ઈન્ટરવલ

કાયદેસર રજા નથી મળતી ? ન મળે તો ગુલ્લી મારો!

વ્યંગ -ભરત વૈષ્ણવ

પાણીમાં પલળેલ કૂકડા જેવો રાજુ રદી મૂરઝાયેલા મોંઢે મારા ઘરમાં ચૂપચાપ આવીને ખુરશી પર ફસડાઈ પડ્યો.
‘રાજુ, આજે કેમ હવાઈ ગયેલા પાપડ જેવો દેખાય છે?’

‘આજીવન વાંઢાને વધુ એક છોકરીએ બાબાજી કા ઠુલ્લું દેખાડ્યું?’ મેં પૂછયું. આમ રાજુની દુખતી નસ દબાવી.

‘નો કિડિંગ…. નો ટિઝિંગ…. ગિરધરભાઇ, આઇ એમ નોટ ઇન મુડ ટુ લિસન…આવી ફાલતું વાત !’ રાજુએ દઢતાથી કહ્યું.
‘ઓકે. અત્રે પધારવાનું પ્રયોજન જણાવશો?’ મેં રાજુને દાઢમાં પૂછયું.

‘ગિરધરભાઇ, હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવાનો સમય આવી ગયો છે.’ રાજુ ચીફ ઓફ ડિફેન્સ જેવી મક્કમતાથી બોલ્યો.

‘છાપામાં એવી કોઇ ઘટનાનો રિપોર્ટ છપાયો નથી કે સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડે.’

‘ગિરધરભાઇ, જુદા પ્રકારની સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડશે. આ દેશ બે વર્ગમાં વહેંચાઈ ગયા છે. એક રજાપ્રધાન છે. આ વર્ગ રજાની રાહ જુએ છે. કેલેન્ડરમાં રજા વચ્ચેના ખાલી દિવસો ગણે છે. ખાલી દિવસની રજા મૂકી રજાના દિવસો વધારે છે. રજાને રજા તરીકે માણે છે. રજા પડી ટલે મમરાની ગુણની જેમ ઘરમાં બેસી રહેતા નથી. બેગ, બિસ્તરાં,થેલા, હોલસ્ટર વગેરે લઇ, મિત્રો-સગાંવહાલા સાથી સાથે પર્વત, ખીણ, નદીઓ, સાગર ખૂંદવા નીકળી પડે છે. રોક કલાઇમ્બિંગ માઉન્ટેનિયરિંગ, સ્કૂબા ડાઇવિંગ, પેરા ગ્લાઇડિંગ વગેરે કરે છે…. રજાની પળેપળનો ઉપયોગ કરી એનર્જી લેવલ વધારે છે. મોનોટોનસ જિંદગીને મનગમતી બનાવે છે.. આ વર્ગ યે દિલ માંગે મોર ટાઇપ વધુ રજા ઝંખે છે. અલબત્ત, રજાના અતિરેક એમના કામને વધુ ધારદાર બનાવે છે. વ્યવસાયિક જીવનમાં પણ તેજીલા તોખારની જેમ ટાર્ગેટ એચિવ કરે છે. આ વર્ગ જિંદાદિલ છે!’ રાજુએ રજાના તરફદારીઓની તરફદારી કરી.

રાજુ, જૂના જમાનામાં ઋુષિઓ હવન કરતા હતા. આ હવનને અપવિત્ર કરવા- દૂષિત કરવા અસુરો હવનમાં હાડકાં નાંખતા… આવો વર્ગ રજા ઘટાડવાની ડુગડુગી વગાડનારો છે. એ બધા વિકસિત દેશ- વિકાસશીલ કે અવિકસિત દેશોનો હવાલો ટાંકીને રજાઓ દેશની ઉત્પાદકતા માટે ખતરાની ઘંટી છે એવો પ્રચાર કરે છે. કામના કલાકો વધારવા જોઇએ. ખેતરમાં કામ કરતા બળદ-ગર્દભ કે વણને પણ રજા મળતી નથી. વણઝારાના ઊંટને ય શ્રમ કાયદા મુજબ ન્યૂનતમ આહાર મળતો નથી. જો પશુઓ રજા ન ભોગવતા હોય અને અવિરત કામ કરતા હોય તો તમારા માટે રજા હક્ક નથી.’ મેં કહ્યું.

‘ગિરધરભાઇ. આ લોકો માને છે કે – દુનિયાના કોઈ દેશમાં આટલી રજાઓ નથી. એ જ રીતે દુનિયાના કોઈ દેશમાં હડતાલ ઉપર જનારા પ્રત્યે આટલી હમદર્દી પણ નથી. એમના કથનના સમર્થનમાં દાખલા ટાંકે છે, જેમ કે દાદરાનગર હવેલીની વિવિધ શાળાઓમાં છત્રીસ વરસ સેવા આપીને નિવૃત્ત થયેલા મૂળ કછોલીના આ શિક્ષકે ધીરજલાલ નાયકે એકપણ રજા લીધા વિના નોકરી પૂરી કરી છે.આ જ રીતે કુમારી પોરોચીસ્ટ સાવક પટેલ અને પ્રેટી પટેલના નામે આવો જ રેકોર્ડ ‘લિમ્કા રેકોર્ડસ બુક’માં નોંધાયા છે. રાજુએ યુનિક રેકર્ડ રજૂ કર્યો.

‘રાજુ. આપણા દેશમાં રજાઓનો અતિરેક છે. કયારેક સરકાર કોઈ રજા બંધ કરે છે તો લોકો એનો વિરોધ કરે છે. રજાઓ તો સરકાર અને અર્ધ સરકારી સંસ્થાઓને મળે છે. બૅંકોને મળે છે. ખાનગી ઉદ્યોગોને તો બારેમાસ કામ કરવું પડે છે. શ્રમજીવીઓને રજાઓ મળતી નથી અથવા ઓછી મળે છે. રજામાં લોકોનાં કામ ટલ્લે ચડે છે. રજા ભોગવ્યા પછી એકાદ બે દિવસ કર્મચારીઓ થાક ઉતારવામાં કાઢે છે. એ આરામ કરીને આળસુ થઈ ગયા હોય છે.’ મે રાજુને સરકારીબાબુઓની માનસિકતા જણાવી.

‘ગિરધરભાઇ. કયારેક કર્મચારીઓ કોઈ રજા રવિવારે આવી જાય તો અફસોસ કરે છે કે આપણે રજા ગુમાવી તો બીજા કેટલાક સંનિષ્ઠ કર્મચારી એવા પણ છે કે જે અફસોસ કરે છે કે આપણે એક દિવસ કામનો ગુમાવ્યો.. એવું લાગે છે કે અમુક દિવસોના અપવાદો સિવાય બૅંનું કામકાજ અને ઓફિસોનું કામકાજ ચાલુ રાખવું જોઇએ…’ રાજુએ ઉમેર્યુંરાજુ, હમણાં અદાલતે રજાની હિમાયત કરનાર વર્ગને ચુકાદાનો ડામ દઇ દીધો છે. બન્યું એવું કે ૨ ઓગસ્ટ ૧૯૫૪ના રોજ દાદરા-નગર-હવેલી વિસ્તાર પોર્ટુગીઝોના વર્ચસ્વથી મુક્ત થયો હતો. યાચિકાકર્તાના દાવા મુજબ ૨ ઓગસ્ટ ૧૯૫૪થી ૨ ઓગસ્ટ ૨૦૨૦ સુધી દાદરા-નગર-હવેલી મુક્તિ દિવસ’ તરીકે રજા આપવામાં આવતી હતી. ‘જો કે, પ્રશાસને કાઢેલી અધિસૂચનામાં આ દિવસનો સમાવેશ જાહેર રજાની યાદીમાં કરવામાં આવ્યો નથી….. જો ૧૫ ઓગસ્ટ અને ૨૬ જાન્યુઆરીના જાહેર રજા હોય તો ૨ ઓગસ્ટના રોજ શા માટે જાહેર રજા ન હોઈ શકે?’ તેવી અદાલતમાં અરજી ફાઇલ કરવામાં આવી. અરજદારને એમ કે ‘તારીખ પે તારીખ’ની ગેમ રમાતી હોય એ વચ્ચે તબિયતભેર મળવાપાત્ર રજા ઉપરાંત સમર વેકેશન- વિન્ટર વેકેશન- ખ્રિસ્તી ન હોવા છતાં ક્રિસમસ વેકેશનની લકઝરી ભોગવતા જજ સાહેબો આ રજા મંજૂર કરશે…. તેના બદલે શું થયું તે ખબર છે?’મેં પૂછયું.

‘શું થયું , ગિરધરભાઇ અદાલતે યાચિકાકર્તાની તરફેણમાં ચુકાદો આપ્યો?’

‘ના… રાજુ, યાચિકાકર્તાની અરજી ફગાવી દેતાં અદાલતે કહ્યું કે જાહેર રજાઓ એ નાગરિકોનો કાયદેસર અધિકાર નથી… અગાઉથી જ આપણે ત્યાં ઘણી જાહેર રજાઓ છે જે ઓછી કરવાનો સમય આવી ગયો છે..’

‘હવે?’રાજુએ પૂછયું.

‘હવે બાબુડમની ટેક્નિક અપનાવો. કાયદેસર રજા ન મળે તો ગુલ્લી મારો …ઑફિસ બંક કરો… ફ્રેંચ લિવ લો… રજાના લિસ્ટમાં કે રજાના રૂલ બુકમાં આ રજા નથી! બાબુને કોણ પૂછનાર છે. કોઈ સિનિયરની હિંમત છે કે કોબ્રાને છંછેડે? સબ ભૂમિ છુટીયોં કી! ગુલ્ટ્લી માત કી જય !’ મેં રાજુને પ્રેક્ટિકલ રસ્તો દેખાડ્યો.

આખલો લાલ કપડું જોઇ ભડકે તેમ રાજુ ગુટ્લીની સર્જિકલ સ્ટ્રાઇક કરવા બુલેટ ટ્રેનની સ્પીડે મારા ઘરેથી ભાંગ્યો!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા