કશું કાયમી નથી, દેવોનું રાજ પણ નહીં !
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ભારતે વિશ્ર્વને વેદ, ઉપનિષદ તથા પુરાણ કથાઓ થકી સર્વોત્તમ સાહિત્ય આપ્યું છે. આપણા સાહિત્યમાં ફક્ત શ્રેષ્ઠ અલંકારિક ભાષા જ નથી , પણ જીવન જીવવા માટે મૌલિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે. વિશ્ર્વના સૌથી પૌરાણિક સાહિત્ય તરીકે જેની ગણના કરવામાં આવે છે એ ભારતીય પરંપરાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે આપણા વેદો.
વેદ શબ્દનો સરળ અર્થ જ્ઞાન થાય. વેદનો પ્રારંભ એટલે સભ્ય સમાજની વિચારધારાનો પ્રારંભ થયો કહેવાય. ભારતે દુનિયાને જ્ઞાનનું મહત્ત્વ આપતું પુસ્તક એવાં વેદ અને ઉપનિષદ આપ્યાં છે. આપણી ભારતીય વિચારધારાના પ્રારંભને ઋગ્વેદ કહી શકાય.
સરળ શબ્દોમાં સમજીએ તો ઋગ્વેદના મંત્રોને ‘ઋચા’ તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વેદમાં સૌથી વધુ મંત્રો ઇન્દ્ર માટે છે, આ એ જ ઇન્દ્ર છે જેને મહાન યોદ્ધા તરીકે યાદ કરીએ છીએ. આ એ જ ઇન્દ્ર છે જેની માણસ જેવી સામાન્ય ઘેલછાઓ માટે હાસ્યાસ્પદ કથાઓ સાંભળેલી છે. ઇન્દ્રની કથાઓ વાંચીએ ત્યારે એ બે છેડા પર ચાલતો હોય એવું લાગે. એક તરફ પ્રચંડ પ્રરાક્રમી શક્તિશાળી રાજા છે તો બીજી તરફ માનવ કરતાં ય પામર વિચારો સાથે જીવન જીવે છે. આપણા માટે ઇન્દ્રને એક એવું ક્ધફ્યુઝ કેરેક્ટર બનાવવામાં આવ્યું છે, જેની પાસે જબરદસ્ત શક્તિ છે છતાં મોહ-લોભનો સામનો કરવામાં અસમર્થ છે.
ઇન્દ્રના માધ્યમથી ભારતીય પૌરાણિક સાહિત્યએ આપણને શીખવ્યું છે કે સમગ્ર બ્રહ્માંડમાં કોઈ પરફેક્ટ નથી. આપણા સાહિત્યમાં એટલે સુધી લખ્યું કે બ્રહ્માંડના પ્રારંભમાં સત્ય કે અસત્ય હતું કે કેમ એ શંકા છે. કોણે બ્રહ્માંડનું નિર્માણ કર્યું એની પણ કોઇને ખબર નથી.
આપણી મૂળ વાત, ઇન્દ્ર દેવાધિદેવની ક્વોલિટી ધરાવે છે તો માનવીય નબળાઈઓ ધરાવે છે. એક પાસું સર્વોત્તમ હોય તો એ વ્યક્તિને સર્વગુણસંપન્ન માની લેવો જરૂરી છે? વૈદિક સાહિત્યમાં ઇન્દ્રનું ઉદાહરણ થકી લડાયક રાજા હોવા છતાં સર્વગુણસંપન્ન સ્વીકાર કરવાની સ્પષ્ટ ના પાડે છે. આપણી કથાઓ મુજબ દરેકમાં સારાં -નરસાં ગુણો રહેલા છે. જો દેવાધિદેવ દેવ ઇન્દ્રની ક્વોલિટી સ્વર્ગનો રાજા બનવા છતાં બદલી શક્યા નથી તો પછી આપણે પામર માનવી છીએ. આપણે કેવી રીતે સર્વગુણસંપન્ન બની શકીએ?
પુરાણોમાં એક કથા લખવામાં આવી છે કે દેવ અને દાનવો વચ્ચે લડાઇ થવાની હતી. બંને પક્ષ યુદ્ધ જીતવા બ્રહ્માજી પાસે માર્ગદર્શન લેવા ગયાં. બ્રહ્માજીએ બંને પક્ષને કહ્યું કે રાજા રજિ જેમના પક્ષમાં હશે એની જીત થશે. દાનવો રાજા રજિને પોતાના પક્ષે લડવા માટે વિનંતી કરી. રજિએ શરત મૂકી કે હું તમારા પક્ષે લડવા તૈયાર છું , પણ વિજય પછી મને તમારો ઇન્દ્ર માનવો પડશે. દાનવોએ લાંબો વિચાર કરીને શરતનો અસ્વીકાર કર્યો. દેવોએ વિનંતી કરતાં રાજા રજિએ ફરી શરત કરી કે મને ઇન્દ્ર માનવો પડશે. દેવોએ આ શરત કબૂલ રાખી.
દેવોનો વિજય થતાં રાજા રજિનાં ચરણોમાં જઇને ઇન્દ્રે કહ્યું કે આપ અમારા પક્ષમાં રહીને લડ્યા એ માટે આપનો આભાર માનીએ છીએ અને આપ મારો પુત્ર તરીકે સ્વીકાર કરો. હું જગત પર આપના પુત્ર તરીકે સ્વર્ગમાંથી રાજ્ય ચલાવવા માગુ છું. રાજા રજિ પાસે ઇન્દ્રની વાતનો સ્વીકાર કર્યા સિવાય વિકલ્પ ન હતો. કથા આગળ ચાલે છે પણ આપણી વાત એટલી જ છે કે વિષમ પરિસ્થિતિમાં માર્ગ કાઢવાની આવડત ઇન્દ્ર પાસે હતી.
દેવોના રાજા ઇન્દ્રની પ્રશસ્તિ માટે ૨૮૦૦ કરતાં વધુ ઋચાઓ ઋગ્વેદમાં લખવામાં આવી છે. વેદમાં વૃદ્ધશ્રવાને બૃહત્શ્રવા પણ કહયો છે. બૃહત્શ્રવા એટલે જેણે વૃત્ર નામના રાક્ષસનો સંહાર કર્યો છે.
વૃત્ર વિશે જાણવાથી ઇન્દ્રને સમજવો સરળ થશે. જે ઢાંકી દે છે તે વૃત્ર છે. વૃત્રએ ધરતીને ઢાંકી દીધી અને માનવજાતને પ્રકાશ અને પાણીથી વંચિત કરી દીધી. પાણી અને પ્રકાશ વગર ધરતીનું અસ્તિત્વ શક્ય જ નથી. વૃત્રએ ધરતી પર જ્ઞાનના સાક્ષાત્કાર સામે લડત આપી હતી.
વૃત્ર નામનો દાનવ જ આપણી વૃત્તિ છે. માણસને સૌથી વધારે નુકશાન એની વૃત્તિઓ કરાવે છે. જિંદગીનો ઘણો સમય એવી વૃત્તિને આપી દેતાં હોઇશું જેનાથી કોઈ ફાયદો થવાનો નથી. મૌલિક વાંચનના બદલે બિનજરૂરી હોય એવા સોશિયલ મિડિયા પર વર્ષો વ્યતીત કરવા એ વૃત્રની વૃત્તિ છે. માણસની અંદર ભય કે લાલસાની વૃત્તિ છૂપાયેલી છે. જે વૃત્તિ આપણે છોડવા માગીએ છીએ છતાં છોડી શક્તાં નથી. વૃત્ર આપણા દિલ અને દિમાગમાં વાઇરસની જેમ છુપાયેલો છે જે આપણને મુક્તિ તરફ આગળ વધવા દેતો નથી.
આપણે માનીએ છીએ એટલો વૃત્ર સરળ નથી. વેદકથા મુજબ વૃત્ર વિદ્વાન પિતાનો પુત્ર હતો. પરેશાન કરતી વૃત્તિઓ હંમેશા વિદ્વાન બાપનું સંતાન હોય છે. જો તે વિદ્વાન ન હોત તો આપણને પરેશાન પણ ન કરી શક્યું હોત.
જો વૃત્રને રોકવો હોય તો વજ્ર જેવું હથિયાર જોઈએ. બસ, ઇન્દ્ર આ જ કહે છે કે વૃત્ર જેવી વૃત્તિનો નાશ કરવો હોય તો યોદ્ધા બનવું પડે, વૃત્ર સામે ઇન્દ્રએ ભયાનક લડાઈ લડી હતી. વૃત્રને મારીને ધરતી પર વર્ષા અને પ્રકાશને માર્ગ આપ્યો. માણસજાતે શીખવું જોઈએ કે મનની વૃત્તિ સામે લડવું હોય તો વજ્ર વસાવવું પડે.
જગતમાં સુખ પ્રાપ્ત કરવા માટે શોર્ટકટ હોતો નથી. આ જ રાજા ઇન્દ્ર પાસે ભરદ્વાજ મુનિનો પુત્ર યવક્રિત ગયો અને શોર્ટકટ રીતે વેદનું જ્ઞાન મગજમાં સીધેસીધું ડાઉનલોડ થઈ જાય એવું વરદાન માગ્યું. એણે ઇન્દ્ર પાસે વરદાન માગ્યું કે આ વેદ ગોખવાની ઝંઝટ કોણ કરે? ઇન્દ્ર એ સમજાવ્યું કે જ્ઞાન માટે કોઈ શોર્ટકટ નથી હોતો. યોગ્ય ગુરૂ પાસે જઇને જ જ્ઞાન મેળવીશ તો તારું કલ્યાણ થશે.
જે ઇન્દ્ર જ્ઞાન શોર્ટકર્ટ નથી એ જ ઇન્દ્રને માર્કેન્ડેય તપ કરતાં હતાં ત્યારે સત્તા જવાનો ડર લાગ્યો. ઇન્દ્ર સામેથી ઇન્દ્રાસન આપવા ગયા તો માર્કેન્ડેય સ્પષ્ટ કહ્યું કે તારા જેવા લાખો ઇન્દ્ર બ્રહ્માંડમાં ફરે છે. મને તારી ગાદીમાં કોઈ રસ નથી. જે ઇન્દ્ર જ્ઞાન માટે શોર્ટકટ નથી એવું કહેતાં હતાં એ જ ઇન્દ્ર ગાદી બચાવવા પણ ફરતા ફરે છે. વેદો અને ઉપનિષદની કથાઓ આપણને શીખવે છે કે તકલીફ પડે ત્યારે માણસ ગમે તેટલો જ્ઞાની હોય પણ મૂળ સ્વભાવ પર આવી જાય છે. વેદોમાં સૌથી વધુ મહત્ત્વ ધરાવતું પાત્ર ઇન્દ્ર ભારતવર્ષનું સૌથી શક્તિશાળી પાત્ર બની ગયું અને એના નામથી ઇન્દ્ર ઉત્સવ થવા લાગ્યાં.
ગોકુળના એક કિશોરે આવાં ઉત્સવનો વિરોધ કર્યો. ઇન્દ્રએ હાહાકાર મચાવવાની કોશિશ કરી, લડાઈ કરી તો બધે હાર મળી. ઇન્દ્ર પૂજા બંધ અને ગોકુળ પૂજા શરૂ થઈ. સ્વર્ગનો રાજા હોય કે દેવો હોય કે ગમે તેટલો શક્તિશાળી રાજા હોય. આપણા મહાન ગ્રંથો શીખવે છે કે દરેકનો સમય હોય છે. દરેકની વંદના, મહત્તા હોય કે કાર્યકાળની એક્સપાયરી ડેટ લખેલી જ હોય છે, આ જગતમાં કશું જ કાયમી નથી.
આપણે મેં કર્યું જેવી ભ્રમણામાં જીવીએ છીએ. ઇન્દ્ર જેવા ઇન્દ્રની મહત્તા કાયમી નથી એ શીખતા નથી. બ્રહ્માંડમાં આપણી કથાઓ મુજબ ચૌદ ઇન્દ્ર થઈ ચૂક્યા છે, જેના ભાઇઓ, મિત્રો અને સાથીદારો સૂર્ય, અગ્નિથી જળ સુધીના સામર્થ્યશાળી છે. ઇન્દ્ર સ્વર્ગનો સર્વોચ્ચ રાજા છે. એક કિશોર ચેલેન્જ આપે છે, થાય તે કરી લો અને જે પોતાને મહાન માનતો હતો એની મહત્તા ખતમ કરી નાખી. લોકહૈયામાં જે બિરાજમાન થઈ ગયાં એ કોણ?…
કૃષ્ણ કનૈયા લાલ કી જે…
ધ એન્ડ :
જિંદગી પરિવર્તનની મૂક યાત્રા છે, એનો આનંદ ભોગવતા શીખવું એ જ્ઞાન છે. (અજ્ઞાત)