ઈન્ટરવલ

ઓ.. મેઘા રે મેઘા રે…! બારે મેઘ ખાંગા થઇ લીલોતરી ક્યારે વરસાવશે?

ધખીને ભઠ્ઠી બની ગયેલી ધરતીને વરસાદી ઠંડકની ઝંખના

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

ચોમાસુ હફ શરૂ તો થઇ ગયું છે, પરંતુ હજુ પર્યાપ્ત મેઘ મહેર થઇ નથી. ઉત્તર અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશો હજુ હીટ વેવનો સામનો કરી રહ્યાં છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ હજુ માફકસરનો વરસાદ થયો નથી.

મુદ્દાનો સવાલ એ છે કે, ધોમધોખતા ઉનાળામાં રીતસર દાઝી ગયેલી ધરતી અને તેને કારણે શેકાઇ રહેલા અર્થતંત્રને વરસાદની હેલીથી કયારે અને કેટલી ઠંડક મળશે?

આ વખતે ઉનાળો વધુ પડતો, હદથી બહાર આકરો અને કાળઝાળ રહ્યો છે. આ ગ્રીષ્મ ઋતુમાં સામાન્ય કરતા વધુ અગ્નિબાણોની વર્ષા થઇ હોવાથી ધરતી રીતસર દાઝી ગઇ હોય એવું લાગે છે. બદલાતી મોસમની અસર માત્ર નદી, ઝરણા, વૃક્ષ અને પશુપંખીઓ પર જ નહીં, પરંતુ અર્થતંત્ર પર પણ થાય છે. હવે ચોમાસાનો પ્રારંભ તો થઇ ગયો છે, પરંતુ શું અર્થતંત્રને પર્યાપ્ત તરલતા મળશે ખરી?

નોકરિયાત અને મધ્યમવર્ગના આમઆદમીને સૂરજના તડકાની જેમ મોંઘવારી પણ દઝાડી રહી છે. શું આ વરસાદ આકરા ઉનાળા જેવાં જ કાળઝાળ ફુગાવાની આગને ઠારવા માટે પર્યાપ્ત રહેશે? આપણે વર્ષા ઋતુ અને અર્થતંત્રના સંબંધ વિશે વાત કરતા પહેલા જૂન મહિનાના પ્રથમ સપ્તાહ સુધી આભમાંથી વરસેલી આગના સંભવિત પરિણામ અને આ વખતે ચોમાસાની મોસમ અંગેની આગાહી વિશે જાણી લઇએ!

ગરમીની અસરને કારણે પણ પાક અને અર્થતંત્ર પર વિપરીત અસર થવાની શક્યતા પણ વ્યક્ત થઇ છે. હવામાન નિષ્ણાતો ભારતમાં હીટ વેવ (ઉષ્ણપ્રવાહ)માં જબરો વધારો થયો હતો, અતિશય ગરમીના મોજા રોજિંદા જીવન, વ્યવસાય અને અર્થતંત્ર સાથે લોકોના ઘરના બજેટને પણ ગંભીર અસર પહોંચાડે છે. વધુ ગરમ તાપમાનની આગાહી સાથે, વીજ માગમાં વધારો થયો છે, જે વીજ ઉત્પાદન પર દબાણ લાવે છે અને સંભવિત રીતે પાવર કટ તરફ દોરી જાય છે. વૈજ્ઞાનિકો અનુસાર, ઉષ્ણ તરંગો અનાજ ઉત્પાદનને પણ વિક્ષેપિત કરી શકે છે અને તેને કારણે પુરવઠામાં ઘટાડો થતાં ખાદ્ય પદાર્થોની કિંમતો વધવાથી ગ્રામીણ માગને અસર થાય છે. આ બધાના સરવાળારૂપે દેશના કુલ સ્થાનિક ઉત્પાદનને ધક્કો પહોંચે છે અને જીડીપી વૃદ્ધિ ધીમી પડે છે.

ભારતીય હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, ૩૦ જૂને પૂરા થતા ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન વિવિધ વિસ્તારોમાં, સામાન્ય ચારથી આઠ દિવસની સરખામણીએ ૧૦ થી ૨૦ દિવસ સુધી હીટ વેવનો પ્રકોપ જોવા મળ્યો છે. આત્યંતિક ગરમીનો લાંબો સમય પાકને નુકસાન પહોંચાડી શકે છે, પાણીની તંગી સર્જી શકે છે અને વીજ વપરાશમાં વધારો કરી શકે છે, જેના માટે કોલસાના વધુ વપરાશની જરૂર પડે છે. ભારત આ તમામ અસરોનો સાક્ષી બની શકે છે, જે તેના મજબૂત આર્થિક વિકાસને નબળા બનાવી
શકે છે.

ઊંચા તાપમાનને કારણે દેશમાં ફળો અને શાકભાજીના ઉત્પાદન પર અસર પડી શકે છે. ગરમીના તરંગોને કારણે પાક સુકાઈ જાય છે, અટકી જાય છે અથવા વહેલા પાકે છે જે ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે અને ભાવમાં વધારો કરી શકે છે. ગરમીના તરંગો સિંચાઈ માટે પાણીની માગમાં વધારો કરે છે, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના સ્ત્રોતો પર તાણ લાવી શકે છે. પાકની ઉપજમાં ઘટાડો, દુષ્કાળ, જંતુઓ અને રોગના દબાણમાં વધારો અને જમીનનો બગાડ એ કેટલીક સામાન્ય અસરો છે.

ગરમીના તરંગોથી પશુઓના ચારાનું ઉત્પાદન પણ ઘટે છે તેમજ પશુ ઉત્પાદકતામાં ઘટાડો થાય છે જે દૂધના ભાવમાં વધારો તરફ દોરી જાય છે. એ જ રીતે મરઘાં અને માછીમારીને પણ વધતા તાપમાનને કારણે અસર થઈ છે.અનુમાનિત ગરમીના તરંગો વહેલી પરિપક્વતા સાથે શાકભાજીના પુરવઠાને અનિયમિત બનાવી શકે છે જે અમુક સમયગાળામાં વધારાના પુરવઠા અને કેટલીક અછત તરફ દોરી જાય છે, જે ખાદ્ય ફુગાવા અંગેની ચિંતાઓ વધારી શકે છે.

હવે ચોમાસા તરફ ફરીએ તો, એક હવામાનશાસ્ત્રીએ તાજેતરમાં એવી આગાહી કરી હતી કે, અલ નીનોની સંભવિત પરિસ્થિતિ ઝડપથી લા નીના તરફ પલટાઇ રહી છે. ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટે એવી આગાહી કરી હતી કે, ભારતમાં આ વર્ષે ચોમાસું સામાન્ય અને એકંદરે સંતોષજનક રહેવાની સંભાવના છે. જૂન અને સપ્ટેમ્બર વચ્ચેના ચાર મહિનાના સમયગાળા માટે ૮૬૮.૬ મિલિમીટરની લાંબા ગાળાની સરેરાશના ૧૦૨ ટકા વરસાદની અપેક્ષા છે.

આ એક ક્ષોભજનક બાબત છે કે આઝાદીના અમૃતકાળમાં પણ દેશની લગભગ ૪૩ ટકા ખેતીની જમીનમાં સિંચાઈથી વંચિત છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશા જેવા રાજ્યોના ખેડૂતો ખરીફ પાક ઉગાડવા માટે આજે પણ વાર્ષિક ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. દેશના મુખ્ય અનાજના સ્રોત જેવા પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિતના પ્રદેશોમાં તો ખેડૂતો વરસાદ માટે તલસી ગયા હોવાના અહેવાલ છે.

સંક્ષિપ્તમાં એમ કહી શકાય કે આપણો કૃષિ પ્રધાન દેશની ખેતીવાડી આજે પણ મહદ્અંશે વરસાદી જળ પર નભે છે. ચોમાસા દરમિયાન ફરીથી ભરાયેલા જળાશયો પણ રવિ ઉત્પાદન માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એ નોંધવું રહ્યું કે, રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિ ક્ષેત્રનો ફાળો લગભગ ૧૮ ટકા છે અને જીડીપીમાં તેનો હિસ્સો લગભગ ૧૬ ટકા જેટલો છે.

હવામાનશાસ્ત્રીના મતે ભારતના દક્ષિણ, પશ્ર્ચિમ અને ઉત્તર પશ્ર્ચિમ ભાગોમાં પર્યાપ્ત અને એકંદરે સારો વરસાદ થશે. આ વરસાદ વર્ષ દરમિયાન પાકની ઉપજમાં સુધારો કરી શકે છે. જો ખાદ્ય ઉત્પાદન વધે, તો તે ફુગાવાના આંકડાને નીચે લાવવામાં વધુ મદદ કરી શકે છે.

સ્કાયમેટે કરેલી આગાહીમાં એવું જણાવાયું હતું કે, અલ નીનો પેટર્ન ઝડપથી લા નીના તરફ વળી રહી છે. અને લા નીના વર્ષો દરમિયાન ચોમાસાનું પરિભ્રમણ વધુ મજબૂત બને છે. ઉપરાંત, સુપર અલ નીનોથી મજબૂત લા નીનામાં સંક્રમણ ઐતિહાસિક રીતે યોગ્ય ચોમાસું ઉત્પન્ન કરવાનું વલણ ધરાવે છે. જો કે, ચોમાસાની સિઝન અલ નીનોની કેટલીક આડઅસરો જોવા મળી શકે છે.

સિઝનના બીજા ભાગમાં પ્રાથમિક તબક્કાની સરખામણીએ જબરજસ્ત મૂશળધાર વરસાદ જોવા મળે એવી સંભાવના છે.

હવે મૂળ સવાલ ે છે કે, શું સામાન્ય ચોમાસું મોંઘવારી ઘટાડવા માટે પર્યાપ્ત રહેશે? પાછલા પાંચ વર્ષમાં સામાન્ય કે તેથી વધુ ચોમાસું જોવા મળ્યું છે.

અને આ સમયગાળા દરમિયાન અનાજનું ઉત્પાદન વધ્યું છે. જો કે, વિશ્ર્લેષકોના મતે ખાદ્ય ફુગાવો છ ટકાની નીચે રાખવા માટે તે પૂરતું નથી.

રિઝર્વ બેન્કે પણ આ વખતે સારું ચોમાસુ રહેવાની ધારણા સાથે ફુગાવો અંકુશમાં રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે. આરબીઆઇએ જોકે એક તબક્કે
એવો મત પણ વ્યકત કર્યો હતો કે, ભારે હવામાનના કારણે ખાદ્યપદાર્થોનો વૈશ્ર્વિક પુરવઠો ખોરવાઈ શકે છે. સેન્ટ્રલ બેંકે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ વધારો થવાનું જોખમ છે.

યુક્રેનનું અવિરત યુદ્ધ પણ ખાદ્ય પુરવઠાને વધુ વિક્ષેપિત કરી શકે છે. અલબત્ત આ બંને મોરચે આશાના કિરણો તો દેખાયા છે, પરંતુ હાલ તે વાસ્તવિકતા નથી.

દેશની મધ્યસ્થ બેન્કે જોકે એવી આશા પણ વ્યક્ત કરી છે કે, ખાદ્ય કિંમતની અનિશ્ર્ચિતતાઓે આગળ જતા ફુગાવાનું દબાણ વધવાના સંકેત આપે છે, પરંતુ રવિ ઘઉંનું વિક્રમી ઉત્પાદન ભાવ દબાણને ઓછું કરવામાં અને બફર સ્ટોકને ફરીથી ભરવામાં મદદ કરશે.

આમ છતાં, સામાન્ય ચોમાસાના પ્રારંભિક સંકેત ખરીફ સિઝન માટે સારા સંકેત આપે છે. તેથી, જો દેશમાં સામાન્ય ચોમાસું આવે તો પણ, જુલાઈ અને ઓગસ્ટના નિર્ણાયક મહિનાઓ દરમિયાન ખાદ્યપદાર્થોના ભાવ નિયંત્રણમાં રહેશે તેની ખાતરી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…