિમાસિક સમયગાળામાં તેજી વધુ ચાલુ રહેવાની સંભાવના છે.

વિશ્ર્લેષકો દ્વારા એવા અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે, આગામી સાતેક મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધુ સાતેક ટકાનો વધારો જોવા મળી શકે છે, જ્યારે મિડકેપ અને સ્મોલકેપ શેરઆંકોેમાં વધુ દસથી પંદર ટકાનો ઉછાળો જોવા મળી શકે છે. આગળ જતાં યુએસ બોન્ડની ઊપજમાં ઘટાડો અને ડોલર ઇન્ડેક્સના નબળાઇ અને યુએસએમાં વ્યાજ દરોમાં કાપની અટકળો જોતાં વિદેશી રોકાણકારો ડોલર ઠાલવીને વેગ વધારશે.

જોકે, એ વાતનું પણ ધ્યાન રહે કે, બજાર ઓવરબોટ પોઝિશનમાં છે. એકધારી તેજી બાદ કરેકશન જરૂરી પણ છે. હાલની સ્થિતિ જોઇએ તો, રોકાણકારોનું તાત્કાલિક ધ્યાન ત્રીજા ક્વાર્ટરની કોર્પોરેટ ક્ષેત્રની કમાણી પર રહેશે અને કમાણીમાં કોઈપણ વિક્ષેપ બજારને પ્રોફિટ બુકિંગ ઝોનમાં ધકેલી શકે છે.

જોકે, કોર્પોરેટ ઇન્ડિયાની સમૃદ્ધ બેલેન્સ શીટ અને ભારતીય બૅન્કિંગ સિસ્ટમની નોંધપાત્ર મજબૂતી ખૂબ જ સકારાત્મક પરિબળો છે. આ તત્ત્વો ભારતીય ઇક્વિટીને આગામી સમયમાં તેજીની ચાલ આગળ વધારવામાં ઇંધણનું કામ કરશે.

માર્કેટ એનાલિસ્ટના મતે ૨૦૨૪માં બેન્કિંગ, નાણાકીય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ગુડ્સ, સિમેન્ટ, રિયલ્ટી અને રિન્યુએબલ સેક્ટર પર ફોકસ રહેવાની શક્યતા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button